Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Sunday, Nov 29th, 2009, 6:29 pm [IST]  

danik bhaskarપોચટ છું, પથરાળો છું...

Suresh Dalal

માણસ એટલે જ દ્વંદ્વ. ક્યારેક એ જીભથી બોલે છે અને ક્યારેક એ જીવથી બોલે. ક્યારેક એ ન પણ બોલે અને ક્યારેક એ ન બોલવાનું પણ બોલે. એ કોમળ છે, કાંટાળો છે, પોચટ છે અને પથરાળો છે. એ ધારે તો મુલાયમ થઈ શકે અને કઠોર અને નઠોર પણ રહી શકે. આકાશમાં ઊડવાનો એને થાક ન લાગે, પણ ધરતી પર તરફડતો હોય. એને ઘાયલ થતાં વાર નથી લાગતી અને પાંખ સાથે ઊડતાં એને મુશ્કેલી નડતી નથી. સુખ અને દુ:ખ બંને એકી સાથે અનુભવી શકે...suresh dalal



કોમળ છું, કાંટાળો છું;
માણસ જેવો માણસ છું;
પોચટ છું, પથરાળો છું;
માણસ જેવો માણસ છું.
આકાશે અણથક ઊડવું,
આ ધરતી પર તરફડવું;
ઘાયલ છું, પાંખાળો છું;
માણસ જેવો માણસ છું.
આંખે અશ્રુની ધારા,
હોઠે સ્મિતના ઝબકારા;
ખુલ્લો છું, મર્માળો છું,
માણસ જેવો માણસ છું.
ધિક્કારું છું હું પળમાં,
પ્રેમ કરું છું હું પળમાં
આશિક છું, કજિયાળો છું;
માણસ જેવો માણસ છું.
ચોમાસે પાણી પાણી;
ચૈત્રે લૂ ઝરતી વાણી;
ભેજલ છું, તડકાળો છું;
માણસ જેવો માણસ છું.
શ્વાસોની મનભર માયા,
મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું,
માણસ જેવો માણસ છું.



-ભગવતીકુમાર શર્મા



hayatiભગવતીકુમાર શર્માને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો અને સાહિત્ય પરિષદના પ્રમુખ થયા એ ઘટનાને ઊજવવાની એક રીત છે તે એમની કવિતા સાથે રહેવાની. આ સહજીવન એટલે કવિતાનો આસ્વાદ. ભગવતીકુમારની પ્રતિભા બહુમુખી છે.



વાર્તા, નવલકથા, નિબંધ, કાવ્યો-કાવ્યોમાં પણ ગીત, ગઝલ, ભજન, સોનેટ ઈત્યાદિ. એમને ગઝલ વિશેષ સહજ છે. આખી જિંદગી પત્રકાર તરીકે શબ્દ સાથે રહ્યા પણ એમનો શબ્દ ઘસાઈ કે કટાઈ ન જાય એનું એમણે સર્જનની ક્ષણોમાં બરાબર ઘ્યાન રાખ્યું.



કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સારો નથી અને કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે ખરાબ નથી. જેમ કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સુખી નથી હોતો અને કોઈ પણ માણસ પૂરેપુરો દુ:ખી નથી હોતો. માણસ એટલે જ અધૂરપ. આ અધૂરપની પણ એક મધુરપ છે.



વિરોધી તત્વો વચ્ચે એ જીવે છે. ક્યારેક એનામાં હિટલર અને ગાંધીજી બંને હોય છે. યુધિષ્ઠિર અને દુર્યોધન સાથે સાથે હોય છે. એ જેટલો કોમળ હોય છે એટલો કઠોર હોય છે. રજનીશજીએ નમસ્કારનો એક અર્થ એવો આપ્યો કે આપણે બે હાથ જોડીએ છીએ એનો અર્થ એવો કે આપણે આપણી વિરોધીવૃત્તિ સાથે, આ વિરોધીવૃત્તિને શમાવીને કોઈકને નમસ્કાર કરીએ છીએ અને સામાની વિરોધીવૃત્તિનો પણ સ્વીકાર કરીએ છીએ.



માણસ એટલે જ દ્વંદ્વ. ક્યારેક એ જીભથી બોલે છે અને ક્યારેક એ જીવથી બોલે. ક્યારેક એ ન પણ બોલે અને ક્યારેક એ ન બોલવાનું પણ બોલે. એ કોમળ છે, કાંટાળો છે, પોચટ છે અને પથરાળો છે. એ ધારે તો મુલાયમ થઈ શકે અને કઠોર અને નઠોર પણ રહી શકે.



આકાશમાં ઊડવાનો એને થાક ન લાગે, પણ ધરતી પર તરફડતો હોય. એને ઘાયલ થતાં વાર નથી લાગતી અને પાંખ સાથે ઊડતાં એને મુશ્કેલી નડતી નથી. સુખ અને દુ:ખ બંને એકી સાથે અનુભવી શકે. આંખમાં આંસુ હોય અને છતાં હોઠ પર સ્મિતનો ઝબકારો હોય. મનસુખલાલ ઝવેરીની પંક્તિઓ યાદ આવે છે:



એક આંખે આંસુની ધારા
બીજીએ સ્મિતના ઊંડે કુવારા
બિચમાં બાંધી આંખે પાટા
ઓશિયાળી અથડામણ-માનવીના રે જીવન



ક્યારેક માણસ ખુલ્લા દિલથી વાત કરી શકે તો ક્યારેક એ મીંઢો ને મર્માળો થઈ શકે. ક્યારેક એ ખુલ્લી બાજી રમે છે તો ક્યારેક એની બાજી એ બતાવતો પણ નથી. પ્રેમ અને ધિક્કાર બંને સાથે કરી શકે. એક જણે લખ્યું હતું કે હું તને ચાહું છું અને હું તને ધિક્કારું છું પણ આ ચાહવું અને ધિક્કારવુંની વેદના શું છે એનો ખ્યાલ તો મને પોતાને છે.



એ આશિક પણ હોઈ શકે અને કજિયાળો પણ હોઈ શકે. એ ભીનો પણ હોઈ શકે અને તડકાળો પણ હોઈ શકે. મરણની વચ્ચોવચ્ચ એની જિજીવિષા પ્રબળ હોઈ શકે. શ્વાસોની એને મનભર માયા છે અને પળેપળનો એ તરગાળો છે. એ સહજ પણ હોઈ શકે અને અભિનયલક્ષી પણ હોઈ શકે. એમની માણસ વિષેની એક બીજી ગઝલ પણ જોઈ લઈએ:



અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુરછ ઘટનાના માણસ.
ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.
‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોથી શાશ્વત પ્રતીક્ષાના માણસ.
અમે અમને મળવાનો ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.
શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી-નોટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.
ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: