Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Sunday, Nov 22nd, 2009, 3:51 pm [IST]  

danik bhaskarત્રિકોણ વિકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિનો...

Kamal Khokhani

બર્લિનની સાથે સંલગ્ન ત્રીજી વિકૃતિ છે યહૂદીઓનો નરસંહાર. બર્લિનના પ્રતીક સમાન બ્રંડેનબર્ગ ગેટની લગભગ અડોઅડ અને રોડની પેલે પાર પાંચ એકરમાં પથરાયેલું હોલોકાસ્ટ મેમોરિયલ એક અનોખું સ્મારક છે. અમેરિકા સ્થિત પણ મૂળ જર્મન યહૂદી એવા આર્કિટેક્ટ પીટર આઇઝમેન દ્વારા ૨૦૦૫માં નિર્મિત આ સ્મારક નાઝી હકૂમત દરમિયાન રહેંસાઇ ગયેલા ૬૦,૦૦,૦૦૦ જેટલા યહૂદીઓની યાદમાં બંધાયું છે. અલગ-અલગ કદ અને ઊચાઇના આશરે ૨૭૦૦ કોંક્રિટના ચોસલા એક ભુલભુલામણી જેવું પહેલી નજરે લાગે છે.



berlinકોઇ પ્રવાસલેખને સુસંગત ન લાગે એવું મથાળું આ લેખને આપ્યું ત્યારે મને એ ચોક્કસ ખાતરી હતી કે સુજ્ઞ વાચક તેનાથી જરૂર ચોંકી જશે, પણ આવું અસંગત લાગતુ મથાળું આપવાના મારી પાસે કારણો છે.



અભ્યાસકાળ દરમિયાન બર્લિન વિશે ઘણું વાંચ્યું હતું. ત્યારે મને ઘણાં બધાં સાહજિક પ્રશ્નો ઉઠતા કે કેવળ એક વ્યક્તિ કે એક દેશની જીદ આટલો મોટો નરસંહાર કેવી રીતે કરાવી શકે? મને એ પણ સમજાતું નહોતું કે એક આબાદ શહેરની વચ્ચોવચ્ચ અચાનક જ દીવાલ ચણી જનોઇવઢ ઘાની માફક શહેરના બે ટુકડા કરવાનું વિચારી જ કેમ શકાય?



મને એ પણ આશ્ચર્ય થતું કે કોઇ વ્યક્તિ (હિટલર) નું નામ જિદ્દી, આક્રમક અને સરમુખત્યારનો પર્યાય કેવી રીતે બની શકે?



આથી જ જ્યારે બર્લિન જવાનું થયું ત્યારે ફરી એકવાર ઇતિહાસના પાનાં ફેરવ્યા અને જ્યારે તેના ભૂતકાળ તથા વર્તમાનકાળ વિશે વાંચ્યું ત્યારે આ ત્રણ શબ્દો- ‘વિકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ’ બર્લિનના સંદર્ભમાં યથાયોગ્ય લાગ્યા!



આમ છતાં મને ખાતરી છે કે મારા પ્રવાસના તથા મારા નિરીક્ષણના અનુસંધાને વાચકોને મારે સમજાવવું જ રહ્યું કે આ ત્રણ શબ્દોનો ત્રિકોણ બર્લિનના પરિપ્રેક્ષ્યમાં શું ભાગ ભજવે છે.



તો આવો, હું બર્લિનના સંદર્ભમાં કઇ વિકૃતિ છે તેનો પરિચય આપું. બર્લિનની વાત આવે ત્યારે હંમેશાં મને તેની કુખ્યાત દીવાલ યાદ આવી છે. આથી જ બર્લિન પહોંચીને પ્રથમ કામ હતું આ દીવાલના અવશેષો જોવાનું તથા તેના વિશે જાણવાનું. ૧૯૬૧માં બંધાયેલી (અને ૧૯૯૦માં તોડી પડાયેલી) આ દીવાલ સભ્ય સમાજ માટે એક અસભ્ય વાત હતી.



કુલ ૧૫૫ કિલોમીટર લાંબી આ દીવાલે જન્મ આપ્યો હતો પૂર્વ જર્મની તથા પશ્વિમ જર્મનીને... પૂર્વ બર્લિન અને પશ્વિમ બર્લિનને... જર્મનીના સદનસીબે આ દીવાલ હવે ભૂતકાળ બની ગઇ છે. પણ બર્લિનના નાગરિકોએ અલગ-અલગ સ્થળે આ કોંક્રિટની દીવાલના ચોસલા તેમના દર્દનાક ભૂતકાળની યાદ તરીકે સાચવી રાખ્યા છે.



આ ટુકડાઓ, તેના ઉપર લખાયેલા લખાણ, તેના ઉપર ચિત્રોના રૂપમાં કંડારાયેલી વેદના જોઇને આ શહેરના નાગરિકોએ વેઠેલી વેદનાનો અહેસાસ થયો. મને ખ્યાલ છે કે આશરે ૫૦૦૦ જેટલા સ્ત્રી-પુરુષોએ પૂર્વ જર્મનીમાંથી પશ્વિમ જર્મનીમાં યેનકેન પ્રકારે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માત્ર ૧૫૦૦ વ્યક્તિઓ જ સફળ થઇ.



berlinબાકીની પકડાઇ ગઈ અને અંદાજે ૨૦૦ વ્યક્તિઓ ઠાર થઇ હતી! આ લોહિયાળ ઇતિહાસ એ માનવ વિકૃતિ નથી તો બીજું શું છે?



આ દીવાલના અવશેષો જોયા પછીનો મારો બીજો મુકામ હતો બર્લિનનું એક વિવાદાસ્પદ અને રસપ્રદ મ્યુઝિયમ-ચેક પોઇન્ટ ચાર્લી મ્યુઝિયમ. બર્લિનની દીવાલના અમેરિકન ચેક પોઇન્ટને અડોઅડ આવેલું આ મ્યુઝિયમ દીવાલ ઓળંગવાના તરફડાટ ને તાદ્રશ્ય કરવામાં સફળ રહ્યું છે.



સૂટકેસમાં પૂરાઇને કે ભોંયરા ખોદીને કે પછી બલૂન દ્વારા દીવાલ ઓળંગવા માટે બર્લિનના નાગરિકોના સફળ-અસફળ પ્રવાસની વાત અહીંયા ખૂબ જ જહેમતપૂર્વક રજૂ કરવામાં આ મ્યુઝિયમ સફળ રહ્યું છે. અંગ્રેજી ઓડિયો ગાઇડના હેડફોનમાંથી સતત ટપકતું દર્દ મારા કાનથી શરૂ કરી હૃદય સુધી પહોંચ્યું તે જ આ રજૂઆતની સફળતા છે.



આ મ્યુઝિયમમાં અહિંસક વિરોધના સંદર્ભે મહાત્મા ગાંધીની તસવીર, તેમની ડાયરી તથા ચંપલ જોઇ એક ભારતીય તરીકે-એક ગુજરાતી તરીકે સ્વાભાવિક પણે જ મને સગર્વ આનંદ થયો. ત્યાં લખાયેલું પુ.બાપુનું વાક્ય-’ આ જગત પાસે દરેક અન્યાય સામે લડવાની આંતરિક શક્તિ અખૂટપણે ભરી છે.



દરેક અન્યાયમાંથી ન્યાય, દરેક અસત્યમાંથી સત્ય અને દરેક અંધકારમાંથી પ્રકાશ આપોઆપ પ્રગટ થાય છે.’ વાંચ્યા પછી ૧૯૬૧માં બંધાયેલી આ લોહિયાળ દીવાલ ૧૯૯૦માં નામશેષ કેવી રીતે થઇ તેનો જવાબ આપોઆપ મને મળી ગયો! આ મ્યુઝિયમની સોવિનિયર શોપમાંથી ખરીદેલો બર્લિન વોલનો એક નાનકડો ટુકડો મને હંમેશાં અમાનવીય જીદ અને વિકૃતિની યાદ અપાવતો રહેશે!



બર્લિનની સાથે સંલગ્ન ત્રીજી વિકૃતિ છે યહૂદીઓનો નરસંહાર. બર્લિનના પ્રતીક સમાન બ્રંડેનબર્ગ ગેટની લગભગ અડોઅડ અને રોડની પેલે પાર પાંચ એકરમાં પથરાયેલું હોલોકાસ્ટ મેમોરિયલ એક અનોખું સ્મારક છે. અમેરિકા સ્થિત પણ મૂળ જર્મન યહૂદી એવા આર્કિટેક્ટ પીટર આઇઝમેન દ્વારા ૨૦૦૫માં નિર્મિત આ સ્મારક નાઝી હકૂમત દરમિયાન રહેંસાઇ ગયેલા ૬૦,૦૦,૦૦૦ જેટલા યહૂદીઓની યાદમાં બંધાયું છે.



અલગ-અલગ કદ અને ઊચાઇના આશરે ૨૭૦૦ કોંક્રિટના ચોસલા એક ભુલભુલામણી જેવું પહેલી નજરે લાગે છે. પણ આર્કિટેક્ટની કલ્પના એક વિશાળકાય સ્મશાનની છે! આ મેમોરિયલમાં પ્રવેશતી વેળાએ ધેરી વળતી એક અજ્ઞાત ગમગીની એ વાતની પ્રતીતિ કરાવે છે કે આ નરસંહાર કેવળ અને કેવળ માનવ વિકૃતિ જ હતી!



ઊડીને આંખે વળગે તેવી આ વિકૃતિઓની વાત કર્યા બાદ આવો, હવે વાત કરીએ પ્રકૃતિની. ભૌગોલિક વિસ્તારની વાત કરીએ તો બર્લિનનો વ્યાપ પેરિસની તુલનામાં આઠ ગણો છે. આશરે ૯૦૦ કિલોમીટરમાં આ શહેર પથરાયેલું છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેનો લગભગ ત્રીજો ભાગ જંગલ, બાગ-બગીચા તથા જલમાર્ગના રૂપમાં છે.



berlinઆનો અર્થ એ થયો કે ખૂબ જ તેજીથી પ્રગતિ તરફ આગળ વધવા છતા આ શહેરનું શાસકીય તંત્ર તથા તેના નાગરિકો પ્રકૃતિની ખૂબ જ નજીક છે અથવા તો તેઓ તેમના પ્રાકૃતિક વાતાવરણને જાળવી રાખવામાં સફળ રહ્યાં છે.



પ્રકૃતિપ્રેમની વાત આવી ત્યારે મેં એ પણ જોયું કે બર્લિન એ શ્વાનપ્રેમી શહેર છે! એક અંદાજ મુજબ આ શહેરમાં આશરે એક લાખથી પણ વધુ પાલતું શ્વાનની વસતી છે! આમ, પર્યાવરણ હોય કે પશુઓ, બર્લિન શહેર પ્રકૃતિની નજીક રહેવામાં સફળ રહ્યું છે તે વાત સ્વીકારવી જ રહી!



વિકૃતિ અને પ્રકૃતિની વાત કર્યા બાદ આવો, ત્રિકોણના ત્રીજા ખૂણા સમાન સંસ્કૃતિની વાત કરીએ. આપણે સૌ કોઇ જાણીએ છીએ તેમ જર્મનીએ તેના ઇતિહાસમાં ઘણી ચડતી-પડતી જોઇ છે અને આ દરેક ચડતી-પડતીએ જર્મનીના અને ખાસ કરીને બર્લિનના ચહેરા પર પોતાની સારી-નરસી પણ અમીટ છાપ છોડી છે!



બીજા વિશ્વયુદ્ધ બાદ તથા શીત યુદ્ધના કારણે લગભગ આખું બર્લિન તારાજ થઇ ચૂક્યું હતું, પરંતુ કાર્બુઝીયર, નોર્મન ફોસ્ટર, રેન્ઝો પિયાનો, અરાતા ઇસોઝાકી, રાફેલ મોનિઓ, રિચાર્ડ રોજર્સ, હેલમુટ જહાન જેવા અનેક વિશ્વવિખ્યાત સ્થપતિઓના પ્રયત્નોને કારણે બર્લિન આજે રોમન, ગોથીક, રેનીસાંસ અને નિઓ-ગોથીક આર્કિટેક્ચરનું અદભૂત સંમિશ્રણ બની ચૂક્યું છે.



માત્ર મકાનો જ નહીં પરંતુ આજનું બર્લિન કલા, સંગીત, શિલ્પ, અને સંસ્કૃતિનું એક વિશ્વવિખ્યાત કેન્દ્ર બની ચૂક્યું છે અને આ જ છે બર્લિનની સંસ્કૃતિ!



બર્લિનના સ્થાપત્ય વિશે મેં ઘણું વાંચ્યું હતું અને ખાસ કરીને તેનું રાઇસ્ટેગ (જર્મન સંસદભવન) બિલ્ડિંગ. ૧૮૯૪માં બંધાયેલું આ ભવ્ય મકાન તેના નિઓ-રેનીસાંસ આર્કિટેક્ચર માટે વિખ્યાત છે. પરંતુ ૧૯૩૩ની આગ, ૧૯૪૫ના વિશ્વ યુદ્ધ તથા ૧૯૫૪ના બોંબ વિસ્ફોટને કારણે લગભગ નષ્ટપ્રાય થઇ ચૂકેલા આ મકાનનો પુનરોદ્ધાર ૧૯૭૦માં શરૂ થયો.



૧૯૯૦માં બર્લિન વોલ દૂર થતાં આ પ્રક્રિયા ઝડપી બની અને ૧૯૯૫માં લોર્ડ નોર્મન ફોસ્ટરની ડિઝાઇનને આધારે તેના ઉપર કાચનો ડોમ (કપોલા) તૈયાર થયો. આ ડોમ, જે પ્રથમ નજરે વિરાધાભાસી લાગે છે તેની ડિઝાઇન માટે આ જગપ્રસિદ્ધ આર્કિટેક્ટને ૧૯૯૯માં પ્રિત્ઝકર પ્રાઇઝ મળ્યું હતું.



તે આર્કિટેક્ચર માટે નોબલ પ્રાઇઝ ગણાય છે! આ કાચના ડોમ ઉપર જવાની છૂટ છે અને આથી જ્યારે હું લિફટ દ્વારા મકાનની ઉપર પહોંરયો ત્યારે પહેલી નજરે લાગતો વિરોધાભાસ માત્ર આભાસ બની ગયો! કારણ કે આ પેનોરમા પ્લેટફોર્મ ઉપરથી સમગ્ર બર્લિન ૩૬૦ અંશ જોઇ શકાય છે- એક ડિગ્રી પણ ઓછું નહીં!



એટલું જ નહીં પણ કાચના આ ડોમમાંથી નીચે ચાલી રહેલી બન્ડસ્ટેંગ (જર્મન સંસદ) દરેક પ્રવાસી જોઇ શકે છે! આની સામે આપણી સંસદ (કે વિધાનસભા)ની ચારેતરફની અભેધ કિલ્લાબંધીના ‘રૂડા પ્રતાપે’ આ બાબત અશક્ય છે! (જોકે સદા ઝઘડતા રહેતા આપણા સાંસદોને આપણે જોઇ ન શકીએ તે દ્રષ્ટિએ આ સલામતી વ્યવસ્થા આશીર્વાદ સમાન ખરી, એ અલગ વાત છે.)



રાઇસ્ટેગના પેનોરમા પ્લેટફોર્મ ઉપર ઊભા રહીને આર્કિટેક્ટ એક્સલ શુલ્ટઝ દ્વારા ડિઝાઇન થયેલી અત્યંત આધુનિક જર્મન ચાન્સેલટી જોઇ શકાય છે. ઉપરથી જોઇએ તો અંગ્રેજી ‘એચ’ આકારના આ વિસ્તારમાં જર્મન ચાન્સેલર (રાષ્ટ્ર પ્રમુખ) નું કાર્યાલય તથા નિવાસસ્થાન આવેલા છે.



મને આશ્ચર્ય એ વાતનું થયું કે આ તમામ મકાનોની દીવાલો કાચની હતી અને બહાર ઊભા રહીને અંદર થતી તમામ કામગીરી જોઇ શકાતી હતી! પારદર્શક વહીવટની વાતો કરતા આપણા દરેક નેતાએ આ મકાનોના ‘દર્શન’ કરવા ચોક્કસ આવવું જોઇએ!



રાઇસ્ટેગ બિલ્ડિંગની બાજુમાં જ આવ્યો છે બર્લિનના પ્રતીક સમાન બ્રંડેનબર્ગ ગેટ (જોકે આ ગેટ બર્લિનના વિભાજનનો પણ પ્રતીક હતો તે અલગ બાબત છે!) ૧૭૮૮માં બંધાયેલો આ ભવ્ય ગેટ સ્થાપત્યકલાનો એક અદભૂત નમૂનો છે. બર્લિન આવતો દરેક પ્રવાસી આ ગેટની મુલાકાતે ચોક્કસ આવે છે અને મોટા ભાગના પ્રવાસીઓ હોંશે હોંશે પાંચ યુરો આપી સ્ટેચ્યુની માફક ઊભા રહેતા જર્મન સૈનિક સાથે ફોટા પડાવવાનું ચૂકતા નથી!



૧૯૩૬માં ઓલિમ્પિક રમતોત્સવ માટે બંધાયેલું રોમન કોલેઝીયમ પ્રકારનું સ્ટેડિયમ એક અદભૂત અને વિશાળ સંકુલ છે. થોડા વર્ષો પૂર્વે જ આશરે ૩૦૦ મિલિયન યુરોના ખર્ચે તેને અદ્યતન બનાવાયું છે. એમાં પણ કાચ, સ્ટીલ તથા ફાઇબર ગ્લાસ વાપરીને કરોળિયાના ઝાળાં જેવા લાગતી છત જર્મન ટેકનોલોજીની કમાલ છે!



બર્લિનની દીવાલ નામશેષ થયા બાદ ‘નવા બર્લિન’નું કોઇ પ્રતીક હોય તો તે છે - પોસ્ટડેમર પ્લાટ્ઝ! વીસમી સદીની શરૂઆતમાં લોકો અને વાહનોની અવરજવરથી ધમધમતો વિસ્તાર શીત યુદ્ધના પાપે જાણે કે લકવાગ્રસ્ત થઇ ગયો હતો, પરંતુ ૧૯૯૦ પછી નવસર્જન પામેલો આ વિસ્તાર માત્ર બર્લિનની જ નહીં પણ સમગ્ર જર્મનીની શાન સમાન બની ચૂક્યો છે!



અહીંના ડેઇમલર સિટી, સોની સેન્ટર તથા બેઇથીમ સેન્ટર જર્મન ઇતિહાસ, કલા, સંગીત, સંસ્કૃતિ અને સ્થાપત્યના બોલતા પ્રતીક છે! જર્મન રેલવે (ડી.બી.)નું ગગનચુંબી મકાન કે સાઇકલના આરાની ડિઝાઇનવાળી ફાઇબર ગ્લાસની છત ધરાવતું સોની સેન્ટર કન્સ્ટ્રક્શન પ્રકાશન સાથે નાતો ધરાવતી વ્યક્તિ માટે પણ રસનો વિષય છે.



આ ઝળહળતાં અને ધમધમતા વિસ્તારની વચ્ચોવચ ઊભેલો બર્લિન વોલનો એક ટુકડો પ્રજાનો વિરોધ અને વિજય પ્રદર્શિત કરતો ઊભો છે! આથી જ આ ટુકડો એ એક આદર્શ ફોટોગ્રાફી સ્પોટ છે.



તો મિત્રો, આ હતી બર્લિનના મારા બે ટૂંકા પ્રવાસ દરમિયાન મેં જોયેલી, જાણેલી અને અનુભવેલી વિકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ વાત. મને આનંદ એ વાતનો છે કે વિકૃતિ હવે ભૂતકાળ બની છે અને આથી જ જર્મની જતા દરેક પ્રવાસીએ બર્લિન અચૂક જવું જેથી આ ભવ્ય શહેરની પ્રકૃતિ અને સંસ્કૃતિની ઝલક મેળવી શકાય.



એટલે જ, બાંધો બિસ્તરા અને કૂચ કરો બેજોડ બર્લિન તરફ.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: