Entertainment
Bollywood/Hollywood
Parde Ke Pichhe Parde Ke Pichhe
આમિર ખાન પોતાના કાકાના દીકરા મન્સૂર ખાનને ફિલ્મનિમાર્ણમાં લગભગ પાછો ખેંચી લીધો છે.
નોંધનીય છે કે મન્સૂર ખાન સફળ ફિલ્મ કારકિર્દી છોડી દઈ એક ગામમાં વસી ગયા છે, કેમ કે એમને મહાનગરોની ભીડ અને નકલી જીવનથી સખત ચીડ રહી છે.
એમણે કુડમુખ નજીક એક ગામમાં રાસાયણિક ખાતર વગર શુદ્ધ સજીવ ખેતી કરી અને સ્વાભાવિકતાથી સહજ જીવન પર પસંદગી ઉતારી. વર્ષો સુધી પાલી હિલ સ્થિત એમનું ઘર વેરાન પડયું હતું.
સફળ ફિલ્મકાર નાસીર હુસેનના એકમાત્ર પુત્ર મન્સૂર ખાને આમિર સાથે ‘કયામત સે કયામત તક’ બનાવેલી. એમની છેલ્લી ફિલ્મ શાહરુખ ખાન સાથેની ‘જોશ’ હતી. વીતેલાં વર્ષોમાં આમિર જયારે ‘તારેં જમીન પર’માં વ્યસ્ત હતો ત્યારે એણે મન્સૂરને ‘જાને તુ યા જાને ના’માં મદદ કરવા બોલાવેલો, આ ફિલ્મથી મન્સૂરની બહેનનો દીકરો બોલિવૂડમાં પ્રવેશી રહ્યો હતો.
આમિરે મન્સૂર ખાનને એમ કહીને મનાવ્યા કે એમના પિતાના બેનર તળે ‘જો જિતા વહી સિકંદર’ બાદ કોઈ ફિલ્મ બની નથી અને પિતાના બેનરને ફરીથી સક્રિય કરવું એ એની ફરજ છે. નાસિર હુસેને શશધર મુખરજી માટે દેવ આનંદ અભિનીત ‘મુનીમજી’થી દિગ્દર્શનની શરૂઆત કરેલી અને ‘દિલ દેકે દેખો ’થી પોતાનું બેનર શરૂ કરી અનેક સફળ મસાલા ફિલ્મોનું નિર્માણ કરેલું.
સુંદર દ્રશ્યાવલી, કર્ણપ્રિય સંગીત અને ખોવાયા-મળ્યાની ફોર્મ્યુલામાં ગૂંથેલી પ્રેમકથા એમનો સિનેમાઈ પરિચય બની ગયો હતો. એમણે શશધર મુખરજીની પરંપરા આગળ ધપાવી હતી.
એકવાર એક મિજબાની બાદ એક મહેમાને એમને પૂછ્યું કે તેઓ પોતાની સફળ ફોર્મ્યુલામાં ફેરફાર શા માટે નથી કરતા? આના જવાબમાં નાસિર હુસેને કહ્યું કે હમણાં જ તમે મારા ઘરમાં બનેલી બિરયાનીના વખાણ કર્યા અને ફરીથી આવી જ બિરયાની ખવડાવવાનો આગ્રહ કરેલો, તો પછી હું ફિલ્મનો સફળ મસાલો શા માટે બદલું? સ્વાદિષ્ટ બિરયાની અને મસાલાવાળી ફિલ્મો એમની ઓળખ હતી. એમની માટે બિરયાની બનાવવામાં અને ફિલ્મ બનાવવામાં ઝાઝો ફેર નહોતો.
એ આશ્ચર્યની વાત છે કે મસાલા ફિલ્મોના શાળામાં પ્રશિક્ષણ લેવા છતાં આમિરનો ઝુકાવ હંમેશાં પ્રયોગો તરફ રહ્યો છે. ‘લગાન’ અને ‘તારેં જમીન પર’ ફોર્મ્યુલા ફિલ્મો નથી. મન્સૂરની ફિલ્મો હંમેશાં તાજગીસભર રહી છે. આમિર અને મન્સૂરને નાસિર હુસેનની પરંપરા પ્રત્યે ભારોભાર આદર છે, પણ એમની વ્યક્તિગત પ્રતિભા એમને લિજજતદાર બિરયાની જેવી ફિલ્મો બનાવવાની પરવાનગી નથી આપતી. તમે વડીલો પ્રત્યે ભરપૂર આદર રાખીને પણ પોતાનો સ્વતંત્ર રસ્તો પસંદ કરી શકો છો. આ સંબંધ વિરોધનો નહીં પણ ગાંધીજીની જેમ ‘સવિનય વિરોધ’ છે.
આશા છે કે નાસિર હુસેનની નિર્માણ સંસ્થા જલ્દી જ સક્રિય થશે. એ પણ શક્ય છે કે આમિર ફિલ્મ લખશે અને મન્સૂર એનું દિગ્દર્શન કરશે. મન્સૂર ખાન મહત્ત્વના છે, કેમ કે સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ એમણે એનો ત્યાગ કર્યો તથા જીવનમાં સ્વાભાવિકતા લાવવા માટે ગામડામાં સજીવ ખેતી કરી અને નર્મદાના વિસ્થાપિતો પર સંશોધન કર્યું. કેટલાય સાધનસંપન્ન લોકો પણ વિસ્થાપિતોની ચિંતા કરે છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.