જયપુર IOCમાં લાગેલી આગના ધુમાડાથી પાંચ રાજયોને જોખમ
જયપુરમાં આઈઓસીના ટર્મિનલમાં ફાટી નીકળેલી ભીષણ આગના કારણે સમગ્ર શહેર પર રચાયેલા રાક્ષસી કદના ધુમાડાનાં વાદળોએ હવે રાજસ્થાન સહિત પાંચ રાજયોના લગભગ સાડા ચાર કરોડ લોકોને લપેટમાં લીધા છે. આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધતાં આ ધુમાડાના કણ અસ્થમાના દર્દીઓ માટે ભારે જોખમરૂપ સાબિત થઈ શકે છે.
હવાની દિશા વારંવાર બદલાતી હોવાના કારણે આ પ્રદૂષણ મઘ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને દિલ્હી તરફ આગળ વધી રહ્યું છે. દિલ્હીના હવામાનખાતાના મહાનિર્દેશક ડો. અજિત ત્યાગીએ જણાવ્યા અનુસાર આ ધુમાડો દિલ્હી પહોંચવાની તૈયારીમાં છે. આગના કારણે પ્રભાવિત ઔધોગિક એકમો માટે સરકારે રાહત પેકેજ મંજૂર કર્યું છે.
આ ઉપરાંત રિકોના અધિકારીઓને પણ જણાવ્યું છે કે ફેકટરીઓમાં થયેલા નુકસાનના સર્વે માટે વીમા અધિકારીઓ સાથે તેઓ પણ રહે. રાજસ્થાનનમાં અજમેર, ભરતપુર, કોટા, ઉદયપુર, જોધપુર અને મઘ્યપ્રદેશના ગ્વાલિયર, ઝાંસી જેવા શહેરોને અસર પડી છે.
હવે શિયાળામાં તાપમાન ઘટતા ધુમાડો નીચે આવશે જો કે તેની અસર કેટલી થશે તે હવાની દિશા પર આધાર રાખશે. જો ઝડપી હવા હશે તો ધુમાડો વધુ વિસ્તારમાં ફેલાઈ જશે અસર ઓછી થશે જયારે ઝડપ ઓછી હશે તો જયપુરના સો કિમીના વિસ્તારમાં ધુમાડો ફેલાશે અને અસર પણ વધારે જોવા મળશે.
.










