Divya Bhaskar

 

બોડી રાખો શેપમાં

Anil Rahi
Wednesday, November 04, 2009 17:42 [IST]
Bookmark and Share

Karineએક જમાનો હતો જયારે કસરતી શરીરવાળા હીરોને અભિનેતા ગણવામાં જ નહોતા આવતા, જ્યારે આજે તમામ અભિનેતા સિક્સ પેક કે એઈટ પેકની માયાજાળમાં એવા ફસાયા છે કે તેમનું ઘર જોઈએ તો તે ઘર છે કે જિમ તે જ ના સમજાય. હીરો તો સમજ્યા, પરંતુ હિરોઈનો પણ આ મામલે પાછળ નથી.



કરીના કપૂર જેવું ઝીરો ફિગરના મોહમાં જાતભાતની કસરતો કરતી અને ભૂખમરો વેઠતી જોવા મળે છે. હવે તો સ્થિતિ એ છે કે હીરો બનવાની તૈયારીનો શુભારંભ જ બોડી બિલ્ડિંગ કરવાથી થાય છે.



ઘણી વાર વજન ઉતારવાની કવાયત ખાસ રોલ માટે કરવામાં આવે છે. તો ઘણી વાર તેનાથી ઊલટું કયારેક રોલ માટે વજન વધારવું પણ પડે છે. જેમ કે શાહરુખ ખાને ‘ઓમ્ શાંતિ ઓમ્’ના એક ગીત માટે શરીર દર્શાવવાનું હોવાથી સિક્સ પેક એબ બનાવ્યા હતા તો બીજી ફિલ્મ ‘રબને...’ માટે વજન વધારવું પડ્યું હતું.



આમિર ખાને તો ‘ગજની’ની ફાઈટ માટે આખો કાયાકલ્પ જ કરી નાખ્યો હતો. હવે ‘થ્રી ઈડિયટ્સ’માં પાછું તેનું સામાન્ય શરીર જોવા મળશે. અભિષેક બચ્ચને ‘ગુરુ’ માટે ૧૦ કિલો વજન વધાર્યું હતું, પણ પાછો ‘દ્રોણ’ માટે સામાન્ય થઈ ગયો. આવી જ રીતે નવોસવો હીરો ઈમરાન ખાન પણ ‘લક’ માટે ભારે શરીરવાળો થયો હતો, એટલે જ હવે હોમ પ્રોડકશનની ફિલ્મ ‘દિલ્હી બેલી’ માટે વજન ઘટાડવાના ચક્કરમાં પડ્યો છે.



આગામી ફિલ્મોમાં ઘણી હિરોઈનો પણ નવી નવી લાગવાની છે. જેમ કે ‘ટશન’ માટે ઝીરો સાઈઝ બનાવ્યા બાદ ‘કમબખ્ત ઈશ્ક’માં સામાન્ય શરીર સાથે જોવા મળેલી કરીના કરણ જોહરની તથા રેન્સિલ ડી સિલ્વાની આગામી ફિલ્મમાં થોડી વજનદાર દેખાશે.



‘ભૂલભૂલૈયા’ની સરખામણીએ વિદ્યા બાલન તેની આગામી ફિલ્મ ‘ઈશ્કિયાં’માં સ્લીમ દેખાશે. મજાની વાત એ છે કે તેને માત્ર પાંચ કિલો વજન ઉતારવાનું કહ્યું હતું, પણ જોશમાં ને જોશમાં તેણે દસ કિલો વજન ઉતારી નાખતા નિર્માતા-દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, કારણ કે તેના જે ડ્રેસ તૈયાર કરાવ્યા હતા તે ફરીથી ફિટિંગવાળા કરાવવા પડ્યા હતા.



‘ગજની’માં અસીન યોગ્ય જ લાગતી હતી તેમ છતાં ‘લંડન ડ્રીમ્સ’ માટે તેણે ચાર કિલો વજન ઘટાડ્યું છે, કારણ કે આ ફિલ્મમાં તે પોપ સિંગરની ભૂમિકામાં છે. તેવી જ રીતે લારા દત્તા ‘બ્લૂ’ માટે અને રાની મુખરજી ‘દિલ બોલે હડિપ્પા’ માટે પાતળી થઈ છે.



સ્વાભાવિક છે કે હીરો-હિરોઈનના આવા વલણથી બોડી બિલ્ડિંગ તથા વજન વધારવા-ઘટાડી આપતા કોચ લોકોની બોલબાલા વધી ગઈ હોય.



‘ગજની’ માટે આમિરની બોડી બનાવનાર સત્યદેવ ચૌરસિયા કહે છે કે ‘હવે અમારા ક્લિનિકમાં પહેલાંની સરખામણીએ દસ ગણા વધુ યુવકો આવે છે, જેમને આમિર ખાન જેવી બોડી બનાવવાની ધેલછા હોય છે. યશરાજની ‘હડિપ્પા’ પછી કદાચ મહિલા ગ્રાહકોની સંખ્યા પણ વધશે, કારણ કે આ ફિલ્મમાં મેં રાનીનું વજન ઘટાડીને સ્લીમ અને યુથફુલ લુક આપ્યો છે.



હીરો લોકોમાં બોડી બિલ્ડિંગનું અને હિરોઈનોમાં વજન ઘટાડવાનું ઝનૂન એટલું જોરદાર છે કે તે માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર રહે છે. અક્ષયકુમારના કહેવા મુજબ ‘કેટલાક હીરો મસલ્સ બનાવવા માટે દવાનો સહારો લે છે.’



ભૂતપૂર્વ મિ. ઈન્ડિયા અને અભિનેતા આર્યન વૈધ પણ કહે છે કે ‘મોટાભાગના એકટરોના મસલ્સ સજાવેલા છે, જે માત્ર કેમેરા સામે જ યોગ્ય લાગે છે. બહુ ઓછા હીરોના મસલ્સ અસલી છે.’



મસલ્સ અસલી-નકલી હોય તે જુદી વાત છે, પણ ઘણી હિરોઈનો સાઈઝ ઝીરોની મોકાણમાં જીવ જોખમમાં મૂકતી હોય છે. હોલિવૂડની હિરોઈનો પાસેથી પ્રેરણા લેનારી આ અભિનેત્રીઓ તેમની જેમ જ ત્યાંની ખતરનાક દવાઓનો પણ સહારો લે છે. સૂત્રોના જણાવ્યા મુજબ હોલિવૂડમાં સેલિબ્રિટી ડાયટ પિલ તરીકે સુપ્રસદ્ધિ દવા ‘કલેબ્યૂટરોલ’ હવે અહીં પણ ઉપયોગમાં લેવાય છે.



આ દવાની સાઈડ ઈફેક્ટ્સને લીધે અમેરિકામાં તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મૂળભૂત રીતે આ દવા ઘોડાના અસ્થમાના ઈલાજ માટે બનાવવામાં આવી હતી. આ દવા શરીરમાં ચરબી જમા થવા દેતી નથી અને વ્યકિત પાતળી થવા લાગે છે, પરંતુ તેની સાથે સાથે અનિંદ્રા, ચિંતા, બ્લડપ્રેશર જેવા રોગની ભેટ પણ આપતી જાય છે.



સાઈઝ ઝીરો માટે બીજી એક ટેબ્લેટ ‘પ્રોક્ટોલ’ પણ અસ્તિત્વમાં છે, જેની સાઈડ ઈફેક્ટ્સ પણ ઉપરની દવા જેવી જ છે.



આ બધું જાણતી બિપાશા બસુની બધાને સલાહ છે કે ‘અપ્રાકૃતિક રીતે વજન ઘટાડવાની ઘેલછા ખતરનાક છે. મારું માનો તો યોગ્ય ખોરાક લો, કસરત કરો અને પૂરતી ઊઘ લો. માત્ર આટલી બાબતથી જ યોગ્ય પરિણામ મેળવી શકશો.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.