હજુ તો દેશની પ્રથમ સ્વદેશી પરમાણુ સબમરીન ‘આઇએનએસ અરિહંત’નાં લોકાર્પણને ૨૪ કલાક પણ નથી થયા ત્યાં દેશભરમાં તેના નામનો વિરોધ શરૂ થઇ ગયો છે.
વિગતો એવી છે કે ‘અરિહંત’ શબ્દ સામે જૈન સાધુઓનો વિરોધ છે અને તેઓ જણાવી રહ્યા છે કે અરિહંત નામ તો અહિંસાનું પ્રતીક છે તેને કેવી રીતે યુદ્ધના જહાજને નામ આપી શકાય?
જ્યારે અમદાવાદમાં ચાતુમાસાર્થે બિરાજિત જૈનાચાર્ય ગુણરત્નસૂરીશ્વરજી અને રશ્મિરત્નસૂરીશ્વરજીએ તો આ અંગે એક રવિવારે એક સભાનું આયોજન કર્યું છે અને જૈનોની લાગણી દુભાઇ છે તે અંગે એક સહી ઝુંબેશ કરાશે અને તેની એક-એક કોપી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રક્ષા વિભાગને મોકલવામાં આવનાર છે.
આ અંગે ‘દિવ્ય ભાસ્કૃર’ને જૈનાચાર્ય ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. અને આચાર્ય રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું કે ‘અરિહંત’ શબ્દ જૈનો અનંતકાળથી તીર્થંકરો માટે વાપરે છે અને નવકાર મહામંત્રમાં પહેલા પદમાં પણ અરિહંતોને નમસ્કાર કરવામાં આવે છે. આ શબ્દ અહિંસાથી જ જોડાઇ શકે છે અને આ શબ્દનો ઉપયોગ યુદ્ધનાં સાધન સાથે જોડી જૈનોની લાગણી સાથે ચેડાં થઇ રહ્યા છે.
આ શબ્દનો વિરોધ રવિવારે રામનગર સાબરમતી જૈન સંઘ, અમદાવાદ ખાતે મોટી સભા યોજાશે. જેમાં સહી ઝુંબેશ કરી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રક્ષા વિભાગને જૈન ધર્મની લાગણી પહોંચાડવામાં આવશે. આ માટે તમામ જૈનાચાર્યોગામે-ગામ સભાઓ કરશે અને જૈનોની લાગણી દુભાઇ છે તે માટે સહીઝુંબેશ કરાશે.
જૈન મુનિ મિત્રાનંદસાગરજી મ.સા.એ જણાવ્યું કે અરિહંત એ અહિંસાનું પ્રતીક છે. માટે યુદ્ધ જહાજને આવું નામ ન અપાય એ ઇરછવા યોગ્ય છે. વરિષ્ઠ રાષ્ટ્રીય સંસ્કૃત કવિ ડો.હર્ષદેવ માધવે જણાવ્યું કે સંસ્કૃતમાં ‘અરિહંત’ શબ્દ એ વિશેષણ તરીકે વપરાય છે. જેમાં અરિ શબ્દનો અર્થ થાય છે શત્રુ અને હંત એટલે હણનાર. શત્રુને હણનાર. આમ યુદ્ધ જહાજ માટે ‘અરિહંત’ શબ્દ વિશેષણનાં રૂપમાં વપરાયો છે. રઘવુંશમાં ‘અરિહંત’ શબ્દ શ્રીરામચંદ્રજીના પિતા રાજા દશરથ માટે વપરાયો છે.
વિરોધ કાર્યક્રમના ભાગરૂપે સભા અને સહીઝુંબેશ
- જૈનાચાર્યોની નિશ્રામાં અમદાવાદમાં વિરાટ સભા
- સહીઝુંબેશ, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રક્ષાવિભાગને પત્રો મોકલાશે
- ગામે-ગામ જૈનાચાર્યોસભાઓ કરશે
‘અરિહંત’ નામ સામે જૈન મુનિ નારાજ થયા
મુંબઈ : જૈન મુનિ સૂર્યોદયસાગરસૂરીશ્વરજીએ નારાજગી દર્શાવી છે. ‘અરિહંત’નો અર્થ ‘શત્રુનો નાશ કરનાર’ એવો થાય છે. જૈન ફિલસૂફીમાં ‘અરિહંત પરમાત્મા’ શબ્દોનો ઉપયોગ થાય છે. તેથી માનવ શત્રુઓને હણનારા હિંસાત્મક શસ્ત્રોના વાહનને ‘અરિહંત’ નામ અપાય એ વાજબી નથી.
Name:
Email ID:
Comments:
Code:
.
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.