સસ્તા વ્યાજદરના દિવસો હવે પૂરા થવાને આરે હોય તેમ એસબીઆઇ સસ્તાદરની લોન બંધ કરશે તેવી અટકળો પાછળ રિયલ્ટી શેર્સમાં ધોવાણ થતાં સેન્સેકસ ૪૯૧ પોઇન્ટના વર્ષના ચોથા સૌથી મોટા કડાકા સાથે ૧૫,૫૦૦ની નીચે સરકી ગયો છે. વૈશ્વિક સ્તરે વ્યાજદરો વધવાની દહેશત હેઠળ બીએસઇ અને એનએસઇ ખાતે વેચવાલીનું જોર વધી જતાં એક જ દિવસમાં રોકાણકારોની મૂડીમાં રૂ. ૧.૭૩ લાખ કરોડનું જંગી ધોવાણ થયું હતું.
એનએસઇ નિફ્ટી પણ ૧૪૭.૮૦ પોઇન્ટ ઘટીને ૪,૫૬૩.૯૦ પોઇન્ટ બંધ આવ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વની બેઠકમાં મહત્ત્વના વ્યાજદરોમાં શૂન્ય ટકાથી વધારીને ૦.૨૫ ટકા કરાશે તેવી ભીતિએ એશિયાનાં બજારો નરમ હતાં. યુરોપનાં અગ્રણી ફંડ સીઆઇટીએ નાદારી નોંધાવ્યાના અહેવાલો પાછળ મઘ્ય સેશનમાં યુરોપના શેરબજારો પણ નીચામાં ખૂલતાં ભારતમાં સેન્સેકસ અને નિફ્ટી સડસડાટ નીચે સરકી પડ્યા હતા.
વ્યાજદરોમાં વધારાની શરૂઆત થઇ ગઇ હોય તેમ ન્યૂઝીલેન્ડની મઘ્યસ્થ બેન્કે વ્યાજદરોમાં ઓલરેડી વધારો કરી દીધો છે. વૈશ્વિક સ્તરે વ્યાજદરો વધવાની દહેશત બજારના ઘટાડા માટે મુખ્ય કારણ બની હતી. તે સિવાય અમેરિકામાં વોલેટિલિટી ઇન્ડેકસ(વિકસ)માં એક સપ્તાહમાં જ ૧૦ ટકા ઉછાળો નોંધાતાં સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
વૈશ્વિક શેરબજારોમાં નબળાઇ પાછળ વિદેશી ફંડોએ પણ ભારતમાં વેચવાલી કપરી બનાવતાં રૂ. ૮૭૪.૨૬ કરોડનો માલ વેચી દીધો હતો. જોકે સ્થાનિક ફંડોએ ઘટ્યા મથાળે લેવાલીની તક ઝડપતાં ઇકિવટીમાં રૂ. ૭૫૧.૯૫ કરોડનું લેણ કર્યું હતું. નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ ઓઇલ અને ખાતર ઉપરની સબસીડીમાં ઘટાડો કરાશે તેવી જાહેરાત પણ બજાર માટે નકારાત્મક સાબિત થઇ હતી.
હેવીવેઇટ્સમાં સેન્સેકસની મુખ્ય ૩૦ જાતોમાંથી માત્ર સન ફાર્મા, મારુતિ સુઝુકી અને ભારતી એરટેલ ઉપરમાં બંધ આવી હતી જ્યારે રિલાયન્સ રૂ. ૧૧૦.૬૦, ઇન્ફોસીસ રૂ. ૬૬.૦૫ અને ભેલ રૂ. ૬૩.૬૦ ઘટ્યો હતો. વૈશ્વિક મેટલ બજારોમાં ભાવ ગગડતાં શેરબજારોમાં મેટલ ઇન્ડેકસ ૮૨૯.૪૯ પોઇન્ટ તૂટીને ૧૩,૧૧૦.૬૮ પોઇન્ટના મથાળે બંધ આવ્યો હતો. સ્ટરલાઇટ રૂ. ૪૯.૪૦, તાતા સ્ટીલ રૂ. ૨૬ ઘટયો હતો. ખાતર કંપનીઓના શેર્સમાં પણ ભારે વેચવાલી નીકળી હતી.
એસબીઆઇનો રિયાલ્ટી શેર્સને આંચકો
દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇ તેની વર્ષની ૮ ટકા વ્યાજ ધરાવતી હાઉસિંગ લોન બંધ કરવાનું વિચારી રહી હોવાની વાતો ફેલાતાં રિયલ્ટી શેર્સના પગ નીચે ધરતીકંપ આવ્યાની સ્થિતિ ઊભી થઇ હતી.
જેને કારણે રિયલ્ટી ઇન્ડેકસ જોતજોતામાં ૯.૭૬ ટકા તૂટીને ૩,૪૫૩.૬૩ પોઇન્ટની સપાટીએ ફસકી પડ્યો હતો. ડીએલએફ રૂ. ૩૩.૪૫, ઇન્ડિયાબુલ્સ રિયલ્ટી રૂ. ૪૦.૩૫, શોભા ડેવલપર્સ રૂ. ૨૩.૭૫, ટુનિટેક રૂ. ૭.૫૫ અને પાર્શ્વનાથ ડેવલપર્સ રૂ. ૯.૫૦ તૂટ્યો હતો. રિયલ્ટી શેર્સને હલાવી નાખનારો એસબીઆઇનો શેર પણ આજે રૂ. ૮૭.૫૦ ઘટીને રૂ. ૨,૧૦૩.૫૦ બંધ આવ્યો હતો.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.