કેરળ એક્સપ્રેસ પર ડોનાલ્ડ આફરીન
ડોનાલ્ડ શ્રીસંતને વોરવિકશાયર કાઉન્ટી તરફથી રમાડવા માગે છે: ડોનાલ્ડના મત મુજબ શ્રીસંતમાં ભારતના નંબર વન બોલર બનવાની તમામ ખૂબીઓ છે, કાનપુરની ફલેટ વિકેટ પર જે વિકેટ ઝડપી શકતો હોય તે બોલર સામાન્ય તો હોય જ નહીં ને
ફરી એકવાર કેરળ એકસપ્રેસ શ્રીસંત ચર્ચામાં છે. કાનપુરની ફલેટ વિકેટ પર શ્રીલંકન બેટ્સમેનોને હંફાવી દેનાર શ્રીસંત ઉપર સાઉથ આફ્રિકાનો પૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડ આફરીન પોકારી ઊઠ્યો છે. આ એ જ શ્રીલંકન બેટ્સમેનો છે જે અમદાવાદ ટેસ્ટમાં તો આઉટ પણ થતા નહતા.
બધા જ ભારતીય બોલરો થાકી ગયા હતા, પરંતુ શ્રીસંતે ફરી એકવાર સાબિત કરી દીધું કે તેની કેટલીક આદતોને બાદ કરીએ તો તે એક અરછો ફાસ્ટ બોલર સાબિત થઈ શકે છે. બીજી ટેસ્ટની વિકેટ ભલે અમદાવાદ જેટલી ફલેટ નહીં હોય પરંતુ તે બોલિંગ કે સ્પોર્ટિંગ વિકેટ તો છે જ નહીં એ પાક્કું. આ પીચ પર પણ બેટસમેનો જો ટકી જાય તો તેને આઉટ કરવા મુશ્કેલ છે, છતાં શ્રીસંતે પોતાના પેશ અને વૈવિઘ્ય વડે લંકન બેટસમેનોને પેવેલિયન ભેગા કરવામાં સફળતા મેળવી.
શ્રીસંતની સફળતા બાદ સાઉથ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડે કહ્યું કે અમને કાઉન્ટી ટીમ વોરવિકશાયર માટે શ્રીસંત જેવા બોલરની જરૂર છે. અમે એવા બોલરને શોધતા જ હતા જેમાં શ્રીસંત જેવો સ્પાર્ક હોય, તેના અગ્રેસનની અમને જરૂર છે, તે અમારા બજેટમાં પણ ફીટ થાય એવો છે.
તે પ્રતિભાશાળી છે જેનો પરચો તેણે સાઉથ આફ્રિકા પ્રવાસમાં આપ્યો હતો. ફરી એકવાર તેણે કાનપુર જેવી ફ્લેટ વિકેટ પર સાબિત કરી દીધું કે તેનામાં ભારોભાર ટેલન્ટ ભર્યું છે. મેં બીજી ટેસ્ટ કેટલાક ભાગમાં જોઈ છે, હું ત્યાં જ હતો, સવારના સત્રમાં બોલરો માટે રિવર્સ સ્વિંગ હતી અને શ્રીસંતે તેનો સારો એવો ફાયદો ઉઠાવ્યો હતો. તેનો સારો દેખાવ તેને ફરી એકવાર ભારતીય ટીમમાં સ્થાન અપાવવા માટે કાફી છે.હવે તે સારી એવી વિકેટના જથ્થા સાથે ટીમમાં
પરત ફર્યો છે ત્યારે તેને ટીમમાં ટકવામાં કોઇ પરેશાની હોવી જોઇએ નહીં. તેનામાં તમામ ક્ષમતા છે કે તે ભારતીય પેસ એટેકની આગેવાની કરી શકે. તેના સારા દેખાવની અસર સમગ્ર ટીમ ઉપર પડશે. તેણે કેપ્ટન અને સાથી ખેલાડીઓનું દિલ જીતી લીધુ હશે. તેણે કમબેકની પ્રથમ મેચમાં એક અનુભવી બોલરને છાજે એવી બોલિંગ કરી છે. આ તેના કરિયર માટે ઘણું લાભદાયક રહેશે.
મને લાગે છે કે આ છોકરામાં ઘણી જ પ્રતિભા છે, તેનામાં બોલ પર પકડની જબરદસ્ત સ્કિલ છે, તે પોતાની દરેક સ્કિલનો ખૂબીપૂર્વક ઉપયોગ કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીસંતને જ્યારે ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો ત્યારબાદના છ મહિના તેણે ઇંગ્લેન્ડમાં ગાળ્યા હતા જયાં તેણે એલન ડોનાલ્ડ પાસે બોલિંગના ગુણ શીખ્યા હતા. આ અંગે ડોનાલ્ડ કહે છે કે હું એમ નથી કહેવા માગતો કે મારા લીધે તેના દેખાવમાં સુધારો થયો છે. તે પ્રતિભાશાળી છે અને આ બદલ જ તેને વિકેટ મળી રહી છે.
મેં તેને કેટલીક બોલિંગ ટિપ્સ આપી હતી અને એ બાબતે ખાસ ઘ્યાન આપવાનું કહ્યું હતું. હું જોઉ છું કે તેણે દરેક વાતનો અમલ કર્યોછે. મેં એડી બાર્લોઅને બોબ વુલ્મર જેવા કોચ સાથે કામ કર્યું છે. તેઓ હંમેશાં કહેતા કે ક્રિકેટ કોચિંગ કે ટ્રેનિંગ એક ક્રિકેટરના કરિયરનો સૌથી મહત્ત્વપૂર્ણ હિસ્સો હોય છે. હું જાણતો હતો કે જો શ્રીસંત કેટલીક બાબત પર ઘ્યાન આપશે તો તે ચોક્કસ સફળ થશે. ટેલેન્ટની દ્દષ્ટિએ પણ તે વિશાળ છે. તેનામાં બોલને બંને તરફ સ્વિંગ કરવાની કાબેલિયત છે. જ્યારે બોલ જુના થાય છે ત્યારે તે બોલને બંને તરફ રિવર્સ સ્વિંગ કરાવી શકે છે. તે ઘણો જ ફીટ છે અને આખો દિવસ થાકયા વગર બોલિંગ કરી શકે એટલો શકિતમાન છે.
તે ૯૦ માઇલની ઝડપે ભલે બોલિંગ કરતો નહોય પરંતુ તેની સ્પિડ હંમેશાં ૮૦ થી૮૫ વચ્ચે રહેતી હોય છે. એક ફાસ્ટ બોલર માટે આ સ્પિડ કાફી છે. જો કોઇ હવામાં બોલને સ્વિંગ કરાવી શકતું હોય તો તે અદ્ભૂત જ કહેવાય. તમે આ સ્કિલ ખરીદી ન શકો કે કોઇને શીખવી ન શકો તે નેચરલ હોય છે. વેંકટેશ પ્રસાદની બાદબાકી બાદ ભારતીય ટીમના કોચ તરીકે એલન ડોનાલ્ડને ટીમમાં સામેલ કરવાની તજવીજ ચાલી રહી છે. આ અંગે ડોનાલ્ડે કહ્યું કે હું કોચ ગેરી કસ્ર્ટન સાથે કામ કરવા તત્પર છું. હજી બીસીસીઆઇ આ અંગે વિચારી રહી છે. જો મને બોલિંગ કોચની ઓફર કરવામાં આવશે તો હું યોગ્ય જવાબ આપીશ.












