આઈસીસી રેન્કિંગ: ગંભીર ફરીથી મોખરાના ક્રમે
દ્રવિડ, સેહવાગ ટોપ-૨૦માં, સચિન-લક્ષ્મણની પીછેહઠ, જયવર્દને બીજા ક્રમે, બોલિંગમાં હરભજન ટોપ ટેનમાં
ભારતીય ઓપનર ગૌતમ ગંભીર આઇસીસી ટેસ્ટ ક્રિકેટ ક્રમાંકમાં ફરીથી મોખરાના સ્થાને પહોંચી ગયો છે પરંતુ અનુભવી બેટ્સમેન સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણે પોતાના ક્રમાંક ગુમાવવા પડ્યા છે.
આઇસીસીએ રવિવારે જારી કરેલા ક્રમાંકમાં ૮૮૬ પોઇન્ટ સાથે ગંભીર ફરીથી મોખરાના સ્થાને આવી ગયો હતો. કાનપુરમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ભારતનો એક ઇનિંગ્સ અને ૧૪૪ રનથી વિજય થયો હતો જેમાં ગંભીરે ૧૬૭ રન ફટકાર્યા હતા. ગંભીર સાથે પ્રથમ વિકેટ માટે ૨૩૩ રનની ભાગીદારી નોંધાવનારો વીરેન્દ્ર સેહવાગ પણ ટોપ-૨૦માં પરત ફર્યો છે અને કાનપુરની સદીની મદદથી તે હવે ૧૯મા ક્રમે આવી ગયો છે.
ગૌતમ ગંભીર જુલાઇમાં મોખરાના ક્રમે હતો પરંતુ ઓગસ્ટમાં શ્રીલંકાના કુમાર સંગાકરાએ તેને પાછળ રાખી દીધો હતો. ભારત સામેની શ્રેણીના પ્રારંભે ગંભીર બીજા સ્થાને હતો પરંતુ અમદાવાદ ટેસ્ટ બાદ તે ત્રીજા ક્રમે આવી ગયો હતો. જોકે કાનપુર ટેસ્ટ બાદ તેણે મહેલા જયવર્દને અને સંગાકરા બંનેને પાછળ રાખી દીધા હતા.
અત્યારે મહેલા જયવર્દને ૮૬૯ અને સંગાકરા ૮૨૨ પોઇન્ટ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. કાનપુર મેચમાં પોતાની કારકિર્દીની ૨૮મી સદી ફટકારનારો રાહુલ દ્રવિડ હવે ૧૮મા ક્રમે આવી ગયો છે. જોકે સચિન તેંડુલકર અને લક્ષ્મણે પીછેહઠ કરી છે. સચિન ૧૬ અને લક્ષ્મણ ૨૦મા ક્રમે છે.
બેટિંગમાં ટોપ-૨૦માં ગંભીર ઉપરાંત રાહુલ દ્રવિડ, વીરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણનો સમાવેશ થાય છે જ્યારે બોલિંગમાં ઓફસ્પિનર હરભજનસિંઘ ૭૦૪ પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે.
સાઉથ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેઇને ૮૪૪ પોઇન્ટ સાથે પોતાનો પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે જ્યારે શ્રીલંકાનો ઓફસ્પિનર મુથૈયા મુરલીધરન ૭૬૭ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
સંબંધિત સમાચાર
* ગૌતમ ગંભીર ત્રીજી ટેસ્ટ ગુમાવશે
* ગંભીર સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, જાડેજા સર્વશ્રેષ્ઠ જૂનિયર ક્રિકેટર
* ગંભીર ફિટનેસ ટેસ્ટમાં પાસ, ટીમ સાથે જોડાશે










