ખુશરૂપુર સ્ટેશન પર શ્રમજીવી એકસ.નો સ્ટોપેજ બંધ કરવાથી નારાજ થયા હતા- મમતાએ તપાસના આદેશ આપ્યા
બિહારના ખુશરૂપુર સ્ટેશન પર શ્રમજીવી એકસપ્રેસના સ્ટોપેજને બંધ કરી દેવાથી નારાજ થયેલા લોકોએ સોમવારે રેલવે સ્ટેશન અને બે ટ્રેનોમાં આગ લગાડી દીધી હતી. જો કે, ઘટનામાં કોઇ ઘાયલ થયું નથી.
આ ઉપરાંત, નારાજ થયેલી ભીડે રેલવે ટ્રેક તોડી નાખ્યો હતો, જેના કારણે હાવડા, રાજગીર, દરભંગા અને સહરસા તરફ જતી ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર રોકી દેવી પડી હતી. રેલવે પ્રધાન મમતા બેનરજીએ મામલાની તપાસનો આદેશ આપતા જણાવ્યું કે, ખુશરૂપુરમાં અગાઉની જેમ જ ટ્રેનો રોકાશે. તેમણે આક્ષેપ પણ કર્યોકે, આ હિંસા લોકોની સ્વાભાવિક પ્રતિક્રિયા ન હતી, પરંતુ તેમને ભડકાવાયા હતા.
ચાર ડબ્બા સળગાવ્યા :
પૂર્વ-મઘ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી એ.કે.ચંદ્રાએ જણાવ્યું કે, શ્રમજીવી એકસપ્રેસનો સ્ટોપેજ બંધ થવાની માહિતી મળ્યા બાદ મોટી સંખ્યામાં લોકો પટનાથી ૩૨ કિમી દૂર આવેલા ખુશરૂપુર સ્ટેશનમાં ઘૂસી આવ્યા હતા અને તેમણે સ્ટેશન પર તોડફોડ કરવાની સાથે ત્યાં ઊભેલી રેલગાડીઓમાં આગ લગાડી દીધી હતી.
ગુસ્સે ભરાયેલી ભીડે કેટલાંય સ્થળો પર પાટા પણ ઉખાડી નાખ્યાં હતાં. ઘટનાની માહિતી મળતાં દોડી આવેલા પોલીસ અને રેલવે અધિકારીઓએ ભીડને આશ્વાસન આપતા જણાવ્યું કે, ખુશરૂપુર સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ બંધ કરવાના આદેશને અસ્થાયી રીતે હટાવી લેવાયો છે. ચંદ્રાએ વધુમાં જણાવ્યું કે, શ્રમજીવી એકસ. સહિત અન્ય ટ્રેનોના સ્ટોપેજ બંધ કરવા સંબંધે પૂર્વ-મઘ્ય રેલવે દ્વારા આપવામાં આવેલા આદેશની સમીક્ષા કરવામાં આવશે.
ઉચિત કાર્યવાહી કરાશે :
આ બાજુ કોલકાતામાં મમતાએ જણાવ્યું કે, રેલવે પ્રધાન હોવાના નાતે તેઓ કોઇ પણ સુવિધા પાછી ખેંચવાના પક્ષમાં નથી. તેમણે જણાવ્યું કે, મંત્રાલયની મંજૂરી વગર સ્થાનિક સ્તરે નિર્ણય લેવાયો છે. ખુશરૂપુરની હિંસાની નિંદા કરતાં મમતાએ જણાવ્યું કે, આ બાબતે તપાસ કરીને જવાબદાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
નીતીશ જવાબદાર : લાલુ
આ બાજુ આ હુમલા લાલુ-મમતાની લડાઇ હોવાની મીડિયામાં ચર્ચાતાં લાલુપ્રસાદે જણાવ્યું કે, આ ઘટનામાં તેમનો કોઇ હાથ નથી અને રેલગાડીઓના સ્ટોપેજ સ્થાનિક લોકોની માગણીને અનુલક્ષીને ચાલુ કરાયા હતા.
તેમના અનુસાર, નવા રેલવેપ્રધાન મમતા બેનરજી પણ આવો કોઇ નિર્ણય લે તેવા નથી. આ ઘટના માટે તેમણે બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારને જવાબદાર ઠેરવતાં જણાવ્યું કે, તેમની સરકાર કાયદો-વ્યવસ્થા જાળવી રાખવામાં નિષ્ફળ ગઇ છે.
Name:
Email ID:
Comments:
Code: