હું તો હાલ્યો જગતના મલકો જોવા
જાણીતા છતાં અજાણ્યા સફરની વાત પણ કરું છું. ચેન્નઇ બંદરથી પિનાંગ બંદરની છ-સાત દિવસની સ્ટીમરની મુસાફરી અગર તો પિનાંગ બંદરેથી બર્મા, બાંગ્લાદેશના બંદરેથી થઇને કોલકાતા બંદરની સ્ટીમરની મુસાફરી કે પિનાંગથી કોલંબો બંદરની મુસાફરી મેં કરી છે. પ્રૂફ ઓફ પુડિંગ ઇઝ ઇન ઇટિંગ. સમુદ્રની સફર તો એક વખત જાતે કરો તો જ તેની લિજ્જત માણવા મળે. મેં સાત સાત વખત એટલે કે કટકે કટકે ચાલીસ દિવસની સમુદ્રની સફર કરી છે, પરંતુ તમારા વશમાં છે અને પરવડે છે તેવી એક સફર તમે કદાચ કરી નહીં હોય.
ટ્રાવેલ બાબતમાં યુરોપ-અમેરિકાના વિદ્વાનો આટલા અજ્ઞાન હશે કે તેમનું ગધેડાજ્ઞાન મુસાફરી બાબતમાં છે તે હું મારા જીવનના પ્રવાસ વિશે લખવા બેઠો ત્યારે ખબર પડી. થોમસ જેફરસને ડિંગ મારી કે માણસે એકલાએ સફર કરવી જોઇએ જેથી તે વધુ વિચારી શકે.
સાવ જૂઠ્ઠું. બીજી અંગ્રેજી કહેવત છે કે કાગડો પરદેશ સફર કરીને પાછો આવે છે તો પણ એ કાળોને કાળો જ રહે છે તે પણ ખોટું. અરે! થોમસ સી ફૂલર જેવા વિદ્વાને પણ સાવ વાહિયાત ઉદગાર કાઢ્યો કે ગધેડો મુસાફરી કરીને પાછો આવે ત્યારે ઘોડો બનીને પાછો આવતો નથી.
આ પશ્વિમનાં લેખકોએ ટ્રાવેલ, ટુર, મુસાફરી જેવા કોરાધાકોર શબ્દોને બદલે ભારતનો શબ્દ ‘યાત્રા’ વાપરવો જોઇએ. મને કવિ વિલિયમ વર્ડઝ્વર્થની કવિતા સાચી લાગી પણ તેને યાત્રાનું અવમૂલ્યન કર્યું નથી. માતભૂમિનું બહુમાન કરતા વર્ડઝ્વર્થએ કવિતામાં લખેલું ‘હું ખૂબ અજાણ્યા-અજાણ્યા દેશો અને માનવો વચ્ચે ફર્યો છું.
દરિયાની સફર કરી છે પણ હે ઇંગ્લેન્ડ તારી વાત અનોખી છે!’ હા તો વર્ડઝ્વર્થ સાહેબ અમે પણ ઇંગ્લેન્ડ આવી ગયા છીએ. આખું ઇંગ્લેન્ડ ફર્યા છીએ. મોરારિબાપુની કથા હતી તે ગામ જ્યાં ભારત માટેના લડાયક વિમાનો બને છે તે બ્રિસ્ટલ ગામે પણ આવી ગયા.
આખું યુરોપ, અમેરિકા, મલેશિયા, થાઇલેન્ડ, કોલંબો, પૂર્વ આફ્રિકા એ તમામ સ્થળે ફર્યો છું અને બર્મા ગયો છું. અંગ્રેજો તોરીલા અને પોતાના વખાણ કરવામાં ઊંચા આવતા નથી. તેમને ઇંગ્લેન્ડ સારું લાગ્યું. પણ હું બર્મા ગયો. બર્માની ધરતી જોયા પછી રંગુનમાં બૌદ્ધમંદિરમાં ભગવાનના દર્શન કરી ત્યાં એક તાંબાનો સિક્કો નીચે ખાલી કુંડામાં નાખવાનો હોય છે અને ઇચ્છાપૂર્ણ કરવાની હોય છે.
કૂવો પોણા જેટલો સિક્કાથી અને અરમાનોથી ભરાઇ ગયેલો. મેં પણ સિક્કો નાખીને પ્રબળ ઇચ્છા કરી : ‘હે ભગવાન મને આ બૌદ્ધભૂમિમાં આવતો જન્મ આપજે. પત્રકારને બદલે હું બૌદ્ધ સાધુ બનીશ.’ તાત્પર્ય કે નવો દેશ જુઓ તો તમારામાં કંઇક પરિવર્તન કે નવા અનુભવ થાય છે જ.
બર્મા આખું રળિયામણું છે. ત્યાં ગુજરાતીઓ રહેવાને લાયક ન રહ્યા. વેપારમાં કાળાં ધોળાં કરતા હતા તેથી ગુજરાતીઓએ બર્મા છોડવું પડ્યું. એક બર્મીઝ મહિલાના ઘરે મને નાળિયેરના તાજા કોપરાનું દૂધ, તાડનો ગોળ અને હાથછડના ચોખાની બનાવેલી ભગવાન બૌદ્ધની પ્રસાદરૂપે સ્વાદિષ્ટ ખીર ખાવા મળી.
ગાય કે ભેંસના દૂધ વગરની આવી તાજા કોપરાના (સુક્કા નહીં) દૂધની ખીર ખાવા માટે મારે ત્યાં ફરીથી જન્મવું છે. ૧૫૦ વર્ષ પહેલાં બેન્જામિન ડિઝરાયલીએ કહેલું કે ‘બીજા મહાન મુસાફરોની માફક મેં દેશ-પરદેશમાં યાદ રાખી શકું તેનાથી ઘણું જોયું છે અને મેં જોયું છે તેના કરતાં વધુ યાદ છે!’
ફલાણાના પગે ભમરડો છે કે પગમાં ચક્કર છે તેવી નેગેટિવ કહેવત બોલાય છે. હું તેનો રચનાત્મક કે પોઝિટિવ અર્થ લઉ છું. મારા જન્મસ્થળથી મારી પ્રથમ યાત્રા ૪ વર્ષની ઉંમરે અને પછી ૬ વર્ષની ઉંમરે શરૂ થયેલી. એ બંને યાત્રા મને આજે વધુ યાદ છે અને આ યાત્રા બસ, મોટર, ટ્રેન કે વિમાનની યાત્રા કરતાં ચારની ઉંમરની યાત્રા તેમજ છની ઉંમરે મિલ્ટપલ જૂના નવા વાહનોની મિલ્ટપલ યાત્રા ખૂબ યાદ છે.
કોણ જાણે માતાના પેટમાં હોઇશ ત્યારથી મારા પગ યાત્રા માટે ઉછળતા હશે.
મોરારિબાપુના તલગાજરડા નજીક ભાદરોડ બળદગાડામાં હું એકલો - હા એકલો ઝાંઝમેરથી ભાદરોડ જવા નીકળેલો. એ સમયે હું એકનો એક દીકરો ચાર વર્ષની ઉંમરે ભણવા માટે ફૈબાને ઘરે જતો હતો. સફેદ ઘોડી ઉપર મારા કુટુંબના મિત્ર રાયસિંહજી દરબાર હતા.
ગામને ઝાંપે લોકો વળાવવા આવેલા. ભરતની ટોપી પહેરેલી. મારી બા લાજ કાઢીને ઊભી રહી. મને છેલ્લું વહાલ કરવા હાથ લંબાવ્યો. મેં કોણી ઊંચી કરી. મારે જલદી યાત્રા શરૂ કરવી હતી. એકાદ કલાક ઘોડી ઉપર અને એકાદ કલાક ગાડામાં એમ છ-સાત કલાક પછી ભાદરોડ ગામ આવ્યા.
આજે એ રસ્તે એક પણ નદી નથી. બળદગાડું રેતીમાં ચાલે ત્યારે પાણીમાં રેતી સાથે અથડાતાં પૈડાં એક મધુર અવાજ કરે છે. તેના સોફ્ટ મ્યુઝિકથી બપોરની નીંદર ખેંચી. પાછા બીજી નવી ત્રીજી નદી વળોટતાં વળોટતાં ભાદરોડી નદીએ આવ્યા અને એ યાત્રા પૂરી થઇ.
મારા વાચક સાહેબો, તમે મોડા જન્મીને ખળખળ વહેતી નદીને પાર કરનારા બળદગાડાના નદીના પાણી સાથેના મિલાપમાંથી પ્રગટતા સંગીતનો અવાજ સાંભળવા ભાગ્યશાળી રહ્યા નથી.
