પાલીતાણા પંથકમાં નબળી ગુણવત્તાવાળા ટ્રાન્સફોર્મર
પાલીતાણાના ખેતીવાડી વિસ્તારમાં નબળી ગુણવત્તાવાળા ટ્રાન્સફોર્મર તેમજ શહેરમાં વીજવાયર નબળા નખાતા હોય વારંવાર બળી જવાથી લોકોમાં રોષ ભભુકી ઉઠેલ છે.
પાલીતાણા તાલુકો ઘણો જ મોટો છે અને મુખ્ય ખેતી ઉપર નભે છે. આ વર્ષે ઓછા વરસાદના કારણે મોટાભાગે પાકને બચાવવા પિયત કરવુ પડે છે જ્યારે ખેતીવાડી વિસ્તારમાં અનેક સ્થળોએ હલકી ગુણવત્તાવાળા ટ્રાન્સફોર્મર નાખવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
જ્યારે આવા ટ્રાન્સફોર્મર બદલવા માટે ખેડૂતોને પી.જી.વી.સી.એલ. કચેરીમાં અનેક ધક્કાઓ ખાવા પડે છે જેમાં ખેડૂતોનો સમય તેમજ પિયત ન મળતા મહામહેનતે કર્જ કરીને પણ ઉછરેલ પાક સમય જતા ખેડૂતોની નજર સામે જ બળવા લાગે છે. જ્યારે શહેરમાં ખાસ કરીને તળેટી વિસ્તારમાં હલકી ગુણવત્તાવાળા વાયરના લીધે અનેકવાર વાયરો બળી જવાથી કલાકો સુધી વીજપુરવઠો ખોરવાય છે
યાત્રાધામના લીધે આ વિસ્તારમાં અનેક ધર્મશાળાઓ આવેલ છે ત્યારે વારંવાર વીજ પૂરવઠા ખોરવાતા યાત્રાળુઓ તેમજ વેપારીઓ ભારે મુશ્કેલી અનુભવે છે. આમ એક બે કનેકશનમાં ટ્રાન્સફોર્મર બળવુ કે વારંવાર વાયર બળી જવો તેમાં હલકી ગુણવત્તાવાળો નખાતો હોવાની શંકા દર્શાવાઇ છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા ગંભીરતા લેવાય તે જરૂરી છે.
બાકી ઓછા વરસાદને કારણે મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. જ્યારે પિયતવાળા પાકમાં પણ વારંવાર વીજળીની મુશ્કેલી સર્જાતા ખેડૂતો મુંઝવણ અનુભવી રહ્યા છે. ત્યારે હવે આ બાબત તંત્ર દ્વારા ગંભીરતા લેવાય તે જરૂરી છે.










