Entertainment
Bollywood/Hollywood
Parde Ke Pichhe Parde Ke Pichhe
૯ જુલાઈના રોજ અતિ પ્રતિભાશાળી ભારતીય દિગ્દર્શક ગુરુ દત્તની જન્મજયંતી આવે છે, તે નિમિત્તે તેમની જીવનઝરમર...
- ગુરુ દત્તનો જન્મ ૯મી જુલાઈ ૧૯૨૫ના રોજ બેંગલુરુમાં શિવશંકર પાદુકોણના ઘરે થયો હતો. ગુરુ દત્તનું સાચું નામ વસંતકુમાર શિવશંકર પાદુકોણ છે.
- ગુરુ દત્તના પિતા શિક્ષક હતા અને અંગ્રેજીમાં કવિતાઓ લખતા હતા, જયારે ગુરુ દત્તનાં માતા આઠ ભાષાનાં જાણકાર હતાં. આમ તેમને સર્જનાત્મકતાનો વારસો માતા-પિતા તરફથી મળ્યો હતો.
- ગુરુ દત્તના પિતાએ શિક્ષકની નોકરી છોડીને બર્મા શૈલમાં નોકરી સ્વીકારી હતી. ૧૯૩૦માં તેમની કોલકાતામાં બદલી થઈ હતી. કોલકાતામાં તેમના ઘરની પાછળ આવેલા મેદાનમાં બંગાળી લોકનાટક ‘યાત્રા’નું આયોજન થતું હતું, જે જોવાનું તેઓ કયારેય ચૂકતા નહોતા.
- મેટ્રિક પછી તેમને આગળ ભણવામાં રસ રહ્યો નહોતો. પરિવારને મદદ કરવા તેમણે શરૂઆતમાં મિલમાં અને પછી કોલકાતાની હિન્દુસ્તાન લિવરની ઓફિસમાં ટેલિફોન ઓપરેટર તરીકે નોકરી સ્વીકારી હતી, જયાં તેમનો પગાર મહિને ૩૦ રૂપિયા હતો.
- ગુરુની પ્રતિભા પારખનાર અને તેમને પ્રોત્સાહન આપનાર સૌ પ્રથમ વ્યકિત તેમના મામા બાલકૃષ્ણ બેનેગલ હતા. મામા બેનેગલ પાસે આઠ એમ.એમ.નો કેમેરા હતો અને ગુરુ માત્ર દસ વર્ષના હતા ત્યારે તેમને એ કેમેરો ચલાવતા તેમના મામાએ શીખવ્યું હતું.
- એક વાર મામા સાથે સુપ્રસિદ્ધ નત્યકાર ઉદયશંકરનું નત્ય જોવા ગુરુ દત્ત ગયા હતા અને તેઓ એટલા અભિભૂત થઈ ગયા કે નૃત્યકાર બનવાનું નક્કી કરી લીધું એટલે ૧૯૪૨માં ગુરુ દત્ત નત્યશાળામાં વિધિવત્ નૃત્ય શીખવાનું શરૂ કરે છે.
- ગુરુ દત્તના પિતાજીની મુંબઈ બદલી થવાથી તેઓ મુંબઈ આવે છે.
- મુંબઈમાં બેરોજગારીના દિવસોમાં ગુરુ દત્ત ફિલ્મો જોવામાં અને તેમાં કામ મેળવવામાં સમય પસાર કરે છે. આ સમયે મામા બેનેગલ ફરી મદદે આવે છે અને પ્રભાત સ્ટુડિયોના એક ભાગીદાર બાબુરાવ સાથે ગુરુની ઓળખાણ કરાવે છે અને બાબુરાવ તેમને ત્રણ વર્ષ માટે નત્ય નિર્દેશક તરીકેની કામગીરી સોંપે છે.
- ૧૯૪૫માં પ્રથમ વાર ગુરુ ‘લાખારાની’ નામની ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. આ પહેલાં તેમણે ‘ચાંદ’ ફિલ્મમાં નાની ભૂમિકા નિભાવી હતી. ‘હમ એક હૈ’માં તેઓ દિગ્દર્શક પી.એલ.સંતોષીના સહાયક તરીકે કામ કરે છે. આ ફિલ્મમાં નત્યનિર્દેશક તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી હતી.
- પ્રભાત સ્ટુડિયો બંધ થતાં તેઓ બોમ્બે આવીને બોમ્બે ટોકિઝમાં જોડાય છે અને ત્યાં ‘કિસ્મત’ જેવી સુપરહિટ ફિલ્મના દિગ્દર્શક જ્ઞાન મુખર્જીના સહાયક તરીકે કામ કરે છે.
- પ્રભાત સ્ટુડિયોમાં સંઘર્ષકાળ દરમિયાન જ દેવ આનંદ અને ગુરુએ ભવિષ્યમાં એકબીજાને મદદ કરવાનું વચન આપ્યું હતું. દેવ આનંદ નવકેતન બેનરની સ્થાપના કરે છે અને પોતાનું વચન પાળીને સંસ્થાની પ્રથમ ફિલ્મ ‘બાઝી’નું દિગ્દર્શન ગુરુ દત્તને સોંપે છે, જે બોકસઓફિસ પર હિટ જતાં દિગ્દર્શક તરીકે તેઓ સ્થાપિત થઈ જાય છે.
-‘બાઝી’ના નિર્માણ વખતે જ ગાયિકા ગીતા રોયને મળવાનું થાય છે અને તેઓ એકબીજાના પ્રેમમાં પડે છે તથા પાછળથી પરણી પણ જાય છે.
-‘બાઝી’ પછી ગુરુ દત્ત ‘જાલ’ અને ‘બાઝ’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરે છે. ત્યાર બાદ પોતાના બેનર ‘ગુરુ દત્ત ફિલ્મ્સ’ની સ્થાપના કરે છે અને સ્વતંત્ર બેનર હેઠળ ‘આરપાર’ નામની ફિલ્મનું નિર્માણ-દિગ્દર્શન અને મુખ્ય અભિનેતા એમ ત્રણેય જવાબદારી નિભાવે છે. ફિલ્મ સુપરહિટ નીવડે છે. ત્યાર બાદ ૧૯૫૫માં ગુરુ દત્ત ‘મિસ્ટર એન્ડ મિસિસ ૫૫’ નામની મનોરંજક હિટ ફિલ્મ આપે છે.
-‘મિસ્ટર એન્ડ મિસિસ ૫૫’ ના પ્રદર્શન માટે તેઓ હૈદરાબાદ ગયા હતા, જયાં એક તેલુગુ ફિલ્મ ‘રોજુલુ મરવાયુ’માં વહીદા રહેમાનનું નત્ય જુએ છે અને તેની પ્રતિભાથી ખુશ થઈ તેમની આગામી ફિલ્મ ‘સી.આઈ.ડી.’માં વહીદાને અનુબંધિત કરે છે.
-‘સી.આઈ.ડી.’ પછી તેમની માસ્ટરપીસ ફિલ્મ ‘પ્યાસા’ આવે છે, જે ભારતીય સિનેમાના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ બની રહે છે.
-‘પ્યાસા’ પછી રજૂ થયેલી તેમની ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’ને બોકસઓફિસ પર જોરદાર નિષ્ફળતા મળે છે, જેથી હતાશ થઈને તેઓ દિગ્દર્શન છોડી દે છે.
- ‘કાગઝ કે ફૂલ’નું નુકસાન ભરપાઈ કરવા માટે બોકસઓફિસને ઘ્યાનમાં રાખીને તેઓ ‘ચૌદહવી કા ચાંદ’નું નિર્માણ કરે છે, જેને બોકસઓફિસ પર સફળતા પણ મળે છે, પરંતુ ગુરુ દત્ત તે ફિલ્મથી સંતુષ્ટ નહોતા.
- તેમના બેનરની છેલ્લી ફિલ્મ ‘સાહબ, બીબી ઔર ગુલામ’ હતી, જેનું દિગ્દર્શન અબરાર અલવીએ કર્યું હતું, પરંતુ તેની દરેક ફ્રેમમાં ગુરુની છાપ સ્પષ્ટ દેખાઈ આવે છે. આ ફિલ્મને રાષ્ટ્રપતિ ચંદ્રક તેમજ ફિલ્મફેર એવોર્ડ મળે છે.
- ૧૦ ઓકટોબર ૧૯૬૪ના રોજ માત્ર ૩૯ વર્ષની ઉમરે તેઓ અનંતની સફરે ચાલી નીકળે છે. (જયંત પીઠડિયા લિખિત પુસ્તક ‘ગુરુ દત્ત કી પરછાઈયાં’માંથી સાભાર)
Name:
Email ID:
Comments:
Code: