બાળપણમાં બે અપંગ મિત્રોની એક બોધકથા વાંચી હતી. જેમાં એક અંધ અને બીજો પગે અપંગ હોય છે. બંનેને યાત્રા કરવાનું મન થાય છે. તેમને એક વિચાર સૂઝે છે. અપંગ મિત્ર અંધ મિત્રના ખભા પર બેસી રસ્તો બતાવે છે અને તે પ્રમાણે સુરદાસ મજલ કાપતા રહે.
આ રૂપક ધર્મ અને વિજ્ઞાનને સરસ રીતે બંધ બેસે છે. સમાજજીવનની આંખ ધર્મ છે અને વિજ્ઞાન તેની પાંખ છે. આંખ અને પાંખ વચ્ચે સંઘર્ષ કેવો! તે તો પરસ્પર પૂરક છે. હકીકતમાં તેથી ઊલટું દેખાય છે. તેનું કારણ શું? ભેળસેળિયા યુગની અસર વિજ્ઞાન અને ધર્મ ઉપર ન થાય તો જ નવાઇ.
આધુનિક ભૌતિક વિજ્ઞાની મહર્ષિ આઇન્સ્ટાઇને ધર્મ અને વિજ્ઞાનની સુંદર મિમાંસા કરી છે. ‘જે છે’ તેનું દર્શન કરાવે તે વિજ્ઞાન અને ‘જે હોવું જોઇએ’ તે ધર્મ. વિજ્ઞાન એટલે નિર્ભેળ નૈસર્ગિક દર્શન અને ધર્મ એટલે મૂલ્યનિષ્ઠા. ટૂંકમાં ધર્મ વગરનું વિજ્ઞાન પંગુ છે, તો વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો છે.
‘વિજ્ઞાન એટલે પોતાના અસ્તિત્વની પૃષ્ઠભૂમિમાં સંકેતોના માઘ્યમ દ્વારા માણસે કરેલ રચનાત્મક વિચારણા’. શબ્દો થોડા ભારેખમ છે. સરળ ભાષામાં જોઇએ. કોઇ પણ ઘટનાના પાયામાં પડેલ કારણની તપાસ કરી કાર્ય-કારણ સંબંધ સમજવાનું કામ વિજ્ઞાન કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ એટલે જોવું-પૂછવું-સમજવું અને ખાતરી થાય તો સ્વીકારવું. જયારે ધાર્મિકતા એટલે ઉમદા સામાજિક અને નૈતિક મૂલ્યો તરફની વફાદારી. આમ બંનેનાં ક્ષેત્ર અલગ અલગ છે. આંખ ચાલવાનું કામ શરૂ કરે અને પગને દર્શનના કોડ ઊપડે તો ડખ્ખો થાય.
ભય અને જૂઠી આશાના દંડથી આચરેલો કહેવાતો ધર્મ હકીકતમાં અધર્મ છે. ધર્મ એટલે તો સત્યમ્-શિવમ્-સુંદરમ્ના સતત ઊચે જતા ઘ્યેયની દીવાદાંડી. અહીંયા આ ત્રણ મૂલ્યોનો પ્રાથમિકતા ક્રમ ખૂબ મહત્ત્વનો છે. વિચારને ક્રમશ: ત્રણ ગરણે ગાળવાની વાત છે. પ્રથમ, સત્યમ્ એટલે જો વાત સાચી હોય તો જ સ્વીકારીએ. ત્યારબાદ શિવમ્ એટલે વ્યક્તિ અને સમાજ બંને માટે સારી હોય તો વાત આગળ વધે અને અંતે તેનું સુંદર હોવું પણ આવકાર્ય છે. આવા ધર્મમાં પ્રકતિની ઋતોને ખોળવાથી વૈજ્ઞાનિક જિજ્ઞાસા મળે તો કેવું સારું! બુદ્ધિ અને ભાવનાનો સુમેળ તો જાણે ગંગા-યમુનાનો પાવન સંગમ, પરંતુ આ પાવન લોકમાતાઓ કારખાનાઓના કચરાથી મેલી થઇ ગઇ છે, તે રીતે વિજ્ઞાન અને ધર્મ પણ સામાજિક દોષોથી પ્રદૂષિત થયાં છે.
પ્રકતિની સુંદર હકીકતોને શોધવામાં મસ્ત રહેતો માણસ અચાનક રસ્તો ભૂલ્યો. વિજ્ઞાનની નાની-મોટી ખોજ કરતાં કરતાં તેનો વેપાર કરતાં શીખ્યો. વેપારમાં વેર-ઝેર અને સ્પર્ધા ન ભળે તો જ નવાઇ! પ્રકતિ તો પૂજયા છે, ભોગ્યા નથી. કામધેનુ જેવી કુદરતનું દોહન કરાય, તેનું લોહી ન ચુસાય. આવી સાદી-સીધી પણ કામની વાત વિજ્ઞાનને કોણ શીખવે? ધર્મ જ સ્તો! પણ ધર્મને કયાં ફુરસદ છે? પાખંડ અને પ્રલોભનના ધતિંગમાંથી તે ઊચો આવે તો ને! ભગવદભીતિ કે ભગવદ્પ્રીતિ? તેની ગડમથલમાં હાથમાં જેવા મળ્યા તેવા ઝંડા લઇને ધૂરંધરો નીકળી પડયા, તેની પાછળ ધેટાં-બકરાંની જેમ ચાલ્યા શીરા પ્રેમી શ્રાવકો. તેમને કયાં ખબર છે કે આ તો ગોઝારી વાવનો રસ્તો છે!
બીજી બાજુ નિસર્ગના અમૃતને આકંઠ પીનારો વિજ્ઞાની ટેકનોલોજીની મદિરાને રવાડે ચઢયો. વીજળીથી વિમાન સુધીની સગવડ વધી તેની ના નથી, પણ ટેકનોલોજી તો બે ધારી તલવાર. પકડતાં ન ફાવે તો પત્યું. બસ કંઇક આવું જ થયું. મોટરોમાં ફરતો દુંદાળો ડાયાબિટીસનો મરીઝ મોર્નિંગ વોક કરવા નીકળે તેવો ઘાટ થયો. કારખાનામાં કમાઇ લેવા નગરોમાં મધપૂડા બાઝ્યા. ગીચ વસ્તીથી ઊભરાતાં શહેરોની ગટરોનાં નાળાં સીધા નદીઓમાં ખૂલતાં ગયાં અને કારખાનાઓની ચીમનીઓના ધુમાડાએ પ્રાણવાયુ ખલાસ કર્યો.
વિશ્વશાંતિ અને બંધુત્વના આદર્શોમાટે રચવામાં આવેલ સંસ્થાઓ મુકત વેપાર જેવા રૂપાળા અંચળા તળે આંતરરાષ્ટ્રીય શોષણનું પ્લેટફોર્મ બનવા માંડી. પરિણામ? વિશ્વ સમુદાયો વચાળે પરસ્પર શંકા અને સંઘર્ષનો પરિતાપ. અણુયુદ્ધની ઘોર વિભિષિકાઓ! માનવ સભ્યતાના સર્વનાશનો ડર! બહુ ડરાવણી કલ્પનાઓ છે, ડરના મના હૈ. કારણ કે રામાયણ, ગીતા, ઉપનિષદથી બાઇબલ -કુરાન સુધીની આપની ચિંતન પરંપરા આપણા ભાથામાં સલામત છે.
ધર્મની સુકાયેલ ધરાને નિસ્વાર્થ અને શુદ્ધ ચેતનાના અમીછાંટણાથી લીલીછમ કરીએ. ‘સહના વવતુ’ અને ‘શ્રુણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા’ જેવા વેદઘોષથી પાખંડી ધુતારાઓને ભગાડી મૂકીએ. ટેકનોલોજીના અવળા ઉપયોગથી ઊભી થયેલી ગ્લોબલ વોર્મિંગ અને અણુશસ્ત્ર દોડ જેવી સમસ્યાઓના ઉકેલ તરફ વિજ્ઞાન પંખીને ઊડતું મેલીએ તો તેનો પણ ઉપાય થશે.
ડૉ.આઇન્સ્ટાઇને કહ્યું છે તેમ, જો આપણે માનવજાતનો ઉદ્ધાર કરવો હશે તો માણસને આવા નીતિયુકત ‘વૈજ્ઞાનિક ધર્મ’ કે ‘ધાર્મિક વિજ્ઞાન’ તરફ અભિભુખ કરવો પડશે.
માનવ સભ્યતાનો ઇતિહાસ જોતાં આવો આશાવાદ અસ્થાને નથી. આવતી પેઢી કરશે તેવી રાહ જોઇને બેસી નહીં રહેવાય. યાહોમ કરીને પડો, ફતેહ છે આગે. ગંભીર જણાતી આજની સમસ્યાઓ શતાબ્દીઓ પછી ભણાવતા માનવજાતની સભ્યતાના ઇતિહાસના પાને ચાલવાનું શીખતા શિશુના ગડથોલિયાની જેમ નોંધાશે. ઘૂંટણ ભલે છોલાય, નાક તો સલામત રહેશે એટલે ભયો ભયો! -- (લેખક વેદ-શાસ્ત્રોના પ્રખર અભ્યાસુ છે)
-- પર્વનો મહિમા એવો છે કે તેથી અધર્મીને ધર્મ કરવાની, નિર્દયને દયા કરવાની, કુશળ પુરુષોને શીલ પાળવાની, વ્યસની લોકોને નિયમો પાળવાની, કપણ લોકોને ધન વાપરવાની અને કોઇ કાળે તપસ્યા ન કરનારને પણ તપસ્યા કરવાની બુદ્ધિ થાય છે. - સંકલિત
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.