આદર્શ ગુજરાતી વેબ સાઇટ www.ગાંધી બાપુ.com
મેં મોનિકાને પત્ર લખેલ કે એણે અને બિલે ૭ દિવસ ઉપવાસ કરવા. મોનિકાએ જવાબમાં ‘હા’ લખેલ કારણ કે એણે વજન ઉતારવું હતું. જોકે આજની નવી પેઢી માટે www..ઉપવાસ .com સારી વેબસાઇટ થઇ શકે. આજકાલ ‘ઝીરો સાઇઝ’ વિશે લોકો ઘેલા છે. અરે પણ જરા વિચારો, ભારતના ૫૦ કરોડથી વધુ દરિદ્ર નારાયણ લોકો ભૂખમરાને લીધે ઝીરો સાઇઝમાં જ છે ને? જોકે મારા ગીતોની રીંગ ટોનની વેબસાઇટ પણ બની શકે. આજકાલ કેવા ગીતો બને છે? પેલું ગીત ‘બીડી જલાઇ લે... પિયા...!’ મેં ય બાળપણમાં બીડી પીધેલી ને બાપુનો માર ખાધેલો પણ આવી કુટેવના ગીતો?
ટાઇટલ્સ
જો મારામાં ‘સેન્સ ઓફ હ્યુમર’ ના હોત તો મેં કયારનીય આત્મહત્યા કરી લીધી હોત
-ગાંધીજી
ગુજરાતને ખરેખર vibrant બનાવવું હોય તો એક જ ઇન્ટરનેશનલ લેખક છે: ગાંધી બાપુ. ધારો કે ગોડસેની ગોળી સહેજ એક ઇંચ મિસ કરી ગઇ હોત ને બાપુ બચી ગયા હોત તો આજે તેઓ શું લખત? એમની પોતાની વેબસાઇટ બની હોત તો? એક હળવા અંદાઝમાં વિચારીએ, ઓવર ટૂ, બાપુના જ શબ્દોમાં:
‘કોઇ ભલા ભાઇએ પૂછ્યું કે હું વેબસાઇટ પર આવવા માગીશ? મને થયું કે ’૪૭માં જ્યારે મારો મહિમા હતો ત્યારે લોકોએ મને સમજ્યો નહોતો તો ’૦૯માં જુવાનિયાઓ મારા સારુ શું વિચારશે? ને એમને વાંચતા કરવા શું મારે પણ ગુજરાતી પત્રકારો જેમ વારેતહેવારે ‘વાયેગ્રા’ જેવી ટીકડી પર લેખો લખવા પડશે?... હે રામ, આવો વિચાર આવ્યો કેમ મને? ઉપવાસ કરવો પડશે!
કોઇએ મને એમ પણ કહ્યું કે બ્રહ્મચર્યના પ્રયોગો કરવા વિશે લખું તો વેબસાઇટ પર અનેક જાહેરખબરના સ્પોટ મળે. જો આવક થતી હોય તો મને વાંધો નથી પણ શરત માત્ર એટલી છે કે એના ૩૦ ટકા ખાદી ગ્રામોદ્યોગમાં અને બાકીના ૩૦ ટકા ગરીબોના ઉદ્ધાર માટે આપવા.
પણ હા, ટી.ડી.એસ. એ લોકો જ ભરશે. હમણાં મારી બકરીના ઘાસ-ખર્ચના ટી.ડી.એસ.નો હિસાબ કરવામાં મને ૩ દિવસ લાગ્યા અને જ્યારે હિસાબ ના મળ્યો ત્યારે મારે અને બકરીએ બંનેએ ૩ દિવસ ઉપવાસ કરવો પડેલો...
કોઇએ વળી સૂચન કરેલું કે હું બકરીની પાછળ દોડતો હોઉ એવું કાટૂર્ન મૂકવું અને વાચકોને કહેવું કે માઉસ દ્વારા મને કે બકરીને પકડી પાડે તો ઇનામ મળશે. મેં કહ્યું કે વાંધો નથી, શરત એટલી કે ઇનામમાં ખાદીના કપડાં અથવા બકરીના દૂધનો આઇસક્રીમ!
કોઇએ સૂચવ્યું કે હિંસા સામે લડતા મારું જીવન ગયું છે અને આજે ‘અન્ડરવર્લ્ડ’ની મહિમા છે તો મારે વિરોધમાં www. અહિંસા.com શરૂ કરવી. તો મેં અન્ડરવર્લ્ડવાળાઓને પાસે બોલાવી વાત કરવાનો પ્રયાસ કર્યો.
દુબઇથી શાર્પ શૂટર કે હત્યારા ભાઇઓ આવ્યા. એકે મને કહ્યું કે તમે તમારા ટ્રસ્ટમાંથી ૫૦ લાખ આપો નહીં તો ‘સુપારી’ લેવામાં આવશે. મેં ‘સોપારી’ ખાવાના ગેરલાભ પર એક લેખ વાંચી સંભળાવ્યો. એ લોકો મને ડરાવવા ‘ઘોડા’ અને ‘એ-કે ૪૭’ જેવા વિચિત્ર શબ્દો બોલવા માંડેલા જેના અર્થો મને સાર્થ જોડણી કોશમાં પણ મળ્યા નહીં... પછી બંદૂક દેખાડી.
હું ના ડર્યો એટલે એ લોકો કંટાળીને ભાગી ગયા... મેં તો એમાંના એકનો કાન પકડ્યો ને ચરખો કાંતવા બેસાડી દીધો... તો થોડી વારે પગે પડી રડવા માંડ્યો: ‘બાપુ, અપન કો તેરી ગેંગ મેં ડાલ દો!’ ‘મેં કહ્યું, ‘ભાઇ, મારી ગેંગ, કોંગ્રેસને વર્ષો પહેલા મેં કહેલું કે પાર્ટી વિખેરી નાખો પણ સાંભળ્યું નહીં અને આજે હાલત જુઓ!’
ઇન્ટરવલ
વો તો ખુશ્બુ કી તરહ હવાઓં મેં બિખર જાયેગા, મામલા ફૂલ કા હૈ, ફૂલ કિધર જાયેગા.
-પરવીન શાકીર
હમણાં કોઇ હિરોઇન આશ્રમમાં શૂટિંગ માટે આવેલી. એણે કહેલું કે www. ખાદી.com શરૂ કરો કારણ કે વિશ્વમાં સુતરાઉ કપડાંનો જુવાળ છે. આજે ઘણી વાર વર્સાચે જેવા ડિઝાઇનરોના ફેશન શોમાં કાળા ગોરા પીળા હબસી ભારતીયોને એક સાથે જોઉ છું ત્યારે થાય છે કે, વાહ... મેં જ રંગભેદ સામે દ.આફ્રિકામાં લડત કરી એ આજે પૂરી થઇ!
જોકે www..દ.આફ્રિકા.com શરૂ કરું ને પ્રિટોરિયા જેવાં સ્થળો વિશે લખું તો ટૂરિઝમ વિકસે અને એમાં જે કમાણી થાય એનો અડધો હિસ્સો ભાઇ નેલ્સન મંડેલાના ભંડોળમાં આપી શકાય. પણ ના. એ આગ્રહ સારો નથી. છેલ્લે જ્યારે ૫૫ કરોડ પાકિસ્તાનને મેં અપાવેલા ત્યારે ઘણો ઊહાપોહ થયેલો અને ઘણા નારાજ થયેલા. જવા દો આવી ભાવના હવે ના પોસાય.
ગમ્મત કહું? પરમ દિવસે પ્રિયંકાનો ફોન આવેલો મેં એને ‘ભાવ વધારો’, ‘ભ્રષ્ટાચાર’ અને ‘પાર્ટીમાં સગાંવાદ’ માટે અડધો કલાક ધમકાવી, પછી એ બોલી: ‘બાપુ, હું પ્રિયંકા બોલું છું... ઇન્દિરા નહીં... તમને મને મારી દાદી સમજીને વઢી રહ્યા છો.’
જોયું? આ ઉંમરે આવું થાય છે પણ જોકે દેશમાં હજી હાલત એવી જ છે ને? આજના રાજકારણ પર શું કહું? બધે જ કાગડા કાળા છે. થોડાં વરસ પહેલા ભાઇ બિલ કિલન્ટને જે કાંઇ મોનિકા નામની છોકરી સાથે કર્યું એ મને ગમ્યું નથી. મોનિકા તો નાદાન બાળકી હતી પણ ભાઇ બિલ તો દુનિયાનો વડો!
મેં મોનિકાને પત્ર લખેલ કે એણે અને બિલે ૭ દિવસ ઉપવાસ કરવા. મોનિકાએ જવાબમાં ‘હા’ લખેલ કારણ કે એણે વજન ઉતારવું હતું. જોકે આજની નવી પેઢી માટે www..ઉપવાસ .com સારી વેબસાઇટ થઇ શકે. આજકાલ ‘ઝીરો સાઇઝ’ વિશે લોકો ઘેલા છે. અરે પણ જરા વિચારો, ભારતના ૫૦ કરોડથી વધુ દરિદ્ર નારાયણ લોકો ભૂખમરાને લીધે ઝીરો સાઇઝમાં જ છે ને?
જોકે મારા ગીતોની રીંગ ટોનની વેબસાઇટ પણ બની શકે. આજકાલ કેવા ગીતો બને છે? પેલું ગીત ‘બીડી જલાઇ લે... પિયા...!’ મેં ય બાળપણમાં બીડી પીધેલી ને બાપુનો માર ખાધેલો પણ આવી કુટેવના ગીતો? ભાઇ જવાહરને ય આવી આદત હતી એવું સાંભળેલું પણ મારી હાજરીમાં નહોતા પીતાં...
જોકે તેઓ પણ એડવિના માઉન્ટ બેટનને મળતા એ પણ મને ગમતું નહીં કારણ કે જવાહર પરણેલા અને બાઇ પણ (એક બીજા સાથે નહીં હોંકે?). ત્યારે આવી દોસ્તી શોભા દે? જવા દો... આ બધી યાદો છે... ભાઇ ગોડસેની યાદો છે, ઝીણાની ય યાદો છે, બાની ય યાદો છે, થાય છે www.ગાંધીની યાદો.com શરૂ કરું. પણ વાંચશે કોણ... મને સમજશે કોણ?
લી. બાપુના આશીર્વાદ
એન્ડ ટાઇટલ...
ઇવ- મુંબઇમાં ફયાન વાવાઝોડું કેમ ના આવ્યું?
આદમ- કારણ કે એમ.એન.એસ.વાળાઓએ કહ્યું કે પહેલા આ વાવાઝોડાનું નામ મરાઠીમાં રાખો નહીંતર મુંબઇમાં એન્ટ્રી નહીં મળે!
sanjaychhel@yahoo.co.in












