આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે રમવાની મંજૂરી
ડ્રગ્સ અને ડોપિંગમાં સંડોવાયેલા વિવાદાસ્પદ ઝડપી બોલર મોહમ્મદ આસિફને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે(પીસીબી) દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને સાથે સાથે આગામી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટેની મંજૂરી પણ આપી દીધી છે.
પીસીબીએ જણાવ્યું હતું કે ત્રણ સદસ્યની પેનલની તપાસ અને તેમના રિપોર્ટ બાદ એ પુરવાર થઇ ગયું છે કે આસિફ ૦.૨૩ ગ્રામ હશીશ સાથે દુબઇ એરપોર્ટ પર ઝડપાયો હતો અને તેમાં તે દોષિત પુરવાર થયો હતો. આસિફે દેશ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી.
મોહમ્મદ આસિફ ગયા જૂન મહિનામાં ભારતમાંથી આઇપીએલ રમીને પરત ફરતો હતો ત્યારે હશીશ સાથે દુબઇ એરપોર્ટ પર પકડાઇ ગયો હતો અને તેને ૧૯ દિવસ સુધી દુબઇ પોલીસની હવાલાતમાં રહેવું પડ્યું હતું. આ ઉપરાંત ડોપિંગ કેસમાં પણ તે દોષિત પુરવાર થયો હતો.
દુબઇની ઘટના માટે આસિફ સામે દસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ડોપિંગને કારણે તેની ઉપર અક વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આમ એક વર્ષનો પ્રતિબંધ પૂર્ણ થાય એ સાથે તે પાકિસ્તાન માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમી શકશે.
પીસીબીના ચીફ ઓપરેટિંગ ઓફિસર સલીમ અલતાફના જણાવ્યા પ્રમાણે આસિફનો પ્રતિબંધ સપ્ટેમ્બર ૨૦૦૮માં શરૂ થયો હતો અને આ વર્ષે સપ્ટેમ્બરમાં આ પ્રતિબંધ પૂર્ણ થાય એ સાથે તે પાકિસ્તાન માટે રમી શકશે. અમે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેનું નામ મોકલી આપીશું, કેમ કે તેનો પ્રતિબંધ ૨૨મી સપ્ટેમ્બરે પૂર્ણ થાય છે અને ૨૪મીથી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ થનારો છે.
આસિફને આ ટૂર્નામેન્ટમાં શા માટે સમાવાય નહીં તેનું કોઇ કારણ મને દેખાતું નથી. ૨૨મી સપ્ટેમ્બરથી મોહમ્મદ આસિફ સંપૂર્ણપણે મુક્ત છે અને અમે ઇરછીએ છીએ કે તે પાકિસ્તાનની ટીમમાં રમે તેમ કહીને તેમણે ઉમેર્યું હતું કે દુબઇ કેસનો સવાલ છે ત્યાં સુધી અમે દસ લાખ રૂપિયાનો દંડ કરેલો છે.
Name:
Email ID:
Comments:
Code: