‘સાહેબ મારા બે મહિનાના બાળકને રિક્ષાવાળો અને એક લાલ સાડી વાળી મહિલા ઉઠાવી ગયાં છે. હું રિક્ષામાં જતી હતી ત્યારે રિક્ષાવાળાને પૈસા ચૂકવવા છૂટા લેવા ગઈ ત્યારે જ આ બંને જણા મારા બાળકને લઈને ભાગી ગયાં છે’ પોલીસ મથકે આવેલી મહિલાએ જણાવેલી કેફિયતના પગલે પોલીસ તંત્ર અપહરણનો ગંભીર મામલો સમજીને દોડતી થઈ ગઈ હતી.
જો કે આ મહિલાના છ વર્ષના પુત્રે જ પરિવારજનો સામે મમ્મીએ જ ભયલુંને સૂરસાગરમાં ફેંકી દીધો હોવાનું જણાવતાં દોડતી થયેલી પોલીસ સૂરસાગર ખાતે દોડી ગઈ હતી અને ફાયર બિગ્રેડની મદદથી બે મહિના મૃત બાળકને સૂરસાગરમાંથી શોધી કાઢયું હતું અને બાળકની હત્યાનો ગુનો નોંધી સગા પુત્રની હત્યાની આરોપી માતાની ધરપકડ કરી હતી.
નવાપુરા કહાર મહોલ્લામા રહેતી ગૌરી મહેન્દ્ર કહારને પાંચ સંતાનો છે. તેનો પતિ મહેન્દ્ર દેણા પાસેની સાઈટમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે. પાંચ પૈકીનો સૌથી નાના બે મહિનાના પુત્ર ભયલુને છેલ્લાં ત્રણેક દિવસથી શરદી ખાંસી અને તાવ આવતો હોઈ ગૌરી તેના પતિની ઓછી આવકમાં સારવાર અને ઉછેરની ચિંતામાં માનસિક તનાવમાં રહેતી હતી.
આજે સવારે તે ભયલુને સ્વેટર અને કાન ટોપી પહેરાવી તેમજ રૂમાલમાં વીંટાળીને તેના મોટા પુત્ર ૬ વર્ષીય અનિકેત સાથે ઘરેથી નિકળી સુરસાગર ખાતે પહોંચી હતી. ઓવારા પર પગથિયા ઉતરીને કોઈ જોતું નથી તેની ખાતરી કર્યા બાદ તેણે નિષ્ઠુરતાપુર્વક ભયલુને સુરસાગરમાં પધરાવી દીધો હતો. ત્યાર બાદ ઘરે આવીને તેણે ભયલુનું અપહરણ થયાની ખોટી કેફિયત રજૂ કરતાં દોડધામ મચી હતી.
આખરે છ વર્ષના બીજા પુત્ર અનિકેતે ભાંડો ફોડતાં કહ્યું હતું કે મમ્મીએ જ ભયલુંને સૂરસાગરમાં પધરાવી દીધો છે. નિકેતની કેફિયતના આધારે પોલીસે અને ફાયર બ્રિગેડના ચુનંદા જવાનોએ ભારે જહેમતના અંતે તળાવમાંથી ભયલુનો મૃતદેહ શોધી કાઢયો હતો. આ બનાવ અંગે પોલીસે ગૌરી સામે તેના જ પુત્રની હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
બનાવના પગલે સુરસાગર પાસે ભારે ટોળેટોળા જામી ગયા હતા. જે કોઇએ આ વાત જાણી તેમને માતા પર ફિટકાર વરસાવ્યો હતો.
શંકર કી મૂર્તિ હે વહાં ભયલુકો ફેંક દીયા હૈ: અનિકેત
ભયલુની હત્યા બાદ ગૌરી તેના અપહરણનું તરકટ ઉભુ કરી પોલીસને ગેરમાર્ગે દોરી રહી હતી તે દરમિયાન ઘરે હાજર તેના છ વર્ષીય પુત્ર અનિકેતે અન્ય સંબંધીઓ સમક્ષ સમગ્ર બનાવનો ભાંડો ફોડયો હતો. તેણે જણાવ્યું હતું કે ‘મે ઓર મેરી મમ્મી ભયલું કે સાથે રિક્ષામે બેઠકર લીલા -લીલા પાની ઓર ઉસમે શંકર ભગવાનકી મૂર્તિ હૈ વો સુરસાગરકે પગથિયે પર જાકર બેઠે થે.
ફીર વહાં પે મમ્મીને ભયલુંકો પાની મે ફેંક દીયા ’ આ વિગતોના પગલે પરિવારજનો તેને સીધા સુરસાગર કીનારે લઈ જતાં તેણે જાતે ભયલુને જયાં ફેંકેલો તે જગ્યા ઓળખી બતાવી હતી. જોકે ભયલુનો મૃતદેહ સુરસાગર મઘ્યે મળી આવતાં કાચબા અને માછલા ખેંચી ગયા હોવાનું મનાય છે.
લાલ સાડીવાળી મહિલાને શોધવા બે કલાક દોડધામ
ગૌરીએ તેના બે માસના બાળકને શટલીયા રિક્ષાવાળો અને તેમાં બેઠેલી અજાણી લાલ સાડીવાળી મહીલાએ અપહરણ કર્યુ હોવાની ઘરે જાણ કરતાં જ તેના સમગ્ર વિસ્તારમાં આ વાત વાયુવેગે પ્રસરી હતી. દરમિયાન તેની કેફિયતના આધારે તેના મહોલ્લાના યુવાનો અને રિક્ષાચાલકો તુરંત લાલ સાડીવાળી મહિલાને શોધવા માટે નિકળી પડયા હતા. નવાપુરા પોલીસ મથકના જવાનો પણ ઉક્ત મહિલા અને રિક્ષાચાલકને શોધવા માટે સતત બે કલાક સુધી એસટી ડેપો, રેલવે સ્ટેશન, પોલો ગ્રાઉન્ડ બસ સ્ટેન્ડ અને હાઈવે પર ફરી વળ્યા હતા.
નિષ્ઠુર માતા પર લોકોનો ફિટકાર : મા છે કે જલ્લાદ?
ગૌરીએ તેના પુત્ર ભયલુને સુરસાગરમાં નાખી દીધો હોવાની કબૂલાત કરતાં પોલીસ ભયલુને કયાં નાખ્યો છે તે જગ્યા બતાવવા માટે તેને સુરસાગર કીનારે લઈ ગઈ હતી. જોકે ગૌરીએ મ્યૂઝિક કોલેજ સામે મહાદેવ મંદિર પાસેનું લોકેશન બતાવતાં ફાયર બ્રિગેડના જવાનોએ ત્યાં શોધ કરી હતી પરંતુ ભયલુ ફાયર બ્રિગેડ પાસેના ઓવારાની સામે તળાવની મઘ્યે મળી આવ્યો હતો.
દરમિયાન કાનટોપી અને સ્વેટર પહેરેલો ભયલુનો મૃતદેહ જોતાં જ સુરસાગર કિનારે ભેગા થયેલા ટોળામાં પણ અરેરાટી વ્યાપી હતી. ફુલ જેવા બાળકને તેની માતાએ જ સુરસાગર તળાવમાં ફેંકી દીધો હોવાની તેઓને જાણ થતાં તે પૈકીની મહિલાઓએ ‘ગૌરી માં છે કે જલ્લાદ’ તેમજ આવી બાઈને ‘જાહેરમાં જ ફટકારવી જોઈએ અને જેલમાં પુરી દેવી જોઈએ’ તેમ જણાવી ફીટકાર વરસાવ્યો હતો.
દીકરાની હત્યાનો કોઇ અફસોસ માતાના ચહેરા પર જણાતો ન હતો..
ગૌરીએ ભયલું ગુમ થવા અંગે પરિવારજનો અને પોલીસને ગેરમાર્ગે દોરવા જડબેસલાક પ્લોટ ગોઠવી કાઢયો હતો. તેના ચહેરા પણ જરાપણ કયાય અફસોસ જણાતો ન હતો. તેને જણાવ્યું હતું કે તે ભયલુ અને અનિકેત સાથે કહાર મહોલ્લાથી શટલીયા રિક્ષામાં ખંડેરાવ માર્કેટ ગઈ હતી.
રિક્ષાચાલકને પાંચ રૂપિયા આપવાના હોઈ તે રિક્ષામાં બેઠેલી લાલ સાડીવાળી મહિલાને ભયલુને સાચવવા આપી તે સામેની દુકાનમાં છુટ્ટા લેવા ગઈ હતી અને તે દરમિયાન રિક્ષાચાલક અને તે મહિલા ભયલુને લઈને ફરાર થયા છે. બીજી તરફ ઘર પાસે રહેતાં કુસુમબહેન સહિત મહોલ્લાના રહીશોએ ઘરે હાજર અનિકેતની પૂછપરછ કરતાં તેણે ભયલુને મમ્મીએ જ તળાવમાં ફેંકી દીધો છે તેવો ઘટસ્ફોટ કરતાં ભાંડો ફૂટયો હતો. 
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.