પ્રભુપ્રાર્થનાનાં પરિમાણ અને પરિણામ વિશે વિવિધ
૧૯૧૮નું વર્ષ, મહિનો એપ્રિલ અને તારીખ ત્રેવીસમી. પ્રસંગ હતો જર્મન ભૌતિકવિદ્ મેક્સ પ્લાન્કના સાઠમા જન્મદિને તેમના સન્માન સમારોહનો. સ્થળ હતું જર્મનીના બર્લિન શહેરમાં આવેલી ફિઝિકલ સોસાયટીનો ખંડ. બધા વકતા પ્લાન્કના સન્માનમાં પોતપોતાનું વ્યાખ્યાન આપતા હતા. આખરે એક લાંબા વાળવાળા વિજ્ઞાનીનો વારો આવ્યો. તેમના ૧૧૫૨ શબ્દોના વ્યાખ્યાનના થોડા અંશો :
‘મિત્રો કહે છે કે મેક્સ પ્લાન્કની સિદ્ધિઓ તેમની અદભૂત ઇરછાશકિત અને શિસ્તબદ્ધતાને આભારી છે, પણ હું કહું છું કે વાસ્તવિકતા એમ નથી! મન-બુદ્ધિની જે અવસ્થામાં આવું ચમત્કારી કાર્ય થાય તેની સરખામણી તો માત્ર ઇષ્ટદેવની ભકિત કરીં રહેલા કોઈ ભકત કે પ્રેમમાં ડૂબી ગયેલા પ્રેમી સાથે જ થઈ શકે. આવો અદ્વિતીય પ્રયત્ન કરવાનું બળ કંઈ પૂર્વઆયોજનમાંથી કે અગાઉથી નક્કી કરેલા હેતુમાંથી કે કોઈ પ્રકારના મેનેજમેન્ટમાંથી આવતું નથી. આવી શકિત તો સીધી હૃદયમાંથી જ પ્રગટે!’ પ્રાર્થના અથવા તો પરમેશ્વર સાથે સંવાદનું મહત્ત્વ સમજાવનાર આ વિજ્ઞાની એટલે આલ્બર્ટ આઈન્સ્ટાઈન! પ્રાર્થના વિશે જુદાં જુદાં ક્ષેત્રની જાણીતી વ્યકિતઓ શું કહે છે? એમના જ શબ્દોમાં સાંભળીએ...
માલિક સાથે મહોબત
ઇશ્વર, માલિક, ખુદા સુધી પહોંચવાનો સૌથી સરળ અને ટૂંકામાં ટૂંકો રસ્તો એટલે પ્રાર્થના. ઇબાદત માનવી અને ઇશ્વર વરચેનું અંતર ઘટાડી દે છે. સામાન્ય રીતે પ્રાર્થના ત્રણ પ્રકારની હોય છે. એક, કંઈક મેળવવા, મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે થતી પ્રાર્થના. બાદશાહ અકબર સૂફી સંત ફરિદ (જેમના નામ પરથી ફરિદાબાદ શહેરનું નામ પડયું અને જેના ગુરુ સંત રાબિયા હતા) પાસે નિયમિત જતા. એક વખત પ્રજાજનો એકઠા થઈને સંત ફરિદ પાસે ગયા. લોકોએ કહ્યું કે શહેનશાહ તમારા દરબારમાં નિયમિત આવે છે, તો તમે તેમને કહો કે ગામમાં એક મદરેસા બાંધે. ફરિદે કહ્યું કે ના હું એવું નહીં કહું.
રાજાએ શું કરવું અને શું ન કરવું એ એમને જ નક્કી કરવા દો. પ્રજાએ ખૂબ આગ્રહ કર્યોએટલે આખરે તેઓ શહેનશાહને કહેવા માટે રાજી થયા. સંત ફરિદ અકબર પાસે પહોંરયા ત્યારે અકબર ખુદાની ઈબાદત કરી રહ્યા હતા. એ દ્રશ્ય જોઈને ફરિદ પાછા વળી ગયા. અકબરનું ઘ્યાન પડયું એટલે તેમણે કહ્યું કે મારાથી કોઈ ભૂલ કે નાફરમાની થઈ ગઈ? ફરિદે કહ્યું કે ના ના, એવું નથી પણ હવે એક ભિક્ષુક બીજા ભિક્ષુક પાસે શું માગે? મતલબ કે ફરિદ જેના પાસે કંઈ માગવા આવ્યા હોય એ શહેનશાહ ખુદ ઇશ્વર પાસે માગતો હોય, તો પછી તેનો કોઈ અર્થ નથી. બીજા પ્રકારની પ્રાર્થના દુ:ખ, ચિંતા, આફત વખતે બધા કરતાં હોય છે. કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે સૌ ઇશ્વરને યાદ કરે તે સ્વાભાવિક છે.
ત્રીજી પ્રાર્થના સૌથી ઊંચા પ્રકારની છે, જેમાં માલિક માટે મહોબત રજૂ કરવાની છે. જયારે કોઈ પણ સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી લે ત્યારે ઈશ્વર સાથે ઉરચ કક્ષાનો સંવાદ સધાય છે. એક શેર છે: સારી દુનિયા સે હાથ ધોકર બૈઠો, જો કુછ રહા સહા હૈ ઉસે ખોકર બૈઠો,
કયા અર્જ કરું કયા લિજજત હૈ ઇસ મેં, એક મરતબા તુમ કિસી કે હો કર દેખો...
આમ, સંપૂર્ણપણે કોઈના થવાની, અપેક્ષારહિત આરાધનાની વાત છે.
જયાં અપેક્ષા હોય ત્યાં સમસ્યા સર્જાય... પણ અપેક્ષા વગરની પ્રાર્થના અચૂક ફળે.મારો દિવસ હું અલ્લાહ-ઇશ્વરને યાદ કરીને શરૂ કરું છું. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે વ્યકિત પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણય લેતો હોય ત્યારે તેને જ્ઞાનયોગ કહેવાય. કોઈ બધું માલિકના હવાલે કરી નિર્ણય લેવાનું શરૂ કરે, હવે જે ઉપરવાળાને ઠીક લાગે એ, એમ વિચારી આગળ વધે તો એને કર્મયોગ કહેવાય. અમારું જીવન કર્મયોગ પ્રકારનું. પ્રાર્થના રોજ કરું છું પણ હવે કોઈ અપેક્ષા નથી, કોઈ આકાંક્ષા નથી... સૌથી પહેલાં તો ભગવાને આપણને માણવા માટે આવું સરસ જીવન આપ્યું છે, તે માટે પ્રાર્થના કરવી જોઈએ.-શાહબુદ્દીન રાઠોડ(હાસ્યકાર, ચિંતક)
એકાગ્રતા, શુદ્ધતા અને સૂક્ષ્મતાનો સંગમ
ઘટના અંત:કરણની શુદ્ધિ કરે, તેને સૂક્ષ્મ બનાવે અને સ્થિર કરે તે પ્રાર્થના! જયારે આવું થાય ત્યારે તે પ્રત્યેક ક્ષણને તમે પ્રાર્થના કહી શકો. જો કોઈ વ્યકિત મૂર્તિ સ્થાપી તેની સમક્ષ લાગણીથી કોઈ રજૂઆત કરે તો બની શકે કે તેને દર વખતે સફળતા ન પણ મળે. આપણે પોતાની જાતને શુદ્ધ કરવાનો વિચાર શરૂ કરીએ ત્યારે ખરી પ્રાર્થના શરૂ થઈ જાય છે.
ધીમે ધીમે એવું બને કે લાંબે ગાળે તમને દરેક ઘટના સહજ લાગવા માંડે. મારા જીવનમાં કોઈ દુઘટર્ના બને, દુ:ખદ પ્રસંગ બને તો મને એવું લાગે કે આ સહજ છે અને જીવનનો એક ભાગ છે. તમે જાતને શુદ્ધ કરવા તરફ આગળ વધતા હો ત્યારે બધું સહજ લાગવું શકય છે. એ ક્રિયા ધીમે ધીમે થાય છે. કયારેક દુ:ખ આવે ત્યારે પ્રાર્થના કરવી એવું કોઈ પ્રયોજન આ તબક્કે રહેતું નથી. મારું કામ શોધ-સંશોધનનું છે. સંશોધનમાં મન સ્થિર હોવું પ્રાથમિક શરત છે. આ કામમાં સૂક્ષ્મતા જોઈએ અને શુદ્ધતા પણ જોઈએ. આ ત્રણેય પરિબળોનો સંગમ થાય તો એ ઘટના આપોઆપ પ્રાર્થનામાં પરિણમતી જાય! આમ, હૃદય અને મનથી થયેલું કોઈપણ શુભ કાર્ય પ્રાર્થનાની કક્ષાનું ગણાય..
મને કાયમ થયા કરે આ જગત કેમ ચાલતું હશે? કોણ બ્રહ્માંડનો સંચાલક છે? એ સવાલોના જવાબો શોધવા માટે વિચારવું પડે અને એ વિચાર લાંબા ગાળે પ્રાર્થનામાં પરિવર્તિત થાય! આપણે સમસ્યાઓમાંથી બહાર ત્યારે જ નીકળી શકીઐ જયારે આપણે આપણી જાતને વિભાગો-ખંડોમાં વહેંચવાનું બંધ કરી દઈએ. ઓફિસ, ઘર, મિત્રો, સમાજ એ બધા વિભાગો વરચે આપણે વહેંચાયેલા રહીએ તો તેનાથી તનાવ અને વ્યગ્રતા વધે. આપણે ખરેખર તો આવા ભાગ પાડવાને બદલે એમ વિચારવું જોઈએ કે સમગ્ર સૃષ્ટિમાં આપણે કેટલા નાના છીએ. આવી પ્રતીતિ થશે ત્યારે આપોઆપ બધી સમસ્યાઓનું નિરાકરણ થવા લાગશે.-ડો. પંકજ જોષી(વિજ્ઞાની, ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ, મુંબઇ)
પોતાની જાત માટે સમય આપો
પ્રાર્થના એટલે પોતાની જાત સાથે વાત કરવી, જાતને સમજવી. હું રોજ મારી સાથે દસ મિનિટ વાત કરું છું. શું સારું થયું, શું ખરાબ થયું એ બીજા કોઈને બદલે મારી જાતને પૂછું છું. મારા માટે એ જ પ્રાર્થના છે. લોકો શા માટે પ્રાર્થના કરતા હોય છે? સમસ્યાઓથી બચવા માટે, વિટંબણાઓથી પર રહેવા માટે. પોતાની જાત સાથે વાત કરો એટલે આપોઆપ સમસ્યાઓનું નિરાકરણ થવા લાગશે. લોકો કોને પ્રાર્થના કરતા હોય છે? ઇશ્વરને! તો તમે જ તમારા ઇશ્વર છો! જાત સાથે વાત કરો એ ઇશ્વર સાથે જ સંવાદ થયો ગણાશે. આખરે મૂળ વાત તો એકાગ્રતા કેળવવાની છે.
કોઈ વ્યકિત જેને માનતી હોય- ભજતી હોય તેને દસ મિનિટ એકાગ્રતાપૂર્વક યાદ કરે તેનાથી વિશેષ કોઈ પ્રાર્થનાની જરૂર નથી. ફાસ્ટ લાઈફ અને સતત સ્ટ્રેસના જમાનામાં એકાગ્રતા જ મનને સ્વસ્થ રાખી શકે છે. જો મન સ્વસ્થ હશે તો શરીર આપોઆપ સ્વસ્થ રહેશે. શરીરના બધા રોગો મનની વિકòતિમાંથી આવે છે. મનને વિકòત થતું બચાવવું હોય તો એકાગ્રતા કેળવવી જ રહી. એ એકાગ્રતા પ્રાર્થનામાંથી જ તો આવશે. - ડો. કનુ માવાણી (પૂર્વ મેયર, સુરત; પૂર્વ કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
મારું કર્મ એ જ મારી પ્રાર્થના
મારા માટે પ્રાર્થનાની પહેલી વ્યાખ્યા તો મારું કામ જ છે. હું ચિત્રકાર છું એટલે કોઈ ચિત્ર બનાવી લઉં તો પ્રાર્થના પૂરી થઈ એમ લાગે. એક વખત મેં સાંજે ગિરનાર પર્વતનું આરોહણ શરૂ કર્યું અને દત્તાત્રેય પહોંરયો ત્યારે રાત પડી ગઈ હતી. એ વખતે પૂનમનો ચંદ્રમાં બરાબર માથા પર હતો. ફરતે નિરવ શાંતિ અને દૂર દૂર સુધી સ્તબ્ધતા. એ વખતે મને એમ લાગ્યું કે મારી સામે કોઈ આકૃતિ આવી અને મને કહી રહી છે કે તું તારું કામ કર, બાકીનું બધું આપોઆપ ઠીક થઈ જશે. મારા મતે એ સ્થિતિ પણ પ્રાર્થના હતી. એ રીતે કોઈ મંદિર-મઝારે જઈને શાંતિથી બેસીએ અને ચારે દિશામાંથી શાંતિપ્રેરક વિચારો આવે તે પણ પ્રાર્થના છે.
હું મારા ઉપરાંત મારી આસપાસના વાતાવરણની શાંતિ માટે પ્રાર્થના કરતો હોઉં છું. જો આજુબાજુની દુનિયામાં બધું બરાબર ચાલતું હશે તો આપણે આપોઆપ શાંત રહી શકીશું. અને શાંત અવસ્થા આપણને કામ સારી રીતે કરવા દેશે. જો આ સ્થિતિ સર્જાય તો સરવાળે પ્રાર્થના સારી રીતે થઈ એમ કહી શકાય. - વૃંદાવન સોલંકી (ચિત્રકાર)
કામથી મોટી કોઈ પ્રાર્થના ન હોઈ શકે
સ્થૂળ અર્થમાં કહી શકાય એવી પ્રાર્થના હું ક્યારેય કરતો નથી. હા, સવારે એક વખત ભગવાનને યાદ કરવાનો ક્રમ જરૂર છે. બાકી ખરી પ્રાર્થના તો મારું કામ છે. આપણે જો નિયમિત રીતે ઇશ્વરને યાદ કરતા હોઈએ તો મુશ્કેલ સમયે એ વગરકહ્યે મદદે આવી જશે. બાકી કયાંક સલવાયા હોઈએ ત્યારે ઇશ્વરને યાદ કરીએ અને ભગવાન, હવે તું જ મારે સહારો એવાં ગાણાં ગાઈએ તો એ તો સ્વાર્થ થયો.
હું એ વાતમાં નથી માનતો. મને એવું લાગે છે કે હું મારું કામ નિષ્ઠાપૂર્વક કરું અને તેનાથી કોઈને સંતોષ થાય તો એ જ ખરા અર્થમાં પ્રાર્થના છે. પ્રાર્થના ચોક્કસપણે એક શકિતશાળી પરિબળ છે. શરત ફકત એટલી કે તે સાચી રીતે થઈ હોય.. - મહેન્દ્ર મશરૂ (પૂર્વ ધારાસભ્ય, જૂનાગઢ )
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.