બેફામ ગાડી ચલાવવા બદલ વુડ્સને દંડ
વિખ્યાત ગોલ્ફર ટાઇગર વુડ્સને બેકાળજીપૂર્વક ગાડી ચલાવવા બદલ દંડવામાં આવશે. ફ્લોરિડા હાઇવે પેટ્રોલના જણાવ્યા પ્રમાણે ગોલ્ફર ઉપર 164 ડૉલરનો દંડ ફટકારવામાં આવશે તથા તેમની સામે કોઇ ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે. તેમણે ઉમેર્યું હતુંકે, ટાઇગર વુડ્સ ઉપર ઘરેલું હિંસાની કોઇ કલમ લાગૂ પાડવામાં નથી આવી.
આથી ટાઇગર વુડ્સ અને તેની પત્નીની વચ્ચે અણબનાવ હોવાની તથા વુડ્સના અન્ય સ્ત્રી સાથે સંબંધો હોવાની અટકળો ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું છે. ઉલ્લેખનીય છેકે, એવી અફવા વહેતી થઇ હતી કે ટાઇગર વુડ્સની ગાડી ઝાડ સાથે ટકરાઇ ત્યારે તેની સાથે તેની સ્ત્રી મિત્ર પણ હતી અને વુડ્સની પત્ની તેમનો પીછો કરી રહી હતી.જેના કારણે ફ્લોરિડા ખાતે વુડ્સના ઘરની બહાર આ અકસ્માત સર્જાયો હતો. જોકે, પાછળથી ટાઇગર વુડ્સે તેમની વેબસાઇટ ઉપર આ પ્રકારની અફવાઓનું ખંડન કર્યું હતું. વુડ્સના કહેવા પ્રમાણે તેમના અને તેમની પત્નીની વચ્ચે સંબંધો સારા છે અને અકસ્માત વખતે તેમની પત્ની જ ઘટનાસ્થળે પ્રથમ પહોંચી હતી અને તેમને સહાય કરી હતી.










