Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

બર્મ્યુડા ટ્રાયેન્ગલ વાયકા, વાસ્તવિકતા કે વહેમ?

ગયા સપ્તાહે ફ્રાન્સના વિમાનની દુઘર્ટનાએ પુન: બર્મ્યુડા ટ્રાયન્ગલના ભેદભરમ ઉખેળ્યા છે ત્યારે દુનિયાના એ સૌથી વધુ ભેદી ગણાતા દરિયાઈ પ્રદેશમાં (પાછા ફરવાની ખાતરી સાથે!) એક ડૂબકી ખવડાવે છે, ધૈવત ત્રિવેદી...

Bermuda triangleદુનિયાનો એ સૌથી વધુ રહસ્યમય વિસ્તાર છે.
ના ભૈ ના, એ બધા ટાઢા પહોરના ગપ્પા છે.
અહીંથી પસાર થતાં જહાજોએ અહીં કશુંક અજબ, રહસ્યમય અને ભેદી વાતાવરણ અનુભવ્યું હોવાનું છેલ્લાં પાંચ સૈકાથી નોંધાતું રહે છે. અરે, એ તો દરિયાના આંતરિક પ્રવાહો, મિથેન હાઈડ્રેટ જેવા ભૂગર્ભ વાયુઓ તેમજ પૃથ્વીના બદલાતા ચૂંબકિય ક્ષેત્રનું કારસ્તાન છે. એમાં રહસ્ય જેવું કંઈ નથી.

દલીલોની આવી ગરમી અનુભવાય ત્યારે વગર કહ્યો સમજી જવું જોઈએ કે વાત બમ્ર્યુડા ટ્રાયન્ગલની થઈ રહી છે. દરિયામાં મુસાફરી કરતાં જહાજો અને વિમાનોને ન સમજી શકાય તેવા રહસ્યમય સંજોગોમાં લાપતા કરી દેવા માટે કુખ્યાત એટલાન્ટિક મહાસાગરનો આ દરિયાઈ વિસ્તાર ફલોરિડા, પ્યુર્ટોરિકો અને બમ્ર્યુડાને સાંકળતો ત્રિકોણ બનાવે છે અને દુનિયાભરમાં ‘મોતના ત્રિકોણ’ તરીકે રહસ્યમય ગણાય છે. અહીં એવી અસંખ્ય દુઘર્ટનાઓ બની છે જેનું કારણ જાણી શકાયું નથી.

તાજેતરમાં બ્રાઝિલના રિઓ ડી જાનેરોથી પેરિસ જવા નીકળેલું એરફ્રાન્સનું વિમાન એવા જ અકળ સંજોગોમાં આ વિસ્તારમાં તુટી પડયું ત્યારે પણ ફરીથી એકવાર બમ્ર્યુડા ત્રિકોણની કુખ્યાતિ ચર્ચાનો વિષય બની છે. બીજી તરફ, એક રેશનલ મત એવો પણ છે જે અહીં ઘટતી દુઘર્ટનાઓને સમુદ્રના આંતરિક પ્રવાહો અને ચૂંબકિય ક્ષેત્રની ઉથલપાથલ સાથે સાંકળીને વિજ્ઞાનના વાઘા પહેરાવવા મથે છે. પરંતુ કેટલીક દુઘર્ટનાઓ અને બચી ગયેલા મુસાફરોના અનુભવો એવા ભેદી છે કે વિજ્ઞાનના નામે પણ તેનો સંતોષકારક ખુલાસો થઈ શકતો નથી. ગત સદીથી વધુ કુખ્યાત થયેલા મોતના આ ત્રિકોણ સાથે સંકળાયેલા રહસ્યનું પગેરું પાંચ સદી પહેલાં નીકળે છે.

‘અહીં બિહામણા આકારના વાદળો જાણે હુમલો કરવા આવતા હોય તેમ માથા પર ધસી આવે છે. પાણીનો રંગ કયાંક લીલો તો કયાંક ઝેર જેવો જાંબલી હોવાનો ભ્રમ થતો રહે છે. હોકાયંત્ર ઉત્તર ધ્રુવને બદલે કશીક ભળતી દિશા જ બતાવે છે. વાતાવરણમાં ચારેબાજુ અજાયબ ખોફ અનુભવાય છે. આ કંઈક ભેદી અને જોખમી જગ્યા છે.’

૧૪૯૨માં ભારતની શોધમાં નીકળીને અમેરિકા ભણી જઈ પહોંચેલા મહાન મુસાફર ક્રિસ્ટોફર કોલંબસે આપેલા આ ચાર-પાંચ વાકયોના વર્ણનથી જો એ જગ્યાની ભયાનકતા અને ભેદભરમનો અહેસાસ ન થતો હોય તો વાંચો ૧૯૭૦માં એક પાયલટ કમ બિઝનેસમેનનો રહસ્યમય અનુભવ. એનું નામ બ્રુસ ગેર્નોન. ફલોરિડાના વતની અને રિઅલ એસ્ટેટનો મસમોટો કારોબાર ધરાવતો બ્રુસ નાની ઉમરથી જ વિમાન ઊડાવવામાં માહેર થઈ ગયો હતો.

૪ ડિસેમ્બર, ૧૯૭૦ના દિવસે ફલોરિડાથી એન્ડ્રોસ ટાપુ જવા નીકળેલો ગેર્નોન કહે છે કે, ‘એ અનુભવ હું જિંદગીભર ભૂલી શકું એમ નથી. મારા પિતા અને એમના એક બિઝનેસ પાર્ટનરને લઈને મારે એન્ડ્રોસ ટાપુ એક સાઈટ જોવા જવાનું હતું. અમે બપોરે ત્રણ વાગ્યે ફલોરિડાથી ટેકઓફ કર્યું. વાતાવરણ બિલકુલ સાફ હતું અને હું અસંખ્ય વખત આ પ્રવાસ કરી ચૂકયો હતો એટલે અમે બિલકુલ સહજ પણ હતા.

લગભગ દસેક મિનિટ પછી વાદળછાયા આકાશમાં અમે પ્રવેશ કર્યો. મેં ફરીથી રૂટપ્લાન, દિશા, એર રેઝિસ્ટન્સ અને એન્જિન ટેમ્પરેચર ચકાસ્યા. અલ્ટોમીટરનો કાંટો જોઈને વધુ ઊચાઈ મેળવવા મેં થ્રોટલ ખેંરયું. ૮૦૦૦, ૧૦૦૦૦, ૧૨૦૦૦..બસ, આટલી ઊચાઈ હવે કાફી હતી.

મેં મારી સીટને જરા આરામદાયક બને એ રીતે એડજસ્ટ કરી અને સામે જોયું તો મને વાદળોનો આકાર કંઈક વિચિત્ર રીતે બદલાઈ રહ્યો હોવાનો ભાસ થયો. ઘણી વખત વિમાનમાંથી દેખાતા વાદળો આપણી મનોસ્થિતિ મુજબનો આકાર ધારણ કરતા હોવાનો ભાસ થાય છે. એટલે મેં રમૂજમાં મારા પપ્પાને કહ્યું પણ ખરૂં, ‘ડેડ, પેલું સામે દેખાતું વાદળ એન્ડ્રોસ આઈલેન્ડની આપણી સાઈટ જેવું દેખાય છે!’ પણ મારી મજાક પર હસવાને બદલે ડેડ વાદળની સામે ગંભીરપણે તાકી રહ્યા હતા.

મેં ફરીથી વાદળ તરફ જોયું. રૂના સફેદ ગોટાને બદલે ભૂખરા રંગમાં જાંબલી-લીલી ઝાંય ધરાવતું વાદળ હવે બિહામણો ચહેરો ધારણ કરીને જાણે અમારી સામે ધસી આવતું જણાયું. ગભરાટ વચ્ચે ય સ્વસ્થતા ધારણ કરીને મેં કોકપીટના કન્ટ્રોલ્સ ચેક કર્યા અને વિમાનનો વેગ ઘટાડયો. હવે અમે વાદળમાં પ્રવેશી રહ્યા હતા.

સાધારણ રીતે ચોમાસા સિવાયની ઋતુમાં દિવસ દરમિયાન વાદળમાં વિમાન પ્રવેશે ત્યારે પણ પાઈલટની વિઝિબિલિટી ૧:૬ (પ્રતિ મિનિટે ૬ માઈલ) જેટલી તો રહેતી જ હોય છે. અત્યારે ચોમાસાનો અણસાર સુદ્ધાં ન હતો પણ તોય હું નરી આંખે વિમાનથી અડધો કિલોમીટર દૂર પણ જોઈ શકતો ન હતો.

ચારે તરફ જાંબલી-લીલો પ્રકાશ આંખોને આંજી રહ્યો હતો અને વાદળમાંથી જાતભાતના આકારો ખુન્નસભરી આંખે જાણે અમારા તરફ ત્રાટકી રહ્યા હોય તેવો આભાસ થતો હતો. ડેડીએ ગભરાઈને લગભગ ચીસ પાડીને મને કહ્યું, ‘બ્રુસ, મૂવ ધ પ્લેન. કમ આઉટ ઓફ ધ કલાઉડ.’ મેં સ્વસ્થતા રાખીને વિમાનનો મોરો ઘૂમાવ્યો. ત્રણેક મિનિટ પહેલાં જે દિશાએથી અમે વાદળમાં પ્રવેશ્યા હતા એ જ દિશામાં મેં પ્લેનને વાળ્યું.

સ્વાભાવિક રીતે જ વધુ ત્રણ-ચાર મિનિટમાં અમે વાદળની બહાર નીકળી જવા જોઈએ. અમારી ચારે તરફ જાંબલી-લીલો પ્રકાશ વધી રહ્યો હતો અને વાદળનો અંત આવતો ન હતો. કયાંક મેં દિશા જોવામાં તો ભૂલ નથી કરીને? મેં ફરીથી કોકપીટની કન્ટ્રોલ પેનલ્સ તરફ જોયું એ સાથે મારૂં હૃદય ધબકારો ચૂકી ગયું. વિમાનનો કમ્પાસ ઉત્તર દિશા તરફ ચોંટેલો રહેવાનો બદલે જાણે ઘડિયાળનો સેકન્ડ કાંટો હોય તેમ ડાયલ પર દરેક બાજુએ ઘૂમી રહ્યો હતો.

મેં ફલોરિડા એરપોર્ટ સાથે કનેકટ કરવા રેડિયો ઓન કર્યોતો થોડી ઘરઘરાટી પછી બિપ..બિપ અવાજ સાથે રેડિયો પણ બંધ થઈ ગયો. અચાનક વિમાને ઊચી અગાસી પરથી પડતા મૂકાયેલા દડાની માફક નીચે પડવાની શરૂઆત કરી દીધું. માય ગોડ, હવે? મેં મહામુસીબતે કન્ટ્રોલ પેનલ કે દિશાની પરવા કર્યા વગર પ્લેનને અઘ્ધર ચડાવવાના પ્રયત્નો આદર્યા. કોકપીટની સામેનું દ્દશ્ય હવે બદલાઈ રહ્યું હતું. વાદળમાંથી ડોકાતા ભેદી આકારો વચ્ચે અંગ્રેજી ‘ટી’ જેવા આકારમાં ખુલ્લા આકાશ જેવો ભૂરો ઊજાસ દેખાતો હતો.

વિમાનના એકપણ કન્ટ્રોલ્સ કામ લાગતા ન હતા. કેટલો સમય વિતી રહ્યો છે એનું પણ ભાન ન હતું અને અમે તદ્દન ગુરુત્વાકર્ષણ વિહિન હાલતમાં ફંગોળાતા અચાનક એ ‘ટી’ આકારમાં પ્રવેશ્યા. થ્રોટલ પર મૂકાયેલા મારા હાથમાં હવે વજન વર્તાવા લાગ્યું એટલે ટેવવશ મેં થ્રોટલ ખેંરયો એ સાથે ફંગોળાતું વિમાન સ્થિર થયું. ઓહ, ઈટ ઈઝ વર્કિંગ! હવે કન્ટ્રોલ પેનલ પર સગ્નિલ ચાલુ થઈ ગયા હતા. મતલબ કે આ ‘ટી’ આકારનો વાદળનો હિસ્સો વિમાનને સપોર્ટ કરતો હતો.

મેં મરણિયા બનીને વિમાનનો મોરો ઘૂમાવ્યો. માંડ કાબૂમાં આવેલું વિમાન હવે ઊભા પાંખીયામાં પ્રવેશીને ડાબી તરફ વળી ગયું હતું અને હવે એ બિહામણા વાદળો ધીમે ધીમે અદ્દશ્ય થઈ રહ્યા હતા અને જાંબલી-લીલા પ્રકાશના સ્થાને હવે આકાશનો કુદરતી ભૂરો રંગ પથરાઈ રહ્યો હતો. અચાનક રેડિયો પણ ચાલુ થઈ ગયો હતો અને હોકાયંત્રની સોય પણ ડાહીડમરી થઈને ઉત્તર દિશા પર બેસી ગઈ હતી.

વીસ મિનિટ પછી અમે જયારે એન્ડ્રોસ ટાપુ પર લેન્ડિંગ કર્યું ત્યારે પણ અમારા શ્વાસોરછવાસ ધમણની જેમ હાંફતા હતા. સાધારણ રીતે ૪૫ મિનિટમાં પૂરી થઈ જતી મુસાફરીમાં આ વખતે અમારે સવા બે કલાક થયા હતા. મને આજ સુધી એ બિહામણા અનુભવનો ખુલાસો મળતો નથી.’બ્રુસ ગેર્નોનનો આ અનુભવ વિખ્યાત વિજ્ઞાનલેખક આર્થર સી. કલાર્કના પુસ્તક ‘ધ મિસ્ટિરિયસ યુનિવર્સ’ ઉપરાંત બમ્ર્યુડા ટ્રાયન્ગલ પર એ જ નામથી પુસ્તક લખીને ચકચાર જગાવનાર લેખક-પત્રકાર ચાલ્ર્સ બર્લિત્ઝના પુસ્તક ‘વિધાઉટ અ ટ્રેસ’માં પણ લેવાયો છે.

આવો રહસ્યમય અને ખોફનાક અનુભવ કરનાર બ્રુસ ગેર્નોન એકલો નથી. બીજા ય સેંકડો પાઈલટ, મુસાફરો અને જહાજોના નાવિકો બમ્ર્યુડા ત્રિકોણમાં આવો વિચિત્ર અને સમજી ન શકાય તેવો અનુભવ કરી ચૂકયા છે. ૧૯૪૫માં અમેરિકન નૌકાદળનું વિમાન ફલાઈટ નં. ૧૯ આ વિસ્તારમાં ગાયબ થઈ ગયેલું. એ વિમાનને શોધવા નીકળેલું બીજું એક વિમાન પણ એ જ દિવસે કોઈ જ દેખીતા કારણ વગર વિસ્ફોટમાં ઊડી ગયેલું.

એ દુઘર્ટનાના કારણો માટે પણ આજ સુધી ગળે ઉતરે તેવો ખુલાસો જડતો નથી. ગત સદીના ઉત્તરાર્ધથી બમ્ર્યુડા ત્રિકોણની રહસ્ય સર્જતી હોનારતો પ્રકાશમાં આવ્યા પછી દુનિયાભરના વિજ્ઞાનીઓ તેનું રહસ્ય ઉકેલવા મથે છે. કોઈક તેને બદલાતા ચૂંબકિય ક્ષેત્ર સાથે સાંકળે છે તો કોઈક દરિયાના પેટાળમાંથી પેદા થતાં મિથેન હાઈડ્રેટ નામના વાયુના કારણે પાણીની ઘનતા ઘટી જવાને લીધે જહાજો ડૂબી જતાં હોવાનો ખુલાસો કરે છે.

પણ તો પછી હવાઈજહાજ તુટી પડવાનું કે ગાયબ થઈ જવાનું કારણ શું? દરિયામાં ગરમ પાણીના પ્રવાહોને લીધે સર્જાતા આકસ્મિક તોફાનોની થિયરી હવાઈજહાજને તો લાગુ ન પડે ને? તો પછી એવું કયુ પરિબળ છે જે આ વિસ્તારમાં જળ, સ્થળ અને આકાશ સુધી વણઓળખાયેલું રહીને તબાહી મચાવતું રહે છે? સ્પષ્ટ ઉત્તરના અભાવમાં પરગ્રહવાસીઓની હાજરીની માન્યતાએ પણ એક તબક્કે જોર પકડયું હતું.

વિખ્યાત દિગ્દર્શક સ્ટિવન સ્પિલબર્ગે પણ સાયન્સ ફિકશન ફિલ્મ ‘કલોઝ એન્કાઉન્ર્ટસ ઓફ ધ થર્ડ કાઈન્ડ’માં પરગ્રહવાસીઓને જ આ કારસ્તાન માટે જવાબદાર ગણાવ્યા હતા. તાજેતરમાં એરફ્રાન્સના વિમાનની દુઘર્ટનાએ બમ્ર્યુડાના બદનામ ત્રિકોણના ભેદભરમને ફરીથી તાજાં કર્યા છે ત્યારે ફરીથી એક વખત રહસ્યની વાયકા અને વિજ્ઞાનની વાસ્તવિકતા વચ્ચે અંતહિન બહસ છેડાતી રહેશે.

ઇન સાઈડ ધ ટ્રાયેન્ગલ

એટલાન્ટિક મહાસાગરમાં ફલોરિડા, પ્યુર્ટોરિકો અને બમ્ર્યુડાને સાંકળતો ત્રિકોણ ‘બમ્ર્યુડા ત્રિકોણ’ તરીકે ઓળખાય છે.
ગત સદીથી વધુ કુખ્યાત થયેલા મોતના આ ત્રિકોણ સાથે સંકળાયેલા રહસ્યનું પગેરું પાંચ સદી પહેલાં નીકળે છે.
બ્રુસ ગેર્નોન નામના પાયલટે આ વિસ્તારમાંથી બહાર નીકળીને તેનો અનુભવ વર્ણવ્યો. તેના આધારે વિજ્ઞાનલેખક આર્થર સી. કલાર્કે ‘ધ મિસ્ટિરિયસ યુનિવર્સ’ અને લેખક-પત્રકાર ચાલ્ર્સ બર્લિત્ઝે ‘વિધાઉટ અ ટ્રેસ’ નામના પુસ્તકો લખ્યા છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: