વિશ્વ સિનેમામાં જાપાનીસ, ઇટાલિયન અને ભારતીય ફિલ્મોમાં લાગણી અને સંવેદનો ભરપૂર માત્રામાં હોય છે. એવું કહી શકાય કે આ દેશોના ફિલ્મસર્જકો હૃદયથી વિચારે છે.
સંજય લીલા ભણસાળી. આ માણસ જયારે ફિલ્મ બનાવે ત્યારે જ નહીં, જયારે એની ફિલ્મ એનાઉન્સ થાય ત્યારથી જ ચારેકોર ચર્ચાઓના દોર શરૂ થઈ જાય. ‘ખામોશી’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘દેવદાસ’, ‘બ્લેક’ અને ‘સાંવરિયા’. એ પછી શેડયૂલ્ડ છે, ‘બાજીરાવ મસ્તાની’. પદ્માવતીથી એણે સ્ટેજનો અનુભવ પણ લીધો. સંજયની ફિલ્મોમાં ભવ્ય સેટ્સ, કલરથી ભરપૂર ફ્રેમ, ઢેર સારે પાત્ર, લાર્જર ધેન લાઈફ પ્રોડકશન, મસમોટું બજેટ, કર્ણપ્રિય મ્યુઝિક અને હૃદયને વીંધીને આરપાર નીકળી જાય એવી લાગણીશીલ વાર્તા...
આ બધું એટલે સંજય લીલા ભણસાળીની કોઈ પણ ફિલ્મ. ભારે સંઘર્ષ વેઠીને આ ગુજરાતી આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ટોચનો નિર્માતા- દિગ્દર્શક બન્યો છે. સંજયની ફિલ્મ માણવા માટે તમારી પાસે સંવેદનશીલ હૃદય જોઇએ. સતત કાળા વસ્ત્રો પહેરતો અને મોંમાં રયુઇંગમ ચાવતો આ થોડો ધુની દિગ્દર્શક મીડિયા સાથે બહુ ઓછી વાત કરે છે. એની વિવિધ મુલાકાતોમાંથી વીણેલાં મોતીડાં પરથી જાણીએ એના મનમાં શું ચાલે છે...
દેવદાસ પછી, બ્લેક અને સાંવરિયામાં પણ એક રોમેન્ટિક કહાણી... જુઓ, હું કયારેય કોઈ પોઈન્ટ સાબિત કરવા માટે કોઈ ફિલ્મ બનાવતો નથી. દેવદાસ જેવી કરુણ પ્રેમકહાણી કહ્યા પછી મેં બ્લેક બનાવી કારણ કે હું મિશેલ મેકનેલીની વાત કહેવા માગતો હતો. એ પછી સાંવરિયામાં મારે એક પરીકથા જેવી પ્રેમકહાણી કહેવી હતી.
મારા માટે તો બ્લેક જેવી કહાણીમાંથી સાંવરિયા જેવી રોમેન્ટિક- મ્યુઝિકલ લવસ્ટોરીનો જમ્પ એકસાઈટિંગ ચેલેન્જ હતો. આ પહેલાં મેં કયારેય નવોદિતોને લઈને ફિલ્મ બનાવી નથી. મારી લગભગ બધી જ ફિલ્મો ઓડિયન્સને ગમી છે. સાંવરિયાને પણ બમ્પર કહી શકાય એવું ઓપનિંગ મળેલું.
બ્લેક પછી મને કયાંય જંપ વળતો નહોતો. હું સતત વિચારતો હતો કે હવે મારે શું કરવું જોઈએ. ત્યાર સુધીમાં હું અમિતજી, સલમાન, શાહરુખ સાથે કામ કરી ચૂકયો હતો. મારી જાતને હું સતત પ્રશ્ન પૂછી રહ્યો હતો કે મારે મારી સામે જ કોઈ નવો પડકાર ઊભો કરવા માટે શું કરવું જોઈએ. પછી મને એવો વિચાર સ્ટ્રાઈક થયો કે નવોદિતોને જ લઈને એક સિમ્પલ, ફ્રેશ લવસ્ટોરી બનાવીએ તો કેવું રહે?
એવી કોઈક લવસ્ટોરી જે રાજ કપૂર-નરગિસની હેડીની હોય. મારે ફેમિલી ડ્રામા નહોતો જોઈતો. મારે એવા લોકો નહોતા જોઈતા જે ફિલ્મથી પણ મોટા હોય. ડાયલૉગ્સનો સાઉન્ડ અને કલર્સ પણ મારે અલગ જોઈતા હતા. મારે જેવી ફિલ્મ જોઈતી હતી એનું સમગ્ર કિલયર પિકચર મનમાં ઉપસાવવા માટે મને એક વર્ષ લાગ્યું.
એમની સાથે કામ કરવાનો અનુભવ...
લિટરલી, મેં આ ફિલ્મ બનાવતી વેળાની એકેએક ક્ષણ એન્જૉય કરી છે. રણબીર અને સોનમ સાથે કામ કર્યા બાદ હવે હું પણ યુવાન બની ગયો હોઉં એવું મને લાગે છે. મારા માટે તો સાંવરિયા સ્ટ્રેસ બસ્ટર જેવી જ સાબિત થઈ. સામાન્ય રીતે હેવી ડયૂટી ફિલ્મો કર્યા બાદ મને સખત સ્ટ્રેસ્ડ ફીલ થતું હોય છે. મારે એમની એકેએક ચીજનો ખ્યાલ રાખવો પડતો- રિબિન, ઈયરિંગ્સ, બેલ્ટ અને નાડાં સુદ્ધાંનો.
સેટ પર તો હું તેમનાં મમ્મી અને પપ્પા જેવો બની ગયો હતો. અને મારે કહેવું જોઈએ કે તેઓ પણ બહુ કહ્યાગરાં બાળકો બની રહ્યાં હતાં. અફકોર્સ, એવું પણ બનતું કે તેઓ કેટલીક ચીજો સાચી રીતે ન કરે, પરંતુ તમે એ વિચારો કે જેમણે આ પહેલાં કયારેય કેમેરા ફેસ નથી કર્યો, તેઓ અચાનક જ આવા ભવ્ય સેટ પર કેમેરા સામે આવી પહોંચે, જયાં એકસાથે હજારો લાઈટો તમને ફેસ કરતી હોય, ઈટ્સ નોટ ઈઝી એટ ઓલ. તમે નીતિન દેસાઈ સ્ટુડિઓઝમાં મારો સેટ જોયો હોત તો તમને ખબર પડે, હું ખાતરીપૂર્વક કહું છું કે આખા એશિયામાં આવો ભવ્ય સેટ નહીં બન્યો હોય!
એવોડ્રસ...
હું ક્યારેય એવૉડ્ર્સ માટે ફિલ્મો બનાવતો નથી. લોકો વિચારી શકે એના કરતાં પણ કયાંય વધુ મહેનત હું કરું છું. હું તો કહીશ કે હું, ઈશ્વરે મને જેટલો મહેનતુ બનાવ્યો છે એના કરતાં પણ વધારે મહેનતું છું. મારે બદલે બીજા કોઈને એના કામ માટે એવૉર્ડ મળે ત્યારે મારે ઊભા થઈને એનું અભિવાદન કરવું જ રહ્યું. એ જ સમય છે મારે માટે કે મારે એમાંથી બોધપાઠ શીખીને આગળના કામ માટે કમર કસી ને મચી પડવું. આજ સુધી મને એક પણ નેશનલ એવૉર્ડ મળ્યો નથી, પણ એનાથી મને જરાય અધુરપ લાગતી નથી.
બ્લેકમાં પૃષ્ઠભૂમિ તરીકે એંગ્લો-ઈંડિયન પરિવાર પસંદ કરવા વિશે...
કેમ આપણે ત્યાં હિંદુ, મુસ્લિમ અને શીખ પરિવારોને ઘ્યાનમાં રાખીને ફિલ્મો બનાવવામાં આવે જ છે ને. તો પછી ખિ્રસ્તી પરિવારને લઈને ફિલ્મ બનાવવામાં શું વાંધો હોય? અપણાર્ સેનની ‘૩૬ ચૌરંગી લેન’ પણ આવા જ પરિવારને ઘ્યાનમાં રાખીને બનાવાઈ હતી ને. આમેય એંગ્લો-ઈન્ડિયન પરિવારો મારા જીવનનો બહુ મહત્ત્વનો હિસ્સો રહ્યા છે.
સ્કૂલમાં પણ મારા બધા જ શિક્ષકો એંગ્લો-ઈન્ડિયન હતા. આ બહુ પ્રેમાળ સમુદાય કયાંક પાછળ છૂટી ગયો. પરંતુ તેઓ વિદેશી નથી, તેમણે મારા પર ઊંડી છાપ છોડી છે. મંદિરની જેમ જ હું દર અઠવાડિયે ચર્ચ જાઉં છું. મારી ફિલ્મોમાં ચર્ચ નિયમિતપણે દેખાય જ છે. હું તો એવું ઈરછું કે મારી દર બીજી કે ત્રીજી ફિલ્મનાં પાત્રો એંગ્લો-ઈન્ડિયન જ હોય.
બ્લેક અને મિરેકલ વર્કર...
‘બ્લેક’ વિશે જથ્થાબંધ ટીકાઓ થઇ કે તે આર્થર પેનની ‘મિરેકલ વર્કર’થી પ્રેરિત છે. હું માનું છું કે ટીકા એ આગળ વધવા માટેનું તંદુરસ્ત ટોનિક છે. દરેક વ્યકિતને મારી ફિલમ પરાણે ગમાડવી જ પડે એ જરૂરી નથી. જો જ્યા બરચનજીએ મારી ફિલ્મ ‘દેવદાસ’ની તંદુરસ્ત ટીકા કરી જ ન હોત, તો તો હું બ્લેક ક્યારેય બનાવી જ ન શક્યો હોત. એમણે મને ક્રિએટિવ થ્રસ્ટ આપ્યો કે મારે કશુંક સાવ નવું જ કરવું જોઇએ. જો અમુક લોકોને બ્લેક નહોતી ગમી, તો ઇટ્સ ફાઇન. પણ એક વાત ચોક્કસપણે કહી જ શકું કે બ્લેક એ મિરેકલ વર્કર નહોતી જ. બ્લેક એ હેલન કેલરની જીવનકથા હતી અને એમાં ટાઇમલેસ કવૉલિટી છે.
એ ગમે ત્યાં ગમે તે રીતે વ્યકત થઈ શકે. પછી એ ફિલ્મ હોય, ટીવી હોય કે નાટક હોય, ભારતમાં હોય કે હોલિવૂડમાં. જો કોઇ ડાયરેકટર હેલન કેલરને પોતાની રીતે મૂલવે તો એનો અર્થ એ નથી કે એ કોઇની નકલ કરી રહ્યો છે. હેલન કેલરનું જીવન સૌ માટે દાખલારૂપ છે. હું પોતે પણ એમાંથી ઘણું બધું શીખ્યો-પામ્યો છે. વિધાર્થીના જીવનમાં એક શિક્ષકનું શું મૂલ્ય હોય, એ હું એમાંથી શીખ્યો છું.
ડાયરેકટરનાં લક્ષણ ઈન્સ્ટિટ્યૂટમાંથી
પૂણે ફિલ્મ ઈન્સ્ટિટયૂટની ડિગ્રી, નાના પડદા માટે બેલે ડાન્સની કોરિયોગ્રાફી અને તેનું પ્રેઝન્ટેશન. સંજય લીલા ભણસાળી માટે આ બહુ ઓછી જાણીતી માહિતી છે. સતત કાળા રંગનાં જાજરમાન વસ્ત્રોમાં સજજ રહેતા અને મોંમાં રયુઈંગમ ચાવતા રહેતા સંજયે સતત ત્રણ વર્ષ સુધી ઓડિસી ડાન્સ શીખ્યો છે. સંજય ભણસાળી સારચે જ બહુમુખી પ્રતિભા છે. નૃત્યનો અનુભવ જ કદાચ કામે લગાડયો હશે કે વિધુ વિનોદ ચોપરાની ‘૧૯૪૨ અ લવ સ્ટોરી’નાં ગીતોનું કાવ્યાત્મક નિર્દેશન કર્યું હતું.
તેણે ‘ખામોશી’ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’ ડિરેકટ કરવાની સાથોસાથ તેની વાર્તા પણ લખી હતી. ખામોશીનું જટિલ વિષયવસ્તુ અને તેનું હેન્ડલિંગ જુઓ તો સમજાય કે આમાં દિગ્દર્શકે કેટલું બારીક કાંતવું પડયું હશે! પૂણે ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતી વેળા એણે બનાવેલી ફિલ્મ ‘અગ્નિકામ’ને પણ વિવેચકોના સરસ પ્રતિભાવો મળ્યા હતા. જાણકારો તો ત્યારે જ પામી ગયા હતા કે આ જુવાનિયો હિન્દી ફિલ્મોમાં નવો અને ધરખમ ચીલો પાડવાનો જ છે. આજે તો ભણસાલી એ ‘એસએલબી ફિલ્મ્સ’ નામે પોતાની જ એક પ્રોડકશન કંપની ખોલી છે.
Name:
Email ID:
Comments:
Code: