ધવનની બેવડી સદી ૨૨૪, ભાટિયા ૭૮, છાબરા ૬૫, તેહલાન ૫૫ અને નાગરના ૫૫ રનના સથવારે દિલ્હી ટીમે બરોડા સામે આજે રણજી ટ્રોફી મેચમાં રમતના બીજા દિવસે ૫૯૧ રનનો જંગી જુમલો નોંધાવી બરોડા માટે કપરાં સંજોગો ઉપસ્થિત કર્યાં છે.
બરોડા તરફથી યુસુફ પઠાણે ત્રણ અને રાકેશ સોલંકીએ ત્રણ વિકેટો લીધી હતી. બરોડાએ આજે તેમને રમવા મળેલ અંતિમ ૪૦ મિનિટમાં વિના વિકેટે ૨૧ રન નોંધાવ્યા છે. પરબ ૧૦ અને વિલિયમ્સ ૯ રને રમતમાં છે. દિલ્હી ટીમે ગઇકાલનો બે વિકેટે ૩૦૦ રનનો અધુરો દાવ આગળ ધપાવતા આજે પણ બેટિંગ વિકેટનો ભરપુર ફાયદો ઉવી ગઇકાલની જેમ જ રનોની આતશબાજી ખેલી ઝડપથી જુમલો વધારવા માડયો હતો.
ધવને ગઇકાલના ૧૨૨ રનના જુમલાથી આગળ વધતા બરોડાના દરેક બોલરની બોલિંગમાં ચોગ્ગાની રમઝટ બોલાવતા ૪૧૩ બોલમાં ૬૩૮ મિનિટમાં ૨૩ ચોગ્ગા અને બે ટાવરિંગ છગ્ગા સાથે ૨૨૪ રન ફટકારી દિલ્હીને ડ્રાઇવર્સ સીટમાં લાવી દીધુ હતું. તે ચેઇન્જ બોલર જેકોબ માર્ટિનની બોલિંગમાં પરબના હાથે ઝિલાતા બરોડાને રાહતનો એહસાસ થયો હતો.
પરંતુ આ અહેસાસ લાંબુ ટકી શકયો ન હતો. ભાટિયાએ ૧૩૯ બોલમાં નવ ચોગ્ગા સાથે ૭૮, તેહલાને ૧૧૦ બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૫૫, નાગરે ૧૦૨ બોલમાં છ ચોગ્ગા સાથે ૫૫ રન નોંધાવી દિલ્હીને ૫૯૧ રનના જંગી જુમલે પહોંચાડી દીધુ હતું.
બરોડા તરફથી ..યુસુફને ૧૪૮ રનમાં અને રાકેશ સોલંકીને ૭૩ રનમાં ત્રણ-ત્રણ વિકેટો મળી હતી. બે દિવસની રમતે બીસીએ પસંદગી સમિતિને બતાવી આપ્યું છે કે તેમની બોલિંગ સાઇડ ઇરફાન, મુનાફ જેવા ધુરંધર બોલરોની ગેરહાજરીમાં નબળી છે. દિલ્હીને બરોડાની કંગાળ બોલિંગ, અપેક્ષા કરતાં ઘણી નિમ્ન કક્ષાની ફિલ્ડિંગ અને બેટધરો માટેની વિકેટે મુશ્કેલીમાં મુકી દીધું છે.
બરોડા ટીમમાં બોલરોની કમી અને લાંબી બેટિંગ લાઇન અપને ઘ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ બેટધરો માટેની વિકેટ આજના તબક્કે તેમના માટે બુમરેંગ સાબિત થઇ છે. હવે બરોડાના નામાંકિત બેટધરો બાકીના બે દિવસમાં દિલ્હીના જુમલાને આંબી શકે છે કે નહીં તે જોવાનું રહે છે.
નહીં તો અત્યારના સંજોગો જોતાં બરોડાના બેટધરો જો કામિયાબ ન રહ્યાં તો દિલ્હીને પ્રથમ દાવની સરસાઇ મળી જશે. જે બરોડા માટે સિઝનની પ્રથમ રણજી મેચમા પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવું બનશે.
વેરાગી અને પવારની બોલિંગ એકશન સામે દિલ્હી ટીમની ફરિયાદ
મોતીબાગ મેદાન પર રમાઇ રહેલ બરોડા સામેની રમજી મેચ દરમિયાન દિલ્હી ટીમ મેનેજમેન્ટ તરફથી બરોડાના બોલરો સલીમ યુસુફવેરાગી અને રાજેશ પવારની બોલિંગ એકસન સામે ફરિયાદ કરવામા આવી છે. તેમના મતે ઉપરોકત બન્ને બોલરોની બોલિંગ એકશન શંકાસ્પદ છે.
જે સામે તપાસ કરવાની અને જરૂરી પગલાં ભરવાની મેચ રેફરી પાસે માગણી કરવામા આવી હોવાનું આધારભૂત સાધનો દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખ કરવો રહ્યો કે ભૂતકાળમાં વેરાગીની બોલિંગ એકસન સામે ફરિયાદ થઇ હતી અને તે તેની બોલિંગ એકસન સુધારવાની પ્રક્રિયામાંથી પસાર પણ થયો હતો.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.