Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Monday, Jan 25th, 2010, 10:29 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarશાસ્ત્રીય રાગના મુકુટથી શોભિત હિન્દી ફિલ્મી સંગીત

Dr. Padmanabh Joshi

હિન્દી ફિલ્મ સંગીતે સંગીતકારો તથા ગાયકો થકી ભારતીય શાસ્ત્રીય સંગીતની ઉમદા સેવા કરી છે. તેમના પ્રયત્નોને લીધે લુપ્ત થઇ રહેલું અને મર્યાદિત લોકો પૂરતું સીમિત રહેલું શાસ્ત્રીય સંગીત ફરીથી નવી પેઢી માણી રહી છે. આજની પેઢીના યુવાનો લોકપ્રિય ગઝલોને આધારે શાસ્ત્રીય રાગ જાણતા તથા માણતા થયા છે. અનેક રાગ-રાગિણીઓ આધારિત ફિલ્મી ગીતોની મદદથી તેઓ રાગ ઓળખતા થયા છે. આમ ફિલ્મ સંગીતકારોએ તથા ગાયક-ગાયિકાઓએ શાસ્ત્રીય સંગીતને પ્રચલિત કરીને નવી વર્તમાન પેઢી સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.



classicle musicહિન્દી ફિલ્મોમાં ગીત-સંગીતની ઐતિહાસિક ભૂમિકા જોઇએ તો, ૧૯૫૦ પહેલાંનાં ફિલ્મ સંગીતમાં શાસ્ત્રીય સંગીતની બંદિશોનો મહદંશે ઉપયોગ થતો. શાસ્ત્રીય રાગોની બંદિશોમાં નજીવા ફેરફાર કે ફેરફાર કર્યા વિના તેમાં શબ્દો મૂકીને તેને ગીત તરીકે રજૂ કરવામાં આવતા.



શંકરરાવ વ્યાસે ફિલ્મ ‘રામરાજ્ય’માં ‘બીના મધુર મધુર કછુ બોલ...’ ગીતમાં રાગ ભીમપલાસીની બંદિશનો સીધો ઉપયોગ કર્યોહતો, આર.સી.બોરાલે રાગ યમનની બંદિશ પર ‘દો નૈના મતવારે...’ ગીત તૈયાર કર્યું હતું. ખેમચંદ પ્રકાશે રાગ દીપક પર ‘દિયા જલાઓ...’ ગીત બનાવ્યું હતું.



ભારતીય ફિલ્મોમાં કથાવસ્તુ, વિવાદાસ્પદ સંવાદો, કે પછી અશ્લીલ દ્રશ્યો હોય તેમ છતાં તેના પર પડદો પાડનાર કંઇ હોય તો તે છે તેનું સંગીત. આ સંગીતે જ આપણી ફિલ્મોને સમૃદ્ધ બનાવી છે. અને જે ગતિએ આપણું ફિલ્મ સંગીત લોકપ્રિયતાના શિખરે પહોંરયું છે તેવું બીજે કયાંય બન્યું નથી.



ભારતીય શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં જેવી મહાન હસ્તીએ પણ ફિલ્મ સંગીતને શાસ્ત્રીય સંગીતથી ચડિયાતું ગણ્યું છે. પતિયાલા ઘરાનાના આ ઉસ્તાદ માનતા હતા કે, રાગ ભૈરવીનું સ્વરૂપ અસરકારક રીતે રજૂ કરવામાં ઉસ્તાદો કલાકો કાઢે છે, તે જ ભૈરવી ફિલ્મ સંગીતમાં ફક્ત ત્રણ જ મિનિટમાં
અસરકારક રીતે રજૂ કરવામાં આવે છે અને તે હંમેશાં યાદ રહી જાય તેવી છાપ પાડે છે.



તેટલું જ નહીં, પરંતુ તે જ ભૈરવીને આપણે તે ગીતના રૂપમાં વારંવાર સાંભળવા ઇરછીએ છીએ.



કેટલીક પ્રચલિત પંરપરાગત ઠુમરી અને દાદરા ગીતના શબ્દોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવાયાં હતાં. દ્રષ્ટાંતરૂપે, કુંદનલાલ સાયગલે ફિલ્મ ‘સ્ટ્રીટ સિંગર’માં ખૂબ પ્રચલિત ભૈરવી ઠુમરી ‘બાબુલ મોરા નૈહર છૂટો જાય...’ગાઇ હતી.



૧૯૫૪ની ફિલ્મ ‘મહાત્મા કબીર’માં સંગીતકાર અનિલ બિશ્વાસે આ જ ઠુમરીનો ઉપયોગ કર્યો, જે મન્ના ડેએ ગાઇ હતી. ૧૯૬૪માં સંગીતકાર જયદેવે આ ઠુમરીનો ભોજપુરી ફિલ્મ ‘નેહર છુટલ જાયે’માં લતાના અવાજમાં ઉપયોગ કર્યો. ત્યાર બાદ ૧૯૭૩માં સંગીતકારે કનુ રોયે ફિલ્મ ‘આવિષ્કાર’માં જગજિત-ચિત્રાના અવાજમાં આ જ ઠુમરી રજૂ કરી હતી.



આ સિવાય અનેક પ્રચલિત ઠુમરી ફરીથી ઉપયોગમાં લેવામાં આવી હતી. જેમ કે ‘કૌન ગલી ગયો શ્યામ...’ જે ખમાજ ઠુમરી હતી. ‘પિયા બિન નહીં આવત ચૈન...’ ફિલ્મ ‘દેવદાસ’માં સાયગલે ગાઇ હતી. જે ફરીથી ફિલ્મ ‘મિયાં બીબી રાજી’માં લેવાઇ હતી. ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાને ગાયેલી તિલંગ ઠુમરી ‘સજન સંગ કાહે કો નેહા લગાયે...’ ફરીથી શંકર-જયકિશને લતાના અવાજમાં ફિલ્મ ‘મૈં નશે મૈં હૂં’માં લીધી હતી.



‘ઇન્હી લોગો ને લે લીના દુપટ્ટા મેરા...’ ઠુમરી ૧૯૪૩માં ફિલ્મ ‘આબરૂ’ માટે સંગીતકાર ગોવિંદરામે તૈયાર કરી હતી.



હિન્દી ફિલ્મ સંગીતના ૫૦થી શરૂ થયેલા સુવર્ણયુગમાં અનેક નવા તથા જૂના સંગીતકારો શાસ્ત્રીય રાગો આધારિત કે પછી વિવિધ રાગોના મિશ્રણ દ્વારા બંદિશો તૈયાર કરતા જેને સંગીતરસિકોએ માણી હતી.



સંગીતકાર શંકરે કહ્યું હતું કે, ફિલ્મ સંગીતકારને વિવિધ રાગ-રાગિણીઓનું યોગ્ય જ્ઞાન ન હોય તો તેઓ સંગીતકાર તરીકે સફળ નહીં થાય કારણ કે, સૂરની એકવિધતા (મોનોટોની) તોડવા માટે સંગીતકારને વિવિધ રાગોના મિશ્રણ કરતાં આવડતા હોવા જોઇએ.



૧૯૫૦ બાદ શંકર-જયકિશન, નૌશાદ, સી. રામચન્દ્ર, વસંત દેસાઇ, સલીલ ચૌધરી, ઓ.પી. નૈયર, મદન મોહન, જયદેવ, રોશન, સચિન દેવ બર્મન વગેરેએ શાસ્ત્રીય રાગ આધારિત અદભૂત તરજો બાંધી હતી. આ સંગીતકારોએ મહંમદ રફી, મન્ના ડે, લતા મંગેશકર, આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, સુધા મલ્હોત્રા વગેરે પાસે શાસ્ત્રીય રાગો આધારિત રચનાઓ ગવડાવી હતી.



જ્યારે પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીત ગાયકો ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં, ઉસ્તાદ અમીર ખાં, પં. ભીમસેન જોષી, ડી.વી. પલુસ્કર, લક્ષ્મી શંકર, બેગમ પરવીન સુલતાના જેવાં કલાકારોના અવાજનો હિન્દી ફિલ્મનાં ગીતોમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિવિધ હિન્દુસ્તાની વાદ્યોનો ઉપયોગ પણ હિન્દી ફિલ્મી ગીતોમાં કરાયો છે.



ઉદાહરણરૂપે, ફિલ્મ ‘બસંત બહાર’માં પ્રસિદ્ધ વાંસળીવાદક પન્નાલાલ ઘોષે વાંસળી વગાડી હતી. ફિલ્મ ‘સીમા’ના ગીત ‘સુનો છોટી સી ગુડિયા કી...’માં પ્રખ્યાત સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાંએ સરોદ વગાડી હતી, ફિલ્મ ‘કોહિનૂર’માં ‘મધુબન મેં રાધિકા...’ ગીતમાં તબલાંતરંગનો કર્ણપ્રિય ઉપયોગ થયો હતો.



ફિલ્મ ‘ગુંજ ઉઠી શહનાઇ’માં જાણીતા શરણાઇવાદક ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંએ શરણાઇ વગાડી હતી. ફિલ્મ ‘મેરી સૂરત તેરી આંખે’ના ગીત ‘નાચે મન મોરા...’ માં વિખ્યાત તબલાવાદક પં. શામતાપ્રસાદજીએ અદભૂત તબલાવાદન દ્વારા અનેરી અનૂભુતિનો આસ્વાદ કરાવ્યો હતો.



હિન્દી ફિલ્મોનું ગીત-સંગીત સતત પ્રયોગશીલ રહ્યું છે. કેટલાક સંગીતકારોએ અદભૂત અને અવિસ્મરણીય સંગીત સર્જન કર્યું છે તે જોઇએ. સંગીતકાર અનિલ બિશ્વાસે ફિલ્મ ‘હમદર્દ’માં લતા-મન્ના ડેના અવાજમાં ‘આઇ મધુર સુબહ...’માં બહાર રાગમાલાનો યાદગાર પ્રયોગ કર્યો. જે આજ સુધી કોઇ કરી શક્યું નથી.



નૌશાદે ફિલ્મ ‘બૈજુ બાવરા’માં વિવિધ રાગો આધારિત ગીતો તૈયાર કર્યા. શાસ્ત્રીય સંગીતના પૂજારી નૌશાદે કહ્યું હતું, ‘શાસ્ત્રીય સંગીતનો જન્મ પવિત્ર મંદિરોમાં થયો હતો અને રાજાઓ તથા નવાબોના દરબારોમાં વિકસ્યું હતું. આપણા છ મુખ્ય રાગો દીપ, મેઘ, હિંડોલ, શ્રી, ભૈરવ અને માલકૌંસ છે.



આપણું બધું જ સંગીત આ છ રાગોમાં રહેલું છે. જેમ કે, ‘આવાઝ દે કહાં હૈ...’ ગીતમાં નૌશાદે રાગ પહાડીથી તિલંગ, તિલંગથી ભૈરવી અને ભૈરવીથી પીલૂ એવી તરજ બનાવી હતી. તેઓ કહેતા કે, શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત તો આપણી સૌની માતા છે.



એને ધાવીને જ કશુંક નવું સર્જવાની કોશિશ કરી છે શંકર-જયકિશને ફિલ્મ ‘આહ’ના લોકપ્રિય ગીત ‘રાજા કી આયેગી બારાત...’માં રાગ ભૈરવીથી શરૂ કરીને રાગ માલકૌંસમાં પહોંચીને ગીતને મધુરતા બક્ષી.



હિન્દી ફિલ્મ સંગીતનો વ્યાપ સતત વધતો જોવા મળે છે. વળી, અવનવા પ્રયોગો પણ વાદ્યો દ્વારા કે ગાયકી દ્વારા કરવામાં આવતા હોય છે. જેમ કે, સંગીતકાર શંકર-જયકિશને સ્વતંત્ર સંગીતકાર તરીકેની તેઓની કારકિર્દીની શરૂઆતથી જ ભૈરવી (જેને તેઓ સદા સુહાગન રાગ કહેતા) તેઓની આગવી શૈલીમાં રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો.



તેમની પ્રથમ ફિલ્મ ‘બરસાત’માં પાંચ ગીતો રાગ ભૈરવી પર આધારિત હતાં. ત્યારથી જ તેઓ જુદી જુદી રીતે ભૈરવી આધારિત ગીતો રજૂ કરતા રહ્યા. હિન્દી ફિલ્મ સંગીતમાં સંગીતકાર નૌશાદે તેઓનો હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પ્રત્યેનો પ્રેમ તેઓની દરેક ફિલ્મનાં ગીતો દ્વારા દર્શાવ્યો છે.



તેમણે વિવિધ રાગો ઠુમરી-દાદરાનો ગીતોમાં ઉપયોગ કર્યો છે. ફિલ્મ ‘મધર ઇન્ડિયા’મા ‘ઘુંઘટ નહીં ખોલુંગી...’ એ પ્રચલિત પરંપરાગત દાદરા છે. નૌશાદ સાહેબે ફિલ્મ ‘મુગલે આઝમ’ માટે ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં સાહેબ પાસે રાગ સોહિની પર આધારિત તેમની પ્રચલિત ઠુમરી ‘પ્રેમ જોગન બન કે...’ ગવડાવી હતી.



નૌશાદે ફિલ્મ ‘ગંગા જમુના’માં લતા મંગેશકરના અવાજમાં ‘ઢુંઢો ઢુંઢો રે સાજના...’ અને ‘ના માનુ ના માનુ...’એમ બે અતિ પ્રચલિત દાદરા રજૂ કર્યા. સંગીતકાર જયદેવ ભારતીય સંગીતના આગ્રહી રહ્યા હતા. તેમણે ફિલ્મોમાં લોકસંગીત તથા શાસ્ત્રીય સંગીતનો ઉપયોગ કર્યો હતો.



ફિલ્મ ‘રેશમા ઔર શેરા’નું જાણીતું ગીત ‘તૂ ચંદા મૈં ચાંદની...’ (રાગ માંડ), ફિલ્મ પ્રેમ પર્વતનું ‘યે નીર કહાં સે...’ (રાગ તિલક કામોદ), ફિલ્મ ‘આલાપ’માં ભૂપીન્દર તથા ફૈયાઝનું ‘આઇ રીતુ સાવન કી...’ (રાગ દેશ) તથા ‘માતા સરસ્વતી શારદા...’ (રાગ ભૈરવી), ‘હમ દોનો’નું ‘અલ્લાહ તેરો નામ...’ તથા ‘મુઝે જીને દો’માં ‘રાત ભી હૈ કુછ...’ અને ‘મિલન રૂતુ આ ગઇ ...’ જેવાં અવિસ્મરણીય ગીતો આપ્યાં હતાં.



તેઓની તરજો અને ગીતોનાં ઇન્ટરલ્યૂડ્ઝ પણ ભારતીય સંગીત આધારિત રહેતાં. સંગીતકાર રોશનનો પ્રિય રાગ યમન કલ્યાણ, શંકર-જયકિશનનાં પ્રિય રાગ ભૈરવી તથા શિવરંજની, નૌશાદના ભૈરવી, પીલુ તથા સારંગ તથા રવિનો પ્રિય રાગ ભુપાલી હતા.



સંગીતકાર ઓ.પી. નૈયરે કહ્યું હતું કે, તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી નહોતી તેમ છતાં ફિલ્મ ‘રાગિની’માં ઉસ્તાદ અમાનઅલી ફત્તેહઅલીએ ગાયેલી ‘છેડ દિયે મેરે દિલ કે તાર...’ ગીત તેમના શાસ્ત્રીય સંગીતના જ્ઞાનની ચાડી ખાય છે.



ગુજરાતના વરિષ્ઠ સંગીતકાર કાન્તિભાઇ સોનછત્રાએ શાસ્ત્રીય સંગીતનો ફિલ્મગીતોમાં ઉપયોગ કરતા સંગીતકારોએ કરેલી અક્ષમ્ય ક્ષતિઓ પ્રત્યે ઘ્યાન દોર્યું છે. તેમના માનવા મુજબ, આપણા ઋષિમુનિઓએ સંગીતશાસ્ત્ર રરયું છે. તેમણે ખૂબ વિચારી, અનુભૂતિ કરી રાગ રાગિણીઓના સમય પ્રસ્થાપિત કર્યા છે.



તેનો અનાદર શાસ્ત્રની જાણકાર વ્યક્તિઓ દ્વારા કેમ થતો હશે એ સમજાતું નથી. ‘બીના મધુર મધુર...’ એ રાગ ભીમપલાસીની રચના ફિલ્મમાં રાત્રી સમયે કેમ રજૂ કરાઇ? આવી જ ક્ષતિઓ હેમંતકુમારે ફિલ્મ ‘નાગીન’માં અને સચિન દેવ બર્મને ફિલ્મ ‘શર્મિલી’માં કરી.



જાદુગર ‘સૈંયા છોડો મોરી બૈયાં...’ એ રચના રાગ સારંગમાં કરી છે. ‘મેઘા છાયે આધી રાત...’ અહીં પણ ‘આધી રાત’નો સમય બતાવતી રચના બપોરે ગવાતા રાગ પટદીપમાં કરી છે. આપણા સંગીતકારો ગીત રચના કરવા માટે રાગનો આધાર લેતા હોય તો પછી ભારતીય સંગીતશાસ્ત્રને ઘ્યાનમાં રાખી રાગના સમયનું ઔચિત્ય શા માટે નહીં જાળવતા હોય?



આજની પેઢીના યુવાનો લોકપ્રિય ગઝલોને આધારે શાસ્ત્રીય રાગ જાણતા તથા માણતા થયા છે. અનેક રાગ-રાગિણીઓ આધારિત ફિલ્મી ગીતોની મદદથી તેઓ રાગ ઓળખતા થયા છે. આમ ફિલ્મ સંગીતકારોએ તથા ગાયક-ગાયિકાઓએ શાસ્ત્રીય સંગીતને પ્રચલિત કરીને નવી વર્તમાન પેઢી સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.



classicle music

  share

 .

Reader's Feedback
kirit d vyas
Sunday, 24th Jan 2010, 21:41

very good article. i like it
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: