યુપીના નેતાઓનો ‘શેરડી-દાવ’

દેશમાં ગુજરાત જ એકમાત્ર એવું રાજ્ય છે કે જયાં સહકારી ધોરણે સુગર મિલ કાર્યરત છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કણાર્ટક, તામિલનાડુમાં પણ સુગર મિલો આવેલી છે. કેટલાંક સ્થળે ખાનગી કંપનીઓ પણ કાર્યરત છે. ઉત્તરપ્રદેશમાં સત્તા માટે લડતા રાજકીય પક્ષો અને તેના નેતાઓને ગુજરાત મોડલ અપનાવવાનું કેમ નહિ સૂઝતું હોય?
યા સપ્તાહે શિયાળુ સત્રની સાથે શરૂ થયેલું શેરડીપુરાણ સોમવારે લિબરહાન કમિશનના રિપોર્ટના મુદ્દે સંસદનાં બન્ને ગૃહોમાં મચેલી ધમાલમાં કયાંય ભુલાઈ ગયું. ખેડૂતોને શેરડીની કિંમત કેટલી મળશે અને તેમના બાકી નાણાં કયારે છૂટા થશે એ તો ભગવાન જ જાણે પણ આ મુદ્દે જે રાજકારણ આ ચાર-પાંચ દિવસમાં ખેલાઈ ગયું એ કાબિલેદાદ છે! ઉત્તરપ્રદેશ સૌથી મોટું શેરડી પકવતું રાજ્ય છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, કણાર્ટકમાં પણ તેનું નોંધપાત્ર પ્રમાણમાં ઉત્પાદન થાય છે, પણ ઉત્તરપ્રદેશનું મહત્વ વિશેષ છે. અન્ય રાજયોમાં ખાનગી કંપનીઓ પણ સુગર મિલ ધરાવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કણાર્ટકમાં સહકારી ધોરણે સુગર મિલ ચાલે છે.
ગુજરાતમાં સહકારી ધોરણે ચાલતી સુગર મિલનું મહત્વ વિશેષ છે. કારણ કે સહકારી ધોરણનો અર્થ ગુજરાતમાં એવો થાય છે કે સંપૂર્ણ રીતે સહકારી ધોરણે ચાલતી ખાંડ સહકારી મંડળી. મહારાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રમાં સુગર મિલ છે, પણ ત્યાંની શેરડીની વેચાણની પ્રક્રિયા અલગ છે. સુગર મિલ કોન્ટ્રાક્ટર મારફતે શેરડીની ખરીદી કરે છે. આથી કોન્ટ્રાક્ટર કોઈ પણ ગામમાં જઈ હરાજી કરીને ભાવ નક્કી કરે છે. ગુજરાતમાં સહકારી મંડળીઓ ભાવ નક્કી કરે છે. ખેડૂતોને શેરડીના ટેકાના ભાવ કરતાં પણ બમણો ભાવ શેરડી માટે ચૂકવાય છે. આથી ગુજરાતનું સહકારી મોડલ અનોખું છે. દક્ષિણ ગુજરાતમાં લગભગ ૧૪ જેટલી ખાંડ સહકારી મંડળીઓ આવેલી છે. આ વિસ્તારનું અર્થતંત્ર પણ આ કારણે સમૃદ્ધ છે. સવાલ એ ઊભો થાય છે કે ઉત્તરપ્રદેશમાં જ કેમ આ મુદ્દે રાજકારણ ખેલાય છે?
ઉત્તરપ્રદેશમાં ખાનગી કંપનીઓ પણ આ વ્યવસાયમાં છે. જેટલા ખેડૂત નેતાઓ છે તેઓ પણ તેમાં હિત ધરાવે છે. ખેડૂતો લગભગ દરેક સિઝનમાં ભાવના મુદ્દે સરકારનું નાક દબાવે છે. ટેકાના ભાવ ઉત્તરોત્તર વધતાં જ ગયા છે પણ ખેડૂત નેતાઓને સંતોષ નથી. તેનું કારણ રાજકારણ છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષ, બહુજન સમાજવાદી પક્ષ, કોંગ્રેસ, ભાજપ, અજિતસિંહનો પક્ષ અને છેલ્લે ખેડૂત નેતા મહેન્દ્રસિંહ ટીકેતનું જોર છે. બધાને એવું લાગે છે કે જો શેરડીના ખેડૂતોની પડખે નહીં રહીએ તો મત નહીં મળે અને જો તેમ થશે તો સત્તા નહીં મળે. ભાજપ-કોંગ્રેસ જેવા બે મુખ્ય પક્ષોની સ્થિતિ અત્યંત નબળી છે. બસપા હાલમાં જોરમાં છે. સમાજવાદી પક્ષનું મહત્વ પણ ઘટતું જાય છે. અજિતસિંહનો પક્ષ તો રાજ્યના એક હિસ્સા પૂરતો સીમિત થઈ ગયો છે. મહેન્દ્રસિંહ ટિકેત દરેક નવા મુદ્દે મેદાનમાં આવી જાય છે.
કોંગ્રેસને ત્યાં ફરી પગ જમાવવો છે. રાહુલ ગાંધી એકલા હાથે આ માટે મહેનત કરી રહ્યા છે. આ માટે જે કરામતો કરવી પડે તે તમામ કરામતો તેઓ કરી રહ્યા છે. આથી અન્ય પક્ષો ગભરાયા છે. વળી, લોકસભાની છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને એકલે હાથે મળેલી સફળતાથી રાહુલ ગાંધીનો જુસ્સો અનેક ગણો વધી ગયો છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની ગાદી કોંગ્રેસને મળે તેવું દેખાઈ રહ્યું છે. આથી જ ગયા ગુરુવારે શેરડીના મુદ્દે રાહુલ ગાંધીએ ખુદ વડાપ્રધાન સમક્ષ રૂબરૂ જઈ રજૂઆત કરી. વિપક્ષોને તો આ મુદ્દે એક થયા વગર છૂટકો નથી.
આ પરિપ્રેક્ષમાં ગુજરાતની સહકારી સુગર મિલોનો દાખલો ઉત્તરપ્રદેશે લેવા જેવો છે પણ ત્યાંના કોઈ રાજકારણીને તેમાં રસ પડે તેવું નથી. ગુજરાતમાં પણ સહકારી સુગર મિલોમાં ભારોભાર રાજકારણ ચાલે છે, પણ તે રાજ્યની ગાદીને અસર કરતું નથી. ગુજરાતમાં અત્યાર સુધી મગફળી પકવતા ખેડૂતોનું વર્ચસ્વ હતું, પણ હવે તે ઘટવા માંડયું છે. ગુજરાતની સહકારી સુગર મિલોએ ખેડૂતોને એટલા સમૃદ્ધ કર્યાં છે કે તેમણે સરકાર સમક્ષ હાથ લંબાવવાની ફરજ પડતી નથી. આ મિલોનો નફો પણ તગડો હોય છે. વળી, તેમાંથી તેઓ શૈક્ષણિક સંકુલો અને સમાજ ઉપયોગી કાર્યો કરે છે. જમીનોના ભાવ વધવાની સાથે સુગર મિલોના શેરના ભાવ પણ આસમાને ગયા છે.
ઉત્તરપ્રદેશમાં ખાનગી કંપનીઓ આ ક્ષેત્રે વ્યસ્ત હોવાથી ખેડૂતોને સતત એવું લાગે છે કે નફો બધો તેઓ તાણી જાય છે. ખેડૂતોનું તો શોષણ જ થાય છે. વળતર પૂરું મળતું નથી, નાણાં સમયસર ચૂકવાતાં નથી એવા આક્ષેપો વારંવાર થતા જોવા મળે છે. ગુજરાતમાં ફરિયાદ નથી. તો સવાલ એ છે કે ગુજરાત મોડલને શા માટે અપનાવવામાં આવતું નથી? કંઈક અંશે મહારાષ્ટ્રનું મોડલ પણ સફળ ગણાય છે. આ બન્ને મોડલનો સમન્વય કરીને ઉત્તરપ્રદેશ માટે એક કાયમી ઉકેલ લાવી શકાય, પણ તેમ નહીં થાય. ખેડૂતો, શેરડી, ખાંડ વગેરેનો ત્યાં રાજકારણ માટે ઉપયોગ કરવામાં આવે છે. આથી કોઈને નારાજગી વહોરવી નથી.
ઉત્તરપ્રદેશ આમ પણ દેશમાં સૌથી મોટા રાજ્ય તરીકેનો દરજજો ભોગવે છે. સમૃદ્ધ અને શકિતશાળી રાજ્ય હોવાને કારણે દરેક રાજકીય પક્ષોની નજર ત્યાં હોય તે સ્વાભાવિક છે. અનેક વડાપ્રધાનો આપનાર આ રાજ્ય છેલ્લા કેટલાક દાયકાઓથી એક પ્રકારે સામાજિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. ભગવાથી લઈને સમાજવાદ અને બહુજન સમાજવાદ સુધીના રંગોનો અનુભવ ઉત્તરપ્રદેશ કરી ચૂક્યું છે. હવે કોંગ્રેસ ફરી તેને પોતાની પકડમાં લેવા માગે છે.
અનેક દિગ્ગજ નેતાઓ આપનાર ઉત્તરપ્રદેશમાં આજે રાજકારણથી ઉપર જઈ શકે અને રાષ્ટી્રય સ્તરે સ્વીકત બને તેવો કોઈ નેતા નથી. કોંગ્રેસનું એક જમાનામાં એકચક્રી શાસન હતું. રાહુલ ગાંધીને કોંગ્રેસનો આ ભવ્ય ભૂતકાળ પાછો લાવવો છે. મંડલથી કમંડલ સુધીના ખેલ જોઈ ચૂકેલું ઉત્તરપ્રદેશ રાહુલ ગાંધી પર પસંદગી ઉતારે તો નવાઈ લાગવી જોઈએ નહીં. જો તેમ થશે તો સામાજિક પરિવર્તનમાંથી પસાર થઈ ચૂકેલાં આ રાજયોનું વધુ એક ચક્કર પૂરું થશે.











