Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Wednesday, Nov 18th, 2009, 3:13 pm [IST]  

danik bhaskarઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો સેતુ શ્રીખંડ કૈલાસ

Prabha Patel

આપણા શાસ્ત્રોમાં પાંચ કૈલાસનો ઉલ્લેખ છે, જેમાંનું એક કૈલાસ માનસરોવર તિબેટમાં આવેલું છે અને ચીનના તાબા હેઠળ છે, જ્યારે બાકીના ચાર કૈલાસ આદિ કૈલાસ, મણિ મહેશ, કિન્નોર કૈલાસ અને શ્રીખંડ કૈલાસ ભારતમાં જ આવેલા છે. આ પાંચેયની યાત્રા કરો તો જ કૈલાસ યાત્રા પૂર્ણ થઈ ગણાય છે. મજાની વાત એ છે કે ભારતમાં આવેલા આ ચાર કૈલાસ વિશે બહુ ઓછા લોકો જાણે છે. અહીં પ્રસ્તુત છે પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચેનું અલૌકિક અનુસંધાન સાધતા શ્રીખંડ કૈલાસની શબ્દયાત્રા...



શ્રીખંડ કૈલાસ : ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનું અલૌકિક અનુસંધાન



utsavહિંદુ ધર્મમાં કૈલાસ અને માનસરોવરની યાત્રા અતિશય પવિત્ર મનાય છે. ૧૯૬૨ પહેલા કૈલાસ માનસરોવરની યાત્રા ખૂબ મુશ્કેલ ગણાતી. એક વખત પ્રવાસી આ યાત્રાએ નીકળે એટલે પાછા ફરવાની કોઇ ખાતરી નહોતી. ૧૯૬૨થી તિબેટ પર ચીનનો કબજો આવી જવાથી ૧૯૬૨થી ૧૯૮૦ સુધી હિમાલયના આ પ્રદેશમાં જવાનું બંધ થઇ ગયું.



ત્યાર પછી ૧૯૮૦માં ભારત-ચીન વચ્ચે રાજકીય સમજૂતી થતાં ૧૯૮૧થી આ યાત્રા ફરીથી શરૂ કરવા ચીન સંમત થયું અને ત્યારથી અત્યાર સુધી ભારત સરકાર દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીમાં આ યાત્રાનું આયોજન કરે છે અને મર્યાદિત સંખ્યામાં હિંદુ યાત્રીઓ કૈલાસ માનસરોવરની યાત્રા કરે છે. અત્યંત કઠિન અને અગવડતાઓથી ભરેલી આ યાત્રા રોમાંચક અને પવિત્ર છે.



આપણા શાસ્ત્રોમાં પાંચ કૈલાસનો ઉલ્લેખ છે અને આ પાંચ કૈલાસની યાત્રાને જ સંપૂર્ણ કૈલાસ યાત્રા ગણવામાં આવે છે. આ પાંચ કૈલાસમાં કૈલાસ માનસરોવર ખૂબ જાણીતું નામ-ધામ છે. આદિકૈલાસને પણ ઘણા લોકો જાણે છે, પરંતુ મણિમહેશ, કિન્નોર કૈલાસ અને શ્રીખંડ કૈલાસને ખાસ કોઇ જાણતું નથી.



કૈલાસ માનસરોવર તિબેટ (ચીન)માં આવેલું છે. જ્યારે બાકીના ચાર કૈલાસ ભારતમાં જ આવેલા છે. આદિ કૈલાસ કુમાઉમાં, મણિમહેશ, કિન્નોર કૈલાસ અને શ્રીખંડ કૈલાસ હિમાચલ પ્રદેશમાં આવેલા છે. ખૂબ કઠિન એવી આ પાંચે કૈલાસની યાત્રા બહુ ઓછા લોકો કરતાં હોય છે. લગભગ વીસ હજાર ફૂટની ઊચાઇએ આવેલા શ્રીખંડ કૈલાસની યાત્રા માટે સ્વસ્થ તન અને મન અત્યંત જરૂરી છે.



હિમાલયમાં ચાલીને અલગારી રખડપટીનો મોકો પહેલીવાર ૧૯૮૮માં મળ્યો અને ત્યારથી આજ સુધી વર્ષમાં એક-બે વાર જવાનું બને છે. કોઇવાર મિત્રો સાથે તો કોઇવાર એકલા જ.



આપણે ત્યાં ખૂબ ઓછી સ્ત્રીઓ હોય છે જેને આમ એકલપંડે ફરવાનો મોકો મળે છે. સ્ત્રીઓ પણ એકલી ક્યાંક હિમાલયના અજ્ઞાત અને મુશ્કેલ સ્થળોએ જવાની હિંમત કરતી નથી. વળી, આવા પ્રવાસમાં કુટુંબ અને સમાજનો સહકાર પણ બહુ મળતો નથી.



એકલા ફરવાની અનોખી મજા હોય છે. તમારી જાત સાથે રહેવાનો-સમજવાનો, જાતને ઓળખવાનો સુંદર મોકો મળે છે. હું તો ઘણી વાર હિમાલયના પહાડો ખૂંદવા એકલી પણ નીકળી પડું છું. એકાદ સુંદર સ્થળ પસંદ કરીને પહોંચી જવાનું. પહાડી લોકો ખૂબ પ્રેમાળ હોય.



એક મજૂર (પોર્ટર) સાથે રાખો એટલે તમારો પ્રવાસ સરસ બની જાય છે. આવા માણસો તમારી ખૂબ સંભાળ રાખે છે. એકલી સ્ત્રીનો ખૂબ આદર કરે છે અને મદદ પણ કરે છે. ક્યારેક પોતાને ધેર લઇ જાય છે. આપણી બધી જ સગવડ સાચવે છે.



પરદેશમાં સ્ત્રીઓ એકલી પ્રવાસ ખેડે એ નવાઇની વાત નથી, પરંતુ આપણે ત્યાં આવી વાતને લોકો સહેલાઇથી સ્વીકારતા નથી અને એમાં પણ પહાડોમાં રખડવાની વાતને! મારી આવી અલગારી રખડપટ્ટીથી ઘણાને ખૂબ નવાઇ લાગે છે. એકલા ડર નથી લાગતો? આ સવાલનો અનેકવાર સામનો કરવો પડે છે.



ખરેખર તો મને કુદરતના ખોળે એકલા ફરવામાં જરા પણ ડર નથી લાગતો. પણ હા, જાત સાથે એકલા રહેવું ઘણીવાર સહેલું નથી હોતું. અનેક પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. એકલા સફર કરવાથી માણસનું આંતરિક વ્યક્તિત્વ વિકસે છે. તેનામાં પ્રબળ આત્મવિશ્વાસ જાગે છે. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવાની અનેરી શકિત ઉદભવે છે.



આવા અલગારી પ્રવાસીનો પ્રત્યેક સંજોગ, સ્થળ, સ્થિતિ અને આબોહવા સાથે બસ ‘અનુકૂલન’ એ જ જીવનમંત્ર બની રહે છે અને તેથી આ માનવી ક્યાંય પાછો પડી હારી જતો નથી. ‘બસ ચાલતા રહો, આગળ વધતા રહો, એકલા હો તો તેને માણતા શીખો. આવી મુસાફરીનો આ ગુરુમંત્ર છે.’



શ્રીખંડ કૈલાસ સિમલા થઇને જવાનું હોય છે. સિમલાથી રામપુર અને ત્યાંથી જ્યોં નામના એક સાવ નાનકડા ગામ સુધી બસ કે જીપમાં જવાનું હોય છે. જ્યોંથી ટ્રેક શરૂ થાય છે. હિમાચલ પ્રદેશમાં શ્રીખંડ કૈલાસની યાત્રાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને દરેક હિમાલયી આ યાત્રા કરવા ઇરછતો હોય છે.




શ્રીખંડ કૈલાસની યાત્રા દર વર્ષે જુલાઇ મહિનામાં કરવામાં આવે છે. માત્ર એક મહિનો ચાલતી આ યાત્રા અતિ કઠિન છે. છતાં ત્યાંના લોકો હોંશે હોંશે કરે છે.



હિમાચલપ્રદેશની બે-ત્રણ NGO આ યાત્રા દરમિયાન યાત્રીઓ માટે રહેવાની અને જમવાની સગવડ પૂરી પાડે છે. આવા ભંડારા રસ્તામાં બે-ચાર જગ્યાએ જોવા મળે છે. બાકીની વ્યવસ્થા યાત્રીઓએ જાતે જ કરવાની હોય છે. એટલે તંબુ, સ્લિપિંગ બેગ તથા પૂરતો ખોરાક સાથે લઇ જવો પડે છે.



ભંડારામાં યાત્રીઓની સરસ સરભરા થાય છે. આટલી મુશ્કેલ જગ્યાએ જઇને સેવા કરવાની લોકોની ભાવના જોઇને આશ્ચર્યચકિત થઇ જવાય છે.



શ્રીખંડ કૈલાસનો શરૂઆતનો રસ્તો સુંદર, પરંતુ ચાલવામાં મુશ્કેલ એવા જંગલમાંથી પસાર થાય છે. આખા રસ્તે સીધું ચઢાણ છે. શ્રીખંડ કૈલાસના પહાડોમાં સપાટ જમીન મળવી મુશ્કેલ છે.



અહીં પહેલો કેમ્પ સિંહગાડ નામના સ્થળે હોય છે. સતલજ નદીને કિનારે કિનારે સિંહગાડ સુધીનું ચાર કિલોમીટરનું ચઢાણ ચડતા જ ખ્યાલ આવી ગયો કે આગળ શું થવાનું છે. શ્રીખંડ કૈલાસની યાત્રા અત્યંત કઠિન છે એવું રામપુરથી સાંભળતી આવતી હતી તેની પ્રતીતિ માત્ર ચાર કિલોમીટરમાં જ થઇ ગઇ.



એક દિવસ ઓછું ચાલવાનું હતું એટલે કેમ્પમાં થોડો આરામ કરીને મજૂરને સાથે લઇને આજુબાજુ રખડવા નીકળી પડી. મારો પોર્ટર મને નદીની સામેની બાજુ જંગલમાં લઇ ગયો. થોડા સ્થાનિક પક્ષીઓ જોવા મળ્યા. દુર્લભ વનસ્પતિ જોવા મળી. આજુબાજુનું ચઢાણ સીધું જ હતું, પણ મારો મજૂર મને કાળજીથી લઇ જતો હતો અને રસપૂર્વક બધુ બતાવતો હતો.



ખૂબ મજા આવી ગઇ. બધો થાક ઊતરી ગયો અને મન પ્રસન્નતાથી ભરાઇ ગયું. આ રીતે એકલા રખડવામાં અલૌકિક અનુભૂતિ થાય છે. કુદરત અને ઈશ્વરની સાવ પાસે હોવાનો અનુભવ મનને આનંદિત કરી દે છે. તમે એકલા છો એ વાત જ ભૂલાઇ જાય. ‘સોહમ’ ની અનુભૂતિથી સમગ્ર અસ્તિત્વ તરબતર થઇ જાય છે. આનંદથી છલોછલ મન સાથે પાછી ફરી ત્યારે ભંડારામાં સાંજના ભોજનની તૈયારી ચાલતી હતી.



બીજા દિવસે પાંચ હજાર ફૂટ ચઢીને થામડુ નામની જગ્યાએ પહોંચવાનું હતું. જંગલના રસ્તે સીધી ચઢાઇ અને ઉપરથી વરસાદ. સવારે પાંચ વાગ્યે ચઢવાનું શરૂ કર્યું અને નવ કિલોમીટરનું અંતર કાપીને બપોરે એક વાગ્યે થામડુ પહોંચી ત્યારે કીચડથી લથબથ અને અત્યંત થાકેલી હતી.



જંગલમાં રહેવાની વ્યવસ્થા ખાસ હતી નહીં. અત્યંત કંગાળ હાલતમાં થોડા તંબુ તાણેલા હતા. માંડ રહેવાની વ્યવસ્થા થઇ. ટોઈલેટ જેવો શબ્દ જ અહીં કોઇ જાણતું નહોતું!



બીજા દિવસે પણ ચાર હજાર ફૂટનું ચઢાણ અને બાર કિલોમીટરનું અંતર કાપવાનું હતું. વરસતા વરસાદમાં પડતી આખડતી સવારે છ વાગ્યે નીકળી હતી. તે સાંજે ચાર વાગ્યે ભીમદ્વાર નામની ખૂબ સુંદર જગ્યાએ પહોંચી. આખા રસ્તે વરસાદને કારણે પલળતી રહી.



ચારેબાજુ લીલાંછમ પહાડોથી ધેરાયેલું ભીમદ્વારનું સૌંદર્ય અદભૂત હતું. ચારેબાજુથી નાનાં નાનાં ઝરણાંઓ સુંદરતામાં વધારો કરતા હતા. ભીમદ્વાર પહોંચતા જ તાજગી અનુભવાઇ.



ભીમદ્વારમાં થોડા તંબુ તાણેલા હતા અને એક ભંડારો પણ હતો, પરંતુ વરસાદને લીધે ખૂબ કીચડ અને ગંદકી થઇ ગઇ હતી. માંડ એક તંબુમાં બીજા અઢાર પ્રવાસીઓ સાથે જગ્યા મળી. ઠંડી અને અગવડતામાં જેમ તેમ રાત વિતાવી. ભીમદ્વારથી પાર્વતી બાગ, નૈનસર થઇને શ્રીખંડ કૈલાસ પહોંચાય છે. આ રસ્તો બે દિવસનો છે.



પાર્વતી બાગ ખૂબ આકર્ષક જગ્યા છે. જાતજાતનાં રંગબેરંગી ફૂલોથી પહાડનાં ઢોળાવ ઢંકાઇ ગયા હોય . જાણે મહાદેવે દેવી પાર્વતી માટે એક અલૌકિક ઉધાનનું સર્જન ન કર્યું હોય! પાર્વતી બગીચાથી નૈનસરનું ચઢાણ કઠિન જ છે. પછી લીલોતરી ખતમ થઇ જાય અને માત્ર પથ્થરો વચ્ચે ચાલવાનું હોય છે.



નૈનસર નાનકડું સરોવર છે અને શ્રીખંડ કૈલાસનું પ્રવેશદ્વાર ગણાય છે. અહીંથી પાંચ કિલોમીટરનું શ્રીખંડ કૈલાસ સુધીનું ચઢાણ પથ્થરો અને ગ્લેશિયર વચ્ચે જ છે. રસ્તા જેવું કશું જ નથીં. જયાંથી જઇ શકાય ત્યાંથી એકથી બીજા પથ્થર પર કૂદકા મારતા જ જવું પડે છે. રસ્તામાં એકાદ કિલોમીટર લાંબી બે-ત્રણ ગ્લેશિયર પાર કરવી પડે છે.



બરફમાં ચાલતા લપસી પડવાનો ડર સતત રહે છે. આવા સમયે મજૂર તરત તમારી મદદે આવી પહોંચે છે. એ હાથ પકડીને મુશ્કેલ ચઢાણ ચઢવામાં મદદ કરે છે.



શ્રીખંડ કૈલાસના દર્શન માત્રથી મન ભાવુક બની જાય છે. અહીંની હવા જ એવી પવિત્ર અને તાજગીસભર હોય છે કે બધો થાક ભૂલાઇ જાય છે. કુદરત અને ઈશ્વરનું સાનિઘ્ય એ જ સરચાઇ બની રહે છે.



આપણા મહાગ્રંથોએ હિમાલયની મહાનતાને નિસંદેહ સ્વીકારી છે. આપણા ઋષિમુનિઓએ હિમાલય યાત્રાને મોક્ષ દેનારી ગણાવી છે. હિમાલય હંમેશાં સમગ્ર વિશ્વના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. પર્વતારોહકો, પ્રકૃતિ પ્રેમીઓ, સાહસિકો હિમાલયનો ખોળો ખૂંદતા આવ્યા છે.



હિમાલયની પર્વતમાળા અસંખ્ય તીર્થસ્થળોથી ભરપૂર છે. માનવજાતને પ્રકૃતિની નજીક લઇ જવામાં આ તીર્થસ્થાનોનો મહત્વનો ફાળો છે. એટલે જ હિમાલયના દુર્ગમસ્થળોનો પ્રવાસ દુનિયાભરના લોકો હોંશે હોંશે કરે છે.



utsav

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: