Gujarat
Ahmedabad City Ahmedabad City
લઠ્ઠાકાંડની ગોજારી અને અરેરાટીભરી ઘટનામાંથી અમદાવાદ શહેરને હજુ કળ વળી નથી ત્યાં તો ભૂવાકાંડે શહેરીજનોને ભારે મુસીબતમાં મૂકી દીધા છે. ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ અને લાંચિયા વહીવટદારો તથા બુટલેગરોની મિલીભગતના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો... જેમાં અનેક લોકો હોમાઈ ગયા... આ માતમના ડૂસકાં હજુ શમ્યાં નથી ત્યાં મ્યુનિ.કોર્પો.ના નઘરોળ તંત્રના કારણે શહેરીજનોને બીજી ભૂવાકાંડની ઉપાધિ અને મુસીબતનો સામનો કરવાના કપરા દિવસો આવ્યા છે. આ ભૂવાકાંડમાં પણ ચોમાસા દરમિયાન કોણ જાણે કેટલા શહેરીજનોનો ભોગ લેવાશે. અમદાવાદીઓ માટે જુલાઈ માસનો આરંભ આકરો બન્યો છે. હવે અંત કેવો હશે તે ભગવાન જાણે...
પહેલા જ વરસાદે શહેર ભૂવાનગરીમાં ફેરવાયું
આખરે મેઘરાજાએ ગુરુવારે મોડીરાતે મહેરબાન થઇ ભારે વરસાદ વરસાવતાં મ્યુનિ. સત્તાધીશો અને નાગરિકોની ધારણા મુજબ શહેર ભૂવા અને ખાડાઓની નગરી બની ગયું હતું અને સંખ્યાબંધ વાહનો ફસાતાં લોકોની હાલત ખરાબ થઇ જવા પામી હતી.
શહેરમાં ગઇકાલે મોડીરાતે લગભગ ત્રણેક ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો અને તેના પગલે સ્ટોર્મ વોટર લાઇન નાખવા ખોદેલા ખાડા જેને જેમતેમ પૂરી ઉપર કાચાપાકા રસ્તા બનાવી દેવાયા હતા તે પૈકીના મોટા ભાગના રસ્તા બેસી ગયા અને ઠેકઠેકાણે ભૂવા પડયા હતા.
મઘ્ય ઝોનમાં ત્રણ સ્થળે, પિશ્ચમ ઝોનમાં ૧૧ જગ્યાએ, ઉત્તર ઝોનમાં ૬ જગ્યાએ, પૂર્વ ઝોનમાં ૩ જગ્યાએ, દક્ષિણ ઝોનમાં બે જગ્યાએ તથા નવા પિશ્ચમ ઝોનમાં એક જગ્યાએ ભૂવા પડયા હોવાનુ મ્યુનિ.ના સત્તાવાર અહેવાલમાં જણાવાયું છે. જે જગ્યાએ ભૂવા પડયા છે ત્યાં પુરાણ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઇ છે. જોકે શહેરમાં ઠેક ઠેકાણે નાનામોટા મળી ૧૦૦થી વધુ જગ્યાએ ભૂવા પડયા હોવાનું શહેરીજનોએ જણાવ્યુંહતું. ભૂવા અને ખાડાઓના કારણે તેમજ સ્ટોર્મ વોટર લાઇનના ખાડા ઉપરના રસ્તા બેસી જવાથી ૫૦થી વધુ જગ્યાએ નાના મોટા વાહનો ફસાઇ જતાં ટ્રાફિકજામ થઈ ગયો હતો.
ખાડા-ભૂવા પડવાના ભયથી કેટલાક વિસ્તારોમાં૩૦થી વધુ રસ્તા બંધ અથવા એકમાર્ગી કરી દેવાતાં વાહનચાલકો હેરાનપરેશાન થઇ ગયા હતા. વાવાઝોડા અને ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદે શહેરમાં ઠેર ઠેર રસ્તા કેટલા પોલા છે તેની પોલ ખોલી નાખી, તેની સાથે સાથે મઘ્ય ઝોનમાં બે, પિશ્ચમ ઝોનમાં ૧૦, ઉત્તર ઝોનમાં ૩, પૂર્વ ઝોનમાં ૨, દક્ષિણ ઝોનમાં ૪ અને નવા પિશ્ચમ ઝોનમાં ૩ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા તેને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
કરોડો ખરર્યા છતાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
કરોડો રૂપિયાના ખર્ચે સ્ટોર્મ વોટર લાઇન નાખવા છતાં ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. કેટલાક ઠેકાણે સવાર સુધીમાં અને કેટલાંક સ્થળોએ બપોર બાદ પાણી ઉતરવા પામ્યાં હતા.
જયારે જુહાપુરામાં ઘાંચીસમાજના હોલ પાસેના રસ્તા ઉપર ઘૂંટણસમાણા પાણી ભરાઇ ગયા છે અને આ સમસ્યા બે વર્ષથી સતાવતી હોવાની માહિતી આપતાં સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, ભરાયેલા પાણીનો નિકાલ કરવાને બદલે દક્ષિણ ઝોન અને નવા પિશ્ચમ ઝોનના ઇજનેર ખાતાના અધિકારી એકબીજાને ખો આપી રહ્યા છે. સૈજપુર બોઘાના ગરનાળામાં તથા નિર્ણયનગર ગરનાળામાં પણ દોઢ બે ફૂટ જેટલાં પાણી ભરાઇ રહ્યાં હતાં. તેમજ શહેરના તમામ અંડરપાસમાં વરસાદ સમયે પાણી ભરાયાં હતાં.
કયાં કયાં ભૂવા પડયા
મઘ્ય ઝોન
સિવિલ હોસ્પિટલ પાછળ બી કોલોની રોડ ઉપર
એસટીથી જમાલપુર જવાના રસ્તા ઉપર
દરિયાપુર દરવાજાથી પ્રેમદરવાજા તરફના રોડ ઉપર
પશ્ચિમ ઝોન
નવરંગપુરા બસ સ્ટેન્ડ સામેના રોડ ઉપર
સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલ રોડ ઉપર
ઉસ્માનપુરા ચાર રસ્તાથી નદી તરફના રોડ ઉપર
પંચતીર્થ ચોકઠાથી ભગવાનનગરના ટેકરા તરફના રોડ ઉપર
મહાલક્ષ્મી ચાર રસ્તાથી ક્રોસિંગ તરફના રસ્તા ઉપર
વિશ્વકુંજ સોસાયટી પાસે, એલિસબ્રિજ પોલીસ ચોકી પાસે, ટાઉનહોલ પાસે
વાસણા હરિઓમ નગર પાસે
નારાયણનગર રોડ ઉપર અંકુર ફલેટ સામે
નારણપુરા છેલ્લા બસસ્ટેન્ડ પાસે
વિજયનગર રેલવે ક્રોસિંગ પાસે
ઉસ્માનપુરા નવયુગ સ્કૂલ સામે
આંબાવાડી સેન્ટ્રલ બેંક પાસે
ઉત્તર ઝોન
હીરાવાડીથી ઇન્ડિયા કોલોની તરફના રસ્તા ઉપર
સૈજપુર બોઘા ચિંતન ટાવર પાસે
ઇન્દિરાબ્રિજના સર્કલ પાસે
મેમ્કો ચાર રસ્તા પાસે
કોતરપુરથી એરપોર્ટ તરફ જતા રોડ ઉપર
બાપુનગર ચાર રસ્તા પાસે ત્રણ જગ્યાએ
પૂર્વ ઝોન
સોનીની ચાલી ચાર રસ્તા પાસે પાંચ ભૂવા
સોનીની ચાલીથી બળિયાલીમડી રોડ ઉપર
બાપુનગર કબીર ચેમ્બર પાછળ
દક્ષિણ ઝોન
નારોલ-સરખેજથી ઇસનપુર તરફના રસ્તે
સીટીએમ ચાર રસ્તા પાસે બે ભૂવા
નવા પિશ્ચમ ઝોન
મલાવ તળાવ મેનહોલ તૂટી ગયું
ભૂયંગદેવ ચાર રસ્તાથી ઘાટલોડિયા તરફના રસ્તે
મણિનગરની ૧૫ સોસા.માં પાણી
મણિનગર વિસ્તારમાં નવા બની રહેલા સાને ગુરુજી બ્રિજ નીચેથી પસાર થતી સ્ટોર્મ વોટર લાઇન અને જૂના નાળા વચ્ચે કરાયેલા જોડાણના કારણે ગુરુવારે રાત્રે પડેલા વરસાદના પાણી અને ગટરનાં ગંદા પાણી તૂટેલા સ્લેબમાંથી બહાર ઊભરાઇ સોસાયટીઓમાં તથા ઘરોમાં ફરી વળતાં રોષે ભરાયેલા લોકોએ ભાજપના કોર્પોરેટરો સાથે ઉગ્ર ભાષામાં બોલાચાલી કરી હતી અને અધિકારીઓ તથા કોન્ટ્રાકટરના કર્મચારીઓને ટપલીદાવ કર્યોહોવાનું જાણવા મળ્યું છે.
હાટકેશ્વર સર્કલથી ભાઇપુરા થઇને નવા બ્રિજ સુધી નાખવામાં આવેલી નવી સ્ટોર્મ વોટર લાઇન રેલવેલાઇન પાસેની વર્ષોજૂની પંદર ફૂટની મોટી ચેમ્બરમાં જોડી દેવાઇ હતી. જેમાં ૭૨ની બે લાઇનો પણ જોડવામાં આવેલી છે. આ ચેમ્બર અને રેલવે લાઇનની બીજી બાજુ દક્ષિણી સોસાયટી તરફની પંદર ફૂટની મોટી ચેમ્બરને જોડતી મોટી લાઇનો રેલવેના પાટા નીચેથી નાખવામાં આવેલી છે.
દક્ષિણી તરફની ચેમ્બરમાંથી સ્ટોર્મ વોટરલાઇન તથા ૭ની બે લાઇન પીરાણા તરફ જાય છે. હવે મહત્વની વાત એ છે કે, સ્ટોર્મ વોટરલાઇન નાખ્યા બાદ રેલવેની બન્નો બાજુની ચેમ્બરો સાફ કરાવવામા આવતાં લગભગ ૧૦-૧૫ ટ્રક ભરીને સિલ્ટ નીકળ્યો હતો. તેમ છતાં દક્ષિણી સાઇડની ૭૨ની એક લાઇન સિલ્ટથી જામ થઇ ગઇ હતી તેને સાફ કરાઈ ન હતી. ચેમ્બર સાફ કરાવવા તેની ઉપરના સ્લેબ તોડવામાં આવ્યા હતા પણ તેને રિપેર કરાયા ન હતા.
અમરાઇવાડી ચાર રસ્તા આસપાસના વિસ્તારોનું પાણી નવી સ્ટોર્મ વોટર લાઇનમાંથી દક્ષિણી તરફની ચેમ્બર તરફ આવ્યું હતું અને ત્યાં પાણીનો નિકાલ ગોકળગાયની ગતિએ થતાં ૭૨ની લાઇનોના ગટરનાં ગંદા પાણી અને સ્ટોર્મ વોટર લાઇનમાંથી વરસાદી પાણી ભેગાં થતાં ચેમ્બરમાંથી ઊભરાઇને દક્ષિણી વિસ્તારની સુવિધા પાર્ક, તુલસીકુંજ અને ભૂમિદીપ સહિત પંદરેક સોસાયટીમાં ફરી વળ્યાં હતાં અને પાણી ઓવરફલો થતાં લોકોનાં ઘરોમાં ગટરનાં પાણી બેક મારતાં હજારો લોકો પરેશાન થયા હતાં.
મલેકસાબાન સ્ટેડિયમમાં નાખેલી સ્ટોર્મ વોટરલાઇન છૂટી પડી ગઇ!
ગુરુવારે પડેલા ભારે વરસાદના કારણે મલેક સાબાન સ્ટેડિયમમાં માટી ધસી પડતાં નારોલ-નરોડા હાઇવે ઉપરથી આવતી સ્ટોર્મ વોટર લાઇન ટુકડા થઇ છૂટી પડી જતાં મ્યુનિ.કોર્પો.નાં ઇજનેર ખાતાની પોલ ખૂલી જવા પામી છે.
નારોલ-નરોડા હાઇવે ઉપર ઠક્કરબાપાનગર વિસ્તારમાં જયોતિ-જાગૃતિ સોસાયટી આસપાસ ભરાઇ રહેતાં વરસાદી પાણીના નિકાલ માટે તત્કાલીન કમિશનર આર.કે. ત્રિપાઠીએ ૨૦૦૧માં સ્ટોર્મ વોટર લાઇન નાખવા સૂચના આપી હતી. તે મુજબ પ્રોજેકટ ખાતાએ ૧૪૦૦ એમએમની પાઇપલાઇનો છેક મલેક સાબાન સ્ટેડિયમ સુધી લંબાવી હતી.
દરમિયાનમાં મોડીરાતે ભારે વરસાદ પડતાં વરસાદી પાણી મલેક સાબાન સ્ટેડિયમ પાસેના તૂટેલા મેનહોલમાંથી જમીનમાં ઊતયાર્ં હતાં અને તેના કારણે માટી બેસી જતાં (મ્યુનિ.ની ભાષામાં સેટલ થતાં) પાઇપલાઇનો નીચેથી જમીન ખસી ગઇ હતી અને કોઇ જાતનો ટેકો નહિ રહેતાં ૧૪૦૦ એમએમની મોટી ભારે પાઇપો તૂટી ગઇ અને કેટલીક સાંધામાંથી છૂટી પડી ગઇ હતી. આ બાબતની જાણ શુક્રવારે મોડીરાત સુધી મ્યુનિ. તંત્રને પણ થઇ નહોતી.
સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવી ત્યારે મલેક સાબાન સ્ટેડિયમમાં તેના માટે બરોબર પુરાણ થયું નહિ હોય અથવા તેને યોગ્ય સપોટ આપવામાં આવ્યો નહિ હોય તેના કારણે માટી ધસી જતાં પાઇપો છૂટી પડી ગઇ છે. જોકે આ બનાવથી મ્યુનિ. ઇજનેર ખાતાના હોશિયાર અધિકારીઓ કેવી કામગીરી કરે છે અને કોન્ટ્રાકટરોની કામગીરી ઉપર કેવી રહેમનજર રાખે છે તે પુરવાર થઇ ગયું છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.