સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત રેડિયો સ્ટેશન શરૂ
‘સેવા’ના ઉપક્રમે દેશનું ૪૯મું રેડિયો સ્ટેશન, દસક્રોઈ અને સાણંદ તાલુકાનાં ૨૦ ગામોમાં જાગૃતિ ફેલાવવા માટે રેડિયો સ્ટેશનનો ઉપયોગ થશે
સેવા અકાદમીના ઉપક્રમે દેશના ૪૯મા રેડિયો સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના માઘ્યમથી દસક્રોઈ અને સાણંદ તાલુકાનાં ૨૦ ગામોમાં સેવાની પ્રવૃત્તિઓનો પ્રસાર કરવામાં આવશે તથા લોકસંગીત પણ પીરસવામાં આવશે. રેડિયો સ્ટેશનનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ કરશે.
સેવા અકાદમીના માઘ્યમથી શરૂ થયેલા રૂડીનો રેડિયો માહિતીસભર કાર્યક્રમોનો રસથાળ હશે તેમ જણાવી સેવા અકાદમીના ડાયરેક્ટર નમ્રતા બાલીએ જણાવ્યું હતું કે, સવારે ૮થી બપોરે ૧૨ અને સાંજે ૪થી રાત્રે ૮ દરમિયાન કાર્યક્રમો રજૂ કરાશે. તેમાં મહત્તમ રીતે રોજગારી, આવક, પોષણ, આરોગ્ય, માલિકી, બાલસેવા, રહેણાક (ઘર), સંગઠન, આગેવાની, સ્વાવલંબન, શિક્ષણ વગેરે બાબતો પર લોકજાગૃતિ આણવા માટેના રેડિયોના માઘ્યમથી પ્રયાસો કરાશે. તેની ફ્રીકવન્સીને ઘ્યાને લેતાં આસપાસનાં ૨૦ ગામોમાં રેડિયો સાંભળી શકાશે. ૯૦.૪ ફ્રીકવન્સી પર રેડિયો સાંભળી શકાશે.
આ પ્રયોગ સફળ થશે તો આગામી દિવસોમાં અન્ય જિલ્લામાં પણ આ પ્રકારે રેડિયો સ્ટેશન ઊભા કરવાની વિચારણા છે. મહિલાઓને ખેતીથી લઈને ઘરની રસોઈ સુધીની તથા બાળકોના ઉછેરથી લઈને રોજગારી સુધીની વિવિધ માહિતી આપવાની રેડિયો સ્ટેશનની નેમ છે.










