વંદે માતરમ્ અંગે ઊભા થયેલા વિવાદમાં ગૃહમંત્રી પી. ચિદમ્બરમે બુધવારે કહ્યું હતું કે જમિયત ઉલેમા-એ-હિન્દ દ્વારા દેવબંદ ખાતે મંગળવારે વંદે માતરમનો વિરોધ કરતો જે ઠરાવ પસાર કરાયો હતો ત્યારે તેઓ ત્યાં હાજર ન હતા. જોકે ભાજપ આવા ખુલાસા માનવા તૈયાર નથી અને તેણે ચિદમ્બરમ માફી માગે તેવી માગણી કરી છે.
બીજી તરફ લઘુમતી બાબતોના મંત્રી સલમાન ખુરશીદે રાષ્ટ્રગીતના વિરોધને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે તેમાં કંઈ જ વાંધાજનક નથી. ચિદમ્બરમના કાર્યાલયે જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે ‘ગૃહમંત્રી પી. ચિદમ્બરમ દેવબંદ ખાતે જમિયતની પરિષદમાં ૩ નવેમ્બરે સવારે ૧૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી હાજર હતા.
આ દરમિયાન કોઈ જ ઠરાવ પસાર કરાયો ન હતો. તેમણે જયારે વકતવ્ય આપ્યું ત્યારે તેમને વંદે માતરમ્ કે મહિલા અનામત અને ટીવી અંગે કોઈ ઠરાવ પસાર કરાયો હોવાની માહિતી ન હતી.’ આ ઉપરાંત ચિદમ્બરમ અગાઉથી તૈયાર કરાયેલું ભાષણ જ વાંચી ગયા હતા, જેમાં કોઈ ફેરફારની ગુંજાઈશ ન હતી.
જોકે ભાજપના ઉપાઘ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ આ સ્પષ્ટતા ફગાવી દઈને કહ્યું હતું કે ‘જે દેશમાં ત્રાસવાદ, અલગતાવાદ અને નકસલવાદ તેની ચરમસીમાએ છે તે દેશના ગૃહમંત્રી જે કાર્યક્રમમાં જઈ રહ્યા હોય તેમાં વંદે માતરમનું અપમાન થયું છે તે વાતથી તેઓ વાકેફ ન હોય તે બાબત આશ્ચર્યજનક લાગે છે.’
ગુપ્તચર એજન્સીઓએ પણ ગૃહમંત્રીને આવી બાબતથી વાકેફ ન કર્યા તે અંગે પણ તેમણે ચિંતા દર્શાવીને ચિદમ્બરમે માફી માગવી જોઈએ તેવી માગણી કરી હતી.
જમિયતના સભ્યોની નાગરિકતા ખતમ કરી નાખો : વિહિપ
અલ્હાબાદ : વિશ્વ હિન્દુ પરિષદે જમિયત દ્વારા વંદે માતરમ્ વિરોધી ઠરાવ પસાર કરાયો તેને રાષ્ટ્રવિરોધી કૃત્ય ગણાવીને ઉગ્ર વિરોધ દર્શાવીને કહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી ચિદમ્બરમની હાજરીમાં રાષ્ટ્રવિરોધી જાહેરાતો થાય છે તેમ છતાં તેઓ ચૂપ રહ્યા તે બદલ તેમણે જાહેરમાં માફી માગી માગવી પડશે.
વિહિપના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે ‘આ ઠરાવથી જમિયતનું રાષ્ટ્રવિરોધી ચારિત્ર્ય વધુ એક વાર બહાર આવ્યું છે. રાષ્ટ્ર અને ખાસ કરીને હિન્દુઓનું અપમાન કરવા બદલ ચિદમ્બરમે જાહેરમાં માફી માગવી પડશે.’ વિહિપે જમિયતના તમામ સભ્યોની નાગરિકતા જ ખતમ કરી દેવાની માગણી કરી હતી અને જો કેન્દ્ર આ મામલે કોઈ પગલાં નહીં લે તો વિહિપ દેશભરમાં દેખાવો કરશે તેમ કહ્યું છે.
Name:
Email ID:
Comments:
Code:
.
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.