Gujarat
Uttar Gujarat Uttar Gujarat
પાલનપુરના વડલીવાળા પરા પાસે આવેલા શ્રી કંથેરિયા હનુમાનજીના પૌરાણિક મંદિરમાં ગુરુવારના રોજ ધામધૂમથી હનુમાન જયંતિ મહોત્સવ યોજાશે. આ પ્રસંગે દેશ-વિદેશના એન.આર.આઇ. ભાવિક ભકતો અને સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉમટી પડશે. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નિકળશે.
પાલનપુરના નવાબના સમયે બનાવાયેલા શ્રી કંથેરિયા હનુમાનજી મંદિરનો અનેરો મહિમા છે. અહિંના માળીઓની વાડી વરચે બિરાજમાન શ્રી કંથેરિયા હનુમાનજીના મંદિરમાં અંદાજે ૩૬ વર્ષ પહેલાં બાળયોગી સ્વરૂપે મહંતશ્રી ક્ષિપ્રાગિરીજીને તેમના ગુરૂ કોટેશ્વરગિરીજી મહારાજ મૂકી ગયેલા જયાં શ્રી ક્ષિપ્રાગિરી મહારાજે હનુમાનજીની ઉગ્ર સાધના કરી વાતાવરણને જીવંત કરી દીધું હતું. આ મંદિરમાં છેલ્લા ૨૪ વર્ષથી સતત ભજન, સત્સંગ, હવન, ધૂન અને આરતી યોજાય છે.
એક માન્યતા અનુસાર પૌરાણિક મંદિરમાં શ્રી કંથેરિયા હનુમાનજીની મૂર્તિ જમીનમાંથી મળી આવી હતી. જયાં શ્રી ગણેશગિરી મહારાજની જીવંત સમાધી છે. સમાધી પાસે જયોત પ્રજજવલિત રહે છે અને હવનનો અખંડ ધૂણો આજે પણ ચાલુ છે. મંદિરના મહંત દ્વારા પ્રતિ વર્ષ ‘શ્રી હનુમાન જયંતિ’ મહાપર્વ તરીકે ઉજવાય છે. આ મંદિરની વિશેષતા એ છે કે વર્ષમાં માત્ર એક જ વાર દાન લેવાય છે અને આખું વર્ષ દરમિયાન સદાવ્રત ચાલે છે.
સાંજે આરતી બાદ દરરોજ એક કલાક હનુમાન ભકતો દ્વારા ધૂન બોલાવાય છે. જયારે શ્રી કંથેરિયા હનુમાનજીના જન્મોત્સવ પ્રસંગે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં એન.આર.આઇ. ભકતો દર્શનાર્થે ઉમટી પડે છે. આ પ્રસંગે યોજાતા ભંડારાનો ત્રીસથી પાંત્રીસ હજાર લોકો લાભ લે છે. જયારે હનુમાન જયંતિની ઉજવણી પૂર્વે સુરતમાં કોઝવે રોડ ઉપર આવેલા કંથેરિયા હનુમાન મંદિરના ૨૫ થી વધુ સ્વયં સેવકો અત્રે સેવા અર્થે આવી પહોંચ્યા છે.
મંદિરના મંહત શ્રી ક્ષિપ્રાગિરી મહારાજ મોટાભાગે ભોંયરામાં જ રહીને શ્રી હનુમાનજીની આરાધનામાં લીન રહે છે. જયારે તેમના શિષ્ય શ્રી પ્રભુગિરીજી મહારાજને નાની વયે તેમના માતાએ મહંતને અર્પણ કરી દીધા હતા. જેઓ પાલીતણા પાસે આવેલા મોતીસરી ગામના છે. એવું કહેવાય છે કે શ્રી કંથેરિયા હનુમાનજીના મંદિરે દર્શનાર્થે આવનાર ભકતજનની મનોકામના આ સિદ્ધદેવ જરૂરથી પૂર્ણ કરે છે. લોકો રડતા આવે તો હસતા... હસતા જાય છે.
ગુરુવારના રોજ શ્રી કંથેરિયા હનુમાનજીના મંદિરે શ્રી હનુમાનજીનો જન્મોત્સવ રંગે-ચંગે ઉજવાશે અને શહેરમાં દબદબાભેર પવનપુત્રની શોભાયાત્રા નિકળશે. જેમાં ભાવિક ભકતજનો સહિત આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો જોડાશે. જયારે માનસરોવર રોડ ઉપર આવેલા શ્રીરામ ટેકરી હનુમાન મંદિરમાં હનુમાન જયંતીના પવિત્ર દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
Name:
Email ID:
Comments:
Code: