સૂર્યના પ્રકાશને મનુષ્યે જન્યથી જગત સમજે છે. તેના ભિન્ન ભિન્ન રૂપ તેમની સન્મુખ પ્રગટ થયેલા છે. સૂર્ય પ્રાણસ્ત્રોત છે, તો જીવન આનંદ પણ તેનું વિનાશકરૂપ એટલું ભિષણ છે કે, સમસ્ત પ્રકૃતિને બાળીને ખાખ કરી શકે છે, તે બ્રા છે, વિષ્ણુ છે તથા મહેશ પણ. આથી જ સૂર્યને આદિદેવ કહેવામાં આવે છે. સમસ્ત જગતના સ્વામી સૂર્ય છે.
સૂર્ય એટલો વ્યાપક શબ્દ માનવામાં આવતો કે જયાં આરંભથી અંત થાય છે. માનવ સભ્યતાના ઇતિહાસમાં અત્યંત પ્રભાવશાળી મિશ્ર સભ્યતાના લોકો અનેક દેવી-દેવતાઓની પૂજા કરતાં હતાં જેમાં સૂર્યદેવ મુખ્ય હતા. મિશ્રમાં સૂર્યના અનેક મંદિર જોવા મળે છે.
મહાભારતમાં સૂર્યના મનોરમ રૂપનું બહુજ સુંદર ચિત્ર રજૂ કર્યું છે. સૂર્યને દેવેશ્વર કહેવામાં આવે છે. સૂર્ય ઉપાસનાથી કોઢ જેવા રોગ પણ નાશ પામે છે. વરાહપુરાણમાં કહ્યું છે કે, શામ્બને કષ્ણના શ્રાપથી કોઢ થઇ હતી. શામ્બે સૂર્ય ઉપાસના કરી હતી અને તેનાથી તેનો કોઢ રોગ નાબૂદ થઇ ગયો હતો.
સૂર્યને વિશ્વની સમસ્ત પ્રાચીન સભ્યતાઓના આદિ દેવ માનવામાં આવે છે. જેમણે સુષ્ટિને જીવન આપ્યું જે જીવને પ્રકાશથી પરિચિત કરાવ્યું છે. અગર સૂર્ય ન હોય તો જગત જ ન હોય. આ જ પરમ સત્ય છે. આથી જ માનવી આદિકાળથી સૂર્યની કોઇને કોઇ રૂપમાં પૂજા કરતો આવ્યો છે.
મિસરમાં સૂર્યને દેવસ્વરૂપ માને છે. મિસરમાં એમોન નામના શિવમંદિરમાં કમલના ફૂલને સૂર્યપ્રતીક માનીને આજ પણ પૂજા કરવામાં આવે છે. ઇરાનમાં મિત્ર અને વરૂણની પૂજા કરવામાં આવતી હતી. મિત્રનો અર્થ સૂર્ય જ છે.
સૂર્યની ઉપાસના એ કાળમાં સર્વત્ર લોકોમાં પ્રચલિત હતી. સૂર્યદેવની પ્રતિમા તથા મિત્રના મંદિરને યુરોપમાં મિત્રકા કહેવામાં આવતું હતું. જે ગ્રીસ-રોમ-જર્મની સુધી ફેલાયેલી હતી. અફઘાનિસ્તાનના કાબુલ સંગ્રહાલયમાં સૂર્યપ્રતિમાનો સારો એવો સંગ્રહ છે. ભારતમાં ખજૂરાહો, તેજોર, ઉડીસાના કોણાર્ક તથા ગુજરાતના માઢેરામાં સૂર્યમંદિર જોવા મળે છે.
સૂર્યની મૂર્તિઓ દેશ-વિદેશમાં અલગ અલગ સ્વરૂપમાં જોવા મળે છે. પ્રો. દિનેશચંદ્રને પોતાના હિન્દી પુસ્તક પ્રતિમાન વિજ્ઞાન એવં દર્શન માં જણાવ્યું છે કે, અલબરૂની એ એક એવી સૂર્યમૂર્તિનો ઉલ્લેખ કર્યોછે, જે લાકડાંની બનેલી હતી, જેના પર ચામડું મઢેલું હતું. આ મૂર્તિઓ ઓરંગઝેબે નાશ કરી નાખી હતી, મુલતાનના શામ્બપુર મંદિરમાં ૨૩૦ પણ સોનાની સૂર્યમૂર્તિનો ઉલ્લેખ જોવા મળે છે, જેનો મહંમદ બિનકાસમે નામ કર્યો હતો.
હ્યું.એન.સાંગ ચીની મુસાફરે કનોજમાં આવેલા સૂર્યમંદિરનો ઉલ્લેખ કર્યોછે, જે સૂર્યમૂર્તિ બહુજ સુંદર હતી. ગ્વાલિયરમાં ગોપાદિના સૂર્યમંદિરનો ઉલ્લેખ જોવા મળે છે. મગધરાજા જીવગુ બીજાના દેવવર્નક શિલાલેખમાં બિહારના શાહબાદ જિલ્લામાં સૂર્યમંદિર હોવાની વાત કહી છે. કુમારગુપ્ત પ્રથમ અને બંધુવર્મનના મંદદસોર શિલાલેખમાં પણ સૂર્યમંદિરનો ઉલ્લેખ જોવા મળે છે.
સ્કંધગુપ્તના ઇન્દોરના તામ્રપત્રમાં પણ ભવ્ય સૂર્યમંદિર હોવાની વાત કહી છે. ચંદેલ શાસનકાળમાં ખજૂરાહોમાં સૂર્યમંદિરની સ્થાપના કરી હતી. અજમેરતના કમન નામના સ્થાનમાં સૂર્યમૂર્તિ પ્રાપ્ત થઇ છે, જેમાં સાત ઘોડા પરના રથ પર સવાર સૂર્યદેવ બનાવાયાં છે જે મૂર્તિ અતિ મનમોહક છે. ગુજરાતના મોઢેરા આવેલું સૂર્યમંદિર ઇ.સ.૧૦૨૬/૨૭માં સોલંકી રાજ ભીમદેવ બંધાવેલું છે જે ભારતીય સ્થાપત્ય કળાની ઉત્તમ પ્રતો છે.
પ્રાચીન શિલ્પશાસ્ત્રોમાં સૂર્યનું સુંદર વર્ણન કર્યું છે. સૂર્યના એક ચક્રરથમાં સાત અશ્વો જોડેલા છે, જેના પર સૂર્યદેવ બિરાજમાન છે. જેમણે કવચ કુંડલ ધારણ કરેલા છે. તેમના હાથોમાં કમળના ફૂલ છે. તેના માથાના વળા સિધા ઓળેલા છે. મુખ આભામંડલ દેદિવ્યમાન દેખાય છે. શરીર પર રત્ન આભૂષણ શોભાયમાન છે.
અલગ-અલગ આભૂષણોથી સુસજજ તેની જમણી બાજુ તેમની પત્ની નિશ્રુમા તથા ડાબી બાજુ રાજ્ઞી શોભાયમાન છે. સૂર્યદેવનું રૂપ ખરેખર અદભુત છે.
સૂર્યદેવનું બીજું તેજસ્વી રૂપ પુરાણોમાં જોવા મળે છે. વિષ્ણુપુરાણમાં સૂર્યના રૂપનું વર્ણન કરાયું છે. વિષ્ણુધર્મ અનુસાર સૂર્યનો રંગ સિન્દુર સમાન લાલ છે. સૂર્યની મૂછ છે. તેઓ વિભિન્ન આભૂષણોથી સુસજજ છે. સૂર્યદેવ ચતુર્ભુજા છે. તેમનું શરીર આભૂષણોનું સુંદર વર્ણન કરવામાં આવેલું છે.
સિંહકતિવારો ઘ્વજ તેની ડાબી બાજુ રાખેલો છે. ચાર ગ્રહો સાથે છે. તેમના ચાર પૂત્ર, યમ, મનુ, દિતય અને રેવની તેની બાજુમાં ઊભા છે. નિશ્રુમા છાયા તથા સુવર્ચલા તેમની પત્નીઓ છે જે તેની બાજુબાજુમાં ઊભેલા છે.
શ્રીમદ્ ભાગવત અનુસાર સૂર્યનો દેવમય રથ એક મુહૂર્તમાં ચોત્રીસ લાખ આઠસો જોજનના હિસાબથી ગતિ કરે છે. એના રથમાં એક ચક્ર છે સાત અશ્વવારા આ વિશાળ રથનો સારથી આરૂણ છે.
ઋગ્વેદની ઋચામાં સૂર્યને જગતો સર્જક, રક્ષક, આત્મા, પાપ-પુણ્યનો દ્રષ્ટા, સોનેરી આંખોવારો, સોનેરી જિવ્હાવારો બતાવ્યો છે. સૂર્યનું નામ આદિત્ય બતાવેલું છે. સૂર્યની ચાર પત્ની, સજ્ઞા, રાશિ, પ્રભાધૌ તથા છાયા (રત્નાદેવી)એટલે કે, રાંદલ બતાવેલાં છે.
ગુજરાતા જૂનાગઢ સંગ્રહાલયમાં સૂર્યમૂર્તિઓનો સારો સંગ્રહ છે, જે સૂર્યમૂર્તિના અભ્યાસ માટે સારા સાધન છે. ગુજરાતમાં ૧૫મી સદી બાદ સૂર્યપૂજા ઓછી થતી ગઇ છે. જેને લઇને સૂર્યમંદિરોની દેખભાળ પણ ઓછી થઇ ગઇ. આ ઉપરાંત ભૂકંપને લઇને આ મંદિરોને સારું એવું નુકસાન થયું છે. મંદિરના શિલ્પ સ્થાપત્ય વેરવિખર થઇ ગયા છે.
ગુજરાત પ્રદેશ વેદપુરાણ કાળથી ભારતની સંસ્કતિનો એક વિશિષ્ટ પ્રદેશ રહયો છે. અહીં યાદવ, યવન, શક, ક્ષત્રિય, ઇરાની, ગુર્જર તથા કાઠી જાતીઓનું આગમન થયું છે અને આ બધાએ પોતાની વિશિષ્ટ લાક્ષણિકતા અહીં પ્રતીક રૂપમાં મૂકી છે. આ ભૂમિએ બધાને માતાની જેમ પોતાની ગોદમાં સ્થાન આપ્યું છે.
એક સમયે કચ્છમાં કાઠી દરબારોનું રાજય હતું. આ કાઠી દરબારો સૂર્યપૂજક હતા. કાઠીની ઉત્પત્તિ વિશે મહાભારતમાં જણાવાયું છે કે, એક સમયે કૌરવો વિરાટનગરની ગાયો ચોરવાનો નિશ્ચય કર્યોપણ કામ ઘણુ મુશ્કેલ હતું.
આથી કર્ણ પોતાનો રાજદંડ જમીન પર ઠોકતા ખાટ નામના પુરૂણ ઉત્પન્ન કર્યા. આ ખાટ માટે પશુહરણનો હક્ક માગી લીધો. જે ખાટ પુરણ કાઠીઓનો મૂળ પુરુષ કહેવામાં આવે છે. કાઠી જાતિના લોકો બહાદુર અને બળવાન હતા.
કાઠી લોકો સિંધથી કચ્છમાં આવ્યા હતા. બાદમાં સૈરાષ્ટ્ર બાજુ સ્થળાંતર કરી ગયા છે. સૌરાષ્ટ્રમાં જે જગ્યાએ કાઠી લોકો સ્થિર થયા તે વિસ્તાર કાઠિયાવાડના નામથી પ્રસિદ્ધ થયા. તેમનો મુખ્ય વ્યવસાય પશુહરણનો રહયો હતો.
કાઠીલોકો સ્વભાવમાં બહુ જ મિલનશાળ તથા મહેમાનનવાજી માટે જાણીતા છે. કાઠી લોકો શુકન અપશુકનમાં બહુજ માને છે. લૂંટમાં થતા પહેલાં શકન જરૂર જોતા હતા તેઓ ઉચી ઓલાદના ઘોડા રાખતા હતા. આ કાઠીઓએ કચ્છના પાવર પરગણામાં પોતાની સત્તા જમાવી હતી. બાદમાં પૂર્વીય કચ્છ બાજુ સ્થળાંતર કર્યું હતું.
કચ્છના લોકત્રિય રાજા લાખો ફૂલાણીના મુન્દ્રમાં આ કાઠી દરબારોનો હાથ હતો એવું કચ્છીવાસીઓને જણાતાં કાઠીયોને કચ્છ છોડવા કચ્છીઓએ મજબૂર કર્યા અને કાઠીઓ સૌરાષ્ટ્ર સ્થિર થયા. આ કાઠીઓ લૂંટમાંથી સારું એવું ધન ભેગું કર્યું હતું જયારે તેઓને કચ્છ છોડવાનો વારો આવ્યો તયારે આ ધન તેઓએ જમીનમાં દાટી દીધું અને નિશાની રૂપે ઉપર પાળિયા જેવા પથ્થર ખોડી દીધા. આ પથ્થરપર અમુક સાંકેતિક નિશાન કરી તેઓ સ્થળાંતર કરી ગયા. સમય પરસ થતો ગયો.
ઘણા વરસો પછી આ કાઠીઓના વંશવારસોએ તેમના જૂના દસ્તાવેજો ચોપડામાં આ બાબતનો ઉલ્લેખ જોઇ કચ્છના વિવિધ ભાગોમાં છૂપાયેલું ધન કાઢવા આવેલા અને ઘન કાઢી ગયાના દાખલા પણ જોવા મળે છે. પાળિયા નીચેથી ધન કાઢી ચૂંદડીને નાળિયેર મૂકી ગયાનું ગામલોકો કહે છે.
કચ્છમાં આજ ગામે ગામ એવી વાયકા પણ છે કે, પાળિયાપર માથું વાઢે તે માલ કાઢે એવું લખાણ કરવામાં આવતું હતું. પાળિયાપર સૂર્યનો પ્રકાશ પડે તેનો પડછાયો અમુક સમયે અમુક જગ્યાએ પડે તે જગ્યાએ ધન દાટેલ છે એવું સાંકેતિક ભાષા દસ્તાવેજોમાં લખેલી હતી એવું કહેવામાં આવે છે.
કચ્છના ઇતિહાસમાં જણાવાયું છે કે, આઠમી સદીમાં કાઠી દરબારોએ કંથકોટ પર પોતાનો કબજો જમાવ્યો હતો. એ સમયે કંથકોટ એ કંથકોટના નામથી નહીં પણ એક સુરક્ષિત જગ્યાથી પ્રસિદ્ધ હતું. બાદમાં જામ સાડે આ જગ્યા પર કિલ્લો બંધાવ્યો અને કંથડનાથના નામથી આ કિલ્લાનું નામ કંથકોટ નાખ્યું. આ કાઠીઓએ બંધાવેલા સૂર્યમંદિરમાં પાંચ ફૂટની સૂર્યમૂર્તિ આવેલી છે.
સૂર્ય ભગવાન બે હાથ જોડી નમસ્કાર કરી રહયા છે. ભારતમાં આવી સૂર્યમૂર્તિ બીજે કયાંય નથી. સૂર્યમૂર્તિ ખંડિત થઇ ગઇ છે. મૂર્તિને સિન્દુર લગાડેલું છે. મંદિરના પરિસરમાં ૧૭મી સહીનો શિલાલેખ જોવા મળે છે. આ મંદિર મારા સંશોધન પ્રવાસ (૧૯૯૪) દરમિયાન જોયેલું ત્યારે ખંડિત અવસ્થામાં જોવા મયું. અંદરના ભાગમાં અંધારું હોવાથી ચામાચીડિયાનું ઘર બની ગયેલું, તેથી વાસ પણ આવતી હતી. ઠેર ઠેર ગંદકી જોવા મળતી હતી. સૂર્યમૂર્તિ કે શિલાલેખને વાંચવા માટે કોશિશ કરી પણ સફળ થયા નહીં. આ મંદિર ગુજરાત રાજયનાક પુરાતત્વ ખાતા હસ્તક છે, તેની સારસંભાળ તથા સચવવાની જવાબદારી તેમની છે.
હવે જયારે પુરતત્વ ખાતા તરફથી આ સમારકામ કરવાનું શરૂ કરાયું છે ત્યારે આ મંદિરને મૂળ સ્થિતિમાં ઊભું કરવાનું કામ પૂર્ણ કરાશે એવી આશા રાખીએ છીએ. સાથે સાથે સૂર્યમૂર્તિ તથા શિલાલેખમાં લખેલાછ લખાણનું વાચન કરી પ્રજાસમક્ષ મૂકાય તેવી આશા રાખીએ.
કચ્છનો પૂર્વીયભાગ વાગડ સાંસ્કૃતિક ધરોદરનો ખજાનો ધરાવે છે. ધોળાવીરા, ગેડી, રાપર, કંથકોટ, પાબુદાદા, ફતેહગઢ, બાદરગઢ, દેશવિદેશના પ્રવાસીઓને આકર્ષે તેમ છે.
પ્રવાસીઓ જોવા માટે આવી શકે તેમ છે. આવતાં પ્રવાસીઓને વધુ આકર્ષવા કંથકોટ પર રહેવા જમવાની સગવડ થઇ શકે તેમ છે. કંથકોટ ડુંગર પરથી પ્રાકતિક નજારો જોવો એક લ્હાવો છે. ટ્રેકિંગ માટે આ ડુંગર અનુકૂળ છે. આવી સુવિધા કરવાથી પ્રવાસીઓ આવશે અને તેમના આવવાથી સૂર્યમંસ્દિર કંથડનાથનું જૈન મંદિરે વિવિધ પાળિયા અભ્યાસઅર્થે યોગ્ય માવજતથી જાળવવામાં આવે તે જરૂરી છે. આ જગ્યાનો પ્રવાસન દ્રષ્ટિથી વિકાસ થાય એ સમયની માંગ છે.
કંથકોટમાં આવેલા સૂર્યમંદિર વિશે પુરાતત્વ ખાતા તરફથી અમુક સ્પષ્ટતા કરાવી જરૂરી છે. આ મંદિર તેમના તાબામાં હોતાં તેમજ પુરાતત્વ ખાતા પાસે નિષ્ણાત અધિકારી હોતાં આ મંદિરની સાચી ઓળખ જેમ કે, આ મંદિરમાં વપરાયેલા પથ્થર કેટલા વર્ષ જૂના છે. સૂર્યમૂર્તિ કેટલા વર્ષ જૂની છે ? સૂર્યમંદિર પાસે સૂર્યકુંડ હતો ? જો હોય તો તે કયં હતો ? સૂર્યમંદિર પાસે સૂર્યકુંડ હોવો જરૂરી છે ? કેટલાક વર્ષથી આ મંદિર અપૂજ છે. જાડેજાઓ ચંદ્રવંશી છે જયારે જાડેજાએ કચ્છ પર કબજો લીધો ત્યારથી એ અપૂજ છે ? આ મંદિર વિશે કયા કયા પુસ્તકોમાં ઉલ્લેખ છે ?
જૂના ફોટો ગ્રાફસ હોય તો તે પ્રસિદ્ધ કરવા કંથકોટ સ્થિત સૂર્યમંદિર બંધાણું તે પહેલાં જૈન મંદિર હતું ? કંથકોટ કિલ્લો અને તેમાં આવેલા વસવાટના મકાનો કેટલા હતા ? આ બધો સાચો ઇતિહાસ સંશોધન દ્રષ્ટિએ પ્રજા સમક્ષ મૂકવાની જવાબદારી આ પુરતત્વ ખાતાની થાય છે.
આશા રાખીએ સરકારી ખાતું આમા રસ લઇને કચ્છના ઇતિહાસ જિજ્ઞાસુઓને સંતોષ આપશે. આ સૂર્યમંદિર કાઠીઓના સમયમાં ખરેખર બંધાયેલું છે ? મંદિર મોઢેરાના સૂર્યમંદિર જેવું ભ્વય હોય ? મંદિરની બાંધણી જોતાં સાદી બાંધણી દેખાય છે, તેમાં બહારની દીવાલો પર શિલ્પનું પ્રમાણ જોવા મળતું નથી. તો મંદિર પાછળથી બાંધવામાં આવ્યું હશે ? સૂર્યમૂર્તિ અન્ય જગ્યાઓથી લઇને આ મંદિરમાં તો બેસાડવામાં આવી નહીં હોય ને ?
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.