Divya Bhaskar

 

‘કવિતા તો જિવાતાં જીવનનો હિસ્સો છે’

Rajendra Shukla
Wednesday, April 15, 2009 17:36 [IST]
Bookmark and Share
રાજેન્દ્ર શુકલ, ગુજરાતી ગઝલ ક્ષેત્રનું એક વિશિષ્ટ નામ છે. ફારસી-ઇરાની આ કાવ્ય પ્રકારને ગુજરાતીતા આપવામાં સંખ્યાબંધ ગઝલકારોનું યોગદાન છે. એવું કહી શકાય કે અનેક કાંગરાઓથી ગુજરાતી ગઝલનો ગઢ અક્ષુણ્ણ છે, પરંતુ રાજેન્દ્રભાઈએ ગુજરાતી ગઝલના શિલ્પના ઘડતરમાં યોગદાન આપવા ઉપરાંત તેનું બારીક નકશીકામ કર્યું છે. કોઇ વિશેષ અપેક્ષા વગર કરેલું સર્જન સમયાંતરે સન્માન પામ્યું છે. રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને દિલ્હીની સાહિત્યની અકાદમીના એવોર્ડ પછી આ વર્ષે હવે નર્મદ સુવર્ણ ચંદ્રક પણ તેમને અપાઇ રહ્યો છે. એ રીતે ગઝલના લલાટે વધુ એક એવોર્ડનું તિલક થઇ રહ્યું છે ત્યારે રાજેન્દ્ર શુકલ સાથેનો વિસ્તૃત સંવાદ અહીં પ્રસ્તુત છે...

Rajendra Shuklaએ સમય હશે ૧૯૬૨ની આસપાસનો. જૂનાગઢમાં ત્યારે દર મંગળવારે કવિઓની બેઠક થાય અને એ સમયે મોટાં નામો હતાં એ કવિઓ ત્યાં આવતા અને કવિતાની ક્ષિતિજ પર જેમનાં પગલાંની છાપ હજુ અંકિત થતી હોય તેવા કવિઓની પણ નિયમિત હાજરી રહેતી. એ સભાનું મુખ્ય કેન્દ્ર રહેતા તખ્તસિંહ પરમાર. નવોદિતોનાં કાવ્યો જુએ. ક્ષતિ બતાવે, મોઢેમોઢે પ્રશંસા ન કરે, પરંતુ, ત્રણ-ચાર જણને તેમણે કહ્યું હતું કે, આ નવા જે છોકરાઓ આવે છે તેમાંથી બેની કવિતા મારા કલાસરૂમમાં ભણાવવામાં આવશે.

વરતારો સાચો પડયો. એ બન્ને છોકરાઓની કવિતા પછી તો કલાસરૂમમાં પણ ભણાવાઈ અને માસ સુધી પણ પહોંચી. તેમાંના એક કવિના નામની આગળ સદ્ગત વિશેષણ લાગી ગયું તે મનોજ ખંડેરિયા અને બીજા કવિ એટલે રાજેન્દ્ર શુકલ. ગઝલને માટીનો ગરબો બનાવી તેના પ્રત્યેક છિદ્રમાંથી ભારતીય દર્શન, વૈવિઘ્યનો પ્રકાશ ફેલાવવાનું કામ તેમણે કર્યું છે.

આ અવધૂતી કવિને આકંઠ માણનારા ચાહકો જાણે છે કે, ફારસી કવિતા પ્રકારને ગઝલને તેમણે તત્ત્વજ્ઞાન, સૂફીઈઝમ, વેદાંતના વિચારોનો ઘાટ અને રંગ આપ્યા છે. બાલાશંકર કંથારિયાથી ગુજરાતી ગઝલને ઘડવાનું જે કામ શરૂ થયું તેમાં રાજેન્દ્ર શુકલની ભૂમિકા નોખી રહી છે. વધુ એક વાર તેમનું સર્જન પોખાઈ રહ્યું છે ત્યારે એવોર્ડ માટેનો તેમનો પ્રતિભાવ તો સ્પષ્ટ છે, ‘એવોર્ડમાં વહેલું અને મોડું એવું ન હોય, ગોળની ગાંગડી જયારે પણ મોંમાં મુકાઈ ત્યારે ગળી જ લાગે.

એવોર્ડનો આવકાર હોય પણ મને તેની ઉત્કંઠા ન હોય. સંચિત થયેલો સદ્ભાવ જયારે ઘનીભૂત થાય ત્યારે આવો પ્રસંગ સાંપડે.’ રાજેન્દ્રભાઈની વાત આવે એટલે ગઝલના માત્ર ભાવક જ હોવા છતાં આપણને એમની ગઝલો વિશે કાંઈક ચર્ચા કરવાનું મન થાય. ગઝલ એટલે પ્રિયતમ સાથેની વાત. એવી વ્યાખ્યા હવે સમયાતીત છે અને ગઝલ અનેક વિષયોના નવા નવા સ્વાંગમાં બયાં થઈ રહી છે તેમાં સંખ્યાબંધ પ્રયોગશીલોનું યોગદાન છે તે પૈકી રાજેન્દ્ર શુકલ અગ્ર છે. તેમની ગઝલોમાં નોખો ઉઘાડ છે.

સંસ્કૃત શબ્દો છે, તળપદી બાની પણ છે, ખડી બોલી પણ છે. ‘ જે હશે તેહનું ભાન એમ જ થશે, અટકનેયત્ના ઉત્થાન એમ જ થશે’ તેવો શેર ગઝલ પ્રભાતીમાં મળે તો ‘વહેતી રહી હૂંફ જેવી નદી, કૈં ના કર્યું માત્ર તાપ્યા કર્યું’ એવી કોઈ અનુભૂતિ પણ વ્યકત થતી મળશે. ‘પત્રગઝલ’ કે ‘રતિવાર્તિક’ જેવી રચનાઓની વાત કરીએ તો લંબાણ વધી જાય. પ્રત્યેક ગઝલ નહીં પ્રત્યેક શેરની પાછળ કોઈ ને કોઈ ભૂમિકા, ઘટના કે પ્રતીતિની પ્રબળ શકયતા હોય છે પણ એક પ્રસંગ સરસ છે.

રાજેન્દ્રભાઈની એક રચના છે ‘લે આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું...’ વાત પ્રેમીઓના રિસામણા-મનામણાની લાગે પણ તે બાળકાવ્ય છે. ‘ઈટ્ટાકિટ્ટા એક ઘડીના બાકી સઘળું પ્યારું પ્યારું’ એક વાર રાજેન્દ્રભાઈના દીકરા સાથે કોઈ દોસ્ત શતરંજ રમ્યા અને કહ્યું કે મેં ધૈવતને ત્રણ વાર હરાવ્યો ત્યારે બાળક ધૈવતે જવાબ આપ્યો તે આ કાવ્યની પંકિતઓ હતી. ‘તું જીતે ને માત્ર થાઉં ખુશી હું લેને ફરી ફરીને હારું.’

આવી તો અનેક વાતો છે. તેઓ કહે છે, ‘જુદી જ તાસીર, અસર અલગ છે, જુદી ભોમકા, અવાજ જુદો, પ્રવાહ જુદો, જુદું વહન છે. જુદી ગઝલ ને મિજાજ જુદો.’ હા, ગઝલનો અને તેમનો પોતાનો મિજાજ જુદો છે. લગ્ન પછી રાજેન્દ્ર શુકલ મોચી, વાળંદ કે દરજીને ત્યાં ગયા નથી. એ બાબતોનું ઘ્યાન સ્વજનોએ જ રાખ્યું છે. વાળ કપાવ્યા નથી, દાઢી કરાવી નથી. ઈન્ટરનેટ અને કાર તેમના ઘરે છે, પણ આજેય તેમના ઘરમાં ટેલિવિઝન નથી અને કોઈ દિવસ વર્તમાનપત્ર ઘરે આવ્યું નથી.

લગ્ન પછી દંપતીએ સાથે ફિલ્મ જોઈ નથી. આ અંગે તેઓ કહે છે, ‘એવો સમય પણ ન રહ્યો અને જરૂર પણ પડી નથી. આંતરજગતમાં જ રહેવાની આ એક પ્રયુકિત છે.’ પહેલાં મિત્રોના આગ્રહવશ કોઈવાર એ જવું બનતું. પત્રગઝલો લખનાર આદિલ મન્સૂરીને ગઝલમાં જ પત્રનો પ્રત્યુત્તર આપનારા રાજેન્દ્ર શુકલએ અનિવાર્ય સ્થિતિ સિવાય ૧૯૮૨ પછી વ્યવહારમાં ભાગ્યે જ કોઈને પત્ર લખ્યો છે!!!

આ અલગારીપણાને લીધે જ તેમની ગઝલો અલગ છે. કોઈને તેમાં રિપિટેશન લાગે છે. કોઈને સોએક ગઝલો સારી લાગે છે. હશે, ‘જેવી જેની મોજ’ બાકી તો ગુજરાતી ગઝલો દૂધ છે, તેમાં મલાઈ તો વાટકી ભરીને જ નીકળે, તેનાં તપેલાં ન ભરાય...!!! સમકાલીનો, સમવયસ્કોથી અલગ સર્જન અને જીવન તેમનું છે. અમદાવાદમાં ગઝલની ફલડ લાઈટો ઝગમગી રહી છે. તેની વરચે રાજેન્દ્રભાઈનું સર્જન એક અલખ ધૂણી છે.

ગુજરાતી ગઝલ ક્ષેત્રે તરવૈયાઓ અનેક છે. રાજેન્દ્ર શુકલ મરજીવો છે. પ્રશ્ન એ થાય કે છંદોનું સાતત્ય, વિષયોનું વૈવિઘ્ય, ઘૂંટાયેલો સ્વર, કવિતાઓમાં ઝીલાતું ભાવભૂમિ જૂનાગઢનું વાતાવરણ, આ બધું કેવી રીતે આવે છે..? રાજેન્દ્ર શુકલના આ આંતરિક જીવનમાં થોડું ઊતરવાનો પ્રયાસ અહીં થયો છે. મોટાભાગે ગેરવા રંગનો ઝભ્ભો અને લાંબી દાઢી, તેની પાછળ ગાંભીર્યસભર છતાં પ્રશાંત ચહેરો, તત્ત્વજ્ઞાન અને કાવ્યશાસ્ત્રના ઘૂંટ પીને તૃપ્ત થયેલી આંખ...

આ રાજેન્દ્ર શુકલનું આવું સર્જન કઈ રીતે આ મુકામ પર પહોંરયું તેની વિશદ ચર્ચા તેમની સાથે કરી. તેમના જ એક શેરનો ઉપયોગ કરીને આ વાત આગળ વધારવાનું મન થાય. ‘લો કરું કોશિશ ને ફાવે તો કહું.’ સર્જન માટે કોઈ સ્થળ વિશેષ? તેવું પૂછવાનો ચાન્સ જ ન મળ્યો. ઘરે બેઠાં હતાં ત્યાં કહે ચાલો આપણે ત્યાં જ બેસીએ. સૂર્યા, યસ સૂર્યા, પહેલાં તો તેને ચાની કીટલી જ કહેતા પરંતુ હવે રેસ્ટોરન્ટ છે.

રાજેન્દ્ર શુકલની કવિતાઓ વાંચીને લાગે કે, હિમાલયની કઈ ટૂક ઉપર તે સર્જાઈ હશે, પરંતુ, જજીસ બંગલો રોડ પર વાહનોના ઘોંઘાટ, હોર્નના સતત ધમધમાટ વરચે આવેલી આ સૂર્યા હોટેલ તેમની ગઝલોનું અવતરણ સ્થળ છે. ‘વર્ષોથી આ જ ટેવ છે, અહીં હું દુનિયાથી કટ ઓફ મારી જાત સાથે હોઉં છું, સવારે અહીં આવું, ચા પીઉં ને ગઝલ લખું. સાંજે અહીં ફરી તેને મઠારું. દાહોદ હતો ત્યારે પણ આવી હોટેલમાં લખાતું.’ બસ, સ્મરણોના પોટલાની એક-એક ગાંઠ ખૂલતી ગઈ.

‘શાંત જળમાં એક પણ લહરી નથી, કોઈ થોડું ખળભળાવે તો કહું.’ સહેજ ખળભળાવ્યાને રાજેન્દ્ર શુકલ વહેવા મંડયા. ‘મારો જન્મ બાંટવામાં, બા અને નાનીમા પણ ત્યાં જ જન્મ્યાં હતાં. પૈતૃક પરિવાર વઢવાણનો. ૧૨ વર્ષ સુધી નાનીમા અને બા પાસે બાંટવા રહ્યો. મારા પિતા અનંતરાય શુકલ. ૩૨મે વર્ષે તેમણે વ્યવસાય છોડી દીધો. ત્રણ વર્ષ પરિવ્રાજક રહ્યા, કોઈ જ ખતખબર સંદેશો નહીં. અમે ત્રણ ભાઈઓ.

ત્રણેયને બાએ ભણાવ્યા, બાપુજી પાછા આવ્યા, સાથે રહ્યા પણ સંન્યાસીની જેમ. એમની એ પરમહંસ અવસ્થા હતી. મારી કિશોરાવસ્થામાં આવી પડેલો આ એક પડકાર હતો છતાં કયારેય મારી ગઝલોમાં વેદના કે ચિત્કાર નહીં સંભળાય કારણ કે હું તો નાનપણથી જ નિભ્રાર્તા હતો.’

‘બાબુ, બે ચા આપને ભઈ.’ જળમાંથી આંગળી કાઢતા હોય તેમ વાતમાંથી બહાર નીકળી ફરી પોતે વાતમાં ગુંથાયા. ‘એ પછી મજેવડી રહેવાનું થયું. ૧૩-૧૪ વર્ષની ઉંમરે આમ તો રમતગમત પ્રવૃત્તિ હોય પણ એ ગાળો એવો હતો કે, હું પાંચમા-છઠ્ઠામા ભણતો ત્યારે રોજની ત્રણ નવલકથા વાંચી જતો. ‘ગુજરાતનો નાથ’, ‘ચિત્રાંગદા’ ને ‘વિદાય અભિશાપ’ જેવાં પુસ્તકો સાતમા ધોરણ સુધીમાં વંચાઈ ગયાં હતાં. ચેસમાં રસ પડતો પણ જે મિત્ર પાસે ચેસ હતી તેણે બે-ત્રણ વાર આધિપત્ય બતાવ્યું ત્યારથી જે રમતમાં બીજા જણની જરૂર પડે તેવી રમતમાં રસ પડયો નથી.’

હું લખું તેવો ધક્કો કયારે વાગ્યો ? એ દિશામાં પ્રયાણ ? એવા અનેક સવાલોનું હોમવર્ક ડાયરીમાં પડી રહ્યું. તેમનો અવાજ કાનમાં રેડાતો રહ્યો. ‘મને ૧૪મા વર્ષે એવો અંદેશો સ્પષ્ટ મળી ગયો હતો કે, આઈ એમ ગોઈંગ ટુ બી એ પોએટ, આઠમા ધોરણથી ઇન્ટર સુધી જૂનાગઢમાં ભણ્યો. લખી તો વહેલું પણ શકયો હોત પણ એમ નહોતું લખવું. ૧૪થી ૨૦ વર્ષ છંદ, પીંગળ, ભાષાશાસ્ત્રનાં પુસ્તકો ગમતાં અને ન ગમતાં કવિઓના સંગ્રહોનું અમૃત અને ઔષધની જેમ પરિશીલન કર્યું. કવિતા માટે મારી જાતને મેં સજજ કરી. મારે ભાષાના વિદ્વાન નહોતું થવું.

પરંતુ કવિતાની ભાષાને સાધંત પામવા માટે સંસ્કòત, પ્રાકòત અને અપભ્રંશ જેવા વિષયો સાથે એમ.એ. કર્યું. ભાષા પ્રીતિની ચરમસીમા તો એ છે કે, રવીન્દ્રનાથની એક કવિતામાં લીલા શબ્દ આવ્યો, આ શબ્દ અનટ્રાન્સલેટેબલ છે. તેનો અનુવાદ એક જગ્યાએ જુદો જ વાંરયો અને થયું કે અનુવાદમાં કેટલું ગુમાવવું પડે? ત્યારે બંગાળી શીખવાનું શરૂ કર્યું.’ જીવનના અનેક વળાંકો પર ગઝલ તમામ સ્તરે હમદમ બની રહી. ‘કોમલ રિષભ’, ‘અંતર ગાંધાર’ જેવા સંગ્રહોમાં છાંદસ, અછાંદસ, ગેય રચનાઓ તેમણે આપી છે.

પરંતુ પછીનો તબક્કો એવો શરૂ થયો કે, ‘આશરો અંતે ગઝલ કરતાલ કેવળ મૌનથી પણ અર્થ જયારે નવ સરે છે.’ બસ, આ જ શેરને જીવતા હોય તેમ રાજેન્દ્રભાઈ કહે છે, ‘લાઘવ અને સંક્ષેપ પ્રેમને કારણે ગઝલ મને ગમે છે. તેમાં વ્યંજનાને અવકાશ છે. મારી ગઝલના શેર પેલી એકસરખા શબ્દવાળા શેરની કોલમમાં નહીં મળે તેનું કારણ છે કે, સંસ્કૃત કાવ્યશાસ્ત્ર કહે છે કે, ગઝલમાં કોઈ ભાવ સ્વશબ્દ વાંરય નથી તેને માટે સંદર્ભ રચવો પડે.

કવિતામાં ટાઈમલેસનેસ અગત્યની વાત છે. મારે મન કવિતા અઘ્યાત્મની અભિવ્યકિત છે. કલાસરૂમ કે લાઈબ્રેરીમાં જ તેનું સ્થાન નથી એ તો જિવાતાં જીવનનો હિસ્સો છે. ‘આઈ-ધાઉં’થી શરૂ કરી ‘આઈ-ઓલ’ રિલેશનશિપમાં પરિણમતી એ ઘટના છે તેવી મારી સમજણ છે અને એટલે જ કાવ્યો કોમોડિટી બને એ મને ગમ્યું નથી. એટલે જ ગઝલ સંહિતાનું પ્રકાશન પણ સહૃદયોએ કર્યું.’

આમ તો તેઓ કહે છે, ‘તતત તોતડાતાં ભરે ડગ આ ભાષા અરવ આગવું વ્યાકરણ કયાં રહ્યું છે, ગઝલ તો હજી આવવાની હવે છે, હજી પૂરું વાતાવરણ કયાં રરયું છે.’ એમના સ્તરેથી આ વાત ઠીક હશે પરંતુ ભાવક તરીકે તેમની ગઝલો રણથી માંડીને ધ્રુવ પ્રદેશ સુધીનું વાતાવરણ સર્જનાર બની છે. તેઓ કહે છે, ‘સંકલ્પપૂર્વક ક્યારેય લખતો નથી, કોઈ પણ ગઝલ એ મારી છેલ્લી હોય તો તે સ્વીકારવાની મારી તૈયારી હોય એ એમ જ આવે છે. હા, ગઝલ આવે તો તેને ઝીલી શકું તેવો અવકાશ રાખું છું, ખાલી રહું છું. હું માનું છું કે, કવિતાના આરંભથી અંત સુધી કવિની પોતાની ચેતનામાં કંઈ ન ઉમેરાય તો તે રંક છે.

શેરની વાત તો પછી. પ્રત્યેક શબ્દ પોતાનું વિશ્વ લઈને બેઠો છે. શબ્દમાં તાકાત છે. હું નવા ગઝલકારોને કયારેક કહું પણ છું કે, અકારણ વેદના, પીડા સર્જનમાં ન લાવો. શબ્દને સાચી રીતે ઉપાસીએ તો તે સાચો પડે છે. મેં ૧૯૮૧માં લખ્યું હતું: ‘હશે, કો’ક જણ તો ઉકેલી જ શકશે શિલાલેખના અક્ષરે હું મળીશ જ.’ જુઓ ૨૦૦૬માં જૂનાગઢના રૂપાયતનમાં ‘દત્તથી દાતાર લગ’ની પ્રતિષ્ઠા થઇ તે શિલામાં મારી ગઝલ મુકાઈ છે.

બધા મારી કવિતાને અઘ્યાત્મ સાથે જોડે છે. ભાઈ, હું કહું છું બધું અઘ્યાત્મ છે. પૂજા-પાઠ, જપ-તપ તેના સ્થાને બરાબર છે. મારે મન સર્જન સ્વ સાથેનું અનુસંધાન છે. મને પામવા માટે મને મળેલું સાધન એ શબ્દ છે.’ હા, રાજેન્દ્ર શુકલની ગઝલો સાથે અગમનું તત્ત્વ જોડાયેલું છે. નાનક-કબીર જેવા ભકત કવિઓની ફિલોસોફીને બે-બે મિશ્રાના એક-એક શેરમાં બયાન કરતી ગઝલ ‘હજો હાથ કરતાલ ને ચિત ચાનક’ માત્ર તેમની જ નહીં ગઝલ સાહિત્યની ઉમદા કòતિ પૈકી એક ગણાય છે.

એમ તો ભગવદ્ગીતા તેમના અભ્યાસક્રમમાં હતી અને સંસ્કારમાં પિતા તરફથી મળેલી નિસંગતા અને માતાએ આપેલી તિતિક્ષા, પણ રાજેન્દ્રભાઈ જુદી જ વાત કરે છે, ‘મકરંદ દવે પ્રારંભકાળથી મારા પ્રિય કવિ હતા. આપણે ત્યાં પ્રભાવને જુદા સંદર્ભે લેવાય છે. હું માનું છું પ્રભાવ એટલે પરંપરાની ચેતનાનું સાતત્ય. મારા પ્રિય કવિઓમાં નરસિંહ મહેતા, મીરાં, અખો આવે. એ મારા પૂર્વ સૂરિઓનું અનુસંધાન છે.

મારી ચેતનામાં બધાં જ પૂર્વ સૂરિઓ વિદ્વમાન છે. એવી ગઝલ રચાતી હોય ત્યારે એ આખી રહસ્યમય પ્રક્રિયા હોય છે.’ આટલી હાઈટવાળી વાત કર્યા પછી વ્યકિત બોલવાનું બંધ કરી દે પણ, રાજેન્દ્રભાઈ ત્યાં અટકતાં નથી. તેઓ કહે છે, ‘મારી આ યાત્રામાં મારાં પત્નીનો અનન્ય સહયોગ છે. દામ્પત્ય અને પરિવારની બાબતમાં હું અત્યંત સદ્ભાગી છું. મારાં પત્ની નયના પોતેય કવયિત્રી છે.

પરંતુ મને લાગ્યું છે કે, મારા કારણે કદાચ તે અલ્પ ખ્યાત છે. મારી કવિતાના એ પ્રથમ શ્રોતા રહ્યાં છે.’ વાત પણ સાચી છે. રાજેન્દ્રભાઈ કવિતા બોલતા હોય ત્યારે નયનાબેન ઓડિયન્સમાં બેઠાં બેઠાં પછીનો શેર બોલતાં હોય. ગઝલ મોઢે રાખવામાં જ નહીં, જીવનના અત્યંત કપરા નિણર્યોમાં તેમણે સાથ આપ્યો છે. વ્યવસાયે બંને અઘ્યાપક પણ ૧૯૮૨માં બન્નેએ રાજીનામું આપી દીધું.

ઉપાર્જનનું અન્ય કોઈ સાધન નહીં. ભાઈએ બાને વાત કરી, ‘બા ભાઈ-ભાભી નોકરી મૂકી દેવાનાં છે. તેના કરતાં પણ ગંભીર વાત એ છે કે, બા, તેમણે નક્કી કર્યું છે બંને પુત્રોને શાળામાં મોકલવા નહીં.’ બાનો જવાબ હતો, ‘ભાઈને કહેજે જે કરવું હોય તેમાં પોતાની શકિત કેન્દ્રિત કરે બીજા કોઇની ચિંતા ન કરે.’ અને, નિણર્ય લેવાઈ ગયો. ધૈવત અને જાજવલ્ય નિશાળે નહીં જાય.

જેને શિક્ષણ માનવાની ભૂલ આપણે કરીએ છીએ એ એજયુકેશન રાજેન્દ્ર શુકલના બન્ને પુત્રોએ લીધું નથી. પણ, ધૈવત અને જાજવલ્ય ડિજિટલ ઓડિયો રિસ્ટોરેશન અને આકાર્ઈવિંગનું કામ કરે છે. ફોટોગ્રાફી કરે છે, ડોકયુમેન્ટરી ફિલ્મ માટે સંગીત આપે છે. જાજવલ્ય બનારસ ઘરાણાના તબલાવાદક અને ધૈવત આગ્રા ઘરાણાના ગાયક છે. પરફોર્મિંગ આર્ટ કોલેજમાં તબલાં શીખવે છે. સ્પીડ રીડિંગની તાલીમ વિધાર્થીઓને આપે છે. બન્ને ભાઈઓ પ્રાણિક હિલિંગના હિલર અને ટ્રેનર છે.

રાજેન્દ્રભાઈ અને નયનાબેન વરચેનો સેતુ કેટલો મજબૂત હતો તે જાજવલ્યના જન્મ પહેલાંની ઘટનામાં જોઈ શકાય છે. રાજેન્દ્ર શુકલની સુપરડુપર હિટ ગઝલોમાં પત્રગઝલોનો સમાવેશ થાય છે. બન્યું’તું એવું કે, ‘અગિયાર પત્રગઝલોના ગુરછની આઠ ગઝલો ચેન્નઇ યાત્રા દરમિયાન રચાઇ. છેલ્લી ગઝલ અરુણાચલના રમણ આશ્રમથી લખાઇ અને ત્યાર પછી પત્રોનો વિભાવ જ સમાપ્ત થઇ ગયો.

પત્રાચાર માટે અનિવાર્ય એવું સ્થળ-કાળનું અંતર ન રહ્યું અને આ શેર મળ્યો,‘જત જણાવવાનું કે, છે અજબ વાતાવરણ એક ક્ષણ તું હોય છે એક ક્ષણ તારું સ્મરણ’ રાજેન્દ્રભાઈને જોઈને, મળીને, તેમનો એક શેર યાદ આવે ‘મન સતત લોબાન સરીખા, મઘમધે જે, એહવા જનને ગઝલ સિદ્ધિ વરે છે.’

પરિવારની જેમ જ મિત્રો સાથેનું રાજેન્દ્ર શુકલનું તાદાત્મ્ય અનેરું છે. તેમણે ગઝલમાં કોઈ વિશેષ નામને સ્થાન આપ્યું હોય તો તે મનોજ ખંડેરિયા. તેઓ કહે છે, ‘અમરેલીના છેલભાઈ વ્યાસ, રાજકોટના અનિલ ખંભાયતા, નીતિન વડગામા, ભાવનગરના મહેન્દ્રસિંહ પરમાર, મુંબઇના વિનિત શુકલ સહિત સંખ્યાબંધ લોકો એવા છે જેને શુકલની ગઝલો મોઢે છે. ‘હોઈએ જયાં ત્યાં જ ઝળહળિયે અમે.’ તેમ કહેનાર રાજેન્દ્રભાઈ મિત્રોના હૈયે છે, બધે જ છે છતાં ઝળહળે છે.


Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


 .

Reader's Feedback
vishwadeep
Tuesday, 2nd Jun 2009, 3:01

It's beautiful article. Thank you for sharing this article.

Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.