Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Monday, Nov 23rd, 2009, 3:18 pm [IST]  

danik bhaskarપવિત્ર ભૂમિ ઇઝરાયલ

Drupad Bhatt

પ્રવાસથી જે તે ક્ષેત્રની સંસ્કૃતિ, સમાજ-જીવન તથા આર્થિક વ્યવસ્થા વિશેની માહિતી મેળવી શકાય છે અને તે અંગેની આંતરિક સૂઝ કેળવાય છે. દરેક દેશ, પ્રત્યેક ભૂમિની આગવી વિશેષતા હોય છે, તેનું અનોખું વૈવિઘ્ય હોય છે અને તે દરેકની જુદી જુદી કથા હોય છે. ઇઝરાયલ પણ તેમાં અપવાદ નથી. ભૌગોલિક દ્રષ્ટિએ એશિયા ખંડની પશ્વિમે આવેલો સૌથી છેલ્લો દેશ એટલે ઇઝરાયલ. ઇઝરાયલ એટલે યહૂદીઓના વર્ચસ્વવાળો દુનિયાનો એક માત્ર દેશ. તેનો ભૂ-ભાગ માત્ર ૨૦, ૩૩૦ ચોરસ કિલોમીટર છે, આપણા સૌરાષ્ટ્ર-કચ્છ જેટલો દેશ.



ઇઝરાયલનું નામ પડે એટલે આપણામાંના ઘણા લોકોમાં એક વિશિષ્ટ પ્રકારની ઉત્તેજના વ્યાપી જતી હોય છે. હજુ આજે પણ ત્રાસવાદીઓ સામે કરેલા એન્ટેબી ઓપરેશન કે બધી બાજુથી ઘેરાયેલા દુશ્મન દેશો સાથે સતત જંગ ખેલી રહેલા દેશ તરીકેની ઇઝરાયલની છાપ આપણે ભૂંસી શક્યા નથી.



વર્ષો સુધી ભારત અને ઇઝરાયલ વચ્ચે કોઇ રાજદ્વારી સંબંધો નહોતા અને પ્રવાસીઓની કોઇ અવર-જવર નહોતી. હવે પરિસ્થિતિ બદલાઇ છે. એંસીના દાયકામાં ગુજરાત અને દેશના મોટા હિસ્સામાં પાણીની જબરદસ્ત તંગી સર્જાઇ હતી ત્યારે ઇઝરાયલની ટપક સિંચાઇ પદ્ધતિ, દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાની પદ્ધતિઓ, ખારા પાણીથી તથા મરુભૂમિમાં જંગલો ઉગાડવાની ઇઝરાયલની સિદ્ધિઓ વગેરેની વાતો દેશમાં ચર્ચાવા લાગી.



સાઠના દશકના અંતમાં કે સિત્તેરના દાયકાના પ્રારંભે દુનિયામાં જે ત્રણ દેશોમાં મહિલા વડાંપ્રધાનોનાં નામ ચર્ચામાં હતાં તેમાં ભારતનાં ઇન્દિરા ગાંધી તથા શ્રીલંકાના સિરીમાવો ભંડારનાયકે સાથે ઇઝરાયલનાં ગોલ્ડા માયરનું નામ પણ મોખરે હતું.



ભૌગોલિક વૈવિઘ્ય



ભૌગોલિક દ્રષ્ટિએ એશિયા ખંડની પશ્વિમે આવેલો સૌથી છેલ્લો દેશ એટલે ઇઝરાયલ. ઇઝરાયલ એટલે યહૂદીઓના વર્ચસ્વવાળો દુનિયાનો એક માત્ર દેશ. તેનો ભૂ-ભાગ માત્ર ૨૦, ૩૩૦ ચોરસ કિલોમીટર છે, આપણા સૌરાષ્ટ્ર-કચ્છ જેટલો દેશ.



છતાં તેની ભૌગોલિક વિવિધતા ભારત જેવી છે. દક્ષિણ-પશ્વિમ અને મઘ્ય-પશ્વિમનો નેગેવ તરીકે ઓળખાતો વિસ્તાર મરુભૂમિ છે, લગભગ રણપ્રદેશ જેવો. ઉત્તરમાં ઇઝરાયલમાં ગોલન પહાડીઓ છે. વચ્ચે ત્યાં મેદાનોનો ફળદ્રુપ પ્રદેશ છે, જે તેના તિબેરિયા સરોવર કે ગેલીલી સાગરને આભારી છે.



આ ગેલીલી સાગર અર્થાત્ ‘સી ઓફ ગેલીલી’ એટલે એ પવિત્ર જળ જેની ઉપર ઇસુ ખ્રિસ્તે ચાલવાનો ચમત્કાર કર્યો હતો, જેનો ઉલ્લેખ ખ્રિસ્તી ધર્મના ન્યુ ટેસ્ટામેન્ટમાં છે. આ ધર્મસ્થળે ‘સી ઓફ ગેલીલી’નાં સ્વચ્છ, નર્મિળ અને શાંત જળ ઉપર જ્યાંથી ઇસુ ચાલ્યા હતા તે તીર્થની અનુભૂતિનો રોમાંચ ક્યાંથી ભૂલી શકાય?



dead seeઇઝરાયલની ભૌગોલિક વિવિધતામાં એક છે ત્યાંનો ‘ડેડ-સી’, મૃત સાગર. તે પૃથ્વી ઉપરની સૌથી વધુ નીચાણવાળી જગ્યા છે. તે સમુદ્રની સપાટીથી ૪૧૭ મીટર નીચે છે. આ દરિયાના પાણીમાં કોઇ દરિયાઇ જીવો ટકી શકતા નથી એટલું જ નહીં, આ દરિયામાં ડૂબી પણ શકાતું નથી.



ડેડ-સીના બીચ ઉપર પ્રવાસીઓ માટે ચોખ્ખા પાણીના શાવર-બાથની વ્યવસ્થા કરેલી છે. તેથી ડેડ-સીમાં ‘નહીં ડૂબવા’નો સ્વર્ગીય આનંદ મેળવી શકાય.



પશ્વિમમાં ભૂમઘ્ય સાગર અને દક્ષિણમાં રાતા સમુદ્રના કિનારાઓ પણ તેટલા જ આહલાદક છે. ‘ડીપ-સી ડાઇવિંગ’ કે ‘સ્કૂબા ડાઇવિંગ’ અહીંની વિશેષતાઓ છે. ઇઝરાયલના વાણિજ્યિક પાટનગર એવા તેલ-અવીવનો વિશાળ અને લાંબો દરિયાકિનારો પણ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર છે.



આ દરિયો પોતીકો લાગતો હોવાથી અહીં નહાવાની મજા પડે છે.



Utsav‘પવિત્ર ભૂમિ ઇઝરાયલ’ તરીકે જાણીતો આ દેશ પ્રભુ ઇસુ ખ્રિસ્તનું જન્મસ્થાન છે. આ એ ભૂમિ છે જ્યાંથી મહમ્મદ પયગમ્બર સાહેબ જન્નતશીન થયા હોવાનું કહેવાય છે. ત્રણ દ્વીપો (એશિયા, આફ્રિકા અને યુરોપ) અને બે સમુદ્રો (ભૂમઘ્ય સાગર અને રાતા સમુદ્ર)નું સંગમ સ્થળ એટલે ઇઝરાયલ.



અનેક સંસ્કૃતિઓ, પરંપરાઓ અને રીત-રિવાજોનો આ દેશ છે. આશરે બે હજાર વર્ષ સુધી વેરવિખેર થયેલા યહૂદીઓ દ્વારા ‘ઝીઓવાદ’ નામે ૫૫ વર્ષ સુધી ચલાવાયેલા સંઘર્ષના પરિપાક રૂપે ઇ.સ. ૧૯૪૮માં ઇઝરાયલને એક રાષ્ટ્ર તરીકેનો દરજ્જો મળ્યો.



ઇઝરાયલનો ત્યારબાદનો છેલ્લાં ૬૦ વર્ષોનો ઇતિહાસ પણ પડોશનાં આરબ રાજ્યો તથા પેલેસ્ટાઇન આરબો સાથેની અથડામણોનો ઇતિહાસ રહ્યો છે.



હાઇફા:



haifaદેશના હાર્દસમું હાઈફા બંદર ભૂમઘ્ય સમુદ્ર અને કાર્મેલ પર્વતમાળા વચ્ચે પથરાયેલું પ્રાકૃતિક બંદર છે. તેલ-અવીવ અને જેરૂસલમ પછીનું ઇઝરાઇલનું ત્રીજા નંબરનું મોટામાં મોટું નગર હાઈફા છે. ઇઝરાયલની રાષ્ટ્રભાષા હિબ્રુમાં હાઇફા શબ્દની વ્યૂત્પત્તિ ‘હોફ’ એટલે સુંદર અને ‘યાફ’ એટલે કિનારો.



અર્થાત્ કાર્મેલ પર્વતને વળગતો સુંદર કિનારો એવો અર્થ થાય છે. હાઇફા ત્રિ-સ્તરીય નગર છે. એક જૂનું નગર તથા બંદર. તેની ઉપર મઘ્ય નગર (હદર-હા કાર્મેલ) અને ઉપલું નગર (કાર્મેલ અને અહુઝા). સમુદ્રની સપાટીથી ૨૮૦ મીટર ઊંચાઇ સુધી આ ત્રણ ઉપ-નગરો હાઇફામાં વસ્યાં છે.



અહીં ઇઝરાયલનો એક માત્ર એવો સબ-વે છે જે માત્ર છ મિનિટમાં ત્રણે ભાગોમાં પહોંચાડી દે છે. હાઇફા તેનાં કળા, વિજ્ઞાન, ઇતિહાસ, મેરીટાઇમ (નૌકા યાત્રાઓ સંબંધી) મ્યુઝિયમો માટે જાણીતું છે.



જેરૂસલમ:



israelઇઝરાયલની મુલાકાત પાટનગર જેરૂસલમની યાત્રા વિના અધૂરી ગણાય. જેરૂસલમની પ્રાચીન દીવાલોના ઘેરાવામાં એવાં સંખ્યાબંધ સીમા-ચિહ્નો વિધમાન છે જે આ નગરના ભવ્ય અને તોફાની ધાર્મિક-સામાજિક ઇતિહાસની સાક્ષી સમાન છે.



જેરૂસલમની પશ્વિમી દીવાલના પાયામાં સોલોમનના તે દેવળના અવશેષો હજુ વિધમાન છે. જેરૂસલમ એક એવું સ્થાન છે જ્યાં યહૂદી ધર્મ તેની અસલ વિવિધતા સાથે જોવા મળે છે. એક બહુ પ્રચલિત ધર્મ વિધિ મુજબ યહૂદી ધર્માવલંબીઓ અને પ્રવાસીઓ પણ આ દીવાલના બે પથ્થર વચ્ચેનાં બાકોરામાં ભગવાનના નામના સંદેશા લખેલી ચિઠ્ઠીઓ મૂકે છે.



એક હિન્દુ પ્રવાસી તરીકે પણ યહૂદી ધર્મના ઇશ્વરને નામે સંદેશો લખેલી ચિઠ્ઠી મૂકવાનો રોમાંચ આજ સુધી ભૂલી શકાય તેમ નથી. આધેડ યહૂદીઓને તેમની પરંપરાગત ‘હૈસિડિક’ વેશભૂષામાં જોવાનો લહાવો પણ અનેરો છે.



પ્રભુ ઇસુને જે સ્થળે ક્રોસ ઉપર લટકાવવામાં આવ્યા હતા તે સ્થળે ઊભું કરાયેલું દેવળ, જે ગલીઓમાંથી ગળામાં ક્રોસની ધુંસરી સાથે ઇસુને લઇ જવાયા હતા તે ગલીઓ વગેરેની મુલાકાત જીવનની યાદગાર ક્ષણો છે. જેરૂસલમ એટલે એક એવી પવિત્ર ભૂમિ જે યહૂદી, ખ્રિસ્તી તથા ઇસ્લામ ધર્મનું સંયુક્ત તીર્થધામ સમાન છે.



રહેણી-કરણી અને ખાણી-પીણી



ઇઝરાયલમાં સ્થાનિક લોકો જે ખોરાક લે છે તેની ઉપર મઘ્યપૂર્વની અસર છે. પીતા બ્રેડ, ફલાફલ, સુફ-ગહ-ની અહોટ, હેરોસેત, બકલાવા વગેરે વાનગીઓનો આ સ્વાદ પ્રવાસીઓ માણતા હોય છે. ખીચડીખાઉ પ્રવાસીઓ ફલાફલ અને બકલાવાથી પેટ ભરી લેતાં હોય છે.



ઇઝરાયલમાં સ્થાનિક લોકોને હજુ પણ ભારત પ્રત્યે અહોભાવ છે. રાજ કપૂરની ફિલ્મો અને મહાત્મા ગાંધીને તેઓ ખૂબ ભાવથી તથા આદરથી સન્માને છે.



હિટલરે યહૂદીઓ ઉપર ગુજારેલા સિતમોને તાદ્રશ્ય કરતા ‘હોલોકોસ્ટ મ્યુઝિયમ’ની બહાર આશરે સિત્તેર વર્ષની વયના બે જોડિયા ભાઇઓ મળ્યા. પોલેન્ડના એક કોન્સન્ટ્રેશન કેમ્પમાં હરોળબંધ ઊભેલા યહૂદીઓ સાથે તે સમયે આઠ-દસ વર્ષનાં બે જોડિયા બાળકોના ફોટા બતાવીને તેમણે કહ્યું કે અમે આ બાળકો છીએ.



અમારી ઉંમરને ઘ્યાનમાં લઇ અમને છોડી મૂક્યા હતા. તેની સાબિતી રૂપે મ્યુઝિયમના સાહિત્યની ઝેરોક્સ પણ તેઓએ બતાવી. આ બંને ભાઇઓમાં એક અંતર્મુખી લાગ્યા જે હીરાના વેપાર સાથે સંકળાયેલા છે. બીજા ભાઇ વધુ હસમુખ અને વાચાળ હતા.



અમારા પહેરવેશ અને વાતચીત પરથી તેમણે જાણ્યું કે અમે ભારતથી આવ્યા છીએ ત્યારે તેમણે ઘણી વાતો કરી. રાજ કપૂરના ગીત ‘ઇચક દાના બીચક દાના’ જાતે ગાયું અને નાચ્યા. આ એક અદભૂત સાંજ બની ગઇ અને હોલોકોસ્ટ મ્યુઝિયમમાં હિટલરના સિતમો વિશેના પ્રદર્શનથી મન ઉપર જે બોજ હતો તે હલકો પણ થયો.

રાજ કપૂરના આશિક ભાઇએ તો અમને એમ પણ કહ્યું કે તમે મારે ઘેર ચાલો. તમે કહેશો એ રાજ કપૂરની ફિલ્મ તમને વીડિયો પર હું બતાવીશ.



આ પ્રસંગ ઇઝરાયલી લોકો કેટલા સૌહાર્દપૂર્ણ અને પ્રેમાળ હોય છે તે દર્શાવવા પૂરતો છે. આવા તો સંખ્યાબંધ અનુભવો ઇઝરાયલમાં થયા. ઇઝરાયલમાં કિબૂટ્ઝ-જીવન (એને આશ્રમ જીવન કહેવું વધુ યોગ્ય માનું છું) વિશે વાત કર્યા વિના ઇઝરાયલની વાત અધૂરી રહે.



નેગેવ પ્રાંતમાં આવેલો આ કિબૂટ્ઝ ગાઝા પટ્ટીથી નજીકનો વિસ્તાર છે.



કિબૂટ્ઝ જીવન:



ઇઝરાયલમાં ૨૦મી સદીમાં કિબૂટ્ઝ જીવન શૈલીની એક ચળવળ ઊભી થઇ અને ઠેર ઠેર કિબૂટ્ઝ ઊભાં થવા માંડ્યા. આજે સમગ્ર ઇઝરાયલમાં આવાં ૨૭૦ જેટલા કિબૂટ્ઝ છે. ઇઝરાયલની દોઢ ટકા વસતી આવા કિબૂટ્ઝમાં રહે છે. તેમ છતાં ઇઝરાયલના વિકાસમાં કિબૂટ્ઝના પ્રદાનને ઓછું આંકવામાં આવતું નથી.



ખેતીવાડી, ઉદ્યોગો અને પ્રારંભનાં વર્ષોમાં દેશની સરહદોની સુરક્ષામાં આવાં કિબૂટ્ઝનો ફાળો નોંધપાત્ર છે. કિબૂટ્ઝ એક સ્વાશ્રયી સમાજરચના છે. મોટા ભાગનાં કિબૂટ્ઝ ખેતી પર આધારિત હોવા છતાં તેમાં સમય જતાં ઔધોગિક એકમો પણ હવે સ્થપાવા લાગ્યાં છે.



પ્રત્યેક કિબૂટ્ઝમાં રહેઠાણો, દુકાનો, આનંદ-પ્રમોદની વ્યવસ્થા, શાળા, ડાઇનિંગ હોલ અને રસોડાં વગેરે હોય છે. કિબૂટ્ઝવાસીઓ એક રસોડે જમતા હોય છે. સાફ-સફાઇ અને રસોઇના કામના વારા પણ હોય છે.



બાળકોને ઔપચારિક શિક્ષણ ઉપરાંત પ્રાયોગિક તેમજ વ્યાવસાયિક તાલીમ પણ ખાસ કરીને ખેતીવાડી, ડેરી, પોલ્ટ્રી-ફાર્મ જેવાં ક્ષેત્રોમાં આપવામાં આવતી હોય છે. તેમને પશુપાલન, ડ્રાઇવિંગ, વૃક્ષો-બાળકો-બીમારોની સાર-સંભાળ જેવી બાબતોની તાલીમ કિશોરાવસ્થાથી જ ચાલુ કરી દેવાય છે.



કિબૂટ્ઝ સહજીવન અને સમૂહ જીવનના પાઠ ભણાવતી આદર્શ વ્યવસ્થા છે.



મસાદા, ઇલાત, બેથલહેમ, બેર શૈબા જેવાં સંખ્યાબંધ સ્થળો ઇઝરાયલમાં પ્રવાસીઓનાં આકર્ષણનાં સ્થળો છે. ગોલન પહાડીઓ, ગાઝા પટ્ટી, પેલેસ્ટાઇન હમાસના યુદ્ધ તથા આતંકના સમાચારોથી છવાયેલાં રહેતાં આપણા પ્રચાર માઘ્યમોમાં રજૂ કરાતાં ચિત્રોથી વિપરીત ઇઝરાયલનો પ્રવાસ અને વસવાટ નયનરમ્ય, શાંતિદાયક અને મૈત્રીપૂર્ણ બની રહે છે. તેની અમીટ છાપ ભૂંસી શકાય તેવી નથી.



મારા ઇઝરાયલના આ દિવસોને યાદ કરું છું ત્યારે અચૂક મોંમાં આંગળીઓ ખોસીને જોરથી વ્હીસલ વગાડવાની ઉત્તેજના થઇ જાય છે.



israel

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: