ધોનીએ શ્રીસંતના ભરપેટ વખાણ કર્યા
ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શ્રીસંતને આધુનિક ક્રિકેટમાં રિવર્સ સ્વિંગનો સર્વશ્રેષ્ઠ બોલર ગણાવી જણાવ્યું હતું કે કેરલના આ બોલરના શાંતચિત અવતારથી ટીમને ઘણો ફાયદો થયો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 19 મહિના પછી પુનરાગમન કરનાર શ્રીસંતે શ્રીલંકાની પ્રથમ પારીમાં પાંચ વિકેટ ઝડપીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જેના કારણે શ્રીલંકા ફોલોઓન થયું હતું અને ભારતને મેચ જીતવામાં સફળતા મળી હતી. ધોનીએ શ્રીસંતના વખાણ કરતા જણાવ્યુ હતું કે પોતાના વર્તનના કારણે વિવાદોમાં ઘેરાયા બાદ પોતાની ભાવના પર કાબૂ રાખવાનું તે શિખી ગયો છે. આશા છે કે તેનો શાંત સ્વભાવ આગામી દિવસોમાં પણ જોવા મળશે.
ધોનીએ વધુમાં જણાવ્યું હતુ કે તેણે પોતાની ભાવના પર નિયંત્રણ કરી લીધું છે તે ઘણું મહત્વપૂર્ણ છે. મને નથી લાગતુ કે અહિં કોઈપણ ઝડપી બોલરના પાંચ વિકેટ મળવાની આશા હોય , પરંતુ આ કામ શ્રીસંતે કરી બતાવ્યું.
ધોનીએ જણાવ્યું હતું કે શ્રીસંત નેટપ્રેક્ટિસ દરમિયાન સારી બોલિંગ કરી રહ્યો હતો. જ્યારે અમે મેદાનને જોયું તો અમને ખ્યાલ હતો કે રિવર્સ સ્વિંગ થશે.












