Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

મુસાફરોને મુશ્કેલી ને મળતિયાઓને મલાઈ

‘હોલી ડે સ્પેશિયલ ટ્રેનો’ એજન્ટોની કમાણીની ‘સ્પેશિયલ ટ્રેનો’ બની

સમર વેકેશનમાં વતન કે હરવાફરવા જનારા મુસાફરો માટે રેલવે તંત્રે આમ તો વધારાની ટ્રેનો દોડાવવાનું આયોજન તો કરી દીધું છે પરંતુ તેનો લાભ હજુ સામાન્ય પ્રજા સુધી પહોંચી શકયો નથી. ચાલુ વર્ષે ૪૦૦થી વધુ વધારાની દોડાનારી ટ્રેનો બુકિંગમાં કરાયેલા બુકિંગમાં ૮૦ ટકા હિસ્સો એજન્ટો અને રેલવેની બહાર પડયાપાથર્યા રહેતા ટાઉટો હાઇ-જેક કરી ગયા છે. આને લીધે મુસાફરોની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી છે.

પરીક્ષાનાં પડઘમ વચ્ચે વેકેશનના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. મંદીના માહોલ વચ્ચે ચાલુ વર્ષે પણ ટેન્શન અને ભાગદોડવાળી જિંદગીમાંથી થોડો સમય પોતાના પરિવાર માટે કાઢી મોજીલા સુરતીઓએ સમર વેકેશનનું પ્લાનિંગ કરી નાંખ્યું છે. તો બીજી તરફ મિની ભારત કહેવાતા સુરતમાં રોજીરોટી અર્થે સ્થાયી થયેલા પરપ્રાંતીય લોકોએ પણ વતનમાં જવાની તૈયારી કરી લીધી છે.

વતન કે મનગમતાં ડેસ્ટિનેશન પર જવા પ્રતિવર્ષ સમર વેકેશનમાં ટ્રેનોમાં થતી ગરદીને પહોંચી વળવા રેલવે તંત્ર વધારાની ટ્રેનો સેંકડો ટ્રેનો દોડાવી રહ્યું છે. છતાં મુસાફરોની મુશ્કેલીઓમાં કોઈ ઓટ આવી નથી. પરિવાર સાથે મુસાફરી કરતાં પહેલાં ટિકિટ બુકગિંથી માંડીને ટ્રેનોમાં મુસાફરી વખતે ટી.સી. સુધીના તમામને હજુ પણ વધારાનો ચાંદલો કરવો પડે છે. પોતાનું ખિસ્સું હળવું રાખવું પડે છે.

ચાલુ વર્ષે પણ સમર વેકેશનમાં મુસાફરોની અગવડને પહોંચી વળવા રેલવે તંત્ર દ્વારા સમગ્ર દેશમાં હોલી-ડે એકસપ્રેસના નામે ૪૦૦થી વધુ ટ્રેનો દોડાવવાનું પ્લાનિંગ કરાયું છે. આ વધારાની ટ્રેનોમાં એડ્વાન્સ બુકિંગ માટે ત્રણ માસ અગાઉથી રિઝર્વેશન શરૂ કરાયું છે, છતાં મુસાફરો એડ્વાન્સ બુકિંગના સીધા લાભથી હજુ વંચિત રહ્યા છે.

માંડ દસ ટકા લોકોને હોલી-ડે એકસપ્રેસમાં સીધી ટિકિટ મેળવવાનું નસીબ પ્રાપ્ત થયું છે. મહિનાઓ અગાઉથી જ રિઝર્વેશન સેન્ટરો ઉપર ટ્રેનો હાઉસફુલનાં પાટિયાં ઝૂલી રહ્યાં છે, તો ઇન્ટરનેટ ઉપર બુકિંગ ફુલના મેસેજ ચિતરાયા છે. કુલ બુકિંગનો ૮૦ ટકા જેટલો હિસ્સો માત્ર એજન્ટો ચાંઉ કરી ગયા હોવાનું ખૂદ રેલવે તંત્રના કેટલાક અધિકારીઓ જણાવી રહ્યાં છે.

સુરતમાં એજન્ટો સાથે બુકિંગ સ્ટાફની સીધી સાંઠગાંઠ

હોલી-ડે એકસપ્રેસ માટે રેલવે તંત્ર ત્રણ માસ અગાઉ ટ્રેનોનું બુકિંગ શરૂ કરે છે, પરંતુ બુકીંગ શરૂ થાય તેની ગણતરીની મિનિટોમાં જ ટ્રેનની તમામ ટિકિટો ચપોચપ ઊપડી જાય છે. આ બુકિંગ મુસાફરો દ્વારા નહીં પરંતુ રેલવેના જમાઈ અલબત્ત, ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરતા એજન્ટો અને ટાઉટો દ્વારા કરવામાં આવે છે. એડ્વાન્સ બુકિંગ કરાવ્યા બાદ જરૂરિયાતમંદ અને ગરજમંદ મુસાફરો પાસેથી ગ્રુપ બુકગિંના નામે વધારાનો ચાર્જ વસૂલી ટાઉટો દ્વારા મલાઈ ખવાય છે, જેમાં સુરત રેલવેના બુકિંગ સ્ટાફના કેટલાક લાંચિયા અધિકારીઓ પણ સીધા સંકળાયા છે.

એક ટિકિટ પર દોઢસોથી બસો રૂપિયા ઓન

રેલવે તંત્રના લાંચિયા અધિકારીઓના પાપે નિર્દોષ મુસાફરોનો ખો નીકળી રહ્યો છે. ટ્રેનોમાં ૮૦ ટકા સુધીનું બુકિંગ ટાઉટોને ધરી દઈ સામાન્ય લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રાખવામાં આવતા હોવાની ફરિયાદ થઈ રહી છે. આખરે ટિકિટ નહીં મળતા એજન્ટોને શરણે જતાં લોકો પાસેથી આ બ્લેક માર્કેટિંગ કરનારાઓ એક ટિકિટ પર વધારાના ૧૫૦થી ૨૦૦ રૂપિયા લોકો પાસેથી ખંખેરી રહ્યા છે.

ટ્રેનોમાં ટી.સી.ઓને પણ બખ્ખા

ટિકિટ પર લખેલા નામોના મુસાફરો પાસેથી ખોટા પુરાવા માંગી અંતે મામલાની પતાવટ કરવા ટ્રેનોમાં ટિકિટ ચેકરો પણ ટિકિટ દીઠ ૫૦થી ૧૦૦ રૂપિયા પડાવી પોતાની દિવાળી કરી રહ્યા છે. આવા એજન્ટો અને ટીસીઓના કારસ્તાનને કારણે મુસાફરો પોતાના સફરમાં વધારોના માનસકિ થાક વેઠવાનો વખત આવે છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 





News Archive