સાઉથ આફ્રિકાનો આસાન વિજય
૩૫૫ રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડના ૨૪૨, શ્રેણીમાં ૧-૧ની બરાબરી
ડીવિલિયર્સની આક્રમક સદી અને વેઇન પાર્નેલની વેધક બોલિંગની મદદથી સાઉથ આફ્રિકાએ ૩૫૪ રનનો વિશાળ સ્કોર ખડકયા બાદ ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં શુક્રવારે ઇંગ્લેન્ડને ૧૧૨ રનથી હરાવવાની સાથે પાંચ મેચની શ્રેણીનો સ્કોર ૧-૧થી સરભર કરી દીધો હતો.
અહીં રમાયેલી ત્રીજી વન-ડેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં સાઉથ આફ્રિકાએ ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૫૪ રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. ઇંગ્લેન્ડ ૪૧.૩ ઓવરમાં ૨૪૨ રનના સ્કોરે આઉટ થઇ ગયું હતું. ડીવિલિયર્સને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
૩૫૫ રનના વિશાળ સ્કોર સામે રમતાં ઇંગ્લેન્ડ માટે કોલિંગવૂડે પોતાનું ફોર્મ જાળવી રાખીને ૮૨ બોલમાં સાત બાઉન્ડ્રી અને ત્રણ સકિસર સાથે ૮૬ રન ફટકાર્યા હતા. પાર્નેલે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરતાં ૪૮ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.










