મધ્યાહન ભોજન યોજનામાં લોલમલોલ સબબ મુખ્ય શિક્ષક, શિક્ષક અને વ્યવસ્થાપકને નોટિસ
બાલાસિનોર તાલુકાના જોરાપુરા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પેપરના ટુકડામાં મઘ્યાહન ભોજનનું જમણ જમી રહ્યા હોવાનો પર્દાફાશ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આકસ્મિક તપાસમાં થયો હતો. ચોંકાવનારી બાબત તો એ છે કે, જયાં બાળકો જમી રહ્યા હતા ત્યારે ચોતરફ કુતરાઓ પણ રખડી રહ્યા હતા અને કોઈ જ શિક્ષક કે વ્યવસ્થાપક સ્થળ પર હાજર નહતા.
જેથી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.પી.પટેલે મુખ્ય શિક્ષક, શિક્ષક સહિત વ્યવસ્થાપકને કારણદર્શક નોટિસ ફટકારી દિન-૭માં ખુલાસો રજૂ કરવા આદેશ કર્યો છે. રાજય સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે મઘ્યાહન ભોજનની યોજના અમલમાં મુકી છે.
આ યોજના અન્વયે બાળકોને શાળામાં મઘ્યાહન ભોજન આપવામાં આવે છે. સરકારના નિયમોનુસાર આ ભોજન બાળકોને નિયમિત રીતે મળે છે કે નહિં તેની તપાસણી કરવા માટે મઘ્યાહન ભોજન નાયબ કલેક્ટર ખેડા દ્વારા આકસ્મિક તપાસો કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે બાલાસિનોર તાલુકાના જોરાપુરા ગામની ધો.૧ થી ૭ની પ્રાથમિક શાળાની આકસ્મિક તપાસ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.પી.પટેલ અને કેળવણી નિરિક્ષક જશવંતસિંહ પાંડોરે કરી હતી. જેમાં બાળકો ખુલ્લા મેદાનમાં પેપરના ટુકડામાં ભોજન લઈ રહ્યા હતા.
ચોંકાવનારી બાબત તો એ હતી કે, જે બાળકો સ્થળ પર જમતા હતા. તે સ્થળ પર જ કુતરાંઓ રખડતા હતા. જ્યારે અમુક કુતરાંઓ તો બાળકોના પેપરના ટુકડામાં મ્હોં મારવાની કોશિષ કરતા નજરે પડયા હતા. સરકારના નિયમોનુસાર જ્યારે બાળકોને જમવાનું આપવામાં આવે ત્યારે એક શિક્ષકે ફરજિયાત સ્થળ પર હાજર રહી બાળકોને જમાડવાના હોય છે પરંતુ જે શિક્ષકને આ કામગીરી સોંપાઈ હતી તે શિક્ષક સોમાભાઈ પટેલ સ્થળ પર હાજર નહતા. તેમજ શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઈ પટેલ પણ હાજર નહતા. આ ઉપરાંત વ્યવસ્થાપકની ગેરહાજરી પણ સૂચક હતી. તેમજ મેનુ પ્રમાણે રસોઈ પણ બનાવવામાં આવી નહતી.
આમ, સરકાર દ્વારા કરાયેલા સૂચનો અને આદેશોનું ઉલ્લંઘન કરી બાળકોના આરોગ્ય સાથે ચેડાં પણ થઈ રહ્યા હોવાનું પ્રાથમિક દ્દષ્ટિએ જણાતુ હતું. જેથી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.પી.પટેલે મુખ્યશિક્ષક, વ્યવસ્થાપક અને મદદનીશ શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકારી દિન-૭માં ખુલાસો કરવા આદેશ કર્યો છે.
આમ, નાયબ જિલ્લા પ્રાથમિક દ્વારા આકસ્મિક તપાસો કરી બાળકોને આપવામાં આવતા ભોજનની ચકાસણી કરવામાં આવતાં ગેરરીતિ કરનાર વ્યવસ્થાપકોમાં અને શિક્ષકોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.