Entertainment
Bollywood/Hollywood
Parde Ke Pichhe Parde Ke Pichhe
ચાલીસના દાયકામાં હિન્દી સિનેમાને અદભૂત સંગીત રચનાઓ આપનાર ખેમચંદ પ્રકાશના અમૂલ્ય યોગદાન પર એક નજર...
થોડા દિવસો પહેલાં મુંબઈમાં ખેમચંદ પ્રકાશ મેમોરિયલ સોસાયટી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીત-રસિકોને એક વાત યાદ કરાવી દઉ કે બે વર્ષ પહેલાં જ ખેમચંદ પ્રકાશની જન્મશતાબ્દી ગઈ, પણ તેમની યાદમાં ભાગ્યે જ કોઈ કાર્યક્રમ થયો હશે. એટલે જ થયું કે ભલે મોડા મોડા પણ તેમને યાદ તો કર્યા.
ખેમચંદનો જન્મ
ખેમચંદ પ્રકાશનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૯૦૭ના રોજ રાજસ્થાનના સુજાનગઢમાં થયો હતો. તેમના પિતા પંડિત ગોવિંદરામ પ્રસાદ જયપુરના રાજદરબારમાં સંગીતજ્ઞ હતા. મોટાભાગે ચાળીસના દાયકામાં હિન્દી ફિલ્મોમાં સંગીતકાર તરીકે સક્રિય રહેલા ખેમચંદ પ્રકાશ ઘણી રીતે મહત્ત્વપૂર્ણ સંગીતકાર હતા.
સામાન્ય પ્રજા તેમને બોમ્બે ટોકિઝની ફિલ્મ ‘મહલ’ના ગીત ‘આયેગા આને વાલા’ માટે યાદ કરે છે. લતા મંગેશકરનું આ લગભગ પ્રથમ લોકપ્રિય ગીત હતું, પણ ખેમચંદની ઓળખાણ આટલી સીમિત નથી. આજે વિડંબના એ છે કે નવી પેઢી એ ફિલ્મી ગીતોને બેહદ આઉટડેટેડ માનીને રદ કરી દે છે, એટલે આવા સંગીતકારોના પ્રદાનની યોગ્ય કદર નથી થતી.
દિલમાં વસેલાં ગીત
ખેમચંદ પ્રકાશનાં કેટલાંક ગીતની વાત કરવી એટલે જરૂરી છે કે વાચકો તેને શોધીને સાંભળે અને સમજે કે એ ગીતો શા માટે ઐતિહાસિક છે. જો તમને આ ગીતો પ્રત્યે સહેજ પણ અનુરાગ હોય તો ડાઉન મેમરી લેનમાં પહોંચી જાવ.
મને ખેમચંદ પ્રકાશજીનું સૌથી વધુ પસંદ છે તે ગીત ફિલ્મ ‘ભતૃહરિ’નું ‘ભિક્ષા દે દે મૈયા પિંગલા, જોગી ખડા હૈ દ્વાર’. રાજા ભતૃહરિના જીવન પર આધારિત આ ફિલ્મમાં સુરેન્દ્ર અને અમીરબાઈએ આ ગીત ગાયું હતું. આ ગીતનો મર્મ એ છે કે સંન્યાસ લીધા પછી રાજા તેમની રાણી પાસે જ ભિક્ષા માગવા જાય છે. આ ગીત તેની રચના, ધૂન અને ગાયકી એમ ત્રણેય રીતે અણમોલ છે.
આયેગા આનેવાલા
‘મહલ’માં ગાયિકા રાજકુમારીનાં ઘણાં ઉલ્લેખનીય ગીતો છે.‘ઘબરા કે જો હમ સર કો ટકરાયે તો અરછા હો’. આ ગીતમાં રાજકુમારીના સીધા-સાદા અવાજમાં જે વિકળતા ઝળકે છે તે બેમિસાલ છે. રસપ્રદ વાત એ છે કે તે જમાનામાં રિવાજ મુજબ બહુ જ ઓછાં વાધોનો આ ગીતમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
રાજકુમારીનું બીજું એક ગીત છે ‘એક તીર ચલા, દિલ પે લગા હાય મેરા દિલ’. આ ફિલ્મમાં જ બીજું એક ગીત છે ‘છુમ છુમ ઘૂંઘરવા...યે રાત ફિર ના આયેગી’, જે રાજકુમારી અને જોહરા અંબાલાએ ગાયું હતું. પરંતુ આ ફિલ્મમાં જ લતાએ ગાયેલ ગીત ‘આયેગા આનેવાલા’ની લોકપ્રિયતા સામે બીજાં ગીતો ઝાંખાં પડી ગયાં.
બરસો રે કાલે બદરવા
ખેમચંદ પ્રકાશે ૧૯૪૩માં ફિલ્મ ‘તાનસેન’નું સંગીત આપ્યું હતું. સહગલની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘તાનસેન’નું સંગીત હિન્દી ફિલ્મ સંગીતમાં શિખર સમાન ગણાય છે. ‘તાનસેન’નાં ગીતોમાં સહગલ સાથે મહિલા સ્વર હતો ખુરશીદનો. આ ફિલ્મનાં ગીતો ‘બરસો રે કાલે બદરવા’ અને ‘ઘટા ઘટઘોર મોર મચાયે શોર’ બેહદ યાદગાર છે.
સહગલે આ ફિલ્મમાં ‘દીયા જલાઓ’ જેવું ગીત ગાયું હતું, જે રાગ દીપક પર આધારિત હતું. આ સિવાય ફિલ્મમાં ‘કાહે ગુમાન કરે ગોરી, ‘સપ્ત સુરન તીન ગ્રામ’, ‘રુમઝુમ રુમઝુમ ચાલ તિહારી’ અને ‘બિના પંખ કા પંછી હૂં મૈં’ જેવાં અમર ગીતો સામેલ છે. શાસ્ત્રીય સંગીતના જાણકારો ‘તાનસેન’ને ખેમચંદની શ્રેષ્ઠ ફિલ્મ માને છે.
ચંદા રે જા રે જા
ખેમચંદજીની વાત ચાલતી હોય અને ફિલ્મ ‘જિદ્દી’ની વાત ના કરીએ તે કેમ ચાલે? આ ફિલ્મની વાત એટલે જરૂરી છે કારણ કે તેમાં કિશોરકુમારને પ્રથમ વાર તેમણે તક આપી હતી. દેવ આનંદ માટે કિશોરકુમારે ‘મરને કી દુઆ કયોં માગું’ જેવું ગીત ગાયું હતું. જૂની પેઢીના લોકો ખેમચંદજીનાં ગીતો આજે પણ લગનપૂર્વક સાંભળે છે.
Name:
Email ID:
Comments:
Code: