સ્વાઈન ફ્લૂના હાઉને કારણે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હજી તો સ્ક્રિનિંગ ડ્રાઈવ શરૂ જ થયેલી ત્યાં બ્રિટનથી આવેલા એક પ્રવાસીએ એરપોર્ટ સત્તાવાળાઓને હેરાન કરી નાખ્યા હતા. બ્રિટનથી હૈદરાબાદ જઈ રહેલા આ પ્રવાસીને મુંબઈ એરપોર્ટ પર સ્વાઈન ફ્લૂની ચકાસણી માટે રોકી રખાયો હતો.
જોકે પછીથી એને એના ગંતવ્ય સ્થળે જવાની પરવાનગી અપાઈ હતી. નિયમ પ્રમાણે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરતા દરેક પ્રવાસીને એક વિસ્તૃત ફોર્મ ભરવાનું હોય છે. જેમાં એમનો નજીકના ભૂતકાળનો પ્રવાસ ઈતિહાસ તથા કોઈ રોગના લક્ષણો (જો હોય તો) વિશે માહિતી ભરવાની હોય છે.
આ ફોર્મમાંની માહિતીના આધારે હૈદરાબાદ જતાં એક પ્રવાસીને રોકવામાં આવ્યો હતો અને એને સ્વાઈન ફ્લૂ છે કે કેમ એની ચકાસણી કરવાનું ઠરાવાયું. જોકે આ પ્રવાસીએ વિરોધ કરી સૌના જીવ ચા કરી દીધા હતા. ‘‘મને સવારે અગિયાર વાગ્યે સંદેશ મળ્યો કે એક પ્રવાસીને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે,’’ ડિરેકટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસેસના (ડીજીએચએસ) ડો. રવિન્દ્ર કટ્ટીએ જણાવ્યું હતું.
એરપોર્ટ પરની સ્ક્રિનિંગ પ્રક્રિયા સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સર્વિસેસના ડોકટરો હાથ ધરે છે, યુનિયન હેલ્થ મિનિસ્ટરીએ ઘડી કાઢેલા પ્રોટોકોલ અનુસાર આ સ્ક્રિનિંગ પાર પડે છે કે કેમ એ માટે મદદ કરવા દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેબલ ડિસિઝિસના એક નિષ્ણાત પણ હાજર રહે છે.
ડો. કટ્ટી અનુસાર મુંબઈ સ્વાઈન ફ્લૂના સંભાવિત ખતરા સામે લડવા સંપૂર્ણપણે સજજ છે. બીએમસી સંચાલિત કસ્તુરબા હોસ્પિટલમાં ખાસ ઉપકરણો સાથે વીસ બીછાના તૈયાર રખાયા છે.
Name:
Email ID:
Comments:
Code: