Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Saturday, Nov 21st, 2009, 4:17 pm [IST]  

danik bhaskarદિલમાં વસેલું પ્રાચીન શહેર જાફા

Ilabahen R. Bhatt

જાફા નામ માટે એવું કહેવાય છે કે તે ‘યોફીન’ નામના હિબ્રુ શબ્દ પરથી આવેલું છે. યોફીનનો અર્થ સુંદર થાય છે. ટિપિકલ આરબ શહેર તરીકે વિકસેલા જાફાની અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા અને ઉત્તમ ટાઉનપ્લાનિંગ જોઈને વિશ્વભરના એન્જિનિયર્સ મોંમા આંગળા નાખી દે છે... વ્યાપારિક દ્રષ્ટિએ સદીઓથી તે મહત્વપૂર્ણ શહેર રહ્યું છે. એટલે આ શહેર પર અનેક આક્રમણો થયા છે અને ભાતભાતના અનેક દિગ્ગજ શાસકોના શાસન તેણે ભોગવ્યા છે. નેપોલિયન બોનાપાર્ટ અને ખુદ સિકંદરે પણ જાફા પર આક્રમણ કરીને પોતાના કબજામાં લીધેલું...



jafaઇઝરાયલમાં આવેલા પ્રાચીન શહેર જાફાએ મારા દય પર અમીટ છાપ છોડી છે. હું વિશ્વભરમાં અનેક શહેરોમાં ફરી છું, પરંતુ જાફા તો મને પહેલી નજરે જ ગમી ગયેલું. ઇસવીસન પૂર્વે સાડા સાત હજાર વર્ષ જૂના આ આરબ શહેરમાં સૌ પહેલીવાર ગઈ ત્યારે રાત્રિનો સમય હતો.



જાફામાં પ્રવેશતાં જ એક અનોખી શાંતિનો અહેસાસ મને થયો, તેના જેવી શાંતિ મેં દુનિયામાં બીજે ક્યાંય અનુભવી નથી. ટાઇમમશીનના સહારે સદીઓ જૂના ઇતિહાસમાં પહોંચી ગયા હોઈએ એવી અનુભૂતિ જાફાને જોતાં થયેલી, એ રોમાંચને હું કદી ભૂલી શકું તેમ નથી.



જાફા જોવાની તક મને ઇ.સ. ૧૯૬૯માં મળેલી. ત્યારે હું મજૂર મહાજન સંઘ સાથે જોડાયેલી હતી અને ઇન્ટુક તરફથી મને ઇન્ટરનેશનલ ડિપ્લોમા ઇન લેબર એન્ડકો-ઓપરેટિવના સાડા પાંચ મહિનાના અભ્યાસક્રમ માટે ઇઝરાયલ મોકલવામાં આવી હતી.



સૌ જાણે છે તેમ ઇઝરાયલમાં નાનાથી માંડી મોટા તમામ ઉપક્રમો અને પ્રકલ્પો સહકારી ધોરણે જ હાથ ધરવામાં આવે છે. ત્યાંનાં જેટલાં મજબૂત કામદાર સંગઠનો દુનિયામાં બીજે ક્યાંય નહીં હોય. ઇઝરાયલનું વિશ્વવિખ્યાત કામદાર સંગઠન હિસ્ટ્રાદૂતના સૌજન્યથી જ મને ત્યાં જવાનું સદભાગ્ય સાંપડેલું. મારો અભ્યાસ તેલઅવીવમાં ચાલતો હતો અને રહેવાનું પણ ત્યાં જ હતું, પરંતુ સાપ્તાહિક રજાના દિવસોમાં અમે જાફા પહોંચી જતા.



જાફામાં પહેલી વાર ગયા ત્યારે ત્યાંની અત્યંત સ્વરૂપવાન સ્ત્રીઓએ કદી જોયા ન હોય એવા રંગબેરંગી અને મનમોહક ગુલાબનાં ફૂલો આપીને અમારું ભાવભીનું સ્વાગત કરેલું. જાફામાં જ્યાં જ્યાં નજર નાખો ત્યાં સૌંદયનાં દર્શન થયા વિના રહેતા નથી.



ટૂંકમાં કહેવું હોય તો જાફાનું મને બધું જ સુંદર લાગ્યું છે. જાફા નામ માટે એવું કહેવાય છે કે તે ‘યોફીન’ નામના હિબ્રુ શબ્દ પરથી આવેલું છે. યોફીનનો અર્થ થાય સુંદર. અને જાફાની સુંદરતા સદીઓથી એવી ને એવી અકબંધ જાણે મેં જોઈ.



ઇઝરાયલની રાજધાની આજે ભલે તેલઅવીવ છે, પરંતુ વડું શહેર તો જાફા જ રહ્યું છે. આ પ્રાચીન આરબ શહેરનો ઉલ્લેખ બાઇબલમાં પણ જોવા મળે છે. યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ એમ ત્રણ-ત્રણ ધર્મોના ઉદભવના સાક્ષી એવા આ પ્રાચીન શહેરમાં આ ત્રણેય ધર્મોના અનેક પવિત્ર સ્થળો આવેલા છે.



jafaકમનસીબે જાફા એ આમ તો રણભૂમિ જ રહી છે. તેણે અનેક યુદ્ધો જોયા છે. જાફાનો કણેકણ લોહીથી ભીંજાયેલો હશે, એવું કહેવામાં પણ જરાય અતિશયોક્તિ ન ગણાય. આ શહેરની બીજી એક વિશેષતા એ રહી છે કે તે કુદરતી બંદર છે.



વ્યાપારિક દ્રષ્ટિએ સદીઓથી તે મહત્વપૂર્ણ શહેર રહ્યું છે. એટલે આ શહેર પર અનેક આક્રમણો થયા છે અને ભાતભાતના અનેક દિગ્ગજ શાસકોના શાસન તેણે ભોગવ્યા છે. નેપોલિયન બોનાપાર્ટ અને ખુદ સિકંદરે પણ જાફા પર આક્રમણ કરીને પોતાના કબજામાં લીધેલું. દરિયા કાંઠે ટેકરી પર વસેલા આ શહેરની ફરતે આજે પણ કિલ્લો જોવા મળે છે.



જોકે, આજે આ પ્રાચીન શહેર તોફાનો બાદ શાંત પડી ગયેલા દરિયા જેવું ધીરગંભીર અને ખુશનુમા લાગે છે. જાફાની અન્ય એક વિશેષતા એ છે કે તે પહેલેથી ઔદ્યોગિક શહેર રહ્યું છે. જાફામાં વર્ષોથી સાબુ, શાહી, ધાતુનાં સાધનો વગેરે ઉત્પાદિત થાય છે.



અહીં દરજી, સુથાર, લુહાર, સોની, ઘડિયાળી એવા જુદા જુદા કારીગરો પણ વસતા રહ્યા છે. કહેવાય છે કે વિશ્વનું પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ અહીં જ શરૂ થયેલું. આજે પણ આ શહેરમાં અરબી સંસ્કૃતિની યાદ અપાવતી દુકાનો મોજુદ છે જેમાં પ્રાચીનતાનો અનુભવ કરાવતી ચીજવસ્તુઓ વેચાતી મળે છે.



ઇઝરાયલના યહૂદી લોકોએ આરબ સંસ્કૃતિના સ્મારક સમા આ શહેરને ખૂબ જ સારી રીતે એવું ને એવું જાળવી રાખ્યું હોય તેવું ત્યારે મેં જોયું, પણ આજની પરિસ્થિતિ હું જાણતી નથી. શહેરનાં મકાનોની બહારની દીવાલો ખૂબ ઊંચી અને મોટા મોટા પથ્થરોથી ચણેલી છે. શહેર દરિયાકાંઠે વસેલું હોવાથી જોરદાર ફૂંકાતા પવનો અને આંધી સામે રક્ષણ માટે ઊચી દીવાલ જરૂરી છે.



વિશ્વવિખ્યાત જૂની ફિલ્મ ‘બેનહર’માં બતાવવામાં આવ્યા છે, એવાં જ મકાનો આજે પણ આ શહેરની શોભા રૂપ અડીખમ ઊભાં છે. જાફાની નગરરચના પણ ટાઉનપ્લાનિંગના ખેરખાંઓને આકર્ષતી આવી છે. આમ તો જાફાની ગલીઓ ખૂબ જ સાંકડી છે.



jafaટિપિકલ આરબ શહેર તરીકે જાફા વિકસેલું-વિસ્તરેલું છે, પરંતુ જાફાની અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા ટાઉનપ્લાનિંગનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. સદીઓ પહેલા બનેલી આ ગટરવ્યવસ્થા આજે પણ એવીને એવી સાબૂત છે, એ જોઈને દુનિયાભરના એન્જિનિયરો દંગ રહી જાય છે.



જાફાના ઇતિહાસ અને સદીઓ જૂના અસ્તિત્વની ઝાંખી કરાવતું એક અફલાતુન મ્યુઝિયમ અહીં ઊભું કરવામાં આવ્યું છે, જેમાં જાફાના ઉદભવથી માંડીને તેના ક્રમિક વિકાસ અને ઇતિહાસના ચોપડે નોંધાયેલાં યુદ્ધો અને સંઘર્ષોને મૂર્તિમંત કરવામાં આવ્યાં છે.



અમારે અભ્યાસના ભાગ રૂપે અમુક કલાકો ફરજિયાત કામ-મજૂરી કરવી પડતી. અમારે જાફાના સંતરાઓના વિરાટ ખેતરોમાં સંતરા તોડવાનું કામ કરવાનું રહેતું. જાફા સદીઓથી સંતરા માટે વિખ્યાત છે. જાફાના સંતરાનો સ્વાદ જ કંઈક નોખો હોય છે.



મેં જિંદગીમાં ક્યારેય ન ખાધા હોય એટલા બધા સંતરા ત્યાંના પ્રવાસ દરમિયાન ખાધેલા. તેના જેવા સંતરા ફરી ખાવા નથી મળ્યા. હજુ પણ એ સંતરાનો સ્વાદ મારી જીભ પર અનુભવી શકું છું.



આપણે ત્યાં ઇઝરાયલને ખાસ ભારત-પાક સંબંધો-સંઘર્ષોના સંદર્ભે કાયમ યાદ કરવામાં આવે છે. અલબત્ત, ખરેખર તો ઇઝરાયલનું અપનાવવા જેવું તો તેની સહકારી પ્રવૃત્તિ છે. મજૂરોનાં હિતોનું સંપૂર્ણ રક્ષણ કરતું ત્યાંનું માળખું છે. સહકારી ધોરણે કામ કરવાના વિચારો ત્યારે તો મને ગાંધીવિચાર જ લાગેલા.



ઇઝરાયલની મુલાકાત લીધા પછી જ મને સહકારી ધોરણે સેવા બેન્ક સ્થાપવાનો વિચાર સૂઝેલો અને ભારત પરત ફરીને મેં ૧૯૭૪માં સેવા બેન્કની સ્થાપના કરેલી.



ઇઝરાયલ મારા દ્રષ્ટિવિકાસ માટે પુણ્યભૂમિ જેવું બની રહેલું અને જાફા મારે મન સૌથી પ્યારું શહેર. ૧૯૬૯માં ઇઝરાયલથી પાછા ફર્યા બાદ ફરી ક્યારેય ઇઝરાયલ ગઈ નથી. આજે ઇઝરાયલથી ઘણા આમંત્રણ આવે છે, જાફામાં જઈને થોડા દિવસ રહેવાનું મન પણ બહુ થાય છે, પરંતુ મનમાં દહેશત સતાવે છે કે જાફા આજે પણ મેં જોયેલું એવું જ હશે ખરું?



જાફાની મારા મનમાં જે મનોરમ્ય છાપ છે, તેને હું કોઈ કાળે બદલવા માગતી નથી. ત્યાં જાઉ અને ત્યાંનું બદલાયેલું કે સતત યુદ્ધોને પરિણામે કલુષિત થયેલું ચિત્ર મારા મન પર અંકિત થયેલી છાપને રખે ભાંગી નાખે. વળી, જાફા જયારે મારા દિલોદિમાગમાં છવાયેલું છે ત્યારે મારે તેની પાસે ફરી જવાની જરૂર પણ શી છે?



(દિવ્યેશ વ્યાસ સાથેની વાતચીતના આધારે)



jafa

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: