જૈન સમાજ લાલઘુમ
જૈન સમાજના વિહાર કરતા સાધુ-સાઘ્વીઓને ચોક્કસ સંસ્થા દ્વારા નિશાન બનાવી આયોજન પૂર્વક તેની હત્યા કરી આવા બનાવો અકસ્માતમાં ખપાવવાની ઘટનાના ઉગ્ર વિરોધ સાથે મંગળવારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કરછના તાલુકાઓ અને જિલ્લાકક્ષાના શહેરોમાંથી વણિકોએ મૌન રેલી કાઢી હતી અને કલેકટર તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી નિર્દોષ સાધુ-સાઘ્વીઓના પ્રાણ હરી લેનારાઓ સામે આકરાં પગલાં લેવાની માગ કરવામાં આવી હતી.
રાજકોટમાં સંસદ સભ્ય વિજભાઇ રૂપાણી અને જૈન અગ્રણી પ્રવીણભાઇ મણિયારની આગેવાની હેઠળ જૈન સમાજના ચારેક ફીરકાઓની મૌન સ્કૂટર રેલી નીકળી હતી અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે કલેકટર પટેલને જૈન શ્રેષ્ઠીઓએ એવી રજૂઆત કરી હતી કે, જૈન સાધુ-સાઘ્વીઓની હત્યા કરી આવા બનાવોને અકસ્માતમાં ખપાવી દેવામાં આવે છે ત્યારે આવી ઘટનાઓને તાકીદનો પ્રશ્ન ગણી તેનો ત્વરિત ઉકેલ લાવવો અતિ જરૂરી બની ગયો છે. આ રેલીમાં મહિલા સંસ્થાઓ પણ જોડાઇ હતી.
મોરબીમાં દરબારગઢ જૈન દેરાસર ખાતે જૈન સમાજની અગત્યની મિટિંગ મળી હતી અને ઉપરોકત ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. મંગળવારે એક હજાર જેટલા જૈન સંપ્રદાયના લોકો રેલીમાં જોડાયા હતા અને મુખ્ય માર્ગોપરથી રેલી ફરી સેવાસદન કચેરીએ જઇ મામલતદાર દમયંતીબેન બારોટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ધોરાજી સ્ટેશન પ્લોટ ખાતે આવેલ જૈન દેરાસરમાં સમસ્ત જૈન સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિશાળ સભા યોજાઇ હતી. ત્યારબાદ રેલી નીકળી હતી.
જેમાં જૈન સમાજના અગ્રણી લલિતભાઇ વોરાએ આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, જૈન સાધુ-સાઘ્વીઓને વિહાર કરતી વેળાએ ટ્રકના ડ્રાઇવરો બેરહેમીથી કચડી નાખે છે અને આવા લોકો આસાનીથી જામીન પર છૂટી જાય છે.
તેઓએ કહ્યું હતું કે, ૨૦૦૮માં ૪૦ અને ૨૦૦૯ના વર્ષમાં ૩૯ મળી છેલ્લા બે વર્ષમાં ૭૯ જેટલા સાધુ-સાઘ્વીઓના માર્ગ અકસ્માતમાં
મૃત્યુ થયાં છે.ધોરાજીમાં નીકળેલી રેલીમાં વીરાભાઇ સુખડિયા, ગોંડલ સંઘના પ્રમુખ શરદભાઇ દામાણી, લીંબડી સંઘના પ્રમુખ હરસુખભાઇ ગાંધી, લોકાગરછ જૈન સંઘના પ્રમુખ નવીનભાઇ વોરા તેમજ મનોજભાઇ પારેખ, અરૂણભાઇ સંઘાણી, નવનીતભાઇ શાહ, રમેશભાઇ શાહ, ભાવેશભાઇ શાહ અને કિરીટભાઇ વોરાએ મામલતદાર રંજનબેન ભટ્ટને આવેદનપત્ર પાઠવી આક્રોશ વ્યકત કર્યો હતો.
છેલ્લા થોડા સમયથી જૈન સાધુઓના અકસ્માતે મોત થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતા જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે લખતરના જૈન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
લખતરમાં મંગળવારે જૈન સમાજના દેરાવાસી અને સ્થાનકવાસી સંઘોની બેઠક મળી હતી. જેમાં જૈન મુનિઓ તેમજ સાઘ્વીઓના માર્ગ અકસ્માતે મોત થયાની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. ત્યારબાદ બન્ને સંઘના આગેવાનો હર્ષદભાઇ સંઘવી, હરખચંદભાઇ ગોસર, વિશાલ શાહ સહિતનાઓએ આ બનાવની યોગ્ય તપાસ કરવાની માંગણી કરતુ આવેદનપત્ર લખતર મામલતદાર કચેરીએ ફરજ પરના નાયબ મામલતદાર મસાણીને આપ્યું હતું.
પ્રતિનિધિ મંડળ ટૂંક સમયમાં દિલ્હી રજૂઆત માટે જશે
વિહાર કરતા જૈન સાધુ-સાઘ્વીઓને ટ્રક સહિતના વાહનોની હડફેટે લઇને તેમની હત્યા નિપજાવવામાં આવી રહી હોવાનો જૈન શ્રેષ્ઠીઓએ આક્ષેપ કર્યો છે. આવલા બનાવોની તપાસ સીઆઇડી (ક્રાઇમ)ને સોંપવામાં આવી છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતનો જૈન સંપ્રદાય આક્રમક ભૂમિકામાં આવી ગયો છે. રેલી અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો છેલ્લા ચાર દિવસથી યોજાઇ રહ્યાં છે ત્યારે આગામી દિવસોમાં સંસદ રૂપાણી સહિત ૧૧ જૈન શ્રેષ્ઠીઓનું પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે પણ રજૂઆત કરવા જશે તેમ જાણવા મળે છે.











