શરદપૂર્ણિમા પર્વની વિદાય સાથે ફટાકડાની હાટડીઓનો આરંભ
દિવાળીનો પર્વ નજીક આવતાં બજારમાં ખરીદીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. એમાંય દારૂખાનાના વેચાણ માટે હંગામી પરવાનો મેળવવા ચાલુ વર્ષે આણંદ જિલ્લામાંથી ૧૧૦ અરજી કરવામાં આવી છે.
જ્યારે કાયમી પરવાનો ધરાવતાં કેટલાંક વેપારીઓએ શરદપૂર્ણિમાંથી જ દારૂખાનાનો ધંધો શરૂ કરી દીધો છે. બોરસદ, પેટલાદ અને શિવાકાશીથી દારૂખાનું મંગાવવામાં આવે છે.
દારૂખાનાની બનાવટ કે વેચાણ માટે ચાલુ વર્ષે દારૂખાનાના વેચાણનો પરવાનો મેળવવા આણંદ જિલ્લામાં ૧૧૦ વેપારીઓ દ્વારા અરજીઓ કરવામાં આવી છે. કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર નગરપાલિકા, ફાયર વિભાગની એન.ઓ.સી. મળ્યા બાદ મામલતદાર અને પોલીસનો અભિપ્રાય મેળવીને વેપારીઓને હંગામી ધોરણે દારૂખાનાના વેચાણ માટે પરવાનો આપવામાં આવે છે. હાલમાં પરવાનો આપવાની કાર્યવાહી ચાલી રહી છે.
જેમાં વેપારીઓ ૨૫ કિલોથી વધુ જથ્થામાં દારૂખાનું રાખી શકે નહીં, ફાયરસેફટીની વ્યવસ્થા કરવી, ૧૫ મીટર ત્રિજયામાં દારૂખાનાની બીજી દુકાન ન હોવી જોઇએ જેવી કેટલીક શરતોનું પાલન કરવાનું રહે છે. પરંતુ મોટાભાગના વેપારીઓ નીતિનિયમો નેવે મૂકીને જ દારૂખાનાનો વેપલો કરતાં હોય છે. આણંદ શહેરમાં ઘણી જગ્યાએ દારૂખાનાની હાટડીઓ મંડાઇ ચૂકી છે.
વેપારીઓ દ્વારા બોરસદ અને પેટલાદ તથા શિવાકાશીથી દારૂખાનું મંગાવવામાં આવે છે. દારૂખાનાના વેપારી સુધીરભાઈએ જણાવ્યું કે ૨૫ કિલો દારૂખાનાનો જ ઓર્ડર આપવામાં આવે છે. તારામંડળ, ચકરડી તેમજ રોશનીવાળું દારૂખાનું શિવાકાશીથી મંગાવીએ છીએ.
એમાં ચાલુ વર્ષે ચાઇનાની આઇટમો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જેમાં મીની પિસ્તોલ, નાની ટીકડી, ત્રણ કલરના બટરફલાય, મેઝીક પોપ, બમ્પર બોલ, સનપ્લાસ ચકરડી જેવી આઇટમો બાળકો વધુ પસંદ કરે છે. જ્યારે બોરસદથી દેશી બોમ્બ, કોઠી, ૫૫૫ બોમ્બ જેવું દારૂખાનું લાવવામાં આવે છે. હવે લોકો ધમાકાના બદલે ઝગમગ થાય તેવું દારૂખાનું વધુ પસંદ કરે છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.