બાપુ ગુજરાત નોલેજ વિલેજ કોલેજનું ઉદ્ઘાટન
૨૧મી સદીમાં ગુજરાતીઓએ જ્ઞાનની ક્ષિતિજો સીમિત ન રાખવી જોઈએ
૨૧મી સદી જ્ઞાનની સદી છે, ત્યારે ગુજરાતીઓએ જ્ઞાનની ક્ષિતિજો ચોક્કસ વિષય સુધી સીમિત ન રાખી તેને વૈશ્વિક ફલક સુધી વિસ્તારી ગુજરાતની ‘વ્યાપારી’ની સર્વસામાન્ય છાપ ભૂંસવી જોઈએ એમ નેશનલ નોલેજ કમિશનના વડા ડો. સામ પિત્રોડાએ જણાવ્યું છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ સામે લાલબત્તી ધરતાં તેમણે કહ્યું કે, આપણે તક્ષશિલા અને નાલંદા જેવી સદીઓ જૂની સભ્યતા અને સંસ્કૃતિને ભૂલી ગયા છીએ, જે દુર્ભાગ્યપૂર્ણ છે.
ગાંધીનગર ખાતે શંકરસિંહ વાધેલા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ‘બાપુ ગુજરાત નોલેજ વિલેજ’- કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે ટેક્નોક્રેટ પિત્રોડાએ શિક્ષણ અને જ્ઞાન વરચેના અંતરને પારખીને જ્ઞાન મેળવવાની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવવા પર ભાર મૂકતાં જણાવ્યું કે, ટેક્નોલોજીના આવિષ્કારથી દુનિયા વૈશ્વિક ગામડું બની ગઈ છે. લોકોના રોજિંદા જીવન, રહેણીકરણી અને તમામ ક્ષેત્રોમાં તેની ખાસ્સી અસર જોવા મળે છે.
જ્ઞાન મેળવવા કે આપવાની ચોક્કસ સમાજની પેઢીઓ જૂની એકચક્રી પરંપરાનો અંત આવ્યો છે ત્યારે યુવા પેઢીએ વૈશ્વિક સ્તરનું જ્ઞાન મેળવવા આપબળે પોતાના પસંદગીના ક્ષેત્ર કે વિષય ઉપરાંત અન્ય વિષયો વિશે પણ પોતાની સર્જનશકિત-વિચારશકિત (મિલ્ટ ડિસિપ્લીનરી)નો ઉપયોગ કરવો જોઈએ.
યુવાનોએ જ્ઞાનને દરેક ક્ષેત્રોમાં નવી દ્રષ્ટિથી જોવાની દીર્ઘદ્રષ્ટિ કેળવવાની શીખ આપતાં તેમણે કહ્યું કે, આપણી સંસ્કૃતિ અને પરંપરા એટલી ભવ્ય હતી કે હજારો વર્ષ પહેલાં વિદેશીઓ આપણી (ભારત) પાસેથી જ્ઞાન મેળવતા હતા, પરંતુ કમનસીબે આ જ્ઞાનનું ડોકયુમેન્ટેશન (દસ્તાવેજીકરણ) નથી થયું. પરિણામે આપણી મૂલ્યવાન મૂડી કાળનો કોળિયો બની ગયો છે અને આપણે છેલ્લાં ૩૦૦ વર્ષમાં ઉદ્ભવેલી પાશ્ચાત્ય સંસ્કૃતિના ગુલામ બની ગયા છીએ.
બાપુ ગુજરાત નોલેજ વિલેજના સ્વપ્નદ્રષ્ટા અને પૂર્વ કેન્દ્રીય કાપડપ્રધાન શંકરસિંહ વાધેલાએ જણાવ્યું કે, આ સંસ્થા માત્ર શૈક્ષણિક હેતુથી નહીં, પરંતુ રાષ્ટ્રીય હિત અને સમાજ જીવનને ઉપયોગી થવાના હેતુથી, ઉચ્ચકક્ષાના તજજ્ઞો તૈયાર કરવાનો આ પ્રયાસ છે. વાધેલાએ તેમના મુખ્યપ્રધાનકાળનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, તે વખતે વિવિધ વિષયોના તજજ્ઞોના ૧૫ જૂથ બનાવવામાં આવ્યા હતા.
આટલાં વર્ષોની તેમની તપસ્યાનાં ફળ આજે ગુજરાત આરોગી રહ્યું છે. આ અગાઉ ડો. પિત્રોડાના હસ્તે બાપુ નોલેજ વિલેજ ડોટ ઓઆરજી વેબસાઇટ લોન્ચ કરાઈ હતી. સમારંભમાં કોંગ્રેસ સહિત રાજકીય આગેવાનો અને શૈક્ષણિક સંસ્થાઓના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.