સેહવાગનું આક્રમણ, લંકા લાચાર
ત્રીજી ટેસ્ટ વીરેન્દ્ર સેહવાગના ઝંઝાવાતી અણનમ ૨૮૪, આજે ત્રેવડી સદીની તક, ભારતના એક વિકેટે ૪૪૩
દરેક સત્રમાં રન
૫૩ લંચ પહેલાં પાંચ બાઉન્ડ્રી અને બે સિક્સર
૯૮ લંચથી ટી ટાઈમ વરચે ૧૪ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર
૧૩૩ અંત સુધીમાં ૨૧ બાઉન્ડ્રી, બે સિક્સર
વીરેન્દ્ર સેહવાગ જામી જાય ત્યારે કોઇ પણ હરીફ તેની સામે ટકી શકે નહીં તે ઉકિત ક્રિકેટવિશ્વમાં પ્રચલિત છે અને ગુરુવારે સેહવાગે આ ઉકિત સાચી પાડી દેતાં ઐતિહાસિક બેટિંગ કરી હતી અને તેનો ઝંઝાવાત કોઇ રોકી શક્યું ન હતું. અહીંના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે ગુરુવારે સેહવાગે તેનો કરિશ્મા દાખવીને રનની આતશબાજી કરી દેતાં ૨૮૪ રન ફટકારી દીધા હતા.
તેની બેટિંગ સામે મુરલી વિજયના ૮૭ અને દ્રવિડના ૬૨ રન ગૌણ બની ગયા હતા. શ્રીલંકાના ૩૯૩ રનના સ્કોર સામે રમતાં ભારતે બીજા દિવસની રમતના અંત સુધીમાં માત્ર એક વિકેટ ગુમાવીને ૪૪૩ રન ખડકી દીધા હતા. દિવસાન્તે સેહવાગ ૨૮૪ અને રાહુલ દ્રવિડ ૬૨ રન સાથે રમતમાં હતા. આમ ભારત અત્યારે ૫૦ રનની સરસાઇ પર છે અને તેની નવ વિકેટ જમા છે. સેહવાગ તેની કારકિદીર્ની ત્રીજી ત્રેવડી સદી તરફ આગળ વધી રહ્યો છે અને આ માટે તેને વધુ ૧૬ રનની જરૂર છે. સેહવાગ ત્રેવડી સદી નોંધાવે તો આમ કરનારો તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન હશે.
૧૦૧ બોલમાં કારકિર્દીની ૧૭મી સદી પૂરી કર્યા બાદ સેહવાગે વધુ ૬૭ બોલ રમીને પોતાનો આંક ૨૦૦ સુધી પહોંચાડી દીધો હતો અને અંતે ૨૩૯ બોલમાં ૪૦ બાઉન્ડ્રી અને સાત સિક્સર સાથે તે ૨૮૪ રન ફટકારીને રમતમાં રહ્યો હતો.
પાકિસ્તાન સામે મુલતાનમાં સિક્સર સાથે ત્રેવડી સદી પૂરી કરનારા સેહવાગે ગુરુવારે ૧૮૪ રન પર હતો ત્યારે આક્રમક વલણ અપનાવ્યું હતું અને કુલશેખરાની ઓવરમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારી ૧૯૮ પર પહોંચી ગયો હતો એ પછીના બોલે બે રન લીધા બાદ ફરીથી બાઉન્ડ્રી ફટકારીને તેણે બેવડી સદી પૂરી કરી હતી. ટેસ્ટ કારકિર્દીમાં આ તેની છઠ્ઠી બેવડી સદી હતી જે માટે તે ૧૬૮ બોલ રમ્યો હતો. છ બેવડી સદી નોંધાવનારો તે પ્રથમ ભારતીય છે.
સેહવાગે લંચથી ટી ટાઇમ સુધીમાં ૯૮ રન ફટકાર્યા હતા અને બે રન માટે સત્રમાં સદી ચૂકી ગયો હતો પરંતુ ટી ટાઇમ પછીના ગાળામાં તેણે ૧૩૩ રન નોંધાવ્યા હતા. ભારતે પણ સેહવાગની મદદથી શ્રીલંકા સામે રનના ઢગલા કરી દીધા હતા. ભારતીય ઇનિંગ્સની શરૂઆત થઇ ત્યારે તેને સરસાઇ મળશે કે કેમ તે સવાલ હતો પરંતુ ગૃહટીમે બીજા જ દિવસે સરસાઇ મેળવી લીધી હતી. સેહવાગ અને તામિલનાડુના મુરલી વિજયે પ્રથમ વિકેટ માટે ૨૨૧ રનની ભાગીદારી નોંધાવી હતી.
મુરલી વિજયે પ્રશંસનીય બેટિંગ કરી હતી પરંતુ સેહવાગના ઝંઝાવાત સામે તે પણ વામણો પુરવાર થયો હતો. વિજયે ૧૨૧ બોલમાં દસ આકર્ષક બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે ૮૭ રન ફટકાર્યા હતા. વર્તમાન શ્રેણીમાં અગાઉની બંને ટેસ્ટમાં સદી નોંધાવી ચૂકેલો રાહુલ દ્રવિડ અહીં પણ પૂરા ફોર્મમાં જણાતો હતો અને સેહવાગના સહયોગીની ભૂમિકા અદા કરીને તેણે ૬૨ રન નોંધાવ્યા હતા. રાહુલ દ્રવિડ અત્યાર સુધીમાં સેહવાગ સાથે બીજી વિકેટ માટે ૨૨૨ રનની ભાગીદારી નોંધાવી ચૂક્યો છે.
અગાઉ શ્રીલંકાએ આઠ વિકેટે ૩૬૬ રનથી પોતાનો દાવ આગળ ધપાવ્યો હતો પરંતુ વધુ પાંચ ઓવરમાં જ તેણે બાકીની બંને વિકેટ ગુમાવી દીધી હતી. એંજેલો મેથ્યુઝ ૯૯ રન પર હતો ત્યારે કમનસીબે રનઆઉટ થયો હતો. પોતાની પ્રથમ સદી માટે મેથ્યુઝ રન તો દોડયો હતો પરંતુ સચિનના સુંદર થ્રોને કારણે તે રનઆઉટ થયો હતો. થર્ડ અમ્પાયરે વારંવાર રિપ્લે નિહાળ્યા બાદ નિર્ણય આપ્યો હતો.

એક દિવસમાં ટીમના ૪૦૦ રન
ગુરુવારે ભારતે એક વિકેટે ૪૪૩ રન નોંધાવ્યા હતા. આમ એક જ દિવસમાં ભારતે ૪૦૦નો આંક વટાવ્યો. હજી ગયા સપ્તાહે કાનપુર ખાતે ભારતે ૪૧૭ રન નોંધાવ્યા હતા. આમ ટેસ્ટ ક્રિકેટમાં બીજી વખત ભારતે એક દિવસમાં ૪૦૦ કે તેથી વધુ રનનની સિદ્ધિ હાંસલ કરી હતી.
એંજેલો મેથ્યુઝ : ૯૯ રને રનઆઉટ
શ્રીલંકાનો એંજેલો મેથ્યુઝ ગુરુવારે ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં ૯૯ રનના સ્કોરે રનઆઉટ થયો હતો. આ રીતે આઉટ થનારો તે ૧૩મો ખેલાડી હતો. અગાઉ ૯૯ના સ્કોરે રનઆઉટ થનારા ખેલાડીઓ આ મુજબ છે.
બિલ બ્રાઉન (ઓસ્ટ્રેલિયા), આર્થર મોરીસ (ઓસ્ટ્રેલિયા), જેફ બેક (ન્યૂઝીલેન્ડ), રોહન કન્હાઇ (વેસ્ટ ઇન્ડીઝ), એમ. જયસિમ્હા (ભારત), માઇક સ્મિથ (ઇંગ્લેન્ડ), મુસ્તાક મોહમ્મદ (પાકિસ્તાન), ગ્રેહામ ગૂચ (ઇંગ્લેન્ડ), દીપક પટેલ (ન્યૂઝીલેન્ડ), માઇક આથરટન (ઇંગ્લેન્ડ), મહેલા જયવર્દને (શ્રીલંકા), જેકસ કાલિસ (દ. આફ્રિકા), નીલ મેકેન્ઝી (દ. આફ્રિકા), એંજેલો મેથ્યુઝ (શ્રીલંકા).














