Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

હંમેશ અજંપ, હંમેશ કશુંક કરવા તત્પર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ

mahesh_bhatt_directorફિલ્મી પરિવારમાં જન્મેલા મહેશ ભટ્ટની દિગ્દર્શક તરીકે ખાસિયત એ છે કે તેઓ માનસિક રીતે ઉથલપાથલ મચાવનારા વિષયો પર તીવ્રતાથી કામ કરીને પ્રેક્ષકોને તેમાં સંડોવી શકે છે

હિન્દી ફિલ્મોધોગમાં કેટલાક પરિવારોનું વર્ચસ્વ તેમની ત્રણ-ચાર પેઢી સુધી વિસ્તર્યું છે. પૃથ્વીરાજ કપૂર પછી રાજ-શમ્મી-શશી કપૂર પછી રણધીર, રિશી, રાજીવ, સંજના, કુણાલ કપૂરને ત્યાર બાદ કરિશ્મા, કરીના, રણબીર કપૂર.

એવા પરિવારોમાં શશધર મુખર્જી, સુબોધ મખર્જી, પ્રબોધ મુખર્જી ય છે જે પરિવાર કાજોલ, રાની મુખર્જીની ત્રીજી પેઢી સુધી છે. શોભના સમર્થ, નૂતન-તનુજા ને કાજોલની ય ત્રણ પેઢી ગણી શકો. બી.આર. ચોપરા, યશ ચોપરાની બીજી પેઢી રવિ ચોપરા, આદિત્ય ચોપરા સુધી પહોંચી છે. જી.પી. સિપ્પી પછી રમેશ સિપ્પી ને વળી રોહન સિપ્પી. આવાં ઉદાહરણો બીજા ય છે.

આ બધામાં શંકર ભટ્ટ-વિજય- હરસુખનો પરિવાર કે જેની બીજી પેઢી અરુણ ભટ્ટ- પ્રવીણ ભટ્ટ, ત્રીજી પેઢી વિક્રમ ભટ્ટ, ચિરંતન ભટ્ટ, કીકુભાઇ દેસાઇનો દીકરો મનમોહન દેસાઇ ને તેનો દીકરો કેનત દેસાઇ ને હવે તેમના પરિવારની વૈશાલી ફિલ્મોમાં આવી ચૂકી છે.

આ ગુજરાતી પરિવારોમાં નડિયાદવાળાનો વિસ્તાર પણ ઘણો પરંતુ જે પરિવાર અનેક શાખામાં ફેલાયો તેમાં તો નાનાભાઇ ભટ્ટના પરિવારને જ યાદ કરવો પડે. નાનાભાઇના દીકરા તે મહેશ, મુકેશ, રોબિન ભટ્ટ. મહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટ ને મહેશ ભટ્ટનો ભાણેજ ઇમરાન હાશ્મી.

હજુ અહીં અટકતું નથી પરંતુ આપણે મહેશ ભટ્ટની કારકિર્દી કેન્દ્રમાં રાખી વિચારીશું તો સમજાશે કે તેની પ્રતિભાને ઘણી બધી ભૂમિકાએ કામ કરીને હિન્દી ફિલ્મોનાં વીત્યા ત્રણ દાયકામાં બહુ મોટો પ્રભાવ રચ્યો છે. વિષયની દ્રષ્ટિએ તેમણે હંમેશ વિલક્ષણ રહેવું પસંદ કર્યું અને તેના વડે સમાજને હચમચાવવાનું કામ કર્યું. વ્યવસાયિકતા ને વૈચારિકતાનો સુમેળ તેમણે અચ્છો સાઘ્યો.

બીજું એ થયું કે બી.આર. ચોપરા જેમ તેમના બેઉ ભાઇઓને સાથે રાખી બેનર ગજાવતા રહેલા તેમ મહેશ ભટ્ટે પણ તેમના ભાઇ મુકેશ ભટ્ટ, રોબિન ભટ્ટને રાખ્યા ને પછી દીકરીને હિરોઇને અને આગળ જતાં નિર્માત્રી-દિગ્દર્શક પણ બનાવી.

ત્રીજી એક વાત એવી ય નોંધી શકાય કે તેમના દિગ્દર્શનવાળી ફિલ્મોને હંમેશ મોટા સ્ટાર્સની ગરજ નથી રહી. તેમણે કબીર બેદી, પ્રેમાનારાયણ જેવા ઓછા જાણીતા કલાકારથી જ આરંભ કરેલો અને પછી ય તેમણે કુલભૂષણ ખરંબદાને, માર્ક ઝુબેરને, રાહુલ રોયને, તલત અઝીઝને, જુગલ હંસરાજને, ઇમરાન હાશ્મીને હીરો બનાવ્યા જે ખરા અર્થમાં હીરોઇમેજના હતા જ નહીં. અનુપમ ખેર, પરેશ રાવલને કેન્દ્રમાં રાખી ફિલ્મો બનાવી.

કેટલીક વાર એવું ય બન્યું કે નબળા અભિનેતા-હીરોને સારા પુરવાર કરવાનું કામ મહેશ ભટ્ટને સોંપાયું. બિગ બજેટ ફિલ્મો બનાવનાર જ બિગ પ્રોડયુસર ગણાય તેવી ધારણા પણ તેમને તોડી. મહેશ ભટ્ટે હિન્દી ફિલ્મોના સ્ટિરિયોટાઇપ્ડ માળખાને તોડી સફળતા મેળવી તે માત્ર તેમના ખુદના બળે જ કહી શકાય. એ માણસ ખૂબ જ વિચારશીલ છે ને તેથી જ ઓશો અને યુ.જી.કૃષ્ણમૂર્તિ પાસે જવાની અને તેના વડે ખુદને સમજવાની જરૂર પડી અને તે કારણે જ તેઓ સ્ત્રીસંબંધ બાબતે પણ સમાજના માન્ય માળખાને અપનાવી નથી શકયા. મહેશ ભટ્ટનું વ્યક્તિત્વ મનોવૈજ્ઞાનિક અને સમાજવૈજ્ઞાનિક અભિગમથી તપાસવા માટેની સામગ્રી છે.

સ્ટન્ટ અને ધાર્મિક ફિલ્મો માટે જાણીતા નાનાભાઇ ભટ્ટના આ મોટા દીકરાનો જન્મ ૨૦-૯-૧૯૪૯માં મુંબઇમાં થયેલો. તેમની માતા તેમના પિતાનાં બીજા પત્ની હતાં ને તે મુસ્લિમ હતાં. નામ તેમનું શિરીબાનુ. મહેશ ભટ્ટે પોતાના આ બે ધર્મવાળા કુટુંબમૂળ વિશે સતત વિચાર્યું છે ને તેમાંથી જ તેમનું કંઇક વિદ્રોહાત્મક વ્યકિતત્વ ઘડાયું છે. ફિલ્મના વાતાવરણમાં જ તેમને મોટા થવાનું આવ્યું.

પિતા નાનાભાઇએ તેને ૧૯૫૦ની ‘વીર બબ્રુવાહન’માં બાળકલાકાર તરીકે ચમકાવેલા ત્યારે તો કશી જ સમજ ન હતી પરંતુ યુવાનીમાં પ્રવેશ્યા ત્યારે રાજ ખોસલાના બેનરના પ્રોડકશન મેનેજર તરીકે ૧૯૭૧માં ‘મેરા ગાંવ મેરા દેશ’માં અને પછી પદ્મનાભના સહાયક તરીકે ‘દો ચોર’માં કામ કર્યું.

ડોન બોસ્કો સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ અને મુંબઇની જ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સ્નાતક થયેલા મહેશ ભટ્ટે માર્કેટ રિસર્ચ પ્રકારના કામથી શરૂઆત કરેલી પછી રાજ ખોસલાના પ્રોડકશન મેનેજરના બનેલા મહેશ ભટ્ટ ખરેખર તો સાવ ઓછા અનુભવે દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ ‘મંઝિલે ઔર ભી હૈ’ ૧૯૭૪માં બનાવેલી.

જેને ફાંસીની સજા મળી છે તેવો એક કેદી બીજા કેદી સાથે જેલમાંથી ભાગે છે અને દેશની સરહદ પાર કરવા માગે છે. તેમને એક વેશ્યા મળે છે જેની સાથે તેઓ એટલા માટે સંબંધ બાંધે છે કે પોલીસથી બચી શકાય, પરંતુ તે બેઉ સાથેના વેશ્યાના શરીર સંબંધથી ગર્ભ રહે છે. હવે? એ બાળક માટે જ તેઓ આત્મસમર્પણ કરી દે. આ પહેલી જ ફિલ્મ અનૈતિક સંબંધો આલેખવાને કારણે સેન્સર બોર્ડમાં ફસાઇ ગયેલી.

તેમની બીજી ફિલ્મ ‘વિશ્વાસઘાત’માં સંજીવકુમાર, શબાના, કબીર બેદી હતા. તેમાં પિતા-પુત્ર વચ્ચે જંગ છેડાઇ છે- ધંધાના કારણે. પછી ૧૯૭૮માં ‘નયાદૌર’ બનાવી તેમાં ઋષિ કપૂર, ભાવના ભટ્ટ હતાં ને ૧૯૭૯ની ‘લહુ કે દો રંગ’માં વિનોદ ખન્ના, શબાના, પરંતુ ૧૯૮૨માં જયારે તેમની ‘અર્થ’ ફિલ્મ આવી અને અચાનક બધાનું ઘ્યાન તેમની તરફ ગયું.

તે ફિલ્મનો વિષય તેમના પરવીન બાબી સાથેના સંબંધમાંથી રચાયો હતો. પ્રેમિકા માટે પત્નીને તરછોડતો પતિ છેવટે બેમાંથી કોઇનો સાથ મેળવી શકતો નથી. માત્ર છ જ મહિનામાં બનેલી આ ફિલ્મ ખૂબ ચર્ચાસ્પદ પણ બની અને સફળ પણ રહી. ત્યારથી શરૂ થયેલી ઓળખ ‘સારાંશ’ ફિલ્મે ઓર મજબૂત કરી આપી.

તે વખતે તેઓ યુ.જી. કૃષ્ણમૂર્તિ જેવા ફિલોસોફર સાથે ખૂબ રહેતા હતા અને યુ.જી.ના અનુભવ પરથી જ ‘સારાંશ’ બની હતી. વિષય વિલક્ષણ હતો અને તેમાં તેમણે અનુપમ ખેરને કેન્દ્રીય ભૂમિકામાં ચમકાવેલા. મૃત્યુની વાસ્તવિકતાને તેમણે ખૂબ જ સંવેદનશીલ રીતે ફિલ્માવી હતી. ત્યાં સુધીમાં દિગ્દર્શક તરીકેનું તેમણે એ લક્ષણ છતું થયું કે તેઓ માનસિક ઊથલપાથલ મચાવનારા વિષયો પર તીવ્રતાથી કામ કરી પ્રેક્ષકોને સંડોવે છે.

મહેશ ભટ્ટને અમુક-તમુક બેનરનો કે સ્ટાર્સનો આગ્રહ રહ્યો નથી અને માઘ્યમના પ્રયોગો પણ સ્વભાવનો હિસ્સો છે અને તેથી તેમણે ‘સારાંશ’ પછીના વર્ષે ‘જનમ’ નામની ટેલિફિલ્મ બનાવેલી. ત્યાર બાદ ‘ડૈડી’ અને ‘સ્વયમ્’ ટેલિફિલ્મો આવી, પણ વળી ચર્ચામાં આવ્યા સંજય દત્ત, કુમાર ગૌરવ, નૂતન, અમૃતા સિંઘ અભિનીત ‘નામ’ના દિગ્દર્શનથી. અંધારી આલમ વિશે ફિલ્મો બહુ બનતી ન હતી ત્યારે તેમણે એ વિષય સાથે બે ભાઇના સંબંધનો સંઘર્ષ ફિલ્માવેલો.

એટલે મહેશ ભટ્ટ હંમેશ આત્મકથાનક આધારિત ફિલ્મો બનાવે છે તેવી ધારણાથી અલગ એમ કહી શકાય કે જે વિષયમાં તેમને વૈચારિક અને સંવેદનની દ્રષ્ટિએ કશુંક વિલક્ષણ કથાનક દેખાતું તેના આધારે ફિલ્મો બનાવી છે. આ ઉપરાંત નર્યા વ્યવસાય ખાતર પણ તેમણે એવી ફિલ્મો બનાવી જેમાં મહેશ ભટ્ટનું નામ જોડાયું ન હોય તો પણ ફરક ન પડે.

શરૂનાં વર્ષોમાં તેઓ ફિલ્મના બજારને જેટલા વશ નથી જણાતા તેટલા પછી છે. જેમ કે આશિકી, દિલ હૈ કી માનતા નહીં, હમ હૈ રાહી પ્યાર કે, ગુમરાહ, તડીપાર, મિલન, ધૂન, ડુપ્લિકેટ વગેરે ફિલ્મો મુંબૈયા લોકપ્રિય ફિલ્મોની વ્યાખ્યા અપનાવે છે.

પરંતુ મહેશ ભટ્ટ ‘મંઝિલે ઔર ભી હૈ’થી ‘કારતૂસ’ સુધીનાં કુલ ૨૫ વર્ષમાં ૪૫ જેટલી ફિલ્મો દિગ્દર્શિત કરી છે જે આંકડો બહુ મોટો કહેવાય. એક જ વર્ષમાં તેમની ત્રણ ત્રણ ફિલ્મો સેન્સર થઇ તેવું પાંચ વાર બન્યું છે તો ૧૯૯૩માં છ અને ૧૯૯૬માં પાંચ, ૧૯૯૮માં ચાર ફિલ્મો રજૂ થયેલી. એ માણસમાં કેટલી ઊર્જા હશે તે આના પરથી કલ્પી શકાય.

રાજ કપૂરે ૧૯૪૮થી ૧૯૮૫ સુધીમાં ૧૦ ફિલ્મોનું, ગુરુદત્તે ૧૯૫૧થી ૧૯૫૯ સુધીમાં આઠ, મનમોહન દેસાઇ જેવાએ ૧૯૬૦થી ૧૯૮૮ સુધીમાં ૧૯ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. તેમને પોતાની નિર્માણ સંસ્થા કરવાની ય ઉતાવળ નહોતી બસ જાણે કે કામ જ કરવું હતું એટલે તેમના નિર્માતાઓ પણ ઘણા બદલાયા. હા, વિશેષ ફિલ્મ બેનર હેઠળ તેમણે ૧૯૮૮થી ‘કબજા’ ત્યાર બાદ ‘જૂર્મ’ બનાવવા માંડી પછી એ બેનર હેઠળ કુલ ૧૩ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું જેના નિર્માતા સામાન્યપણે મુકેશ ભટ્ટ હોય. પૂજા ભટ્ટ પ્રોડકશન હેઠળ બે ફિલ્મનું દિગ્દર્શન કર્યું.

મહેશ ભટ્ટ બ્રાન્ડનું દિગ્દર્શન તમે ‘કાશ’, ‘કબજા’, ‘ડૈડી’, ‘સ્વયમ્’, ‘સડક’, ‘માર્ગ’, ‘સર’, ‘તમન્ના’, ‘ઝખ્મ’ વગેરેમાં જોઇ શકો. તેમણે આ ફિલ્મોમાં કેટલાંક યાદગાર પાત્રો પણ આપ્યાં. ‘સડક’માં સદાશિવ અમરાપુરકર, ‘સર’ અને ‘તમન્ના’માં પરેશ રાવલ અને ‘ઝખ્મ’માં પૂજા ભટ્ટનું પાત્ર. સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમસંબંધોથી માંડી પિતા-પુત્રી યા મા-દીકરાના સંઘર્ષને તેમણે પોતાની શૈલીથી ફિલ્માવ્યા છે.

તેઓએ બીજાની તૈયાર પટકથા પર બહુ ઓછી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે, કયાં જાતે લખી હોય યા લખાવી હોય. ‘અર્થ’ ‘સારાંશ’, ‘જનમ’, ‘કાશ’ ‘જખ્મ’થી માંડી છેલ્લાં વર્ષોની ‘રાઝ’, ‘જિસ્મ’, ‘પાપ’, ‘રોગ’, ‘ગૈંગસ્ટર’ અને ‘વો લમ્હે’ સહિત આશરે ૨૨ ફિલ્મોમાં તેમની વાર્તા છે. તો કુલ ૧૧ ફિલ્મોમાં તેમની પટકથા છે.

નિર્માતા તરીકે સીધું નામ જોડાયું હોય તેવી તેમની દસ ફિલ્મો છે ને તેમાં તેઓ દિગ્દર્શક ન હોય તેવું ય બન્યું છે, જેમ કે ‘ઇસ રાત કી સુબહ નહીં’, ‘ગુદગુદી’, ‘સાયા’, ‘ફૂટપાથ’, ‘સંઘર્ષ’ અને ‘ગૈંગસ્ટર’. તનુજા ચન્દ્રા, વિક્રમ ભટ્ટ, અનુરાગ બાસુ વગેરેને તેમણે દિગ્દર્શનની તક આપ્યાનું જાણીતું છે.

ફિલ્મજગતમાં બહુ ઓછા દિગ્દર્શક હશે જેમણે દિગ્દર્શક તરીકે નિવત્તિ જાહેર કરી હોય પરંતુ હવે તેમની નિવૃત્તિને દસ વર્ષ થઇ ગયાં છે. ત્યાર પછી તેમણે મુકેશ ભટ્ટને જ આગળ કરી પોતાની રીતે ફિલ્મો બનાવડાવી છે. દિગ્દર્શક હતા ત્યારે અનુપમ ખેર, પૂજા ભટ્ટ, રાહુલ રોય, અનુ અગ્રવાલ, અવતાર ગીલ, મયૂરી કાંગો વગેરેને પ્રથમ વાર તક આપનાર મહેશ ભટ્ટે દિગ્દર્શન મૂકી દીધા પછી ભાણેજ ઇમરાન હાશ્મીને સ્ટારપદ અપાવ્યું છે.

હા, હવે આત્મકથાનક પર નભતા વિષયોને બદલે સેકસ, હિંસાના વર્તમાનને તેમણે આગવી રીતે સ્થાન આપ્યું છે. તેમની ફિલ્મો સંગીતની દ્રષ્ટિએ કયારેક જ વિશેષ બની છે છતાં નદીમ-શ્રવણ, રાજેશ રોશન સાથેની ૭-૭ ફિલ્મોમાં તે તત્ત્વ પણ ભરપૂર જણાશે. અલબત્ત, અનુ મલિક સાથે ખાસ લગાવ રહ્યો છે તેથી તે ૧૨ જેટલી ફિલ્મોમાં છે.

મહેશ ભટ્ટે એક વાર કહેલું કે, હું જિપ્સી છું ને દરેક વાતે ઉતાવળમાં હોઉ છું. વાત સાચી છે પણ એ ઉતાવળમાં પણ તેમનો વળ જણાશે. એ માણસ અજંપ છે- સ્ત્રીસંબંધો બાબતે પણ- પ્રથમ પત્ની કિરણથી પૂજા અને સનીના પિતા થયેલા મહેશ ભટ્ટે ૧૯૮૬માં સોની રાઝદાન સાથે બીજાં લગ્ન કર્યા અને શાહિન, આલિયા નામની બે દીકરીના પિતા થયા.

૨૦૦૧માં ‘હકીકત’ નામના ટી.વી. કાર્યક્રમના સંચાલક આ મહેશ ભટ્ટનો પરિચય યુ.જી. કષ્ણામૂર્તિના જીવનચરિત્ર લેખનમાં ય મળશે. તેઓ પૂર્ણવિરામ નહીં અલ્પવિરામના માણસ છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive