રમતગમત જીવનને ગતિ અને વિકાસબળ આપે છે
ચાણસ્માના આંગણે રાજ્ય કક્ષાની ત્રિ-દિવસીય અન્ડર-૧૬ એથ્લેટિક્સ સ્પર્ધાનો રંગેચંગે પ્રારંભ
ચાણસ્માના આંગણે યોજાયેલી ગુજરાત રાજ્ય અન્ડર ૧૬ એથ્લેટિકસ સ્પર્ધાને મશાલ પ્રગટાવીને ખુલ્લી મૂકયા બાદ પૂર્વ ઉધોગ મંત્રી અને મહેસાણાના ધારાસભ્ય અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘રમતગમતથી બાળકોમાં ખેલદિલી, ચપળતા અને ભાઈચારાના ગુણો ખીલતા હોય છે.’ આ સ્પર્ધામાં ૨૫ જિલ્લા અને સાત મહાનગરપાલિકા વિસ્તારના ૭૩૦થી પણ વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.
યુવક, સેવા અને સાંસ્કતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને પાટણ જિલ્લા રમત ગમત પરિષદના ઉપક્રમે ચાણસ્માના પી.પી.પટેલ વ્યાયામ સંકુલમાં યોજાયેલી ત્રિ-દિવસીય એથ્લેટિકસ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ મંગળવારે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદેથી બોલતા ચાણસ્માના રચનાત્મક અગ્રણી અને મજૂર મહાજન સંઘ અમદાવાદના પ્રધાનમંત્રી અમથાભાઈ જોરાભાઈ દેસાઈએ જણાવ્યું કે, ‘આજનું યુવાધન એ આવતીકાલના રાષ્ટ્રનિર્માણની ધરી છે. આ ધરી રમતગમતના માઘ્યમથી જ ટકી શકે છે.’ તેમણે ઉમેર્યું કે, ‘રમતગમત જીવનને ગતિ અને વિકાસ માટે બળ પૂરું પાડે છે.
આવા કૌશલ્યવાન વ્યક્તિને તન, મન અને ધનની સુખ પ્રાપ્તી થાય છે. રમતથી શરીરની સાથે આદર્શ જીવન ઘડતર પણ થાય છે. આ પ્રસંગે એન્જિનિયર પી.પી. પટેલે વિજેતાઓને ઈનામ આપવાની જાહેરાત કરી હતી. ધારાસભ્ય રજનીકાન્ત પટેલ, પૂર્વ મંત્રી અરવિંદભાઈ પટેલ, ઉધોગપતિ ભૂપેન્દ્રભાઈ પટેલ, મામલતદાર વી.જી. કડિયા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પટેલ, પીઆઈ ગામેતી, ચાણસ્મા પ્રગતિ મંડળના મંત્રી મનુભાઈ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી જયંતિભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન પ્રિ. એસ.એમ. પટેલ અને પી.જી. પટેલે કર્યું હતું.










