Gujarat
Rajkot City Rajkot City
ઊમર ૭૦ વર્ષ, બાંધો-એકલકડી, ભણતર-ત્રણ ચોપડી, મૂળ વતન મોટા ભેલા, હાલનું નિવાસ રાજકોટમાં કાલાવડ રોડ પર હાઉસિંગ રૂરલ બોર્ડ અને ખાસ બાબત એ કે ઘરની તમામ જવાબદારી પૂર્ણ કરવાની સાથે પરિવારને મદદરૂપ થવા દૂધના પાઉચનું વેચાણ, અને તેનાથી પણ અતિ અગત્યનો મુદ્દો એ કે બૂઝુર્ગ મહિલા જે કંઈ કમાણી કરે એમાંથી દેશને આપવાનો થતો હિસ્સો ઈન્કમટેકસરૂપે આપવાની નિયમિત તકેદારી દેશનો અમુક વર્ગ એવો છે જે કરોડોની કમાણી કરે છે છતાં લાખોનો ઈન્કમટેકસ ભરવામાં તેમને ‘શરમ’ આવે છે અને એટલે જ ઈન્કમટેકસ ડિપાટર્મેન્ટને દરોડા પાડવા પડે છે, કાર્યવાહી કરવી પડે છે.
જયારે બીજી તરફ એવો વર્ગ (કે જેનું કદ અત્યંત નાનું, સિમિત છે) પણ છે જે પોતાના વતનની મીટ્ટી કે જેણે આમદની, રોટલો આપ્યો એનું ઋણ અદા કરવાનું ચૂકતો નથી. રાજકોટમાં રહેતા અને કાલાવડ રોડ નજીકના ૮૦ ફૂટ રોડ પર બેસી દૂધના પાઉચનું નિયમિત વેચાણ કરી પરિવારને મદદરૂપ થતા રમાબેન મહેતા ભલે બહુ ભણ્યા નથી પરંતુ હિસાબ-કિતાબના એકદમ પાક્કા. ૭૦ વટાવ્યા છતાં આંખે ચશ્મા ધારણ નથી કરવા પડતા ને સવારે પાંચના ટકોરે દૂધનું ‘મોબાઈલ’ વેચાણ કેન્દ્ર ખોલવામાં આજની તારીખે’ય તેમને કોઈ તકલીફ નથી પડતી.
શિયાળો, ઉનાળો હોય કે ચોમાસું... સવારે ૫-૦૦ વાગ્યે રમાબેનની ‘દુકાને’ દૂધનો ધક્કો ન જ થાય, દરરોજ ૪૦૦થી ૫૦૦ બેગ્ઝનું એકલા હાથે વેચાણ કરતા ‘માજી’નો હિસાબ પણ એકદમ પાક્કો, અને વ્યવહાર ચોખ્ખો. જેટલી કમાણી થાય, એમાં કરચોરી કરવાને બદલે આવકવેરો નિયમિત ભરવાનો. વકીલ કે કાગળિયાની ઝંઝટમાં કોણ પડે ? એવું વિચારવાને બદલે ‘માડી’ ભૂમિનું ઋણ ઊતારવામાં માને.
જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા શહેરમાં ૯૦૦થી વધુ ઓટલા કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે જે પૈકી ૫૦ ટકા કેન્દ્રો તો ‘મોબાઈલ’ એટલે કે રસ્તા પર સાઈડમાં બેસીને ચાલતા હોય એવા છે. શહેરમાં ૨૫૦થી વધુ પ્રોવિઝન સ્ટોર્સને દૂધ વેચવાની મંજૂરી આપવામાં આવી છે.
દૂધ વેચાણ માટે અનુભવને પ્રાયોરિટી ગણી મંજૂરી આપવામાં આવે છે છતાં રમાબેન મહેતા જેવી ચોકસાઈ, આવકવેરો ભરવાની તકેદારી બહુ ઓછા એજન્ટ રાખે છે તેમ જણાવતા મેનેજર માર્કેટિંગ એમ.સી. કકકડે વધુમાં ઉમેર્યું હતું કે ડેરી વિભાગને તો આવા એજન્ટસ માટે માન હોય જ પણ દેશવાસીઓ માટે પણ આવું વ્યકિતત્વ દાખલારૂપ છે.
બધા નાગરિકો આવું વિચારે તો કેવું સારું !
જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના મેનેજર માર્કેટિંગ એમ.સી. કકકડે જણાવ્યું હતું કે, દેશનો પુખ્ત અને કમાતો વર્ગ વયોવૃઘ્ધ માજીની જેમ પોતાની આવકનો થોડો હિસ્સો દેશને આપવાની પ્રામાણિકતા દાખવે તો ઈન્કમટેકસ ડિપાટર્મેન્ટને કયારેય દરોડા પાડવાનો વખત ન આવે. આવા એજન્ટ અમારા ડેરી વિભાગનું ગૌરવ છે.
Name:
Email ID:
Comments:
Code: