Entertainment
Bollywood/Hollywood
Parde Ke Pichhe Parde Ke Pichhe
માણસ સ્વતંત્ર જન્મે છે પણ આખી જિંદગી સાંકળોમાં બંધાય છે, જાણે કે જીવવા માટે વારંવાર મરવું પડે છે, પણ પ્રસિદ્ધ લોકો મર્યા બાદ પણ જાતભાતની રીતે ઘણી વાર મરે છે. લેડી ડાયનાની જેમ માઇકલ જેકસનના મોતને પણ ભવાઈ બનાવી દેવાઈ છે.
આવું બધું મેરીલીન મનરો સાથે પણ થયેલું અને એનું મોત, હત્યા કે આત્મહત્યા હતી, એ વિવાદ પર આજેય પુસ્તકો લખાય છે. માઇકલ જેકસનની ઓટોપ્સી બે વાર થઈ છે, જાણે કે શરીરની ચીરફાડ સાથે રાસાયણિક પરીક્ષણ માટે ઘણુંબધું થઈ રહ્યું છે. માઇકલની ભૂતપૂર્વ પત્ની લીઝા પ્રેસ્લીનું કહેવું છે કે જેકસનને સતત ડર હતો કે પોતે એલ્વિસ પ્રેસ્લીની જેમ નાની વયે મૃત્યુ પામશે.
નોંધનીય છે કે પ્રેસ્લીના મોતનું રહસ્ય પણ અકબંધ છે, પણ માનવામાં આવે છે કે હતાશા દૂર કરવાની દવાઓ તથા પેઇનકીલર લેવાને કારણે એનું મૃત્યુ થયેલું. જેકસનને ડેમેરોલ નામની પીડાનાશક દવાના ત્રણ ઇન્જેકશન રોજ આપવામાં આવતા. માંસપેશીઓમાંનો તણાવ દૂર કરવા તેઓ સોમા નામનું ડ્રગ્સ પણ લેતા. ચિંતા દૂર કરવાની દવા પણ ખરી.
આશ્ચર્યની વાત છે કે સફળતાના શિખર પર બેઠેલી વ્યક્તિને ચિંતા સતાવે છે, નિરાશા ધેરી વળે છે. અમીર અને પ્રસિદ્ધ લોકોને જાતભાતના રોગ થાય છે. મહેનત મજૂરી કરનારને દર્દ થતું નથી. નિરાશા શું છે એ પણ એને ખબર નથી હોતી.
સફળતા અને પ્રસિદ્ધિનું રોલરકોસ્ટર ભલભલાને વિચલિત કરી શકે છે. ઉપર-નીચે, ડાબે-જમણે, અહીંયાં-ત્યાં તીવ્ર ગતિથી ફરતા ચકડોળને રોલરકોસ્ટર કહે છે. સફળ વ્યક્તિને નિષ્ફળતાનો ડર લાગે છે. પ્રસિદ્ધ વ્યક્તિનું જીવન પ્રત્યંચા પર ચડેલા તીર જેવું હોય છે. માઇકલ જેકસનના શોની હારમાળા પંદરમી જુલાઈથી શરૂ થવાની હતી અને એનું એના પર ભારે માનસિક દબાણ હતું. સતત મનોરંજન કરવાનું દબાણ કલાકાર સહન કરી શકતા નથી. મૂડી રોકનારાઓનું દબાણ પણ જીવલેણ નીવડે છે.
જેકસનની અમરરચના ‘ચાઇલ્ડહૂડ’ ઘણા અંશે આત્મકથાત્મક રચના છે. એ આર્તનાદ કરે છે કે મને કોઈ સમજતું નથી. તેઓ મારી રમત અને જીવનને સનકીપણાની લહેર સમજે છે અને હું પણ બાળકની જેમ નિરંતર ગુલાંટ ખાઉ છું. આ મારી નિયતિ છે કે હું મારા ખોવાયેલા બાળપણનો પર્યાય આખી જિંદગી શોધતો રહું છું.
જેકસને સફળતાની ટોચના દિવસોમાં ૨૭૦૦ એકરની જમીન ખરીદેલી જેને નામ આપ્યું નેવરલેન્ડ અર્થાત્ અસંભવ જગ્યા. માઇકલ પોતાની કલ્પનામાં અહીં બાળપણની સંતાકૂકડીની રમત રમતો. તે જે કંઈ શોધી રહ્યો હતો એવું કશું જ વાસ્તવિકતામાં નહોતું.
જેકસન એક વ્યથિત વ્યક્તિ હતી, અનામથી, આઘ્યાત્મિક દર્દથી પીડિત. એને શેની તલાશ હતી, ખબર નહીં. તે મનોરંજન જગતનો હસતો-રમતો-રડતો જોકર હતો. સતત સનસનાટી પેદા કરનારી વ્યવસ્થામાં આ પ્રકારના અકસ્માત થયા જ કરે છે. સામાન્ય જીવનની અવહેલના આ પ્રકારના તરંગને જન્માવે છે. માઇકલ જેકસનના જીવન અને મૃત્યુનું રહસ્ય એના બાળપણમાં સંતાયેલું છે, જેને વ્યાવસાયિકતાએ લૂણો લગાડયો હતો.
Name:
Email ID:
Comments:
Code: