જુહાપુરા-શાહપુરમાં ટ્રકની અડફેટે બાળકોનાં મોત થતાં પથ્થરમારો
જુહાપુરામાં તોફાને ચડેલા ટોળાને કાબૂમાં લેવા ટિયરગેસના શેલ છોડાયા
વિશાલા સર્કલ તરફથી મંગળવારે બપોરે લગભગ ૨ વાગે પૂરપાટ આવી રહેલી ઐક ટ્રકે જુહાપુરા ચારરસ્તા પાસે એક ૧૪ વર્ષના સાઇકલચાલક બાળકને અડફેટે લઈને મોતને ઘાટ ઉતારી દેતાં ઉશ્કેરાયેલા લોકોઐ ટ્રકને આગ ચાંપી દીધી હતી.
છેલ્લા ત્રણ દિવસમાં જુહાપુરામાં ત્રણ માર્ગ અકસ્માત સર્જાયા હોવાથી રોષે ભરાયેલા લોકોએ પોતાનો ગુસ્સો પોલીસ પર ઠાલવીને જોરદાર પથ્થરમારો કર્યો હતો. તોફાની ટોળાએ આવતી-જતી બસો અને વાહનોને પણ નિશાન બનાવતાં પોલીસને ૩થી વધુ ટિયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. બનાવ બાદ પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી હતી અને સાથે તોફાની ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરીને આગળની તજવીજ હાથ ધરી છે.
જુહાપુરાની કાજલપાર્ક સોસાયટીમાં રહેતા અને બીબીસી લંડનની ઉર્દૂ વેબસાઇટમાં કામ કરતા અબ્દુલહફીઝ લાખાણીનો ૧૪ વર્ષનો પુત્ર ઉઝૈર મંગળવારે બપોરે ૨ વાગ્યે સાઇકલ લઈને મદરેસામાં કુરાન પઠન માટે જતો હતો ત્યારે વિશાલા સર્કલ બાજુથી પૂરપાટ આવી રહેલી ટ્રકે જુહાપુરા ચારરસ્તા પર સાઇકલને જોરદાર ટક્કર મારતાં ઉઝૈર ફંગોળાઈને ટ્રકની આગળ પડ્યો હતો. જો કે ટ્રકની સ્પીડ એટલી હતી કે ચાલક ચાંદમિયાં ઈરશાદમિયાં શેખ કંઈ વિચારે તે પહેલાં તો ટ્રકની આગળનું ટાયર માસૂમ ઉઝૈરના શરીર પર ફરી વળ્યું હતું.
બીજી બાજુ માસૂમનું ગમખ્વાર મોત જોઈ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. જોતજોતામાં હજારો માણસો જુહાપુરાની સડકો પર એકત્ર થઈ જતાં ટ્રકચાલક ચાંદમિયાં પોતાનું વાહન મૂકીને ભાગી ગયો હતો, જ્યારે ઉશ્કેરાયેલા લોકોએ ટ્રકને આગને હવાલે કરી દીધી હતી. સંવેદનશીલ એવા જુહાપુરા વિસ્તારમાં બનાવ બનતાં સંયુક્ત પોલીસ કમિશનર સતિષ શર્મા સહિતના ઉરચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.
લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરીને આવતાં-જતાં વાહનોને નિશાન બનાવતાં સ્થિતિ વધુ વણસી ગઈ હતી. જુહાપુરામાં પથ્થરમારો અને આગચંપીનો બનાવ બન્યો છે તેવા સમાચાર શહેરમાં ફેલાતાં સમગ્ર શહેરમાં અફવાઓનું મોજું ફરી વળ્યું હતું. ટોળુ બેકાબુ બનતા પોલીસને ટિયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. જે પછી સ્થિતિ નિયંત્રણ હેઠળ આવી હતી.
સંયુકત પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે, ટ્રકચાલકની ધરપકડ બાદ હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક લોકોએ ખાસ કરીને જુહાપુરા ચારરસ્તા પર શટલ રિક્ષાઓના ત્રાસના કારણે અનેકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે જુહાપુરા ચારરસ્તા પર સિગ્નલ મૂકવા માટે ટ્રાફિક શાખાના ડીસીપી એમ.એમ. અનારવાલા એક એકશન પ્લાન ઘડી રહ્યા છે.
ઉઝૈર માત્ર ૧૨ વર્ષની ઉમરે કુરાન હાફીઝ બની ગયો હતો
બીબીસીની ઉર્દૂ વેબસાઇટ માટે કામ કરતા અબ્દુલ હફીઝ લાખાણીનો એકનો એક પુત્ર ઉઝૈર માત્ર ૧૨ વર્ષની ઉમરે કુરાન હાફીઝ (સમગ્ર કુરાન મોઢે કરનારી વ્યક્તિ) બની ગયો હતો. તે દીવાન બલ્લુભાઈ શાળાના ૮મા ધોરણમાં ભણતો હતો. તેના પિતા અબ્દુલ હફીઝ લાખાણીએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, શાળામાં કયારેય ૮૦ ટકાથી ઓછા માર્ક નથી આવ્યા. તેમણે ઉમેર્યું હતું કે, ઉઝૈર વક્તૃત્વ સ્પર્ધામાં પણ અવ્વલ હતો. આ માટે તેને ગુજરાત સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યો છે.
ઉશ્કેરાયેલા ટોળાએ ફાયર બ્રિગેડનાં વાહનો પર પણ પથ્થરમારો કર્યો
જુહાપુરા ખાતે થયેલા પથ્થરમારા અને ટ્રકને આગને હવાલે કરી દેવાના બનાવમાં જ્યારે ફાયરબ્રિગેડના જવાનો ફાયર ફાઇટર અને વોટર ટેન્કર સાથે ટ્રકમાં લાગેલી આગ બુઝાવવા પહોંચ્યા ત્યારે રોષે ભરાયેલા ટોળાએ ફાયરબ્રિગેડના જવાનો પર પણ પથ્થરમારો કર્યો હતો અને ફાયર ફાઇટરના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં ફાયરના બે જવાનોને ઇજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજી તરફ ફાયરબ્રિગેડના વોટર ટેન્કરનો પંપ ખોલી તેમાં ભરેલું પાણી પણ ઢોળી કાઢ્યું હતું.





તસવીરો - વિજય ઝવેરી