આજે તો પત્રકારત્વની ફરજરૂપે બહારગામ કે પરદેશ જવાનું થાય ત્યારે જલદી ઘરે પહોંચવાનું મન થાય છે, પણ ઝાંઝમેરથી ભાદરોડની યાત્રા સતત ચાલ્યા જ કરે તેવી બાળ ઇચ્છા આજે ય યાદ છે. ઘરમાં બા-બાપાના કંકાસથી એટલો ત્રાસેલો કે બળદગાડામાં હું મારી સાથે પ્રથમવાર રહ્યો અને એ વખતની આશીર્વાદ લાગતી એકલતા પછી કોણ જાણે ભગવાને તથાસ્તુ કરી તે એકલતા આજે ભેંકાર અને અસા લાગે છે!
મારી બીજી યાત્રા ઝાંઝમેરથી તળાજા, તળાજાથી ભાવનગર, ભાવનગરથી કોલકાતા અને કોલકાતાથી સ્ટીમરમાં છ દિવસની સમુદ્ર યાત્રા પછી મલેશિયાના પિનાંગ શહેરની યાત્રા હતી. છની ઉંમરે મેં માણેલી અદભૂત યાત્રા હતી.
૧૦૦માંથી ૯૯.૯૯૯૯૧ ટકા ગુજરાતી બાપ તેના પુત્ર-પુત્રીને પત્રકાર નહીં બનાવે તેની ગેરંટી છે. પણ જો તેને પત્રકાર બનાવવો હોય તો તેને બચપણથી જ દેશ-પરદેશ ફેરવો. તેના પત્રકારત્વમાં જાન આવશે. અરે પત્રકાર ન બનાવવો હોય તો પણ તમારા દીકરા દીકરીને ટીનેજર થાય ત્યારે સતત ગળે બાંધીને ન બેસો.
તેને દેશ-પરદેશની પોસાય તેવી કે છેવટે દેવું કરીને યાત્રા કરાવો. તે ફિલસૂફ બનશે, લેખક બનશે, વેપારી બનશે અને સફળ પત્રકાર તો થશે જ. આ બધો મેં અનુભવ કર્યો છે. મલેશિયામાં ૧૦ વર્ષ સફળ વેપારી પણ બન્યો છું, કુદરતી ઉપચારક બન્યો છું. ટી એસ્ટેટનો મેનેજર બન્યો છું.
કદાચ તમે ઇસ્લામાબાદ, કરાંચી કે લાહોર ગયા હશો. બાંગ્લાદેશ જે ખરેખર તો હિંદુસ્તાન હતું તેને પરદેશ ગણો તો હું ત્યાંના બંદરી શહેર ચટગાંવ ગયો હતો. તામિલનાડુનાં દરિયાકાંઠે નાગપટ્ટીનમ બંદર છે. ત્યાંથી અમે મલેશિયામાં કાંદા આયાત કરતા હતા.
નાગાપટ્ટીનમમાં આપણા ગુજરાતી મેમણ અબ્દુલ લતીફ અબ્દુલ કરીમ મારા યજમાન હતા. તેમની મહેમાનગતિ માણેલી ત્યારે મેમણો કેટલા બધા અતિથિવત્સલ છે તે જોયું. આ અબ્દુલ લતીફ અબ્દુલ કરીમના શેઠે મને ચટગાંવના મેમણોની ઓળખાણ કરાવીને ત્યાંના સરનામા આપેલા.
અમારી સ્ટીમર પિનાંગ બંદરેથી ચટગાંવ પહોંચી ત્યારે હું ત્યાં રહી પડેલા ગુજરાતીઓને મળ્યો. ત્યાંનો એક જુદી જાતનો અનુભવ મને થયો. તે વ્યાપારી કક્ષાનો છે. જે વેપારીબંધુ હશે તે સમજી શકશે. ચાર્લ્સ હેન્ડી નામના વિદ્વાન અર્થશાસ્ત્રી અને ફ્યુચરોલોજિસ્ટે એક સરસ ફિલોસોફિકલ બિઝનેસના વિષયનું પુસ્તક લખ્યું છે તેનું નામ છે - ‘ધ એમ્પ્ટી રેઇનકોટ’.
આ પુસ્તકમાં જૂના જમાનામાં ચીના અને અંગ્રેજ વેપારી કે ચીના-ચીના વેપારીઓ વચ્ચે સોદા થાય તેના કોઇ લેખિત કોન્ટ્રાક્ટ થતા નહીં. માત્ર એકબીજાના બોલ પછી હેન્ડશેક થાય અને સોદો પાકો થાય. તે મૌખિક સોદાને ઈશ્વરની સાક્ષીરૂપે ગણાતા તેની વાત છે.
આનાથી પણ રૂડું સ્વરૂપ મેં ચિત્તાગોંગમાં જોયું. મારા યજમાન ૮૦ વર્ષના મેમણ વેપારી હતા. અનેક ચીજોના હાજર કે વાયદાના સોદા કરતા જાણે વન-મેન-સ્ટોક એક્સચેન્જ. આ અબ્દુલ શેઠ એક લાકડાંની ખાટ ઉપર સવારે ૯ વાગે બેસી જતાં. તેની સામે હોલમાં દલાલો, વેપારીઓ અને માલ લેનારા-વેચનારા હોય.
અબ્દુલભાઇ ખાટ ઉપર બેઠાં બેઠાં આંગળીનો ઇશારો કરે. તે આંગળીના સંકેતને સામે બેઠેલા દલાલ ઓળખે. પોતે પણ આંગળીના અને પછી હથેળીના સંકેત કરે. તમને કંઇ ખબર ન પડે. બાર વાગ્યા સુધીમાં ડઝનબંધ ચીજોના સેંકડો હાજર અને વાયદાના સોદા જે તે સમયના લાખો રૂપિયાના હોય તે માત્ર આંગળીની સંજ્ઞાથી પાકા થાય.
મેં અબ્દુલ શેઠને પૂછ્યું ‘કોઇ ફરી ન જાય’ તો કહે કે અલ્લાની મહેર છે હજી સુધી કોઇ માઇનો લાલ ફર્યો નથી.
હું ‘વ્યાપાર’માં ઉપતંત્રી હતો ત્યારે લગભગ ૩૫ વર્ષ પહેલાં રજની શેઠ નામના કપોળ યુવક મારા સાથીદાર હતા. તેમને આ નોકરી ફાવતી નહોતી. નસીબજોગે તેમનાં મામા કેન્યામાં રહેતા હતા. રજની શેઠ નાઇરોબી ગયા. તેમણે નાઇરોબી જઇને પોતાનું બીકોમ સાથેનું એલએલબીનું જ્ઞાન વાપરી વકીલાત શરૂ કરી અને નાઇરોબી છોડીને કેન્યાના હિલસ્ટેશન જેવા અતિ રળિયામણા નકુરુ શહેરમાં કરોડપતિ વકીલ બન્યા.
મને નકુરુ જવાનો મોકો મળ્યો. બર્માના સૌંદર્ય કરતાં નકુરુ જેવા હિલ સ્ટેશનનું સૌંદર્ય વધુ નહોતું પણ કંઇક અનોખું હતું. રજનીશેઠના નાના ભાઇ રમેશ શેઠ અને તેમના પત્ની સરોજ શેઠ એ બંને મારા વધુ પાક્કા મિત્રો હતા.
સરોજ શેઠ મારા જૂનાં પડોશણ હતા. તેમની મહેમાનગતિ માણીને નકુરુનું સૌંદર્ય માણ્યું. આ સરોવરનું પાણી થોડું ખારાશ પડતું છે પણ તમે સરોવરને જુઓ તો તપેલું મગજ શાંત થઇ જાય.
તમારા સગાં-વહાલાં કેન્યાનાં નાઇરોબી શહેરમાં હોય તો નાઇરોબીથી ૯૫ માઇલ (૧૫૩ કિલોમીટર) દૂર મોટરની સફર કરીને જરૂર નકુરુ જઇ આવજો. અહીં તમને અસલી કીકયુ જાતિના લોકો જોવા મળશે. કીકયુ જાતિના લોકોની વસતી ૫૬ લાખ જેટલી છે.
તેમણે તેમનો અસલી લડાયક યોદ્ધા જેવો ડ્રેસ છોડ્યો નથી. બાવડા ઉપર હાથીદાંતના બલૈયા પહેરે છે. તેને ગેકોયો જાતિ પણ કહે છે. બાજરી, જુવાર અને શકરકંદની ખેતી કરે છે. અહીં આવ્યો અને બાજરીના ડૂંડા જોયા ત્યારે મને સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો એ વખતે મારા કાકા આ નકુરુની બાજરી આયાત કરીને ભાવનગર સ્ટેટના તળાજા પંથકના ગામડાઓને સસ્તા ભાવે ૬૨-૬૩ વર્ષ પહેલા બાજરી વહેંચતા તે યાદ આવે છે.
તે વખતે ૧૫ વર્ષની ઉંમરે હું નકુરુની બાજરીની ચિઠ્ઠી લખતો ત્યારે ખ્યાલ પણ નહોતો કે એ બાજરીનો પ્રદેશ હું જાતે જોઇશ.
નકુરુ અને આજુબાજુના પ્રદેશ ખેડૂતોનો છે. ત્યાં કેન્યા ફાર્મ્સ એસોસિયેશન છે. ત્યાં અનેક કૃષિ વિદ્યાપીઠછે! ફક્ત ૧ લાખના વસતીવાળા નકુરુ શહેર જ નહીં મારે આજુબાજુનાં ગામડાં પણ જોવાં હતાં. રજની શેઠ અને રમેશ શેઠે વ્યવસ્થા કરી આપી.
દૂર દૂર ડુંગરાળ પ્રદેશમાં ફર્યો ત્યારે એક પાકા ઝૂંપડા જેવા પણ સુંદર ઘરમાં મેં કચ્છી લોહાણા વેપારીને જોયા. અહીં અસલી કેન્યાની ગાયોનું દૂધ તે જથ્થાબંધ ખરીદતા હતા અને મઝા જોઇ લો ત્યાં ગાયનાં દૂધના પેંડા પણ બનતા હતા.
મહુવા, તળાજા, ઝાંઝમેર અને ભાવનગરમાં અમે માવાના તાવડા જોયા છે. એક બે તાવડા ચૂલા ઉપર જોયેલા હતા. અહીં નકુરુમાં પેંડા અને દૂધના માવા બનાવતા ડઝનબંધ તાવડા જોયા. કાળા આફ્રિકન લોકો પેંડા લાવતા હતા. તમને ગેરંટી આપીને કહું છું કે તમે પેંડા કે માવો ખાધો હશે પણ ગાયનાં દૂધના પેંડા ખાધા છે?
મને એક આફ્રિકન દેશમાં દૂર દૂર તાજા તાજા તાવડાના ઊતરેલા ગાયનાં દૂધના પેંડા ખાવા મળ્યા. આ પેંડા અને માવો નિકાસ થઇને લંડન જતો હતો!
પણ નકુરુની વાત રહી ગઇ. વિજયગુપ્ત મૌર્ય છેવટ સુધી લખતા લખતા મરણ પામ્યા. પક્ષીશાસ્ત્રી હતા તે મને યાદ આવ્યા. મારે બદલે તે નકુરુ સરોવર જોવા આવવા જોઈતા હતા. નકુરુ લેઇકમાં જાત જાતનાં પક્ષીઓ જગતભરમાંથી આવે છે.
ઉપરાંત ત્યાનાં મૂળ પક્ષીઓ પણ જોવા મળે છે. સરોવરમાં સુંદર પંક્તિ રચીને પક્ષીઓ વિહાર કરતાં હોય તે જોવા મળ્યાં. કુંજલડી જોવા મળી. કુંજલડી રે જાજે વીરા કેરા દેશમાં, એટલું કહેજે સંદેશમાં... એ ગીત યાદ આવ્યું. તળાવમાં પડયા રહેતા વિરાટકાય હિપોપોટેમસ જોવા મળ્યા.
ત્યાંનો નકુરુ નેશનલ પાર્ક જોવા મળ્યો. કેન્યામાં અદભૂત કોફી પાકે છે. તાજી તાજી કોફી પણ તમને નકુરુમાં પીવા મળે. દૂધ વગરની કોફીનો સ્વાદ ચાખવો હોય તો કેન્યા જજો.
જાણીતા છતાં અજાણ્યા સફરની વાત પણ કરું છું. ચેન્નઇ બંદરથી પિનાંગ બંદરની છ-સાત દિવસની સ્ટીમરની મુસાફરી અગર તો પિનાંગ બંદરેથી બર્મા, બાંગ્લાદેશના બંદરેથી થઇને કોલકાતા બંદરની સ્ટીમરની મુસાફરી કે પિનાંગથી કોલંબો બંદરની મુસાફરી મેં કરી છે.
પ્રૂફ ઓફ પુડિંગ ઇઝ ઇન ઇટિંગ. સમુદ્રની સફર તો એક વખત જાતે કરો તો જ તેની લિજ્જત માણવા મળે. મેં સાત સાત વખત એટલે કે કટકે કટકે ચાલીસ દિવસની સમુદ્રની સફર કરી છે,
પરંતુ તમારા વશમાં છે અને પરવડે છે તેવી એક સફર તમે કદાચ કરી નહીં હોય. પિનાંગ શહેરથી બેંગકોક સુધી તો ઊડીને વિમાનમાં ત્રણ ચાર કલાકમાં જઇ શકાય, પણ એક દેશમાંથી બીજા દેશમાં એટલે કે મલેશિયાથી થાઇલેન્ડની મુસાફરી તમે ક્રોસ બોર્ડર- ટ્રેનમાં કરી છે?
હું પિનાંગથી બેંગકોક શહેર સુધીની બાર કલાકથી વધુની ટ્રેન સફર કરવા ભાગ્યશાળી બન્યો છું. તમને યાત્રાનો કંટાળો ન આવે. તમે બારી પાસે બેસો એટલે અફાટ કુદરતી સૌંદર્યનો અમર્યાદિત ટેલિવિઝનનો પડદો ટ્રેનમાં બેઠા જોવા મળે. બાર કલાકમાં તમારી આંખની કીકીઓ હરિયાળી થઇ જાય.
દરેક સ્ટેશને રંબુતાન, મંગ્ગીસ્તાન વગેરે મીઠાં ફળો જ ફળો વેચાતા હોય. આ મુસાફરી સસ્તી છે. જરૂર કરજો. એ વખતે તમને દિલીપકુમાર ઉપર ફિલ્માવેલું જુનું ગીત ‘સુહાના સફર ઔર યે મૌસમ હસીં’ યાદ આવી જશે. દિલીપકુમાર જે સ્થળે ગયા ત્યાં અમુક મહિના સુંદર મોસમ હોય છે, પણ અહીં તો બારે મહિના મારા સમ મોસમ જ મોસમ હોય છે.
તેને વિશેષણ લગાડવાની જરૂર નથી. ખરેખર પ્લેન નહોતા અને માત્ર ટ્રેન જ હતી ત્યારે ઓસ્ટ્રેલિયન લેખક અલાન મૂરહેકે કહેલું કે, ‘ધોઝ વેર ધ ડેયઝ ઓફ ટ્રેન, ટ્રાવેલ, ઓફ ટાઇમ યુઝ્ડ રાધર ધેન ઓફ ટાઇમ સેવ.’ ટ્રેનમાં સમય બચાવ્યાના આનંદ કરતાં ફુરસદ માણવાનો આનંદ મળતો હતો.
ટ્રેનમાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ફર્સ્ટ ક્લાસમાં સફર કરી અને ગોરા મુસાફરે તેમને ફેંકી દીધા તેથી સ્વાતંત્ર્ય લડત મળી. પાકીઝામાં હીરો ટ્રેનમાં સફર કરે છે ત્યારે જ મીનાકુમારીની મનમોહક પાની જોઇને કહે છે કે, ‘આપ કે પાંવ બહુત હસીન હૈ ઉસે જમીં પર મત ઉતારીયેગા...’ ટ્રેનમાં જ જીવનસાથી મળી જતા, ટ્રેનમાં રોમાન્સ થતા.
નેપોલિયન ત્રીજો અને પ્રિન્સેસ યુજીન ઓસ્ટ્રિયાના શહેનશાહને મળવા ૨૪૨ વર્ષ પહેલાં ગયા ત્યારે ૯ દિવસ તેને ચિંતન માટે મળેલા.
હું તો માત્ર મલેશિયાથી થાઇલેન્ડની વચ્ચે દોડતી ટ્રેનમાં ગયેલો પણ ૧૮૮૩માં પ્રથમ ઓરિએન્ટ એક્સપ્રેસ- ટ્રેન દોડી તે પેરિસથી છેક ઇસ્તંબુલ સુધી ગયેલી. કેટલા બધા દેશો ટ્રેનમાં બેસીને જોવા મળે!
તમે અફાટ રણને જોઇ શકો. ઇઝરાયલ જાણીતું છે. પેલેસ્ટાઇન જાણીતું છે પણ વચ્ચેનો ગાઝા પટ્ટીનો રણપ્રદેશ છે અને વચ્ચે વચ્ચે ડુંગરા છે તે પ્રદેશમાં મને (અને કદાચ હું પ્રથમ જ ભારતીય પત્રકાર હોઇશ) જવા મળ્યું. કીર્તિલાલ મોહનલાલ મહેતા નામના જાણીતા હીરાના વેપારી મારા યજમાન હતા. તેમણે મને તેલ અવીવથી ગાઝા પટ્ટીમાં જવા માટે મર્સિડિઝ ગાડી આપી.
એરકંડિશન્ડ ગાડી વગર જવાય જ નહીં. બીજી વાત કે મને ઇઝરાયલના વિઝા મળ્યા ત્યારે ‘અભિયાન’ મેગેઝિન વતી જતો હતો ત્યારે ઇઝરાયલના ભારત ખાતેના એલચીએ મને મુંબઇ રૂબરૂ બોલાવ્યો. મને ત્યાંના ગૃહખાતા ઉપર ચિઠ્ઠી લખી આપી.
મારી સાથે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી ગૃહખાતાનો માણસ આવેલો. રસ્તામાં મોટર ખોટવાઇ ગઇ. અફાટ રણ. કોઇ જોવા ન મળે. દૂર એક આરબનું ઝૂંપડું હતું. ધોમધખતા તાપમાં ત્યાં ગયો. આરબ મારી ભાષા સમજે નહીં, પણ ભાષાની જરૂર નહોતી. તેણે આપણા બાજોઠ જેવી ખાટલી ઢાળી આપી.
માટલાનું ઠંડું પાણી આપ્યું, પછી કાવો આપ્યો. પછી હુક્કો ધર્યો. રણનો આ અનુભવ આજે યાદ છે. એ મીઠાં અનુભવ પછી મેં નજીકના ડુંગર ઉપર ચઢવાની મૂર્ખાઇ કરી ત્યાં હજી પેલેસ્ટાઇનીઓ અને ઇઝરાયલ વચ્ચે અવિરત યુદ્ધ ચાલે છે. ડુંગર ઉપર થોડું ચઢ્યો ત્યાં મારા કાન ઉપરથી સનનન બંદૂકની ગોળી પસાર થઇ ગઇ. ઇશ્વરે જાન બચાવી. ગાઝાની યાત્રા જોખમી છે તે પછીથી જાણવા મળ્યું.
મર્સિડિઝની સફર કરતાં ટ્રેનની સફર હંમેશાં રોચક, રોમાન્ટિક અને યાદગાર હોય છે. મને તો ટ્રેનના એન્જિનમાં પણ મુસાફરીનો મોકો મળેલો. તમે છૂક છૂક ગાડીના એન્જિનમાં કદી ઊભાં છો?
ઉપર જે ઓરિએન્ટ એક્સપ્રેસની વાત કરી તેની સફર તમામ લોકોને રોમાંચક લાગતી. એટલી હદ સુધી કે જ્યારે તે બલ્ગેરિયાની હદમાંથી પ્રથમવાર પસાર થઇ ત્યારે ત્યાંના રાજા કિંગ બોરિસે થોડો સમય એન્જિન ડ્રાઇવર તરીકે જ કામ કરવાનું પસંદ કરેલું.
સૌરાષ્ટ્રના ગીરમાં સિંહ જોયા છે, પણ એ સિંહ માત્ર કન્ડક્ટેડ ટૂરમાં તમને જોવા મળે છે. મેં ગીરમાં ઇન્દિરા ગાંધી સાથે પ્રવાસ કરીને સિંહ જોયા છે, પણ નકુરુથી દૂર દૂરના પ્રદેશમાં સફર કરી ત્યારે જંગલમાં એકદમ છૂટથી ફરતા સિંહ અને હાથી જોયા છે.
આપણે થોમસ કુકનો આભાર માનવો જોઇએ કે ૧૮૬૩માં તેણે માનવજાતને જગતભરના દેશો જોવાનો કન્ડક્ટેડ ટૂર દ્વારા મોકો આપ્યો.

.










