ધર્મોત્સવ : ઊઝાની શૈક્ષણિક સંસ્થાઓ બંધ
ઉમા મહોત્સવ દરમિયાન તાલુકાની પ્રા.શાળાઓ, કોલેજમાં રજા
ઊઝામાં બિરાજતા શ્રી ઉમિયા માતાજી મંદિરના ૧૮મી શતાબ્દી રજતજયંતિ મહોત્સવમાં ભાગ લેવા ઊઝા આતુર બન્યું છે ત્યારે આ મહોત્સવના પાંચ દિવસો દરમિયાન પ્રાથમિક અને માઘ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં ખાસ રજા કરવામાં આવી છે. જો કે, માઘ્યમિક શાળામાં રજાની અમલવારી ઊઝા શહેર અને આસપાસનાં આઠથી દસ કિ.મી. શાળાઓ માટે હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ઊઝામાં ૨૮મી નવેમ્બરથી પ્રારંભ થનારા ઉમિયા માતાજીના પાંચ દિવસના મહોત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઊઝાવાસીઓ આ મહોત્સવના આગમનને લઈને આતુર બન્યા છે. આ સંજોગોમાં ઊઝા નગરમાં આ મહોત્સવ ઉજવનારો છે અને મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉતારા સહિતની વ્યવસ્થા રાખવામાં આવી હોવાથી મહોત્સવ દરમિયાન પ્રાથમિક અને માઘ્યમિક શાળાઓમાં ખાસ રજા જાહેર કરવામાં આવી છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.આઈ. જોષીએ જણાવ્યું છે કે, ઊઝા તાલુકા પ્રાથમિક શિક્ષક સંગઠન દ્વારા આ મહોત્સવમાં શાળાઓમાં વ્યવસ્થા રખાઈ હોવાથી તેમજ લાખો શ્રદ્ધાળુઓ આ નગરમાં આવવાના હોય જેથી પાંચ દિવસ રજા જાહેર કરાય તેવી માંગણી રજૂ કરતા વિચારણાને અંતે અને આ દિવસોનું શૈક્ષણિક કાર્ય સરભર કરવાની આ શિક્ષકોએ ખાતરી આપતા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ૨૮ નવેમ્બરથી ૨ ડિસેમ્બર રજા જાહેર કરાઈ છે. આજ રીતે જિલ્લા માઘ્યમિક શિક્ષણાધિકારીના સૂત્રોએ આ મહોત્સવ દરમિયાન લોકોની ભીડ સહિત કારણોને લઈને ઊઝા શહેર સહિત આસપાસની ૧૦ કિ.મી.માં આવેલ માઘ્યમિક શાળાઓમાં આ દિવસો દરમિયાન રજા જાહેર કરાઈ છે.
જો કે, આ રજા માત્ર ઊઝા શહેર અને આસપાસના દસ કિ.મી.ની માઘ્યમિક શાળાઓમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, ઊઝા ઉમિયા મહોત્સવમાં જિલ્લાના વેપારી સંગઠનો દ્વારા ગંજબજાર સહિત બજારો સ્વૈરિછક બંધ જાહેર કર્યું છે ત્યારે શાળા-કોલેજમાં રજા મુદ્દે અવઢવને શિક્ષણવિભાગે સ્પષ્ટ કરી છે.
ઊઝાની કોલેજોમાં શૈક્ષણિક કાર્યમાં વિરામ
મા ઉમિયાના ભવ્યાતિભવ્ય ૧૮મી શતાબ્દી રજત જયંતી મહોત્સવમાં સમગ્ર ઊઝા પંથકના લોકો મા મય બનીને સેવાકાર્યમાં જોડાયા છે ત્યારે વિદ્યાર્થીઓ પણ આ મહોત્સવમાં નિિશ્ચંત થઈને જોડાઈ શકે તેમજ આજુબાજુના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને મહોત્સવ વખતે આવવા-જવામાં અગવડ ન પડે તે હેતુથી ઊઝાની તમામ કોલેજોમાં પણ મહોત્સવ નિમિત્તે પાંચ દિવસ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનિય છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણને નુકસાન ન પહોંચે તે માટે કોલેજોમાં અન્ય રજાના દિવસોએ કોલેજ ચાલુ રાખીને આ દિવસોમાં રજાનું આયોજન કરાયું છે.
મા ઉમાની ભક્તિ સાથે સરસ્વતીની ઉપાસના
ઊઝા તાલુકાની તમામ પ્રાથમિક શાળામાં ઉમિયા માતાજીના મહોત્સવ અંતર્ગત પાંચ દિવસની રજા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.આઈ. જોષીએ જણાવ્યું છે કે, આ શિક્ષકોએ આ મહોત્સવની રજાને લઈને આગળથી આ પાંચેય રજાનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી મા ઉમાની ભક્તિ સાથે સરસ્વતીની ઉપાસના કરી છે તે પણ દ્દષ્ટાંત રૂપ છે. આજ રીતે માઘ્યમિક શાળાઓમાં રજાનું શિક્ષણ સરભર કરવાની ખાતરી આ શાળાના શિક્ષક સમુદાયે આપી છે.










