પાટણ જિલ્લામાં ચોમાસુ ખેતીપાકોમાં પૂરતા વરસાદના અભાવે ઝાઝી સફળતા ન મળતાં ખેત ઉત્પાદન ઘટવા પામ્યું છે. તેમ છતાં કુદરતના મારને સહન કરી જગતનો તાત શિયાળુ ખેતીના કામે લાગ્યો છે. ત્યારે શિયાળુ વાવેતર માટે જરૂરી સરદાર ડીએપી ખાતર છૂટથી મળતું ન હોવાની અને તેની સાથે બીજું ખાતર લેવાની ફરજ પાડવામાં આવતી હોવાની રાડ ઉઠી છે.
જિલ્લામાં ખેતીવાડીના બિયારણો અને ખાતર માટેની વિતરણ વ્યવસ્થા ઘણી પાંગળી હોય છે. તેમજ બનાવટી બિયારણને પધરાવી દેવાતાં હોય છે. જ્યારે જરૂરના સમયે વૈજ્ઞાનિક પદ્ધતિનું ખાતર છૂટથી મળતું નથી હોતું. આ ફરિયાદો નવી નથી. દર વર્ષે ખેતીની સઝિન આવતાં જ ખાતર-બિયારણના વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી એક યા બીજા પ્રકારે ઉઘાડી લૂંટ ચલાવાતી હોય છે તેવો આક્ષેપ શિયાળુ સઝિનના આરંભે વ્યકત થવા લાગ્યો છે.
જંગરાલ ગામના ખેડૂત યુવા અગ્રણી જીતુભાઇએ જણાવ્યું હતું કે, ચાલુ સાલે ઓછા વરસાદથી ચોમાસુ સઝિન નિષ્ફળ ગઇ હતી. શિયાળુ ખેતીમાં પિયતથી વાવેતર કરવા ખેડૂતોને રાસાયણિક ખાતર જરૂર પડે ત્યારે છૂટથી મળતું નથી.
નાના-સંમંતિ ખેડૂતો બે-પાંચ થેલી ખાતર ખરીદવા જાય ત્યારે એક કંપનીનું ખાતર માગતાં તેની સાથે બીજી કંપનીનું ખાતર લેવું પડશે તેવી શરત વેપારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. તેમને પોતાને આવો કડવો અનુભવ થયો હતો. ડીએપી ખાતર માગવામાં આવતાં યુરિયાની થેલી લેવી પડશે તેવું ખાતર ડેપો પરથી કહેવાયું હતું.
ખેડૂતોને કડવા અનુભવ
આવા કડવા અનુભવો પાટણના કાંસાના ખેડૂત વિપુલભાઇ બારોટ અને ધારૂસણના ખેડૂત બાબાભાઇ જોષીને પણ થયાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, શિયાળુ રાયડાની વાવણી શરૂ થઇ ગઇ છે અને તેમાં ડીએપી ખાતરની ખાસ્સી માંગ રહે છે. તે ખાતર પાયામાંથી જ આપવું જરૂરી હોય છે તેમજ તે ન આપવામાં આવે તો પાક પર અસર થઇ શકે છે. પરંતુ સંઘમાંથી ડીએપી ખાતર ન મળતાં ખાનગી દુકાનમાંથી લેવા જતાં ડીએપી સાથે યુરિયાની થેલીઓ લેવાની ફરજ પાડે છે.
ઢાંકપિછોડો કરવાના પ્રયાસો
પાટણના નવા ગંજબજારમાં આવેલા એક જાણીતી કંપનીના ખાતર ડેપો પરથી આવો જવાબ મળતાં એક ગ્રાહકે તે માટેની લેખિત જોગવાઇ હોવાનું પ્રમાણ માગતાં અને ઉહાપોહ કરતાં દુકાનદારે ગ્રાહકોની ભીડમાં ઉતાવળના કારણે બોલી જવાયું હશે તેમ કહીને વાત વાળી લીધી હતી અને અમારે શા માટે બીજું ખાતર આપવું પડે તેવો બચાવ કર્યોહતો.
રજૂઆત મળશે તો પગલાં ભરાશે : તંત્ર
ખેતીવાડી વિભાગને આવી કોઇ ફરિયાદ મળી નથી. ખેડૂતોને વેપારીઓ દ્વારા મનમાની થતી હોય તેવું લાગે તો અમને જાણ કરવી જોઇએ. ખાતરનું વેચાણ સંઘો અને મંડળીઓ દ્વારા થતું હોય છે. પરંતુ ફરિયાદ મળે તો કાંઇક ઘટતી તપાસ કરાવી શકાશે અને પગલાં પણ લેવામાં આવશે.
-વાય.એમ.શિહોરા
જિલ્લા ખેતીવાડી અધિકારી
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.